કેરોલિના રીપર પ્રકરણ-૩૮
બાદશાહ કરગરવા માંડ્યો: મારા શબ્દો પાળીશ, થોડો સમય આપો
પ્રફુલ શાહ
કિરણને સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સમક્ષ પોતાના પરિવાર અને લગ્ન-જીવન વિશે હૈયું ઠાલવીને સારું લાગ્યું
એટીએસના પરમવીર બત્રાને આસિફ પટેલના છ મુસ્લિમ દેશો સાથેના ભેદી વેપાર ધંધાની ખબર પડયા બાદ તેઓ વિચારમાં પડી ગયા. ધંધો કે લે-વેચ શેની થાય છે એની જાણકારી મેળવવી હોય તો સત્તાવાર રીતે જ જવું પડે. આંતરરાષ્ટ્રીય મામલો થઇ જાય એટલે રાજ્ય સરકાર થકી દિલ્હીને સાંકળીને જ આગળ વધાય, પરંતુ અત્યારસુધીના પોતાના બૉસ અને મહારાષ્ટ્ર એટીએસના વડા કૌસલ નાગરના સાથ અને સ્વભાવને જોતા બત્રાને આ શક્ય ન લાગ્યું-તેણે પોતાની પીડા અનલિસ્ટેડ મોબાઇલ ફોન દ્વારા ખાસ દોસ્ત અને ગુજરાત એટીએસના ઑફિસર દિવ્યકાંત પંડયા સાથે શેર કરી. સાથોસાથ વિનંતી કરી,”તું કંઇક કરી શકે તો હેલ્પ કરને યાર.
દિવ્યકાંત ઉખડયો, “હું મારા કામકાજ અને ઘર-પરિવાર પર ધ્યાન આપું કે તારા માટે માથાકૂટ કરું? નહીં થાય હો મારાથી. હવેથી ફોન કરતો નહીં કયારેય આવી વાત માટે. દિવ્યકાંતે ફોન કટ કરી નાખ્યો. બત્રાને આશા બંધાણી કે આ દોસ્ત જરૂર કંઇક કામની માહિતી મેળવીને આપશે.
એ જ સમયે મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે આવ્યા. એ બેઠા એટલે બત્રાએ બેલ મારી. સામે પોલીસ પ્યુનને જોઇને તેણે પૂછયું. “સમજી ગયા ને! ફટાફટ લાવો બન્ને માટે. બત્રાએ જ્યાં ત્યાંની વાતો શરૂ કરી. અપ્પાભાઉના મર્ડર વિશે પૃચ્છા કરી. પણ ગોડબોલેને સમજાયું નહીં કે પોતાને શા માટે બોલાવ્યો છે? કયું અંગત કામ છે?
ગોડબોલેએ સામેથી પૂછયું, “સર, આપ કંઇક અંગત કામ છે એવું કહેતા હતા તો… ત્યાં જ પોલીસ પ્યુન આવ્યો. ગોડબોલે સામે લસ્સી, બત્રા સામે કડક કૉફી અને તીખી સેવપૂરી મૂકી દીધી.
ગોડબોલે બત્રા તરફ અને બત્રા પોલીસ પ્યુન તરફ જોઇ રહ્યો. બત્રાના ચહેરાના ભાવ જોઇને કંઇક કાચું કપાઇ ગયાનું સમજીને પોલીસ પ્યુન ચૂપચાપ કેબિનની બહાર નીકળી ગયો.
બત્રા લાળા ચાવવા માંડયા. “એ શું છે કે મોઢામાં મોળ આવતી હતી એટલે સેવપૂરી મંગાવી. મોઢાનો સ્વાદ સુધરે ને? સાથોસાથ પેટમાં ગરબડ છે એટલે કૉફી મંગાવી.
ગોડબોલે કંઇ બોલ્યો નહીં પણ થોડું સમજી ગયા ન બોલવામાં નવ ગુણ સમજીને તેઓ ચૂપ રહ્યાં.
