શિયાળામાં કસરતની માયાજાળમાં સાઇકલ ચલાવી શકાય?
પ્રાસંગિક – દેવલ શાસ્ત્રી
શિયાળાની શરૂઆત થશે એટલે સ્વાસ્થ્ય સંબંધી આર્ટિકલથી માંડીને સોશિયલ મીડિયા પર સલાહોનો ધોધ શરૂ થશે. એવું પણ નથી કે સ્વાસ્થ્ય સંબંધી વાતો સાવ કાઢી નાખવા જેવી હોય છે. હકીકત એ છે કે સહુના મનમાં એક જ વાત હોય છે કે શિયાળામાં રાતોરાત શરીર તંદુરસ્ત બનાવી દઇએ. આ પરંપરાના ભાગરૂપે ખાસ કરીને યુવાવર્ગ મોંઘીદાટ સાઇકલ લાવશે, બે ચાર દિવસ ફેરવશે પછી ઘરના પાછલા વરંડામાં સાઇકલ આજીવન આરામ ફરમાવશે. મફતની સલાહ આપું છું કે સાઇકલ લેવાનો ધખારો ઊપડે ત્યારે સગાસંબંધીઓ પાસે પડી રહેલી સાઇકલને બે ચાર દિવસ ફેરવી જોજો. આમ છતાં મન ના માને તો સાઇકલ જેમના ઘરેથી લાવ્યા હોય એ ઘરના વડીલ સાથે ચર્ચા કરજો, સાઇકલ પરનો ગુસ્સો તમને ઘણું બધું સમજાવશે. મૂળ વાત, ઉત્સાહના ઊભરાને આજીવન સમજવાનો પ્રયાસ કરતાં રહેવું.
મૂળ વાત, આપણે વેધરને કારણે થોડી આળસુ પ્રજા હોવાથી હજી પણ વિદેશની જેમ સાઇકલનો ક્રેઝ વધ્યો નથી. આરંભે શૂરા જેવી ઘટનાને છોડતા ઘણા મિત્રોના સાઇકલના નશાને વંદન કરવાનું મન થાય. વિદેશી ફિલ્મો અથવા ડોક્યુમેન્ટરીમાં કાર લઇને નીકળે અને ક્યાંક કાર પાર્ક કરવામાં આવે. કારમાં રાખેલી સાઇકલ લઇને જંગલમાં રખડવા નીકળી પડે એ જોવાની મજા આવે છે. આ પ્રયોગ માટે આપણે એક નંબરના આળસુ તો ખરા જ. જેમ જેમ સુખ સાહ્યબી વધતી જાય છે તેમ આળસ આપણા પર કાબૂ કરવા લાગી છે, એમાં સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. આપણે મોકો મળે ત્યારે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતાં પીતાં એન્વાયરમેન્ટની બૃહદ ચર્ચા કરીએ પણ ગ્લોબલ વોર્મિંગની વાતો વચ્ચે સાઇકલ ચલાવવાનો તો ઠીક પણ પાંચસો મીટર ચાલવાનો ય કંટાળો આવે.
આપણા બાપદાદાઓ સાઇકલ ચલાવતા હતા, ખાસ તો લાઇટવાળી સાઇકલ રાખતા. એ જમાનામાં લકઝરી ગણાતી જૂની કાળા રંગની સાઇકલ સાથે વડીલો તસ્વીર પડાવતા. આઝાદીના લગભગ બે દાયકા સુધી સાઇકલ આવશ્યક હતી, પણ ટુ વ્હિલરનું માર્કેટ ઓપન થતાં સાઇકલ પરત્વેનો સ્ટેટસ જેવા કારણોસર પ્રેમ ઘટવા લાગ્યો. છેલ્લા બે દાયકાથી ટુ વ્હિલરનો મોહ ઘટીને ટ્રાફિકજામની જનક કારની માયા વધી છે, બલ્કે નવા નવા મોડેલની કારો વધતી બજારમાં આવતી જ જાય છે. આમ છતાં એક વાત કબૂલ કરવી પડે કે ડિઝાઇનર અથવા સાદી સાઈકલનું માર્કેટ ટકી રહ્યું છે.
