કડવો પણ નરવો -લીમડો !
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
આધુનિક વિદ્વાનો જેને માર્ગોસા ટ્રીને નામે ઓળખે છે એ લીમડો ભારતમાં ઠેર ઠેર પેદા થાય છે.
પ્રાચીનકાળના ઋષિમુનિઓથી માંડીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ લીમડાનો ઉપયોગ આરોગ્ય માટે સદીઓથી કરતાં રહ્યાં છે.
ભદ્ર-શ્રીમંત વર્ગથી લઈને ગરીબ વર્ગનાં લોકોએ પણ લીમડાના ગુણો ગળથુથીમાં પીધાં છે અને પાયા છે.
આયુર્વેદ શાસ્ત્રમાં તો લીમડાનાં અનેકાનેક ગુણો અને ઉપયોગો વિશદ રીતે વર્ણવેલાં છે.પણ, અત્યારનો એક મોટો વર્ગ ભારતથી ભારત વાયા વિદેશ થઈને આવેલ વાતને જ સ્વીકારે છે. તેવાં લોકો માટે એક માહિતી કે લીમડા પર ૩૦ વર્ષ પહેલાં અધ્યયન કરી ચૂકેલા અમેરિકન વિદ્વાન ડોક્ટર નોઈલ વ્હીટમેયરે પણ દુનિયાને લીમડાનું મૂલ્ય અને મહત્વ સમજાવ્યું છે.
વ્હીટમેયરે ૧૦ વર્ષનાં મેરેથોન અભ્યાસ અને સંશોધન પછી લીમડાને ’અદભુત વૃક્ષ’ નામ આપ્યું હતું. લીમડામાંથી બનાવેલા રાસાયણિક યોગો લગભગ એકસો કરતાં વધુ જાતિ – પ્રજાતિનાં બેક્ટેરિયા, વાઇરસ વગેરેનો નાશ કરે છે. લીમડાનો બીજો પ્રભાવશાળી ગુણ એ છે કે એનાથી આપણા ખાદ્યઅન્નને લગભગ એક વરસ સુધી કીટાણુઓથી બચાવી શકાય છે. લીમડો કીટાણુઓનો નાશ કરતો હોવા છતાં બીજી રાસાયણિક કીટાણુનાશક દવાઓની જેમ માનવ કે પશુ પર એની કોઈ આડ અસર થતી નથી.
કેટલાંક સંશોધનોમાં લીમડો પરિવાર નિયોજન માટે પણ ઉપયોગી પુરવાર થયો છે. લીંબોડીનું તેલ શુક્રાણુનાશક છે. લીંબોડીના તેલમાં શુક્રાણુઓ નાશ પામે છે અને આગળ વધી શકતા નથી. આથી સંતતિનિયમનમાં પણ તેનો મહત્વનો રોલ ધ્યાનમાં આવેલ છે. લીમડા અને લીંબોળીનાં તેલનાં બાહ્ય અને આભ્યન્તર બન્ને પ્રયોગોનાં ઉત્સાહવર્ધક પરિણામો મળેલાં છે. આ મુદ્દા પર હજુ વિશાળ પાયા પર સંશોધનો થવાં જોઈએ. સાથે સાથે જ એક મહત્વની વાત કે જેઓ ચામડી વગેરે રોગો માટે લીમડાનો ઉપયોગ કરતા હોય તેમણે ઉપરયુક્ત સંશોધનથી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આયુર્વેદે લીમડા સહિત બધા જ કડવા ઔષધોનાં અતિ ઉપયોગથી જ શુક્રાણુઓ પર અસર થાય છે એમ કહ્યું છે. એની સામાન્ય માત્રાની શુક્રાણુઓ પર કોઈ અવળી કે ખરાબ અસર થતી નથી.
