કેરોલિના રીપર પ્રકરણ-20
પ્રફુલ શાહ
અચાનક કોઇ મોટું ટેન્શન આવી ગયું રાજાબાબુ પર?
આસિફ પટેલે સાફ શબ્દોમાં કીધું: બાદશાહ જીવનમાં પહેલીવાર તને મારી વાત જામી નથી. કંઇક ગરબડ લાગે છે
શહેરની નામાંકિત હૉસ્પિટલના સ્પેશ્યલ રૂમમાં રાજાબાબુ મહાજન બેભાન અવસ્થામાં પડ્યા હતા. મોટા રૂમમાં દૂર સોફા પાસે માલતી, કિરણ, દીપક, રોમા અને મમતા ઊભાં હતાં.
વાતાનુકૂલિત રૂમ હોવા છતાં માલતી ચિંતાથી પરસેવે રેબઝેબ હતી. મમતા અને કિરણ તેમને ધીમે અવાજે સધિયારો આપતા હતા કે બધુ બરાબર થઇ જશે.
દીપક કંઇક વાત કરવા રાજાબાબુ પાસે ગયો પણ ડૉકટરે એને દૂર ઊભા રહેવાની વિનંતી કરી. રાજાબાબુના શરીરની બ્લડ પ્રેશર, હાર્ટબીટ સહિતની એક પછી એક કામગીરી ચેક થવા માંડી. બ્લડનું સેમ્પલ લઇ લેવાયું. ઇસીજી પણ થઇ ગયો. ડૉક્ટર અને નર્સની દોડાદોડી ચાલતી રહી. એમની વચ્ચે કંઈક વાતચીત થઇ થોડીવારમાં સ્ટે્રચર આવ્યું ને રાજાબાબુને એના પર ખસેડીને લઇ જવાયા.
ડૉક્ટર એટલું જ બોલ્યા, “એમને આઇ.સી.યુ.માં ખસેડવા સિવાય છૂટકો નથી. હાર્ટ એટેકનો કેસ લાગે છે.”
માલતી એ સાંભળીને ત્યાં સોફામાં ફસડાઇ પડી. દીપક ઉતાવળે પગલે સ્ટે્રચર સાથે ચાલવા માંડ્યો. મમતા એકદમ ઢીલી પડી ગઇ. તે માલતીની બાજુમાં બેસી ગઇ ને એનો છૂટો પડતો જતો હાથ પકડી લીધો. કિરણને સમજાતું નહોતું કે શું કરવું? છતાં તે દોડીને એક સિસ્ટરને બોલાવી લાવી અને માલતી સામે આંગળી ચીંધી. નર્સ સમજી ગઇ. તરત બી.પી. માપ્યું અને માલતીએ બેડ પર સુવડાવીને બીજા ડૉક્ટરને બોલાવી લાવી.
માલતીનું કાંડુ પકડીને ડૉક્ટરે નસ ચેક કરી. એની સૂચના પ્રમાણે તરત માલતીને કોઇક બાટલા ચડાવવાનું શરૂ થઇ ગયું. મમતા એકદમ ઘાંઘી થઇ ગઇ હતી. કિરણે એને એકદમ હચમચાવી રાખી. “મમતાબહેન, લો આ પાણી પી લો.”
મમતાએ પાણી પીવાનો ઇનકાર કરી દીધો. “ભાભી, આ શું થઇ રહ્યું છે. ભાઇ, પપ્પા અને હવે મમ્મી…”
“અરે બધું બરાબર થઇ જશે. ડૉક્ટર ટ્રીટમેન્ટ કરી રહ્યાં છે. જુઓ હવે તમે સ્વસ્થ થઇને મમ્મી પાસે બેસો. તો હું પપ્પા પાસે આંટો મારી આવું.”
