તરોતાઝા

કેરોલિના રીપર પ્રકરણ-૩૨

પ્રફુલ શાહ

બ્લાસ્ટ્સ કેસને મુરુડ અને ગુજરાત સાથે જોડતી કડી કદાચ નીકળી આવે

ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલેને વહેલા અને એકદમ તરોતાજા આવેલા જોઈને પોલીસ સ્ટેશનમાં બધા આશ્ર્ચર્યથી જોઈ રહ્યા

દિવ્યકાંત રાજપૂત જેટલા સખત, આકરા અને આખાબોલા એટલા જ ઝડપી અને કાર્યદક્ષ. ફિલ્ડમાં જેટલા વીર, ઑફિસમાં એટલા ધીર-ગંભીર પોતે મંગાવેલા એનડી વિશેના રીપોર્ટમાં વિશેષ નહોતું પણ જે કંઈ હતું એ ચોંકાવનારું હતું.

એનડી. વ્યક્તિ એક પણ નામ કેટકેટલા? નાવેદ દહેલવી, નોર્મન ડિસોઝા, નકુલ દેસાઈ, નબીલ દિલ્લીવાલા અને એટલું જ નહીં, આ બધા નામના બનાવટી આધારકાર્ડ પણ ખરા, પરંતુ દરેક અવતાર પછી એ ન જાણે ક્યાં અને કેવી રીતે ગાયબ થઈ જતો હતો.

સાથોસાથ સમ ખાવા પૂરતો એકેય અપરાધ એને નામે બોલતો નહોતો. નહોતું કોઈ ક્રાઈમમાં એનું નામ બહાર આવતું.

ભલેને એ છૂપો રુસ્તમ હોય. ખતરનાક ખેલેંદો હોય પણ એનું નામ અને ખાસ તો ચહેરો બહુ કામના છે એ ચહેરાને આધાર બનાવીને એની મંઝિલ, રસ્તા, સાથી અને મિશન શોધવામાં મંડી પડવાનું છે. એકદમ તાકીદે.

અત્યારે તો મનાય છે કે મુરુડની હોટેલમાં થયેલા બ્લાસ્ટ્સમાં એ માર્યો ગયો છે. પણ એ બહુ શિયાળ જેવો ચાલાક છે, લુચ્ચો છે અને બહુરૂપિયો છે એ મરી ગયો હોય કે જીવતો હોય, એનું અસ્તિત્વ ખૂબ જરૂરી છે. ખાસતો ગુજરાતના હિંમતનગર જિલ્લામાં એ શું કરવા આવ્યો હતો એના પર ફોક્સ કરવું પડશે? અને મુરુડમાં માત્ર સંતાવા ગયો હતો કે અન્ય કોઈ મિશન હતું? જો મિશન હશે તો સારું નહીં જ હોય, જોખમી અને જીવલેણ જ હશે.
દિવ્યકાંત રાજપૂતે તરત એનડી વિશેની બધી માહિતી પરમવીર બત્રાને મેઈલ કરી દીધી સાથોસાથ મેસેજ મૂક્યો કે આ કેસના બધા મૃતકો અને શકમંદોની વિગતો મને મોકલી આપ.બ્લાસ્ટ્સ કેસને કદાચ મુરુડ અને ગુજરાત સાથે જોડતી કડી નીકળી આવે.

દિવ્યકાંત રાજપૂતને થયું કે પરમવીરે એનડી વિશે માહિતી માગી તો ઘણું બહાર આવ્યું, પરંતુ એ પૂરતું નથી. આ મામલાના મૂળ સુધી પહોંચવું જ પડશે. ઝડપભેર, નહિતર ગુજરાતે અને ભારતે ક્યાંક વધુ એક રક્તપાત જોવાનો વારો ન આવે. તેણે ફરી સાયબર સેલવાળા ફ્રેન્ડને મેસેજ મોકલ્યો. “આ એનડીએ હિંમતનગરમાં દેખા દીધી એ સમયની આસપાસના બીજા શંકાસ્પદ ગ્રુપ ફેંદી નાખો. સ્લીપર સેલ્સ પર ખાસ ધ્યાન આપજો. ટાઈમ લિમિટ જણાવવાની જરૂર નથી.


કિરણ વૉશરૂમથી પાછી ફરી ત્યારે આંખ લાલચોળ હતી. બાબુ સમજી ગયો કે મેડમ ખૂબ રડ્યા લાગે છે. તે ધીમેથી બોલ્યો. “હાઈવે પરના વૉશરૂમ બરાબર સાફ થતા નથી. આપની આંખમાં કંઈક પડ્યું લાગે છે.