યુરોપના ઘણા દેશોએ ખાસ સાઇકલ કલ્ચર વિકસાવ્યું છે. નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ જેવા દેશોમાં સાઈકલ ચલાવવા અલગ માર્ગ સહિત ઘણી સુવિધાઓ આપવામાં આવે છે, એન્વાયરમેન્ટને ફાયદો થતો હોય તો થોડો ભોગ આપી શકાય.
થોડા સમય પહેલાં હું એક સાઇકલના સ્ટોરમાં ગયો હતો, ત્યાં ઇલેક્ટ્રિક સાઇકલ પણ જોવા મળી. આ સાઇકલથી જેટલા પેન્ડલ મારો એના કરતાં વધારે આઉટપુટ મળે, મતલબ કે તમારે ખાલી સાઇકલ પર બેસવાનું અને બાકીનું કામ એના પાર્ટ્સ કરે. સાઇકલ પર લાંબી જર્ની કરવી હોય તો વધારાની એનર્જી કામ લાગે. હાલમાં ઇલેક્ટ્રીક સાઇકલ મળતી હોવા છતાં પ્રમાણમાં યુવાધન શા માટે સાઇકલ પરત્વે ઓછું આકર્ષણ ધરાવતું હશે એ સવાલ સહુના મનમાં થતો હોય છે. સાઇકલ નહીં ચલાવવા પાછળ કદાચ સામાજિક સ્ટેટસ વચ્ચે આવતું હશે, સાઇકલમાં કમ્ફર્ટ અથવા સેફ્ટી લાગતી ના હોય. ખાસ તો બાળકો મહદઅંશે પોતાના પેરેન્ટસને સાઇકલ ચલાવતા જોતાં નથી, આ કારણે નવી જનરેશનમાં સાઈકલ પરત્વેનો હકારાત્મક અભિગમ નથી. જ્યારે તે સમજણ કેળવે છે ત્યારે ટુ વ્હિલરની જાહેરાત તેમના માનસ અને વિચારો પર કાબૂ મેળવે છે, બાકી દેખાદેખી પૂરું કરે છે.
આપણે ત્યાં ગંભીર સમસ્યા એ છે કે અસંખ્ય પ્રયાસ કરવા છતાં ટ્રાફિક અંગે અવેરનેસ નથી. રસ્તાઓ પેટ્રોલ, ડિઝલનાં વાહનોથી ભરેલા છે. ડ્રાઇવિંગ સેન્સના અભાવ થકી માંતેલા સાંઢ જેવાં વાહનો રાહદારીઓને છોડતા નથી. અકસ્માતોની ઘટનાઓથી એક કે બે બાળકોના જમાનામાં માતાપિતાના મનમાં અસલામતી ભાવના જાગ્રત થવી સહજ છે. અકસ્માતના ડરથી પેરેન્ટસ બાળકોને સાઇકલ પરત્વે પ્રોત્સાહન આપતા નથી. પર્યાવરણ અને સ્વાસ્થ્ય જેવા વિષયો માટે જરૂરી એવી સાઇકલ જેવા મુદ્દે જાગરૂકતા કેળવવા બે ત્રણ પેઢીઓ સુધી પ્રયાસો કરવા પડશે. જો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રયાસ કરીએ તો ભવિષ્યની પેઢીઓ માટે એકાદ ટકાનું ય જતન કર્યાનું ગૌરવ રહેશે, પણ ચાલકની સલામતી એ પાયાની શરત છે.
આખો દિવસ એસીમાં બેસીને કામ કરવા છતાં જ્યારે ઘરે જતી વેળા વ્યક્તિ કારનો સીટબેલ્ટ પહેરે છે ત્યારે થાકનો અનુભવ કરે છે. આ વાતનો અર્થ એ કરી શકાય કે માણસને શારીરિક કરતાં માનસિક થાક વધારે છે, સરેરાશ માણસ સ્ટ્રેસમાં જીવે છે. તણાવમાં રહેલી વ્યક્તિ એના અનુકૂળ સમયમાં ખુલ્લામાં ફરે, પ્રકૃતિ સિવાય કોઈ સ્ટ્રેસ ઘટાડવા માટે બીજો ઇલાજ નથી એ જાણવા છતાં પ્રકૃતિની નજીક રહેલી સાઇકલ પર નજર નાખવા તૈયાર નથી.
