પુસ્તક: કૂંડામાં તાડનું ઝાડ વાવવાની પ્રેરણા
જો કોઇ મારી સામે સારુ પુસ્તક ધરે અને તે મેળવવા જો મારે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી પડે તો તે મને મંજૂર છે. – સોક્રેટિસ
હેન્રી શાસ્ત્રી
એક મરાઠી વર્તમાનપત્રનો પ્રચાર કરતા વિજ્ઞાપનમાં સ્લોગન છે: : पत्र नव्हे मित्र. મતલબ કે આ માત્ર વર્તમાનપત્ર નથી તમારો મિત્ર છે. પુસ્તક દિન નિમિત્તે લખતી વખતે એ સ્લોગન યાદ આવી ગયું અને એની પ્રેરણા લઈ પુસ્તક નહીં, પ્રેમિકા એવું સ્લોગન સૂઝ્યું પણ પછી તરત પરણેતર શબ્દ જોડી દીધો, કાયમી સહવાસની અદમ્ય ઈચ્છાને કારણે. સ્લોગન બન્યું: પુસ્તક નહીં પ્રેમિકા – પરણેતર. એક ચોખવટ: પ્રેમિકા જ પરણેતર છે, બંને ભિન્ન નથી.
ગુજરાતીઓના ટૂ – થ્રી – ફોર બીએચકે ફ્લેટમાં જાવ તો એનું ગ્લેમર આંખને આંજી નાખનારું હોય. ડ્રોઈંગ રૂમમાં ક્રોકરીનું આલીશાન શો કેસ હોય, ૬૫ – ૭૫ – ૮૫ ઈંચનું લેટેસ્ટ ટેક્નોલોજીનું ટીવી હોય, એક શૂ રેક હોય જેમાં ઘરના પાંચ સભ્યના ૧૫ જોડી ચપલા – સ્નીકર્સ – સ્ટિલેટો હોય, ફોરેન ટૂરમાંથી ખરીદેલા સુવેનિયર અને એવું બધું હોય, પણ… પણ ઘાસની ગંજીમાંથી એક વાર સોઈ મળી આવે, ઘરમાં સમ ખાવા પૂરતું એક પુસ્તક મળવું મુશ્કેલ. અલબત્ત અપવાદ દરેક બાબતે હોય છે એમ સમજણો થયો ત્યારે ઘરના ડ્રોઈંગ રૂમમાં ક્રોકરીની નહીં, પુસ્તકોની સજાવટ નજરે પડી. નાનપણમાં (૮ – ૧૦ વર્ષની ઉંમરે) બકોર પટેલ, છકો – મકો, મિયાં ફુસકી – તભા ભટ્ટ પુસ્તકો વાંચવા મળ્યા જેના કારણે પુસ્તક માટે લગાવ થયો અને આજે ૬૮ વર્ષની ઉંમરે એ લગાવ અકબંધ છે. જીવનમાં ભાષા અને ભાર્યા (પત્ની) માટે કાયમ પ્રેમ રહ્યો છે અને પ્રેમ પામ્યો છું. ભાષા પ્રેમને કારણે જ પુસ્તકનો સહવાસ સાંપડ્યો છે. પુસ્તકો કેટલા વાંચ્યા એના કરતાં વિશેષ મહત્ત્વ છે કેવા વાંચ્યા છે. ઉમર વધે અને સમજણ વિકસે એમ રુચિ બદલાય એ સ્વાભાવિક છે. એક ઉંમર હતી જ્યારે ફાધર વાલેસના પુસ્તકો વાંચવા બહુ બહુ ગમતા. શિખામણના વરખ ધરાવતા ડેલ કાર્નેગીના પુસ્તક ન વાંચ્યા હોય તો અપરાધ ભાવના મહેસૂસ કરાવવામાં આવતી. શાળામાં આયોજિત કરવામાં આવતા મહેન્દ્ર મેઘાણીના ‘પુસ્તકમેળામાં’ વોલિન્ટિયર્સ બનવા મળ્યું તો ધન્યતા અનુભવતા, કારણ કે મહાન લેખકોના પુસ્તકોના સાનિધ્યમાં રહેવાની તક મળતી અને પૈસા ખર્ચ્યા વિના સૂચિત પુસ્તક વાંચવાનો લ્હાવો પણ મળતો. અખબારની નોકરી દરમિયાન તો પુસ્તક વાંચનનો શોખ ફૂલ્યો ફાલ્યો. અનેક વિષયના અનેકવિધ પુસ્તક વાંચ્યા. કોઈ અદ્ભુત હતા, કોઈ બકવાસ હતા, કોઈએ આનંદ આપ્યો તો કોઈએ સમજણનો વિસ્તાર કર્યો, પણ કેટલાક પુસ્તક એવા છે જેમનું ઋણ ક્યારેય નહીં ભુલાય, કારણ કે એ પુસ્તકોએ મગજની બારી ખોલી એમાં રહેલા તિમિરને પોતાના તેજથી હડસેલો મારી હટાવ્યો છે. નાના કુંડામાં તાડનું ઝાડ વાવવાની અદમ્ય ઈચ્છાને જન્મ આપ્યો છે. ૪૯ માળના બિલ્ડિંગમાં ૫૦માં માળે અલાયદું ઘર બાંધવાની હિંમત કરવાની પ્રેરણા આપી છે. આજે પ્રકાશ પુંજ જેવા એક પુસ્તકની વાત કરવી છે જેણે અંગત ભાવવિશ્ર્વને સમૃદ્ધ બનાવ્યું.
