ભૃંગરાજ-ભાંગરો એક ઉપયોગી વનસ્પતિ
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
કાળા,લાંબા અને સુંવાળા વાળ સ્ત્રી અને પુરુષો બન્નેને ખૂબ ગમે છે. આવા વાળ એ સ્ત્રીનાં સૌંદર્યનું એક મહત્ત્વનું અંગ છે.આથી જ વાળનાં જતન અને સંવર્ધન માટે અથાગ પ્રયત્નો થતાં હોય છે.
આયુર્વેદમાં વાળને ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
વાળની ખાસ ચિકિત્સા માટેનાં ઔષધોમાં કેશરાજ મુખ્ય છે.
સંસ્કૃતમાં કેશરાજ કે ભૃંગરાજ તરીકે ઓળખાતા ઔષધને ગુજરાતીમાં ભાંગરો નામથી ઓળખાય છે. ભાંગરો નામ લોકોમાં ખૂબ જાણીતું છે. ભાંગરો વાળના રોગો અને વાળની તંદુરસ્તી માટે ઉત્તમ હોવાથી તેને કેશરાજ નામ અપાયું છે. ભૃંગરાજને નામે બજારમાં મળતા માથામાં નાખવાનાં તેલ આ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે.
તેલ બનાવવામાં ખરેખર શુદ્ધ ભાંગરો વાપર્યો હોય અને શાસ્ત્રીય વિધિ પ્રમાણે તેલ બનાવ્યું હોય તો એ કેશનું રક્ષણ અને વૃદ્ધિ જરૂર કરે છે. પણ, આજનાં ભેળસેળિયા યુગમાં વિશ્ર્વાસ કેટલો રાખવો તે વિચારવાનો મુદ્દો છે.
આ ધર્મસંકટ કે જોખમમાંથી બચવા ભાંગરાનું તેલ જાતે જ બનાવવું ઉત્તમ છે.
ભાંગરાનું તેલ હાથે બનાવવું ઘણું જ સહેલું છે.
સૌ પ્રથમ ભાંગરાનો સ્વરસ ૮૦ ભાગ,તલનું તેલ ૨૦ ભાગ લેવાં. આ બે પ્રવાહી ઉપરાંત મંડુર,હરડે, બહેડા આમળા અને સારીવા આ દરેક દ્રવ્ય એક-એક ભાગ લેવાં.
પ્રથમ મંડુર વગેરે પાંચેય દ્રવ્યોનો કલ્ક (ચટણી) કરી એને તલનાં તેલ અને ભાંગરાના રસ સાથે મેળવીને મિશ્રણને ધીમા તાપે ઉકાળવું. પાણી બળી જાય ને તેલ એકલું બાકી રહે ત્યારે તૈલપાકનાં લક્ષણો ચકાસી, નીચે ઉતારીને ગાળી લેવું.
આ તેલ માથામાં વાળના મૂળમાં દરરોજ નાખવાથી અકાળે વાળ સફેદ થયા હોય તે મટે છે. વાળ સુંવાળા, ભરાવદાર, કાળા અને લાંબા થાય છે. ઉંદરી અને ખોડા માટે પણ અકસીર છે.
આ તૈલનાં બાહ્યપ્રયોગની સાથે ખોરાકમાં પણ પરહેજ રાખવી જરૂરી છે. સાદો, તાજો ને પચવામાં હળવો પથ્ય ખોરાક લેવો.
ઉત્પતિની દ્રષ્ટિએ ભાંગરો આખા ભારતમાં થાય છે. ગુજરાતમાં અમદાવાદ અને તેની આજુબાજુનાં વિસ્તારમાં પણ સારાં પ્રમાણમાં જોવા મળે છે.
ખાસ કરીને સતત ભીની રહેતી જમીનમાં ભાંગરાનાં છોડ થાય છે.
આ છોડના શાસ્ત્રમાં ત્રણ પ્રકાર બતાવ્યા છે.
એક સફેદ ફૂલવાળો
બીજો પીળાં ફૂલવાળો
અને ત્રીજો કાળા ફૂલવાળો.
ગુજરાતમાં સફેદ ફૂલવાળો ભાંગરો વિશેષ થાય છે અને વપરાય છે.
પીળા ફૂલવાળો ભાંગરો બંગાળ અને તેની આજુબાજુ થાય છે એના ગુણો લગભગ સરખા છે.
કાળો ભાંગરો કે જેમાં કાળા ફૂલ થાય છે એને આયુર્વેદકારોએ શ્રેષ્ઠ અને વાળ માટે ઉત્તમ બતાવ્યો છે. પણ,વાળને ભરાવદાર, મુલાયમ અને કાળાભમ્મર રાખનાર હેર કલર જેવું કામ કરનાર છતાં આર્ટિફિસીયલ કેમિકલવાળા કલરના દુર્ગુણોથી દૂર કાળો ભાંગરો સહેલાઈથી મળતો નથી. મોટા ભાગે સફેદ ફૂલવાળા ભાંગરાનો ઉપયોગ સૌ કોઈ કરે છે અને એનાં પરિણામો પણ સારાં છે.
