તરોતાઝા

કેરોલિના રીપર પ્રકરણ-૧૫

પ્રફુલ શાહ

કિરણ, આપણા દુ:ખ અચાનક એકમેક સાથે જોડાઇ ગયા છે

આસિફ પટેલને સમજાયું નહીં કે નાસ્તો કરતા બાદશાહ એકદમ બદલાઇ કેમ ગયો?

મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ નાગરેએ રાયગઢના એટીએસ ઑફિસર પરમવીર બત્રાને ફોન કરવો કે નહીં એ વિશે ચાર-પાંચ મિનિટ વિચાર્યું. પછી તરત એમનો મોબાઇલ ફોન નંબર ડાયલ કરી દીધો. આમેય લાસ્ટ ટાઇમ પોતે ફોન કરેલો ત્યારે બત્રાએ નહોતો ફોન ઉપાડયો કે નહોતો કોલ બેક કર્યો. અને નાગરેને ખટકયું તો હતું જ.

આ વખતે બત્રાએ તરત ફોન ઉપાડયો, “હલ્લો, જયહિન્દ સર.

“વાહ વાહ પરમવીર પાજી. હમ તો ધન્ય હો ગયે કી આપને હમારા ફોન ઉઠાયા.

“મેરી કયા જુર્રત કી આપકા ફોન ન ઉઠાઉ. ઐસી ગલતી સપન મેં ભી નહી સોચ શકતા જી.

“ફૂરસત નીકાલકર કલ શામ કી કોલ ડિટેઇલ્સ દેખ લેના.

“સર, ફોન થોડા રૂઠા હય. સાલા કભી નંબર કનેક્ટ નહીં કરતા તો કભી મિસ કોલ થા નહીં દિખાતા. અગર ઐસા હુઆ હો તો ડબલ સોરી જી.

“ખેર, છોડો વહ સબ. નેકસ્ટ ટાઇમ ધ્યાન રખના. સમજે પાજી.

“હાં જી, હાં જી. યહ કોઇ કહને કી બાત હય?

“અચ્છા બતાઓ કિ મુરુડ બ્લાસ્ટ્સ કી ઇન્કવાયરી મેં અપડેટ્સ કયાં હૈ?

“સર, થોડે સુરાગ મિલે હૈ મગર કુછ સાફ કહેના મુશ્કિલ હય.

“તો ઇન્કવાયરી પર ધ્યાન દો. મીડિયા પર ચમકના બાદ મેં હોતા રહેગા.

પરમવીર હસી પડયો. “અચ્છા તો ઉસ બાત કે લિએ આપને ફોન કિયા થા સર, સચ કહાના જી?

“દેખો પરમવીર, ઇસે લાઇટલી મત લો. મુઝે ઉપર સે સુનના પડતા હૈ. મીડિયાવાલે જો કહે ઉસમેં હમ કયો કલેરીફિકેશન દે? સમજ ગયે? અબ સે મુંહ બંધ રખના. ઔર જો જો નયે અપડેટ્સ હૈ વહ મુઝે લિખકર મેઇલ કર દો.

“સર, વો તો મેરા ફર્ઝ હય જી.

મગર મેઇલ લિખના મુશ્કિલ હય થોડા. આપ કોે અભી હી બતા દેતા હું. પછી પરમવીર બત્રાએ ફૂંકીફૂંકીને માહિતી આપી. પણ શબનમની લાશ મળ્યાની વાત ન જણાવી, ઇરાદાપૂર્વક.
૦૦૦

લાંબુ વિચાર્યા બાદ વિકાસે કિરણ આકાશ મહાજનને ફોન લગાવ્યો. લાંબી બેલ વાગતી રહી. છેલ્લી ઘડીએ કિરણે ફોન રિસિવ કર્યો. એકદમ ઉખડેલા અવાજમાં પૂછયું. “બોલો.

“હું સમજું છું કે આપ ખૂબ ડિસ્ટર્બ છો. આ ફોન હું નાછૂટકે કરી રહ્યો છું.

“આપ મારું દુ:ખ સમજતા નથી.

“આપણા દુ:ખ અચાનક એકમેક સાથે જોડાઇ ગયા છે.

“તમે કહેવા શું માગો છા?

“જુઓ આ અગાઉ મેં ફોન કર્યો ત્યારે મારા અવાજમાં ઉદ્ધતાઇ હતી. એ કબૂલ કરું છું. કારણ એ હતું કે હું ખૂબ નારાજ હતો. મારાથી નારાજ હતો. ને તમારાથી પણ.

“મારાથી નારાજ? વ્હૉટ ડુ યુ મીન? આપણે તો ક્યારેય મળ્યા નથી. એકમેકને ઓળખતા સુધ્ધાં નથી.

“છતાં એક કડી ઓચિંતી ઊગી નીકળી પડી છે. આપણને બન્નેને જોડવા માટે.

“પ્લીઝ. ઉખાણા રહેવા દો. સ્પષ્ટ વાત કહેવાના હો તો ઠીક છે, નહીંતર હું ફોન મૂકું?