કંઇ બોલ્યા વગર મમતાએ માત્ર માથું ધુણાવ્યું. માલતીના કપાળ પર પ્રેમથી હાથ ફેરવીને કિરણ ઉતાવળે પગલે બહાર ગઇ. એ રાજાબાબુના આઇ.સી.યુ. સુધી પહોંચી ત્યારે ડૉક્ટર બહાર આવતા દેખાયા. દીપક અને રોમા એમની પાસે દોડી ગયા. ડૉક્ટર કંઇ બોલે એ અગાઉ કિરણ નજીક પહોંચી ગઇ.
ડૉક્ટરે ત્રણેય સામે જોઇને બોલ્યા, “મામલો થોડો સીરિયસ છે. પણ વાંધો નહીં આવે રાજાબાબુની બે આર્ટરી એટલે કે ધમનીમાં 80-90 ટકા બ્લોકેજ છે. ઇસીજીમાં ફેરફાર દેખાયા. એટલે એન્જિયોગ્રાફી કરી જેમાં આ બ્લોકેજની જાણ થઇ છે. ઇમોશનલ કે ફિઝિક્લ સ્ટે્રસથી આવું થઇ શકે. અચાનક કોઇ મોટું ટેન્શન આવી ગયું છે એમના પર?
0000
મુખ્ય પ્રધાન રણજિત સાળવીના ચહેરા પર ખતરનાક સ્મિત હતું. તેમણે સવારના છાપાં પર નજર નાખી. પછી અનલિસ્ટેડ નંબરવાળા મોબાઇલ પરથી એક નંબર ડાયલ કર્યો.
“ધ્યાનથી સાંભળો. આજે સત્તાવાર ઘોષણા થઇ જશે. આ સાથે જ લોઢું એકદમ ગરમ હશે. તમે હથોડો ઝિંકવા માટે તૈયારી કરી રાખો. હવે લાંબી ઢીલ કરવામાં મજા નથી. બાકી, હું તમારી સાથે જ છું જે જોઇશે એ મળી રહેશે. પણ રિઝલ્ટ મારે જોઇએ એવું જ આવવું જોઇએ.”
સામેથી મળેલા જવાબોથી એકદમ સંતુષ્ટ થઇને સાળવીએ બીજો નંબર ડાયલ કર્યો. “આજે એનાઉન્સમેન્ટ આવી જશે. વાજતેગાજતે ધામધૂમથી એવી જાન નીકળવી જોઇએ કે આખું ગામ જોતું રહે. સાહેબના નામનો સોંપો પડી જાય એ જવાબદારી તમારી. ટીવી ચેનલ, ફેસબુક, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ… જે જરૂરી લાગે એ વાપરો. કોઇ છાપું બાકી ન રહેવુ જોઇએ. સાહેબને હીરો નંબર વન બનાવી દો. સમજી ગયો?”
ફોન મુકતા પહેલાં સી.એમ.એ. ઉમેર્યું “આતશબાજીનો પ્રકાશ અને અવાજ દૂરદૂર સુધી સંભળાવા-દેખાવા જોઇએ. મીઠાઇનો ઑર્ડર અત્યારે જ આપી દો. જાણે વિજય સરઘસ હોય એવું લાગવું જોઇએ.”
ફોન મૂકીને રણજિત સાળવીએ અટ્ટહાસ્ય કર્યું. “મોગામ્બો ખુશ હુઆ.” એમના આ હાસ્યથી ઘણાંના ચહેરા પરની રોનક ઊડી જવાની હતી.
00000
આસિફ પટેલ બરાબરના કંટાળ્યા હતા. હવે ઝડપભેર મુરુડ છોડીને મુંબઇ જવું છે. ત્યાં ઘણાં કામ પેન્ડિંગ હતાં. ત્યારબાદ અખાતના દેશોની વિઝિટ પણ માથે હતી. તેણે વિચારોમાં ખોવાયેલા બાદશાહ સામે જોયું. આસિફ પટેલ એક બેવાર ચપટી વગાડીને બાદશાહનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો. પણ એની વિચાર તંદ્રા ન તૂટી.