હવે એ યુગ નથી કે એક જ પ્રકારની લેડીઝ કે જેન્ટસ સાઇકલ મળે છે. જંગલમાં રખડવા ખાસ ડિઝાઇન થકી બનાવેલ માઉન્ટેન સાઇકલના ટાયર પહોળા હોય છે. માઉન્ટેન સાઇકલમાં જોર વધારે કરવું પડે છે અને સ્પીડ ઓછી હોવાથી ઉબડખાબડ માર્ગમાં પ્રમાણમાં સલામત હોય છે. શહેરમાં રખડવા માટે પાતળા ટાયરવાળી ખાસ પ્રકારની મિન્સ રોડ બાઇસિકલ મળે છે જેમાં થોડા ઝૂકીને સાઇકલ ચલાવવી પડે. હા, કેડો રહી જાય તો મને કહેતાં નહીં, પણ આ સાઇકલ રેસિંગના અથવા સ્પીડના શોખીનો માટે છે. આ સાઇકલ ચલાવવા રોડની ક્વોલિટી સારી જોઈએ અને બેકપેઇનની સમસ્યા ન હોય તો મજા માણી શકાય. આ બંને પ્રકારની સાઇકલની મજા જોઇતી હોય તો તેમના ફ્યુઝન જેવી હાઇબ્રિડ સાઇકલ પણ બજારમાં મળે છે. મધ્યમ સાઇઝના ટાયર ધરાવતી આ સાઇકલમાં સ્પીડ અને કમ્ફર્ટનું કોમ્બિનેશન હોય છે, કેડેથી ઓછા ઝૂકીને દૂર અંતરે વસેલી પ્રકૃતિથી માંડીને શહેરની ગલીઓમાં રખડી શકાય. ફ્યુઝન સહિત ત્રણે પ્રકારની સાઇકલમાં ઇલેક્ટ્રિક સાઇકલે પ્રવેશ કર્યો છે, આમ તો ઇલેક્ટ્રિક સાઇકલનો ઇતિહાસ સો વર્ષ જૂનો છે પણ આજકાલ સ્માર્ટ યુગના જમાનામાં શ્રમને ઘટાડવા કામ લાગી શકે. ઇલેક્ટ્રિક સાઇકલમાં પેડલ જ ચાર્જરનું કામ કરે, સંજોગોવશાત ચાર્જિંગ ના થાય તો જાત મહેનત મિન્સ પેન્ડલ જિંદાબાદ તો છે જ.
સાઇકલોની વાત લખવાનો આશય એટલો જ છે કે પર્યાવરણ બચાવવું જરૂરી છે, ભવિષ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થવાનો છે ત્યારે કોઈ પણ પ્રકારની સાઇકલ કામ લાગી શકે છે. ઇવન યુરોપના ઘણા દેશોમાં સાઇકલને ચાર્જ કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે પર્યાવરણના જતન માટે સાઇકલને પ્રોત્સાહન મળે એવા વિશિષ્ટ માર્ગ બનવા જોઈએ.
ઇવન ભારતીય સાઇકલ બનાવનારાઓએ ભારતીય પરિસ્થિતિ મુજબ ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ, ખાસ તો લાંબા અંતર સુધી જવા માટે સીટનું કમ્ફર્ટ વધારવું જોઈએ. આજકાલ સાદી બ્રેકને બદલે સલામત બ્રેકવાળી સાઇકલ બને છે. સાઇકલચાલકની સલામતીને અનુરૂપ ડિઝાઇન અને એસેસરીઝ બનવી જોઈએ. ખાસ તો મોંઘી સાઇકલની ચોરીઓ ઘટે એવા સલામત પાર્કિંગ બનવા જોઈએ, બાળકોની સૌથી વધુ સાઇકલ ક્લાસ અથવા શાળામાંથી ગાયબ થતી હોય છે. મુંબઈ અમદાવાદ જેવાં શહેરોમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા કાબૂ બહાર છે એ જોતાં જૂની અને જાણીતી સાઇકલને પ્રોત્સાહન આપવું જોઈએ.