બાદશાહ પોતાની હોટેલની રૂમમાંથી ફોન પર ફોન કરી રહ્યો હતો. ક્યાંક વિનંતી કરતો હતો, ક્યાંક હાથ જોડતો હતો ને ક્યાંક એ વચન આપતો હતો, “હું મારા શબ્દો પાળીશ. બહુ જલ્દી પરિણામ જોવા મળશે. મને થોડો સમય આપો.
પરંતુ એકેય સંબોધનમાં તે સામેવાળી વ્યક્તિનું નામ લેતો નહોતો કે ઓળખ મળે એવું સંબોધન કરતો નહોતો. ફોન પતી ગયા બાદ બાદશાહને પરસેવો વળી ગયો. તે હાશકારા સાથે સોફા પર ફસડાઇ પડયો હોય એમ બેસી ગયો.
એ જ સમયે ડોરબૅલ વાગી. એ બાદશાહને ન ગમ્યું. છતાં પરાણે ઊભા થઇને તેણે દરવાજો ખોલ્યો. સામે વેઇટર ફલાવરવાઝ લઇને ઊભો હતો. “સર, બે જ મિનિટ લાગશે. મારી ડયૂટી પૂરી થવામાં છે. બાદશાહ કંઇ બોલે એ અગાઉ એ અંદર આવ્યો. ટેબલ પર પડેલું ફલાવરવાઝ ઊંચકી લીધું ને એને સ્થાને પોતે લાવેલી તાજા ફૂલવાળું ફલાવરવાઝ મૂકી દીધું.
બાદશાહ જાણતો નહોતો કે એટીએસનો માણસ એના બધા ફોન મેલની ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગવાળું જૂનું ફલાવરવાઝ લઇ ગયો અને એ જ કામ માટે નવું ફલાવરવાઝ મૂકી ગયો.
સબ ઇન્સ્પેક્ટર વૃંદા સામે પોતાના પરિવાર અને લગ્ન-જીવન વિશે હૈયું ઠાલવ્યા બાદ કિરણને ખૂબ સારું લાગ્યું.
વૃંદાને ઘણી વાતો ન સમજાઇ. “આટઆટલું થવા છતાં તમે સાસરે શા માટે રહો છો?
“આપણામાં કહેવાય છે કે લગ્ન બે વ્યક્તિ વચ્ચે નહીં, બે પરિવાર વચ્ચે થાય છે. હું મરી જાઉં તો પણ સાસરિયું છોડવાનો વિચાર ન કરું. મને અનાથને સાસુ-સસરામાં મા-બાપ અને નણંદમાં બહેનનો પ્રેમ મળ્યો.
“અરે, એ બધું તો ઠીક પણ વરે જે કર્યું એનું શું? એને કેમ છૂટછેડા નથી આપી દેતા?
“મને થયું કે એને વધુ એક ચાન્સ આપું. એ મને સમજશે, સ્વીકારશે.
“પણ એની બેવફાઇ વિશે ખબર પડયા બાદ હવે તો છૂટાછેડા આપી દેશો ને?
“જુઓ, આકાશે મને પ્રેમ ન કર્યો પણ મેં એને પ્રેમ કર્યો, અનહદ કર્યો. એમ છેડો ફાડવાનું આસાન નહીં બને.
“પણ આ બ્લાસ્ટ્સમાંથી એ કદાચ, આઇ રિપીટ, જીવતા હશે તો એમની સાથે રહી શકશો?
“ખબર નહીં. આમેય પોતાના નિર્ણયો આપણે ક્યાં લેતા હોઇએ છીએ? ઇશ્ર્વર છે ને બધાનું ધ્યાન રાખનારો, આપણા વતી નિર્ણયો લેનારો.
“પણ છૂટાછેડા લો તો સાસરિયું છોડવું પડશે ને?