એ પુસ્તક છે ગુજરાત વિદ્યાપીઠનું ‘અનુવાદની સમસ્યા: એક સંગોષ્ઠિ’ જેમાં સંપાદક તરીકે નામ છે મોહનભાઈ પટેલનું. આ પુસ્તકમાં ‘અનુવાદનું વિસ્મય’ મુદ્દામાં મોહનભાઇ ૧૯૫૦ના દાયકામાં યુનાઇટેડ નેશન્સનો સર્વોચ્ચ ગણાતો સેક્રેટરી જનરલનો હોદ્દો સંભાળનારા સ્વીડનના અર્થશાસ્ત્રી અને રાજદ્વારી દાગ હેમરશિલ્ડની આત્મકથા (Vagmarken)નું ઉદાહરણ આપી વાચકની સમજણનો વિસ્તાર કરે છે. આ આત્મકથા સ્વિડિશ ભાષામાં લખાઈ છે. એનો અંગ્રેજી અનુવાદ – Markings – મૂળ કૃતિ કરતા વધુ લોકપ્રિય થયો હતો. સૌથી હેરત પમાડનારી વાત એ છે કે અંગ્રેજીમાં અનુવાદ કરનારા બ્રિટિશ લેખક ડબ્લ્યુ. એચ. ઓડિન સ્વિડિશ ભાષા ન જાણતા હોવા છતાં સુંદર અનુવાદ આપી શક્યા હતા. આવડું મોટું સાહસ કરવા ઓડિન કેમ તૈયાર થયા હશે એવો સવાલ થવો સ્વાભાવિક છે. શ્રી ઓડિન કેટલીક શરતો રાખી કામ કરવા તૈયાર થયા હતા. તેમણે એક એવા સહ કાર્યકરની માંગણી કરી ૧) જે સ્વિડિશ હોવો જોઈએ ૨) સ્વિડિશ શબ્દોની વિવિધ અર્થચ્છટાનાં સમરૂપો એક અંગ્રેજી શબ્દમાં ન હોય તો જુદા જુદા સમાનાર્થી અંગ્રેજી શબ્દોની યાદી આપી શકે તેવી ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. ૩) પોતાને નિ:શેષ કરી શબ્દને બદલે શબ્દ જ માત્ર આપે તેવો, પોતાનું ડહાપણ ન ઉમેરે તેવો હોવો જોઈએ. ઓડિનને એવો સહકાર્યકર મળ્યો અને એક લાજવાબ અનુવાદ દુનિયાને મળ્યો. આ છે પુસ્તક વાંચનની તાકાત, એનું સામર્થ્ય. આ વાંચ્યા પછી જો આજના ટેકનોલોજીના જમાનામાં લાઈબ્રેરીમાં પુસ્તકો પર જામેલી ધૂળ ખંખેરી તમને ગમે એવા પુસ્તકના પાનાં ઉથલાવી વાંચવાનું મન થાય, ઈચ્છા જાગે તો તેનાથી રૂડું શું? અને ‘પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા’ કેવળ એક સ્લોગન બની ન રહેતા હકીકત બનવાની દિશામાં આગળ વધી શકાય.