સાઇકલ ખરીદી માટે નીકળો એટલે લઈને આવવી એવી મમત છોડીને પોતાના શરીર તથા મનોસ્થિતિનો પણ એકાદ અભ્યાસ કરવો જોઈએ. એક વાત યાદ રાખવી, જ્યારે સાઇકલ લેવા માટે જાવ તો દેખાદેખી ને બદલે તમારી કમ્ફર્ટ મુજબ સાઇકલ ખરીદજો. સ્વાસ્થ્ય સપોર્ટ ન કરતું હોય તો બીજી કસરતો છે, સાઇકલનો પ્રયોગ નુકસાન કરી શકે છે. સાઇકલ ખરીદતી વેળા એક વાતનું ધ્યાન રાખવું કે પેન્ડલ જ્યારે સૌથી નીચે હોય ત્યારે તમારો પગ સીધો રહેતો હશે તો થાક ઓછો લાગશે બાકી પગ સીધો નહીં થાય તો પેન્ડલ જ તમારા પગને વાળી વાળીને દુખાડી દેશે. ઘણા અકારણ સીટ ઊંચી કરાવે છે, તમારે હેન્ડલ પકડવા વધારે નમવું પડે અને એ ભારતીય માર્ગમાં કેડને નુકસાન કરી શકે. સાઇકલ પસંદ કરતી વેળાએ સાઇકલ ચલાવતા બહુ નમવું પડે નહીં એવી કાળજી રાખવી. સાઇકલ ચલાવ્યા પછી પગ, ઘૂંટણ કે બેકપેઇન થાય તો જાતે ઇલાજ કરવાને બદલે નિષ્ણાતની સલાહ લેવી. આજકાલ કમ્ફર્ટ સાઇકલ ચલાવવા માટે ગીઅરવાળી સાઇકલ કામ લાગી શકે. ફાઇનલી હેલ્થ કોન્સિયસ થવું એ અલગ છે અને તેની પાછળ આદું ખાઇને રાતોરાત પાછળ પડી જવું એ અલગ છે. સાઇકલિંગના જાણકાર સલાહ આપે છે કે સાઇકલ ચલાવવાનો સમય ધીમે ધીમે વધારવો, પહેલા દિવસથી આક્રમણ કરવાની જરૂર નથી. હા, બાકી સાઇકલિંગ એક નશો છે…
વીર સાઇલિસ્ટ મિત્રો, સાઇકલ સાથે થોડું બજેટ એસેસરીઝ માટે રાખજો. સાઇકલ લઇને નીકળો ત્યારે હેલમેટ પહેરવી, વહેલી સવાર કે મોડી સાંજ હોય તો ટોર્ચ સાથે રાખવી અને સાઇકલ પર રિફ્લેકટર્સ રાખવા. લાંબા પ્રવાસો મહદઅંશે ગ્રુપમાં કરવા, માસ્ક પહેરવો અને કાન બંધ રાખવા જોઈએ. ખાસ તો ચોખ્ખી હવામાં સાઇકલ ચલાવવી. હા, સૌથી મોટી વાત યાદ રાખજો કે પાછા આવવાની એનર્જી હોય એટલા જ અંતર સુધી સાઇકલ ચલાવવી. આમ તો આ જીવનનો મંત્ર છે પણ અમારી વાત કોણ માને છે?
ઘણા લાંબા અંતરે પહોંચી ગયેલા ઉત્સાહીઓને ઘરમાં મર્સિડીઝ હોવા છતાં ટેમ્પો કે છકડામાં પરત આવતા જોયા છે એટલે યાદ આવ્યું. શિયાળામાં તંદુરસ્તી માટે જેમને સાઇકલ ચલાવવાની છે એમને ફરી યાદ કરીએ. સાંજે સાઇકલ ચલાવવા કરતાં સવારે સાઇકલ ચલાવવી વધારે હિતાવહ છે, એવરેજ વીસ પચ્ચીસ મિનિટ સાઇકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
બાકી દરેક લખનારાની જેમ હું પણ મફતની સલાહ આપી રહ્યો છું. મારા પિતાજીએ લાખ પ્રયાસો કરવા છતાં મને સાઇકલના સદભાગ્ય થકી મને સાઇકલ ચલાવતા આવડતી નથી. જો કે એ જમાનામાં શાહરુખની મોટિવેશનલ ફિલ્મો હતી નહીં અથવા કોઈ મોટિવેશનલ ટ્રેઇનરે સ્પીચ આપી હોય તો કદાચ શીખ્યો હોત. એ કલાકારોને હું ક્યારેય ભૂલી શક્યો નથી જેમના દશ પંદર દિવસના સાઇકલ શો થતાં હતાં. સાઇકલ પર દિવસો સુધી પસાર કરીને મહેનતથી પૈસા કમાતા હતાં, પાકિસ્તાનના લેખકની કથા આધારિત ઇરાનમાં સાઇકલિસ્ટ નામની ફિલ્મ બની હતી, જેમાં સાઇકલસવાર દિવસો સુધી સાઇકલ ચલાવીને પોતાના બાળકની સારવાર કરાવવા ખેલ કરે છે. આ ખેલ વખતે લોકો એના પર જાતજાતની શંકાઓ કરે છે, સખત મહેનતથી કમાયેલા નાણાં ચોરી થાય છે એવી કથામાં સાઈકલચાલક કળાકારની વ્યથા વ્યક્ત થઇ હતી. સાઇકલ એ ફક્ત વાહન નથી પણ ભારતમાં દોઢસો વર્ષથી ઇતિહાસનું વહન પણ કર્યું છે.