“પ્લીઝ તમે મને મળવા આવો. મારી પાસે આકાશ મહાજનની બધી માહિતી છે. તેઓ કયારે, કયાં ગયા અને શું થયું?
૦૦૦

ગોલેગાંવના સરપંચ પાટીલ પંચાયતના ચાર સભ્યો સાથે ચૂપચાપ બેઠા હતા. પાંચેયના મોઢામાં દેશી તમાકુ-ચૂના હતા. જે મગજ માટે ઇંધણનું કામ કરતા હતા. એવું એ બધા માનતા હતા. પાટીલે ઝાડ નીચે મળેલી બિનસત્તાવાર પંચાયત બેઠકમાં શાંતિનો ભંગ કરતા તમાકુની ડબ્બી બાજુમાં મૂકી દીધી.

“આ બાઇની લાશ આપણા ગામમાં આવી કેવી રીતે? કોણ લાવ્યું? ક્યારે લાવ્યું?

“પાટીલ, પોલીસ તપાસ કરી રહી છે?

“એ લોકો પર કેટકેટલા કામના દબાણ હોય? પાછો પૂરતો સ્ટાફ પણ ન હોય.

“એ વાત સાચી પાટીલ. અને આપણે ગામની રજેરજ જાણીએ. પણ આપણે શું કરી શકીએ?

“લાશ મળી એના ર૪ કલાકમાં ગામમાં કોઇએ કંઇ અજુગતું જોયું હોય તો એ જાણી લઇએ.
“પણ એ જાણવું કંઇ રીતે? પાટીલ?

“આપણે એક એક જણને પૂછીશું તો સમય લાગી જશે. વળી પોલીસનો ય પ્રશ્ર્ન આવે છે ને?

“એક યુવાન સભ્યને આશ્ર્ચર્ય થયું.

“એ કંઇ રીતે સરપંચજી? આપણે ક્યાં એમના કામમાં દખલ કરીએ છીએ?

“બેટા, એક તો ખૂનનો મામલો છે. પોલીસ તપાસ કરી જ રહી હો તો આપણી પૂછપરછનો અવળો અર્થ પણ નીકળી જ શકે.

“તો પાટીલ, તમે કોઇ ઉકેલ કાઢો.

“એક કામ કરો. જરૂરી અને તાકીદની કામગીરી માટે આવતીકાલે બધા ગ્રામજનોની બેઠક બોલાવો. ખાસ કહેવું કે બધા હાજર રહે. અને ગેરહાજર રહેનારાઓની નોંધ લેવાનું ન ચુકાય.

િઆસિફ પટેલને સમજાયું નહીં કે નાસ્તો ફરતો બાદશાહ અચાનક કેમ બદલાઇ ગયો? ૩૬૫ દિવસના ૨૪ કલાક મને વળગી રહેનારો આજે અચાનક આરામ કરવા માટે રૂમમાં કેમ જતો રહ્યો? કોઇ પ્રૉબ્લેમમાં હશે? અરે પણ મારાથી કયો પ્રૉબ્લેમ એણે ક્યારેય છુપાવ્યો છે? ભલે એ બોલે નહીં પણ કંઇક છે જરૂર, પણ એવી તે શી વાત હશે કે મારી સાથે કરી શકતો નહીં હોય?

આસિફ પટેલે સિગારેટ પેટાવી. બે કસ ખેંચ્યા પણ મજા ન આવી એટલે એશટ્રેમાં ગુસ્સા સાથે બળતી સિગારેટ કચડી નાખી. ત્યાં જ ડૉરબેલ વાગી. આસિફ પટેલના ચહેરા પર સ્મિત આવી ગયું. “બાદશાહ જ હોય. હવે પેટ છૂટી વાત કરશે.

દરવાજો ખોલ્યો તો રૂમ સર્વિસ બોય હતો. આસિફ ભૂલી ગયો કે રૂમમાં આવતાવેંત પોતે ચાનો ઑર્ડર આપ્યો હતો. ગજવામાંથી પચાસની નોટ કાઢીને આસિફે બૉયને આપી. એના ગયા પછી ફટાફટ ગરમાગરમ ચા પી લીધી. પછી ન રહેવાયું એટલે જઇને બાદશાહને ઇન્ટરકોમ પર ફોન લગાવ્યો. બેલ વાગતી રહી. તે ઝડપભેર બહાર નીકળીને બાદશાહના રૂમ સામે ઊભો રહ્યો. ડોરબેલ વગાડી. કોઇ પ્રતિસાદ ન મળતા અડધી મિનિટ બાદ ફરી ડૉરબેલ વગાડી. વધુ અડધી મિનિટ વીતી ગયા બાદ ધડાધડ ડૉરબેલ વગાડી. એનો એ જ પ્રતિસાદ. નો રિસ્પોન્સ.