“ના. એ ઘર-પરિવાર સાથેનો સંબંધ ક્યારેય નહીં છૂટે કે તૂટે. આયખાનાં વરસો વીતી ગયા બાદ એમની સાથે જે ભાવાત્મક ગર્ભનાળ જોડાઇ છે કે એ ક્યારેય નહીં કપાય. એ કપાશે તો હું મરી જઇશ.
“કિરણબહેન, સમજાતું નથી તમારું વ્યક્તિત્વ. જે વ્યક્તિએ તમને પત્ની ન માની એની વિધવા બનીને જીવશો?
“હા. કારણ કે મેં તો એને પતિ માન્યો હતો પ્રેમ કર્યો હતો.
હૉસ્પિટલમાં ગુમસુમ બેસેલા રાજબાબુને જોઇને મમતાનું હૈયું ભરાઇ આવ્યું. મહા પરાણે તેણે પપ્પાને જયૂસ પીવડાવ્યો. મમતાના હાથે જયૂસ લીધા બાદ રાજાબાબુ મહાજને એની સામે જોયું. મોટો નિસાસો નાખ્યો.
“બેટા માંની મમતાનો મહિમા યોગ્ય રીતે ગવાય છે. એ જરૂરી છે, અનિવાર્ય છે કારણકે એ જનની છે, જન્મદાત્રી છે, પરંતુ અમે પિતા કશું કરતા નથી? પોતાના સપનાને કુટુંબ, સંતાન પર ન્યોછાવર કરી દઇએ છીએ. આખું આયખું પરિવાર માટેની મજૂરીમાં જોતરાઇ જઇએ. હમણાં જ ક્યાંક અરોના નામની માછલી વિશે વાંચ્યું. નારી અરોના ઇંડાં મૂકે ને નર, અરોના એને સલામત રાખવા માટે પોતાના મોઢામાં મૂકી દે. ઇંડા એના મોઢાની અંદર જ રહે. આમાં પચાસેક દિવસનો સમય લાગે. એ દરમિયાન નરથી ન કંઇ ખવાય કે ન કંઇ પીવાય! છતાં સંતાનને જન્મ આપ્યાનો આનંદ થાય જ. મોટાભાગના પુરુષ અને પિતા આ અરોના નર જેવા હોય છે પણ વળતરમાં શું મળે? અવગણના, શોષણ, અત્યાચાર, માગણી અને સંવેદનાત્મક આંચકા.
“હા. પપ્પા, કુદરત કમાલ કરે છે. માદા સંવનના બાદ નરને ભરખી જાય, તો વીંછીના બચ્ચા જન્મ બાદ તરત માતાને ખાઇ જાય.
“કાશ, માનવ જાતમાં આવું થતું હોત તો મારે આકાશની વેદના ભોગવવાનો વારો આવ્યો ન હોતને?
“પપ્પા પ્લીઝ, કંઇ આડુંઅવળુ બોલો, તો મારા સમ છે તમને,મમતા એકદમ રડી પડી.
મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલેના ટેબલ પર ફાઇલ હતી પણ ધ્યાન ઘડીઘડી બહાર જતું હતું. તેમને સમજાતું નહોતું કે મેં કીધા છતાં વૃંદા કેમ હજી ન આવી? એ મનસ્વી લાગતી નથી પણ એવું કરતી રહે છે. વચ્ચે ક્યાંય સુધી મારો ફોન નહોતો ઉપાડયો. આજે ય ઑફિસ આવવાનો સમય ક્યારનો ય થઇ ગયો છતાં હજી કિરણ મહાજન પાસેથી આવી નથી.
રાહ જોઇ જોઇને કંટાળી ગયો તો પગ છૂટો કરવા પોલીસ સ્ટેશનમાં લટાર મારવા નીકળ્યા. એ જ સમયે મેઇન ગેટની બહાર વૃંદા એક યુવાનની બાઇક પરથી ઊતરતી દેખાઇ. ગોડબોલેને આ ન ગમ્યું. પછી મનને મનાવ્યું કે હશે એનો ભાઇ કે કોઇ સગાંસંબંધી. પછી મસ્તકને ઝટકો માર્યો: જે હોય એ મારે કેટલાં ટકા?