મૂળ વાત, છેક ૧૮૧૭માં પહેલીવાર જર્મનીમાં સાઇકલનો પ્રારંભ થયો, પ્રારંભિક કક્ષાની સાઇકલ પણ લકઝરી ગણાતી. સાઇકલ શબ્દ ૧૮૬૦ના દાયકામાં ફ્રાન્સની ભેટ છે. પેઢીઓથી સાઇકલની હાજરી હોય એટલે નાનપણથી અદમ્ય ઇચ્છા કે સાઇકલ આવડે એટલે જલ્સા, પણ કમનસીબે આવડી જ નહીં. મનોવિજ્ઞાન એવું માને છે કે કિશોરવય સુધીમાં સાઇકલ ચલાવતા શીખવી જોઈએ. જ્યારે સાઇકલ ચલાવીએ છીએ ત્યારે એક સાથે ઘણા કાર્ય કરવા પડે છે. પેન્ડલ મારવાથી માંડીને હેન્ડલ અને બ્રેક પર કાબૂ રાખવા સાથે બેલેન્સ રાખવાની સમજ મળે છે. હા, એકવાર સાઇકલ ચલાવતા આવડે એ પછી સ્વિમિંગની જેમ આજીવન યાદ રહી જાય છે. મનોવૈજ્ઞાનિકોના મતે સાઇકલ એ જિંદગીના લેશન માટે જરૂરી છે. સાઇકલ નથી આવડતી એ પછી આ મનોવૈજ્ઞાનિકોએ મારા જેવાનો કોન્ફિડન્સ તોડી નાખ્યો. સાઇકલ ચલાવવાથી માણસનો સ્ટ્રેસ ઘટે છે. જિંદગી સાઇકલ જેવી છે, મહાન લેખકોએ સાઇકલની જિંદગી સાથે કમ્પેરિઝન કરતાં પાનાઓ ભર્યાં છે. પેન્ડલ મારવા પડે, પંક્ચર પડે તો ધકેલવી પડે, જિંદગીના સ્ટિયરિંગને કાબૂમાં રાખવા સાઇકલ ઉપયોગી છે, પરસેવો પાડવો પડે વગેરે વગેરે જેવા અઢળક મોટિવેશન લખાણો લખાયાં છે, આપણે આ મેટરમાં કંઈ વાંકગુના વગર પડવું નથી. તેલ લેવા જાય એ મોટિવેશન, નથી આવડતી અને શીખવા ય પ્રયત્ન કર્યો નથી. આળસુ રહેવાનું ગૌરવ પદક સાથે જિંદગી પૂરી કરવી પડશે, શું થાય?
ધ એન્ડ : કળાઓ પ્રત્યે ખાસ લગાવ હોવાથી મહાત્મા ગાંધીએ વિજય ભટ્ટને ‘નરસિંહ મહેતા’ ફિલ્મ બનાવવા પ્રેરણા આપી હતી. એમ. એસ. શુભલક્ષ્મીને મીરાંના ભજન ગાવાની પ્રેરણા આપી હતી અને તેમની હાજરીમાં દક્ષિણ આફ્રિકામાં ફૂટબોલની ટીમો બની હતી.