તરોતાઝા

ફોકસ : તમાલપત્ર રસોડામાં ગરમ મસાલાનો રાજા ને સ્વાદનો બાદશાહ

વીના ગૌતમ

ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ર્ચિમ, શહેર હોય કે ગામડું, ઘર હોય કે હોટલ. બધા જ રસોડાઓમાં તેનું રાજ ચાલે છે. તે ગરમ મસાલાનો રાજા અને સ્વાદનો બાદશાહ છે અને તે છે તમાલપત્ર. ભારતમાં તમાલપત્રનો ઉપયોગ માત્ર સ્વાદ વધારતા મસાલા તરીકે જ નહીં પરંતુ લોક ઔષધિ અને આયુર્વેદિક જડીબુટ્ટી તરીકે સદીઓથી થતો આવ્યો છે. આ જ કારણ છે કે તેની દેશમાં સૌથી વધુ માગ છે.

માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં મસાલા તરીકે તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી 70 ટકા તમાલપત્ર ભારતમાંથી જાય છે. તમાલપત્રની ખેતીથી ખેડૂતો તેમની આર્થિક સ્થિતિ પણ વધુ સારી બનાવી શકે છે. કારણ કે આ એક એવો મસાલો છે, જેની દુનિયાભરમાં હંમેશાં માગ રહે છે. આની સારી વાત એ પણ છે કે ખેડૂત ઓછા સમયમાં અને ઓછી જગ્યામાં તેની ખેતી કરીને સારો એવો નફો રળી શકે છે.

તાજેતરના દિવસોમાં ઘણા ખેડૂતો ઘઉં-ચોખા અને શેરડી જેવા મુખ્ય પાકોની ખેતી કરવાને બદલે ઔષધીય વનસ્પતિની ખેતીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. જે ઓછું જોખમકારક અને વધુ ઉત્પાદક હોય છે. આ રીતે ખેડૂતો માટે તમાલપત્રના વૃક્ષ ઉગાડવા અને તેનાથી ભારે નફો રળવો ખૂબ સરળ છે. તમાલપત્રનું વૃક્ષ વાવીને ખેડૂત ઓછા ખર્ચમાં વધુ નફો રળી શકે છે. તેની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ તરફથી ખેડૂતોને 30 ટકા સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે.

એક તમાલપત્રના વૃક્ષમાંથી ખેડૂત દર વર્ષે ઓછામાં ઓછા 3000થી 5000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. જો કોઇ ખેડૂત પાસે તમાલપત્રના 20 વૃક્ષ હોય તો દર વર્ષે ઓછામાં ઓછા રૂ. 60,000થી 1,00,000 ખૂબ સરળતાથી કમાઇ શકે છે. એક એકરના ખેતરમાં તમાલપત્રના 200 થી 250 વૃક્ષો વાવી શકાય છે. તમાલપત્ર લૌરેસી પરિવારનું વૃક્ષ છે. ભારતમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે સિંજમોમ તમલા, મલબાર પર્ણ, ભારતીય છાલ, ભારતીય કેસિયા અથવા મલબાશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, ચીન, ફ્રાન્સ અને ઇટલી તેમજ રશિયા, મધ્ય અમેરિકા, ઉત્તર અમેરિકા અને બેલ્જિયમમાં તમાલપત્રના વૃક્ષ જોવા મળે છે. ભારતમાં તમાલપત્રની ખેતી ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના રાજ્યોમાં કરવામાં આવે છે. તમાલપત્રના ઝાડના પાંદડાઓમાં લવિંગ જેવી સુગંધ હોય છે, તેથી તેના પાંદડાનો રસોઇમાં મસાલા તરીકે ઉપયોગ થાય છે, જ્યારે તેનું તેલ માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, સંધિવા, સોજો વગેરેના રામબાણ ઇલાજ માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત તમાલપત્રના વૃક્ષના પાંદડાનો ઉપયોગ હર્બલ ચા વગેરે બનાવવામાં પણ થાય છે.

તમાલપત્રનું મસાલા તરીકે સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. તેથી ભારતમાંથી તમાલપત્રના પાંદડાની નિકાસની ભારે માગ રહે છે. આથી ખેડૂતો માટે તમાલપત્રના વૃક્ષની ખેતી કરવી નફાકારક સોદો છે. પરંતુ પ્રશ્ન એ છે કે તમાલપત્રના વૃક્ષની ખેતી કરવા માટે ક્યા પ્રકારની જરૂરિયાતો જરૂરી છે. ચાલો તેને ક્રમાનુસાર જાણીએ.

માટી કેવી હોવી જોઇએ

તમાલપત્રની ખેતી કરવા માટે સૌથી યોગ્ય ખડકાળ અને ફળદ્રુપ જમીન હોય છે. જો કે એ ત્યારની વાત છે જ્યારે તમાલપત્રના વૃક્ષો કુદરતી રીતે ઉગાડવામાં આવતા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોની મદદથી તમામ પ્રકારની જમીનમાં તમાલપત્રનું વૃક્ષ સરળતાથી ઉગાડી શકાય છે. પરંતુ જે જમીનમાં તમાલપત્ર ઉગાડવામાં આવે છે અથવા તેનું વૃક્ષ વાવવામાં આવે છે તે જમીનનું પીએચ મૂલ્ય 6 થી 8ની વચ્ચે હોવું જોઇએ. તમાલપત્રના વૃક્ષની જ્યાં સારી ખેતી કરવામાં આવે છે ત્યાંની જમીન સામાન્ય રીતે અન્ય પાકોની જેમ સૂકી અને કાર્બનિક દ્રવ્યથી ભરપૂર હોવી જોઇએ. તમાલપત્રના વૃક્ષને ઉગાડતા અથવા રોપતા પહેલા જમીન તૈયાર કરવામાં આવે છે.