ગુણની દ્રષ્ટિએ ભાંગરો ઉષ્ણ, રુક્ષ, હલકો, કડવો,કફ-વાતનું શમન કરનાર, શોથહર (સોજો ઉતારનાર), વેદનાસ્થાપન ( દુ:ખાવો મટાડનાર), કેશવર્ધક (વાળ વધારનાર) અને કેશરંજક (વાળ કાળા કરનાર), દીપન, પાચન, યકૃત ઉત્તેજક અને મૂત્રલ છે.
બીજ વાજીકરણ અને પંચાંગ રસાયન ઔષધ છે. ભાંગરો કમળાનું અકસીર ઔષધ છે.
ભાંગરાના સ્વરસની માત્રા ૫થી ૧૦ એમ.એલ. અને પંચાંગ ચૂર્ણ બે થી ચાર ગ્રામ વૈદ્યની સલાહ મુજબ લઈ શકાય. વધારે લેવાથી ઉલ્ટી (વમન)થવાની શક્યતા રહે છે.
આયુર્વેદમાં બતાવેલ ગુણો પરથી એટલો વિચાર જરૂર આવે કે ભાંગરો ગરમ અને રુક્ષ હોવા છતાં વાળમાં ઉપયોગી કઈ રીતે થઈ શકે ! કફ અને વાયુથી થતા વાળના રોગોમાં ભાંગરો અદભુત કામ આપી શકે છે. પણ,માથામાં અને શરીરમાં ગરમી હોય તો આવી વ્યક્તિએ ભાંગરા સાથે આમળાનો ઉપયોગ કરવો જોઈએ. ભાંગરાનો રસ આમળાનો રસ અને સાકર લઈ શકાય. સ્વરસ ન મળે તો ચૂર્ણ પણ લઈ શકાય. આ રીતે લેવાથી પિત્તવાળા કે ગરમીનાં કોઠાવાળા દર્દીઓને પણ સુંદર પરિણામ મળે છે.
વાળના રોગો ઉપરાંત પેટના રોગોમાં પણ ભાંગરો ખૂબ જ ઉપયોગી છે. આજે પણ ઘણા વૈદ્યો યકૃત(લીવર)નાં રોગોમાં ભાંગરો વાપરી સુંદર પરિણામ મેળવે છે. કમળાનું તો એ ઉત્તમ ઔષધ છે. અવારનવાર ફાટી નીકળતા કમળામાં પથ્ય આહાર સાથે ભાંગરો વાપરવાથી સારું પરિણામ મળી શકે છે.
ભાંગરાનો રસ એક ચમચી, ગળાનો રસ એક ચમચી અને સાકર એક ચમચી મેળવી દિવસમાં ત્રણ વાર લેવા. આરોગ્ય વર્ધીની સવાર સાંજ લેવી. વૈદ્યની સલાહ મુજબ ચારથી છ અઠવાડિયા સખત પરેજી રાખવી. ચરબીવાળો ખોરાક બિલકુલ ત્યાગવો. શેરડી,લીંબુ,સંતરા,મોસંબી,ગ્લુકોઝ વગેરે લેવું ને આરામ કરવો.
આધાશીશી માટે ભાંગરાનો રસ અને બકરીનું દૂધ સમભાગે લઈ સૂર્યના તાપમાં મૂકી ગરમ કરવું અને પછી એનું નસ્ય લેવું અથવા ભાંગરાના રસમાં કાળા મરી વાટી તેનો આછો લેપ કપાળ પર દુખતા ભાગ પર કરવો.. આ ઘરગથ્થુ વૈદકમાં બતાવેલો અનુભુત યોગ છે.
જૂની શરદીમાં ભાંગરાનો રસ ને તલનું તેલ સમ ભાગે લઈ તેનાંથી દસમા ભાગનું સિંધવ ઉમેરી ધીમે તાપે ઉકાળવું. પાણી બળીને તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળી પછી ઠંડું થાય ગાળીને સીસીમાં ભરી રાખવું એમાંથી દરરોજ બેથી ચાર ટીપાં બન્ને નાકમાં નાખવા. આ પ્રયોગથી જૂની શરદી, નાકનાં મસા અને સાઈનોસાઇટીસમાં ઉત્સાહજનક પરિણામ મળ્યાં છે. આ પ્રયોગ યોગ્ય વૈદ્યની દેખરેખ નીચે કરવો ને પ્રયોગ દરમિયાન કફ ન થાય તેવો જ ખોરાક લેવો.
આ રીતે ભાંગરો એ અનેક રોગોમાં ઉપયોગી એક મહત્વનું ઔષધ છે.