આસિફ પટેલ ગભરાઇ ગયો કે કયાંક ટેન્શનમાં બાદશાહ આડુંઅવળું પગલું તો ભરી બેઠો નહીં હોય ને? ના, ના. એવું ન હોય એમ વિચારવા સાથે એ રિસેપ્શન ભણી દોડયો.
૦૦૦

રાયગઢના પોલીસ વડા રવીન્દ્ર મોરેએ મુરુડજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રશાંત ગોડબોલેને ફોન કર્યો, લેન્ડ લાઇન પર. સામેથી ફોન ઉપાડાયો, ને થોડીવારમાં ગોડબોલે લાઇન પર આવ્યો. સામે છેડે રવીન્દ્ર મોરે હોવાનું જાણીને તરત જ તે બોલ્યો. “જયહિન્દ સર.

“જયહિન્દ, ગોડબોલે. બધુ ઠીક છે?

“જી સર.

“મુરુડ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં કંઇ વિશેષ?

પ્રશાંત ગોડબોલેના કાન ચમકયા. આ માણસ ભાગ્યે જ કોઇ કેસમાં રસ લે. મોટે ભાગે ઠપકો આપવા કે દબડાવવા માટે જ ફોન કરે. અચાનક બ્લાસ્ટ્સ કેસમાં આટલી બધી દિલચસ્પી કેમ? છતાં ગોડબોલેએ ઠાવકાઇથી જવાબ આપ્યો. “સર હવે એટીએસ કેસ સંભાળે છે એટલે ઝાઝી ખબર મળતી નથી.

“કેવો ઑફિસર છે એટીએસનો પરમવીર બત્રા? સાંભળ્યું છે કે ટીવી પર તારા વખાણ કર્યા…

“સર. વખાણ મારા નહીં મુરુડ પોલીસ સ્ટેશનની કામગીરીના કર્યાં, પણ એનો શો અર્થ? વખાણ છતાં કેસ તો અમારી પાસેથી લઇ લેવાયો જ ને?

“અચ્છા, આ બત્રા માણસ કેવો છે?

” માણસ તરીકે તો ખબર ન પડે આટલી જલદી, પણ ઑફિસર કાબેલ, ચાલાક અને ઇમાનદાર લાગ્યા.

“વાહ, એકમેકની પીઠ થાબડવાની કવાયત સારી છે.

“સર, આપે પૂછયું એટલે જે સાચું લાગ્યું એ કહેવાની મારી ફરજ છે?

“આ કેસ સાથે જોડાયેલી કોઇ બાઇની લાશ મળી છે એ સાચું?

“ખરેખર સર? બત્રાજીને પૂછીને જ ક્ધફર્મ કરી શકું.

મોરે સમજી ગયા કે ગોડબોલે વધુ મોઢું નહીં ખોલે. “ના, ના. આપણે શું કામ એમને વતાવવા? કેસ ભલે એટીએસ પાસે ગયો પણ તારા એરિયામાં મોટી ઘટના બની છે તો આંખ-કાન ખુલ્લા અને મોઢું બંધ. સમજયા?

“યસ સર, યસ સર. સોનેરી સલાહ માટે આપનો આભાર. જયહિન્દ.
૦૦૦

એટીએસના પરમવીર બત્રા ચાની ચુસ્કી લઇ રહ્યાં હતા, ને પ્રશાંત ગોડબોલે લસ્સીનો સ્વાદ માણી રહ્યા હતા.

“તુમ્હારા સર તુમ્હે પૂછતા હય, મેરા સર મુઝે. કુછ સમજે જી?

‘હા, સર થોડું થોડું.

“માણસ જેટલો ઊંચાઇ પર હોયને એટલે ખુદથી અને વાસ્તવિકતાથી દૂર હોય. એને પ્રશંસા જ ખપે અને ઑર્ડર કરવાની આદત હોય. બરાબર જી?

“સર, મને ડર લાગે છે કે આ બ્લાસ્ટ્સ કેસની તપાસને ક્યાં આડે પાટે ન ચડાવી દેવાય.

“એ તો હું બેઠો છું, ત્યાં સુધી થવા નહીં દઉં જી. હા, ખોટા-ખોટા નેરેટિવથી લોકોને ભરમાવવાની શરૂઆત થઇ ગઇ છે.

“એટલે સર?

“માર્યા ગયેલા બધા આતંકવાદી હતા એ સ્ટોરી ભૂલી ગયા જી?

“એટલે એ મીડિયાની સ્કુપ માટેની ભૂખ નહોતી?

“હતી જ, પણ એ ભૂખને ઠારવા માટેની ખાદ્યસામગ્રી કોણે પૂરી પાડીજી?

“સર આવું કોણ કરે?

“બે જણા કરી શકે. એક, આ તપાસની સચ્ચાઇથી જેનો ગરાસ લૂંટાઇ જવાનો હોય. એ, જેને આ બ્લાસ્ટ્સ કેસ પર પોતાના સ્વાર્થની ભાખરી શેકવી હોય. સમજે જી?

અન્યના મોત પર માતમના બે આંસુ સારવાને બદલે ગંદી રાજરમત સફળ થશે? પ્રજા રાબેતા મુજબ કાયમ સચ્ચાઇથી અજાણ રહેશે?
(ક્રમશ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button