વૃંદાની નજર પડે એ અગાઉ પ્રશાંત પાછા ફરીને પોતાની કેબિનમાં બેસી ગયા. તેમણે પરાણે ફાઇલમાં નજર ચોટાડી રાખીને વૃંદાના આવવાની રાહ જોવા માંડયા. પણ વૃંદાએ બધા સાથે ‘હાય હલ્લો’ કરીને દશેક મિનિટે કેબિન પર ટકોરા માર્યા. ફાઇલમાંથી માથું ઊંચકયા વગર ગોડબોલે બોલ્યા,‘કમ ઇન.’
વૃંદા અંદર, આવીને હળવી સેલ્યુટ મારીને ‘જયહિન્દ’ બોલી. ગોડબોલેએ પણ હળવા-નિસ્તેજ સ્વરમાં ‘જયહિન્દ’થી, જવાબ આપ્યો. થોડીવાર ઊભા રહ્યાં બાદ વૃંદા બોલી, “સર. આપ બિઝી હો તો હું પછી આવું. એ પાછી ફરવા ગઇ ત્યાં પ્રશાંત ગોડબોલેએ ફાઇલ બંધ કરી.
“ના વૃંદાજી, આપ બેસો કામ તો થતું રહેશે. કામ તો ઑફિસનું છે, પર્સનલ કર્યા છે?
વૃંદા બેસી પણ સમજી ગઇ કે કંઇક પ્રોબ્લેમ છે ગોડબોલેના મૂડમાં. “સર. કિરણ મહાજન સાથે લગભગ બધી વાત થઇ ગઇ. એમાં રાતે ખૂબ મોડું થયુંં. એટલે સવારે સમયસર ઊંઘ ન ઊડી.
“ઓહ. પછી હોટેલથી અહીં આવવા માટે પાછા વાહન મળવાની તકલીફ પડી હશે ને?
“સર, એ તો મેં પહેલેથી વ્યવસ્થા કરી રાખી હતી.
“વેરી સ્માર્ટ.
“થેન્ક યુ સર. આ શબ્દ ગોડબોલેને કટાક્ષમય તીર જેવા લાગ્યા પણ કરે શું?
“સર. મને લાગે છે કે હવે કિરણ મહાજનને જવા દેવા જોઇએ બિચારી ખૂબ દુ:ખી છે.
“વાહ. આ ગમ્યું. તમે ઝડપભેર તૈયાર થઇ ગયા છો. નિર્ણય પણ લેવા માંડયા છો.
“સોરી સર, મારા કહેવાનો મતલબ એવો નહોતો.
“મતલબ જે હોય એ કિરણ મહાજન સાથેની વાતચીતનો રિપોર્ટ લખીને મને ઝડપભેર મોકલાવી શકશો.
વૃંદાને સાહેબનું દાઢમાંથી બોલવું ન ગમ્યું એટલે એ સટાક કરતી ઊભી થઇ ગઇ. ‘યસ સર’ કહીને એ ચાલવા માંડી. પ્રશાંત ગોડબોલેને ખૂબ ગુસ્સો આવ્યો. વૃંદા પર અને ખાસ તો પોતાના પર.
એ ગુસ્સામાં ઊભો થઇને કસ્ટડી તરફ ગયો. સૌથી પહેલી નજર પિન્ટ્યા ભાઉ ઉર્ફે પ્રકાશ પાંડુરગ બર્વે પર પડી. પિન્ટ્યાએ હળવું સ્મિત આપ્યું. ગોડબોલેને લાગ્યું કે એ મારા પર હસ્યો. તેમણે ધસી જઇને પિન્ટયાને ધક્કો માર્યો. એ ભીંત સાથે અથડાઇને પડી ગયો. પ્રશાંત ગોડબોલેએ વાળ પકડીને એનું માથું ભીંત સાથે અફ્ળાવ્યું. પછી લાત મારવા માંડ્યા. (ક્રમશ)