કંઈ બોલ્યા વગર કિરણે માથું હલાવ્યું બાબુએ કારનો દરવાજો ખોલ્યો “કોફી ઠરી ગઈ, બીજી ગરમાગરમ લઈ આવું તરત…

“ના, રહેવા દો. એ જ કોફી આપી દો. ઠંડી ફાવશે…

“તો કોલ્ડ કોફી લઈ આવું?

“ના, જરૂર નથી, એટલું કહીને એ સ્વગત બડબડી. “મારા નસીબમાં હકનું મેળવવાનું લખાયું જ ક્યાં છે? એકી શ્ર્વાસે કોફી ગટગટાને ખાલી કપ તેણે કારના દરવાજાના સાઈડ હોલ્ડરમાં મૂકી દીધો.

કંઈ પૂછ્યા વગર બાબુએ ગાડી ચાલુ કરી દીધી. બાબુ વિચારવા માંડ્યો કે આકાશસર અને કિરણમેડમમાં કેટલો બધો ફરક છે? આકાશસર ગાયબ થઈ ગયા બાદ પોલીસે પોતાની કરેલી પૂછપરછથી બાબુ થોડો ગભરાયેલો હતો. પોલીસે ફેરવી ફેરવીને પૂછ્યું કે તું આકાશ મહાજનના કેટલા દોસ્તને ઓળખે છે? આકાશને ક્યારેય મુરુડ લઈ ગયો હતો. મુરુડ વિશે આકાશને કોઈ સાથે વાત કરતા સાંભળ્યો હતો?

ક્યારેક તો બધા સવાલમાં નનૈયો ભણીને પોતે હાશકારો અનુભવ્યો હતો પણ હવે કિરણમેડમ શા માટે મને લઈને મુરુડ જાય છે? પાછી મને સખત સૂચના આપી છે કે આ વાત કોઈને કરવાની નથી.

ગાડી મુરુડ તરફ આગળ વધી રહી હતી. બાબુ અને કિરણના વિચારો અલગ-અલગ દિશામાં ફંટાયેલા હતા પણ કેન્દ્ર સ્થાને એક જ વ્યક્તિ હતી: આકાશ મહાજન મોબાઈલ ફોનમાં મેપ જોઈને દિશા બતાવતી કિરણ મુસાફરીમાં આસપાસ નજર કરતી હતી. સામાન્ય સંજોગોમાં આસપાસનું બધુ જોવું ગમ્યું હોત, કાળજે ઠંડક થઈ હોત, પરંતુ અત્યારે આ બધુ કાળઝાળ દઝાડતું હતું.

મુરુડ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કિરણે ગાડી રોકાવી. રામરાવ અંધારીએ આપેલા મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલેનો મોબાઈલ નંબર ડાયલ કર્યો. પણ બેલ વાગતી જ રહી. તેઓ ટ્રાવેલિંગમાં હશે કે પછી મીટિંગમાં બિઝી હશે? કદાચ પોલીસ સ્ટેશનમાં હોય તો પોતાને જોઈને બોલાવી લે એમ માનીને કિરણે ગાડી આગળ લેવડાવી. પાંચેક મિટર દૂર ગાડી ઊભી રખાવીને કિરણ બહાર ઊતરી “બાબુભાઈ, આપ આરામ કરના. ભૂખ લગે તો લંચ લે લેના. મૈં ફ્રી હોતે હી ફોન કરુંગી.

કિરણ પોલીસ સ્ટેશન તરફ આગળ વધવા માંડી પોલીસ સ્ટેશના દરવાજે જ એક વ્યક્તિને ઊભેલી જોઈને કિરણના પગ થંભી ગયા. “આ અહીં પણ? મારો પીછો કરતો કરતો અહીં સુધી આવી ગયો? હવે કરવું શું.


મુરુડ હોટેલ બૉમ્બ બ્લાસ્ટસ કેસની તપાસ ભલે એટીએસએ પોતાના હસ્તક લઈ લીધી, પરંતુ પરમવીર બત્રાના સ્વભાવ અને કુનેહને લીધે સ્થાનિક પોલીસ હજી એને પોતાનો જ કેસ સમજતી હતી. પ્રશાંત ગોડબોલેની સાથીઓને સ્પષ્ટ સૂચના હતી કે બ્લાસ્ટ્સ કેસ વિશે નાનામાં નાની જાણકારી મળે તો મને અડધી રાતે જગાડીને પણ જણાવી દેવી.