આસિફ પટેલે ઊંચા અવાજે બરાડો પાડ્યો. તો બાદશાહ જાણે ઝબકીને ઉઠયો. “હા, બોલો પટેલ શેઠ.”
“તું કયાં ખોવાઇ જાય છે? આ વખતે મુરુડ આવ્યા બાદ તું એકદમ અલગ લાગે છે. સાવ બદલાઇ ગયો છે. કંઇક તો થયું છે.”
“ના.ના. એવું કંઇ નથી પટેલ શેઠ?”
“શું એવું કંઇ નથી? કંઇ ટેન્શન હોય તો કહી દે. પૈસા જોઇએ છે?”
“પૈસા માટે તમે ક્યાં ક્યારેય કહેવાપણું રાખ્યું છે પટેલ શેઠ.”
“તો સાંભળ ધ્યાનથી અહીં હવે નકામો સમય બરબાદ થાય છે. આજે ગોડબોલેને મળીને કાલે નીકળી જઇએ.”
“શું કાલે જતા રહીએ?”
“હા. કેમ શું વાંધો છે?
તારું કોઇ મહત્ત્વનું કામ બાકી છે?”
“ના, પટેલ શેઠ આપણે જતા રહીએ એને પોલીસવાળા કદાચ ઊંધી રીતે જુએ.”
“આપણે બધો સપોર્ટ આપ્યો છે. હજી આપવા તૈયાર જ છીએ ને. પછી શું વાંધો હોય કોઇને!”
“મને તો લાગે છે કે આ મામલો પતે પછી હોટેલની જમીન વેંચીને જ નીકળીએ.”
“અરે બ્લાસ્ટ્સ કેસ થોડો જલદી પતવાનો હતો?”
“પટેલ શેઠ, બહુ જરૂરી કામ હોય તો આપ નીકળી જાઓ. હું અહીં હોઇશ તો આપણને ખોટા ફસાવી ન દેવાય એનું ધ્યાન રહેશે.”
“બાદશાહ, જીવનમાં પહેલીવાર તને મારી વાત જામી નથી. કંઇક ગરબડ લાગે છે મને તો. જે હોય એ સાચેસાચું કહી દે.”
000000
આઠેક વાગ્યે હૉસ્પિટલથી ઘરે આવીને રોમાએ બહારથી ચીઝ પિઝા અને બર્ગરનો ઑર્ડર આપી દીધો. વોડકાના ઘૂંટડા સાથે ગરમાગરમ પિઝા આરોગતા દીપક-રોમા વાતોએ વળગ્યા.
દીપક વોડકાની સીપ લેતા કહે છે. “પપ્પા, હૉસ્પિટલમાં છે ત્યારે આવું સારું લાગે? ખેર, ફટાફટ પતાવીએ. કાલથી હૉસ્પિટલની દોડાદોડી સાથે ઑફિસ પણ સંભાળવી પડશે.”
“ડોન્ટ બી ઇમોશનલફૂલ દીપક,” રોમા બર્ગર નજીક ખેંચતા બોલી.” એ લોકો હૉસ્પિટલની કેન્ટિનમાં મનપસંદ આઇટમ જ ખાશે ને? અને મમ્મી, મમતા અને ભાભી ઘર હૉસ્પિટલ સંભાળશે. આપણે બન્ને ઑફિસનું કામ જોઇ લઇશું. હૉસ્પિટલમાં ડૉક્ટર નર્સ છે. ઘરમાં કંઇ ખાસ કામ નથી. જે માથાકૂટ છે એ ઑફિસમાં છે. એટલે આપણે બન્ને ઑફિસમાં જ રહીશું. વચ્ચે-વચ્ચે ફોનથી ખબર પૂછી લેવાની.