આ માટે ઓછામાં ઓછી બે થી ત્રણ વાર જમીન ખેડવી જોઇએ અને પછી છોડ રોપવા જોઇએ. તમાલપત્રના નવા છોડને લેયરિંગ અથવા કલમ દ્વારા રોપવા જોઇએ. કારણ કે તેને બીજમાંથી ઉગાડવું કપરું છે. વળી બીજમાંથી ઉગાડવામાં આવતા વૃક્ષો કલમ કરીને તૈયાર કરાયેલા વૃક્ષો જેટલા તંદુરસ્ત હોતા નથી. તમાલપત્રના વૃક્ષનું વાવેતર કરતી વખતે બે છોડ વચ્ચે ઓછામાં ઓછા 4 મીટરનું અંતર રાખવું જોઇએ. વળી એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યાં તમાલપત્રની ખેતી કરવી હોય ત્યાં પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ.

શરૂઆતના બે થી અઢી વર્ષ સુધી તમાલપત્રના છોડને હિમથી સુરક્ષિત રાખવા જોઇએ. ઓછામાં ઓછા એક વર્ષ સુધી તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇશે નહીંતર છોડ મોટા થઇને ઓછા ફળદાયી સાબિત થશે. વૈજ્ઞાનિકોના મતાનુસાર તમાલપત્રના છોડના યોગ્ય વિકાસ માટે તેને ખાતર આપવું જોઇએ. 20 કિલો ગાયનું છાણ, 20 ગ્રામ નાઇટ્રોજન, 18 ગ્રામ ફોસ્ફરસ અને 25 ગ્રામ પોટાશ દરેક છોડને જ્યારે તે એક વર્ષનો હોય ત્યારે આપવું જોઇએ. ખાતર સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આપવું જોઇએે. જ્યારે છાણનું ખાતર મે-જૂનમાં આપવામાં આવે તો વધુ ફાયદો થાય છે. વળી, જેમ જેમ ઝાડ વધતું જાય છે તેમ તેમ તેને આપવામાં આવતા ખાતરની માત્રામાં વધારો કરવો જોઇએ.

કઇ રીતે કાળજી લેશો

એકવાર તમાલપત્રનું વૃક્ષ વાવી લીધા બાદ તેની નિયમિત કાળજી ખૂબ જ જરૂરી છે. તમાલપત્રના વૃક્ષની કાપણી નિયમિત સમયાંતરે થવી જોઇએ. જો આ વૃક્ષની સમયસર યોગ્ય સંભાળ લેવામાં આવે તો જલદી સારી રીતે વિકાસ પામે છે. તમાલપત્રનો છોડ એક સદાબહાર છોડ છે. જેના કારણે આખું વર્ષ તેમાંથી પાંદડા નીકળતા રહે છે. પાંદડાની લણણી કર્યા પછી તેને હળવા તડકા અથવા છાંયડામાં સૂકવવા જોઇએ.

જેથી તેની સુગંધ જળવાઇ રહે છે. જો આકરાં તાપમાં સૂકવવામાં આવે તો તેની સુગંધ ઘટી જાય છે. તમાલપત્રના બીજમાંથી તેલ પણ નીકળે છે, જે બજારમાં ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે. તમાલપત્રનું તેલ કાઢીને પણ સારી આવક મેળવી શકાય છે. તમાલપત્રના વૃક્ષના પાંદડા લાંબા, લીલા અને ચળકતા હોય છે. સામાન્ય રીતે તે 7 થી 12 સેન્ટિમીટર લાંબા હોય છે. જ્યારે તે ઝાડ પર હોય છે ત્યારે તે લીલા રંગના હોય છે અને જ્યારે તેને તોડીને સૂકવવામાં આવે છે ત્યારે તે ઘેરા બદામી અથવા ક્યારેક હળવા કાળા રંગના થઇ જાય છે. કારણ કે તમાલપત્રનું વૃક્ષ એક ચોક્કસ પેટર્નમાં ઊગતું હોય છે.

તેથી તેના ફળો નાના અને કાળા હોય છે. ઘરમાં ઉપયોગ માટે તમાલપત્ર ખરીદતી વખતે યાદ રાખો કે તે સંપૂર્ણ સૂકા હોય અને તેના પર ડાઘ કે કીડાઓ ન હોય. તમાલપત્રનો છોડ હવે લગભગ શહેરની તમામ મોટી નર્સરીઓમાં મળી રહે છે. ખાસ કરીને કૃષિ મેળાઓમાં તમાલપત્રના છોડનું વેચાણ થાય છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ માર્ગ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરવાનો છે.

દેશના કેટલાક વિસ્તારોમાં આયુર્વેદિક દુકાનોમાંથી પેકિંગ કરેલા તમાલપત્ર મળી રહે છે. જ્યારે પણ તમે તમાલપત્રનો છોડ ખરીદો ત્યારે ખાતરી કરો કે તે સ્વસ્થ હોય અને તેમાં કોઇપણ પ્રકારના કીટકો, જીવાત કે અન્ય કોઇ રોગ ન હોય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button