ધ્યાન રાખો… : કૅન્સરથી બચવું છે તો સજાગ થવું પડશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે જાગૃકતા વધારવાથી જ કૅન્સરને અટકાવવામાં, સમયસર એનું નિદાન થવાથી અને સારવારની શક્યતાઓથી બીમારીમાં સુધાર થઈ શકે છે.
આ જ કારણ છે કે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં કૅન્સર પ્રત્યે સજાગતા વધારવાની ભલામણ કરી છે. કૅન્સરની જો શરૂઆતમાં જ ઓળખ થઈ જાય અને સમયસર સારવાર શરૂ કરવામાં આવે તો વ્યક્તિનું આયુષ્ય વધારી શકાય છે. એથી એને લઈને સજાગતાથી યોગ્ય ઉપચારના પર્યાયો અને બીમારી સાથે સંકળાયેલી ખોટી ધારણાંઓને સરળતાથી દૂર કરી શકાય છે.
કેવી રીતે સજાગ રહેવું: સમયાંતરે નિયમિત આરોગ્યની તપાસ કરવી જોઈએ. બ્લડ ટેસ્ટ, સ્ક્રિનિંગ અને અન્ય સ્કેન દ્વારા શરૂઆતમાં જ કૅન્સરનાં લક્ષણો ઓળખવામાં મદદ મળે છે. સાથે જ શારીરિક ફેરફારમાં પણ ધ્યાન રાખવું જોઈએ કે શરીરમાં ક્યાંય ગાંઠ તો નથી બની રહી. રક્ત-સ્ત્રાવ તો નથી થઈ રહ્યો, વજનમાં વધારો કે પછી ઘટાડો તો નથી થઈ રહ્યો. લાંબા ગાળા સુધી જો ખાંસી ઠીક ન થાય તો એ પણ કૅન્સરની નિશાની છે.
આ બધી બાબતો પર ધ્યાન આપવાની સાથે જ ડૉક્ટરની સલાહ પણ લેવી અગત્યની છે. આ ઉપરાંત જીવનશૈલીમાં પણ સુધાર લાવવો જોઈએ. જંકફૂડથી બચવું, સ્વસ્થ આહાર લેવો, નિયમિત કસરત કરવી. ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું. સાથે જ વિવિધ પ્રકારના કૅન્સરની માહિતી રાખવી જોઈએ, જેથી યોગ્ય સમયે સારવાર કરી શકાય.
ભારતીયોએ વધુ ધ્યાન આપવું જોઈએ: આપણે ભારતીયોને કૅન્સર પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂર છે. એનું કારણ એ છે કે આપણી જીવનશૈલીમાં ઝડપથી ફેરફાર થયો છે. જંકફૂડ ખાવાની ટેવ, વધતું પ્રદૂષણ, તંબાકુનું સેવન અને આનુવંશિક લક્ષણો એના માટે કારણભૂત હોઈ શકે છે.
આપણા દેશમાં તંબાકુના વધુ પડતા સેવનને કારણે મોં અને ફેફસાનું કૅન્સર થાય છે અને વર્તમાનમાં એમાં ઘણો વધારો થયો છે. સાથે જ બ્રેસ્ટ કૅન્સર, કોલોરેક્ટલ કૅન્સર અને સર્વાઇકલ કૅન્સરની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એનાથી ખ્યાલ આવે છે કે આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે.
કૅન્સર માટે લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કૅન્સરને લઈને લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવામાં આવે છે. આવી રીતે કૅન્સર માટે સજાગતા લાવવી જ જરૂરી છે.
Also Read – ફોક્સ પ્લસ : રોજની કઈ ૮ આદત કિડનીને પહોંચાડે છે નુકસાન?
જાગૃકતાથી શું લાભ થશે?: જો એવું પૂછવામાં આવે કે આવા અભિયાનથી શું લાભ થવાનો છે? તો એનો જવાબ એ છે કે એનાથી લોકો વધુ ને વધુ સજાગ બનશે.
આવા કાર્યક્રમોથી જ લોકોને એ વિશેની વધુ માહિતીઓ છે. એથી લોકો નિયમિત આરોગ્યની તપાસ કરાવતા થયા છે અને શરૂઆતનાં લક્ષણો પર ધ્યાન આપે છે. એનું પરિણામ એ છે કે અસરકારક ઢબે સારવાર શક્ય બની છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે કૅન્સરને અટકાવવામાં અને સારવારમાં જાગૃકતાએ અગત્યનું યોગદાન આપ્યું છે.