એક જ ઘૂંટડે વોડકાનો પેગ ગળે ઉતારીને દીપક બોલ્યો, “જોઇએ. પડશે એવા દેવાશે.
“દીપક પ્લીઝ હવે થોડો સિરિયસ બનતો જા. પપ્પાની ગેરહાજરીમાં આપણે ઑફિસ બરાબર સંભાળીએ એનું મહત્ત્વ સમજે છે. આકાશ ભાઇની ગેરહાજરી છે. આમેય એમને ધંધામાં રસ નથી. આપણે પપ્પાના હૉસ્પિટલાઇઝેશનનો ફાયદો ઉઠાવીને સાબિત કરી શકીએ કે આપણામાં ધંધો ચલાવવાની પૂરેપૂરી કાબેલિયત છે. તો જામેલો ધંધો આપણા હાથમાં આવી જાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ?
દીપકે બે પતિયાલા પેગ બનાવ્યા, ડાર્લિંગ “તું છો એકદમ શિયાળ જેવી લુચ્ચી અને બાજ જેવી ચાલાક.” પછી `ચિયર્સ’ કરીને બન્ને હસી પડ્યા.
000000
સવારના પહોરમાં મોહનકાકુનો મેસેજ?! આવું આશ્ચર્ય. કિરણ, દીપક અને રોમાને થયું! “અર્જન્ટ. સવારે 11 વાગ્યે ઑફિસ આવી જાઓ. પ્લીઝ” મોહનકાકુ એટલે રાજાબાબુ મહાજનના સૌથી વિશ્વાસુ. બન્ને બાળપણના દોસ્ત. રાજાબાબુ તો મોહનકાકુ પર આંધળો વિશ્વાસ મૂકે. મોટાભાગના મહત્ત્વના નિર્ણયોમાં એમની સલાહ પણ લે.
રોમાને આ મેસેજ જરાય ન ગમ્યો. “એ આપણા કર્મચારી છે કે માલિક? કંઇક અર્જન્ટ હોય તો પોતે ન આવી શકે? દીપક, તું ફોન કર એમને.”
દીપક જાણતો હતો કે મોહનકાકુ માત્ર કર્મચારી નથી, ઘણાં વધુ છે. તેણે માહોલ હળવો કરવા માટે સ્માઇલ આપીને રોમાના ખભા પર હાથ મૂકયો. “જસ્ટ રિલેક્સ. આપણે ઑફિસ જવું જ છે ને? પપ્પા હૉસ્પિટલમાં છે એટલે આપણે આમેય ઑફિસ ગયા વગર છૂટકો નથી.”
“અરે પણ ઑફિસ જવું ન જવું એ આપણી મન્સુફી છે. આ મોહનકાકુ થોડો કહી શકે કે આપણે ઑફિસ આવવું જ ને. આટલા વાગ્યે. તું ફોન નથી કરતો તો પછી હું ફોન કરી લઉં. આ બધાને પોતાની ઔકાત બતાડી દેવી પડે.”
રોમાએ મોહનકાકુનો નંબર ડાયલ કર્યો પણ બેલ વાગતી રહી. એ ગુસ્સામાં ફુંગરાઇ,” એની હિંમત તો જો. મારો ફોન ન ઉપાડ્યો.”
સવારે જ હૉસ્પિટલથી આવીને ફ્રેશ થયા બાદ કિરણે મોહનકાકુનો મેસેજ જોયો. એ વિચારમાં પડી ગઇ. પછી જવાબ આપ્યો. “ચોક્કસ આવી જઇશ. પ્રાર્થના કરું છું કે બધું સમુંસુતરું હોય. નમસ્તે કાકા.”
આ એક મેસેજ કિરણ, દીપક અને રોમાના જીવનમાં નવી ગૂંચવણ ઊભો કરવાનો હતો. સવાલ એ હતો કે ઑફિસમાં સૌથી વધુ આંચકો કોને અને કેટલાને લાગશે?(ક્રમશ:)