લીમડાનાં પાન અને લીંબોળીનાં તેલમાં રહેલું લીમ્બિન નામનું રસાયણ સડાનો – સંક્ર્મણનો નાશ કરનાર એન્ટિસેપ્ટિક અને ફૂગનાશક સાબિત થયું છે. વળી તે સોજો ઉતારનાર (એન્ટિ ઇન્ફલામેટરી) તરીકે પણ ઉપયોગી છે. એનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ લીમડાનું દાતણ કરવાથી પેઢામાં સડાને પેદા કરતા જીવાણુઓનો નાશ થાય છે. પેઢાં અને દાંત મજબૂત બને છે.
લીમડો ચામડીનાં રોગોમાં તો ચમત્કારિક પરિણામ આપે છે. લીમડાને ચૈત્ર મહિનામાં કુમળા કુમળા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે. ગામડાના લોકો આ પાન અને ફૂલને વાટીને એમાં થોડુંક મીઠું ઉમેરીને પીએ છે. એનાથી ઉનાળામાં નીકળતા ધામિયા નામના ગુમડાઓ, ચામડીનાં ખંજવાળ સાથેના દાદર ખરજવું, ખસ વગેરે રોગો થતાં નથી અને થયાં હોય તો મટે છે.
એસીડીટીના દર્દીઓને એ ખબર નહીં હોય કે આસપાસમાં કે આંગણામાં છાંયડો પાથરતો લીમડો એસિડિટીને જળ મૂળથી નાબુદ કરનાર ઔષધ છે. જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેને લીમડાના પાન અને નમકનું મિશ્રણ ખૂબ જ ઉપયોગી થાય છે. લીમડા સાથે મીઠું એટલા માટે ઉમેરવામાં આવે છે કે લીમડો કડવારસવાળો હોવાને કારણે વાયુ પેદા કરે છે પણ મીઠું(નમક) ઉમેરવામાં આવે તો વાયુનો પ્રકોપ નથી થતો.
અરૂંશિકા નામક ત્વચાનો વિકાર કે જેમાં માથાની ચામડીમાં એક અથવા એકથી વધારે ભીંગડાવાળા ગુમડા થાય છે. જેમાંથી ચીકણું પ્રવાહી નીકળે છે ને ખંજવાળ પણ ખૂબ જ આવતી હોય છે. અને એમાં પણ જૂ અને લીખો સાથે હોય તો દર્દીની હાલત ખૂબ જ દયનિય થઈ જાય છે. આ પ્રકારના રોગમાં માથામાં નાખવા માટે લીંબોળીનું તેલ લઈ તેમાં કપૂરની ગોટી ભૂકો કરી મિક્સ કરી એ તૈલ વાપરવું.
કપૂર પણ એક ઉત્તમ કીટનાશક અને દુર્ગંધનાશક છે. લીંબોળીના તેલની દુર્ગંધને પણ કપૂરની સુગંધ દબાવી દે છે.
આવાં દર્દીએ અરીઠા, શિકાકાઈ, લીમડાનાં પાન અને દારૂ હળદરનો ઉકાળો બનાવી તેનાથી માથું ધોવાનું રાખવું. સાથે વૈદ્યની સલાહ મુજબ નિમ્બ ઘનવટી અને લીમડાનાં પાનનાં તાજા રસનો પ્રયોગ કરવો. જમવામાં ખટાશ, મીઠી વસ્તુઓ,ગોળ અને ખાંડવાળા પદાર્થો બંધ કરી દેવા. અરુંશિકાની ગમે તેવી ઉગ્ર સમસ્યા પણ ઉપરયુક્ત ઉપચારથી નષ્ટ થાય છે.
ટૂંકમાં, લીમડામાં એટલા બધા ગુણો રહેલા છે કે એના પર હજુ વધારે સંશોધન થવું જરૂરી છે. આવો લીમડો આપણાં પર કુદરતના સૌથી મોટા આશિર્વાદ સમાન છે. હંમેશા પશ્ચિમી પવનમાં તણાઈ જતાં આપણાં અનુંસંધાનકર્તાઓએ લીમડાને હજુ વધુ એક્સપ્લોર કરવાની જરૂર છે.