ઈન્ચાર્જ સાહેબને વહેલા અને એકદમ તરોતાજા થઈને આવેલા જોઈને સાથી પોલીસ કર્મચારીઓને આશ્ર્ચર્ય થયું: એક કૉન્સ્ટેબલને બે મિસળ અને બે ચા ઈન્વેસ્ટિગેટિંગ રૂમમાં મોકલવાની સૂચના આપીને ગોડબોલે સીધા ગયા પિંટયાભાઈ ઉર્ફે પ્રકાશ પાંડુરંગ બર્વે પાસે. પિંટયા ફ્રેશ લાગતો હતો.

“પિંટયા, રાતે બરોબર જમ્યો અને સારી ઊંઘ આવી?

“હા સાહેબ. થેન્ક યુ.

“ચાલ હવે થોડી વાતચીત કરીએ.

“સાહેબ, હું નિર્દોષ છું.

“કોઈ ગુનેગારે પોતાનો ગુનો કબૂલ્યો છે? એ બધુ જવા દે. એ તો કોર્ટનું કામ છે. જલ્દી બોલ કે તારી પાસે બબ્બે રિવૉલ્વર શા માટે હતી?

“સાહેબ, સાચું તો કહી દઉં પણ મને ડર લાગે છે?

“કોનો?

“જેમને માટે કામ કરું છું એમનો.

“હમ્મ. તો શું કામ કરે છે તું?

“મને કહે ત્યાં રિવૉલ્વર પહોંચાડી દેવાનું.

“એમાં તને શું મળે?

“જો રિવૉલ્વર વેચવાની હોય તો પાંચ હજાર અને માત્ર ડિલિવરી હોય એટલે કે પહોંચાડવાની હોય તો બે હજાર રૂપિયા.

“મહિનામાં કેટલીવાર કામ મળે?

“માંડ બે-ત્રણ મહિને એક-બે વાર?

“કામ કોણ આપે છે?

“નામ ખબર નથી?

“શું ? છતાં તું આટલું જોખમી કામ કરે છે?

“માં કસમ સાહેબ. બજારમાં મને ગમે ત્યાંથી મેસેજ મળી જાય એટલે…

“એક મિનિટ ગમે ત્યાંથી એટલે?

“વાળંદની દુકાને, પાનને ગલ્લે, ચાની લારી પર, ભાજીવાળા પાસે…

“એ કંઈ રીતે?

“કોઈ મારા ગજવામાં ચૂપચાપ ચિઠ્ઠી નાખી દે. કાં હું ઊભો હોઉ અને પાછળથી કાનમાં કહીને ગાયબ થઈ જાય.

“તું બેવકૂફ છો કે મને બનાવે છે?

“આ રિવૉલ્વર કોને પહોંચાડવાની હતી?

“એ ખબર નહોતી…

“તો શું તું રિવૉલ્વરને લોંગ ડ્રાઈવ પર લઈને નીકળ્યો હતો?

“ના, મને મેસેજ મળ્યો હતો કે મુરુડ ઝંઝીરા ફોર્ટ પહોંચીને આગલા મેસેજની રાહ જોવાની.

“આ બધા મેસેજમાં ક્યારેય કોઈનું નામ આવતું નથી?

“મોટાભાગના મેસેજ ટાઈગરભાઈ નામે મળે છે.

“આ વળી કેવું નામ ? ક્યાં રહે છે એનો આછો પાતળો ખ્યાલ ખરો?

“ના જરાય ખબર નથી.

“તું ડિલિવરી આપવા ગયો હોય એવા કોઈ માણસને મળ્યો છે? કે ઓળખે છે?

“એકવાર ડિલિવરી હોટેલ પ્યોર લવની સામેના રોડ પરના ઝાડ પાછળથી લેવાની હતી.

“ડિલિવરી લેવાની હતી એટલે માલ ત્યાં હતો એમ?

“હા.

“કેટલી રિવૉલ્વર હતી.

“બે

“ક્યાં પહોંચાડવાની હતી?

“સોનગિરવાડી. બાજુમાં જ છે એ ગામમાં.

પ્રશાંત ગોડબોલેની આંખમાં ચમક આવી ગઈ પણ તેણે બતાડી નહીં.

“ત્યાં રિવૉલ્વર કોને આપી તે?

“એક છોકરી કે બાઈ હતી.

“એને ઓળખી શકે?

“ના, બુરખો પહેર્યો હતો તેણે.

“બીજુ કંઈ યાદ છે?

“હું રિવૉલ્વર આપીને ચાલવા માંડ્યો તો તે એક દુકાન પાછળ ઊભી રહીને ફોન કરતી હતી, પણ હું ઝાઝું સાંભળી ન શક્યો.

“પણ શું અને કેટલું સાંભળ્યું?

“એ બોલી કે સોલોમન, સ્કોચ કી દો બોતલ મિલ ગઈ.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button