બાબા સુભાષાનંદ ભાખે છે આપનું રાશિ ભવિષ્ય@2025
મોજની ખોજ -સુભાષ ઠાકર
ચંબુના માથા પરથી ‘બીછડે સભી બારી બારી’ની જેમ એક પછી એક વાળ રજા લેવા લાગેલા ને રામદેવ કટમાંથી ગાંધીકટ તરફ પ્રયાણ કર્યું એટલે મે પૂછ્યું: ‘અલ્યા ચંબુ, કેમ પાનખરની જેમ માથા પર વાળખર..’m‘અરે બકા, ચિંતા હોય એટલે વાળ તો ખરે ને’
‘પણ તને શેની ચિંતા સતાવે’..‘અરે, આ વાળ ખરે છે એની’આ સાંભળી હું સો ગ્રામ ચમક્યો ને બસ્સો ગ્રામ ધ્રૂજયો પછી મને પણ બત્તી થઈ કે આપણને પણ સાલું મારી તબિયતનું શું થશે? મારી સંપત્તિનું શું થશે? ને મારા સંબંધોનું શું થશે? આ ત્રણ ચિંતા તો આપણે ચિતા ઉપર ન ચડીએ ત્યાં સુધી ક્યાં શાંતિથી જીવવા કે સુવા દે છે? ચિતા મરેલાને બાળે ચિંતા જીવતાને, રાઇટ? એ દૂર કરવા જાય બધા પેલા બાબાઓના સહારે. સાલું, પોતાનાં જીવવાનાં ઠેકાણાં ન હોય, પણ બીજાને કેમ ઠેકાણે પાડવા એ આવડત આ બાબાઓમાં હોય છે.
જોકે, હવે આપને માટે પ્રાત: સ્મરણીય વંદનીય જ્યોતિષાચાર્ય બાબા સુભાષાનંદ તમારી તમામ ચિંતા દૂર કરવા 2025 માટેનું જરા હટકે ટાઈપ એક રાશિભવિષ્ય કેલેન્ડર લઈ આવ્યા છે. હા, વાંચ્યા પછી ‘આવું તે હોતું હશે’ એવું વિચારી મને પાગલ, ગાંડો, ખસકેલ ખોપરીવાળો ગણીને સામે મળું તો ફટકારશો, પણ આટલું સચોટ માર્ગદર્શન તમને કોઈ નઇ આપે. …તો વાંચો, તમારું રાશિભવિષ્ય…
મેષ (અ.લ.ઇ):
આ રાશિવાળાએ મોઢા પર મેશનું ટપકું કરવું. યુવાનોને બેકારીનો યોગ હોવાથી શીર્ષાસન કરી પાણીપુરી ખાવી. માથે ટાલ હોય તો યુરિયા ખાતરનું માલિશ કરવાથી મબલક પાકની શક્યતા. …કેટરિના કેફનું આઈટમ સોંગ સાંભળવાથી બૂરી નજર ટળશે ને પ્રભુકૃપા થશે એવી સરકાર જેવી ગેરેન્ટી!
મિથુન (ક.છ.ઘ):
મિથુન ચક્રવર્તીની માળા રોજ એકવાર કરવાથી ડાન્સરના સંજોગો ઊજળા બનશે. ગધેડાની ઊંધી પ્રદક્ષિણા કરવાથી ધનનો યોગ. જે બહેનોને સાસુનો કકળાટ સહન ના થાય તો તરબૂચનું એક જ ભજિયું એમના મોઢામાં ભરાવવાથી રાહત રહેશે. બાકીની ગૃહિણીઓએ તમામ બાબાઓથી દૂર રહેવું ને ઘરે પોતાના બાબાઓને જ સાચવવા.
કર્ક (ડ.હ.):
સફેદ શર્ટ પહેરવું ને ખીસામાં બોલ પેનનું ઢાંકણું ખુલ્લું રાખવું. જુગારીઓને પૈસા આપવાથી ડૂબી જવાનો ભય. પછી તમારા દરિયામાં ડૂબવાના સંજોગો ઊજળા બને. દીકરીની સગાઈ તૂટે તો દીવેલ પીવું. વહુએ લસણનો રસ પીવાથી સાસુને પેટમાં ફાયદો થશે. જુવાનોએ કૉલેજક્ધયાને લિફ્ટ આપવાથી એ ક્ધયાના ભાઈઓ તરફથી અસ્થિભંગના સંજોગો. ફાટેલી ગંજી પહેરી જગજીત સિંહની ગઝલ મંદિર આગળ સાંભળવાથી અઢળક ધનલાભ.
વૃષભ (બ.વ.ઉ):
બળદિયાની આ રાશિમાં જન્મેલા લોકોએ રોજ મોદીજીના નામની બે માળા કરવાથી વિદેશ જવાના યોગ ઊજળા. બારીમાંથી જોતાં ગરોળી માથે પડે તો લાભ થશે. બાજુવાળી રૂપાળી ચંપાને જોવામાં ધ્યાન આપ્યું તો દાઢી છોલાવાના યોગ. ઘરમાં દૂધ ફાટી જવાના યોગ હોવાથી ભૈયાને કહીને ભેંસને બરફના ગોળા ખવડાવવા.
સિંહ (મ.ટ):
સિંહ રાશિ હોવા છતાં જો ગળામાંથી બકરીનો અવાજ નીકળતો હોય તો કોઈ રીઢા રાજકારણીની દાઢીનો વાળ જીભ પર વીંટવાથી રાહત થાય. સુંદર ઊંટડીના દૂધમાં દૂધી છોલીને ખાવાથી નજર નઈ લાગે. બકરીના કપાળે ચાંલ્લો કરવાથી સિંહ રાજી થશે. બહેનોને કીડી કરડવાથી ધનુર ઊપડે તો ગાજરનો હલવો ખાવો. તારક મહેતા …સિરિયલ જોવાથી ગ્રહદશા સુધરશે, ફક્ત પડોશની બબીતાના હસબન્ડથી ચેતવું.
ક્ધયા (પ.ઠ.ણ):
ઘરજમાઈ થવાના સંજોગો ઊજળા.આળસુઓને સદ્ધર સાસરું મળશે. જમાઈએ (સસરા) સરકારના પગ દિવસમાં ત્રણ વાર દબાવવાથી અડધો વારસો મળશે, પણ પૂરો વારસો મેળવવાની લાલચમાં ગળું દબાવવાની ભૂલ કરી તો આજીવન જેલમાં રહેવાના સંજોગો ઊજળા બનશે. બેગોન સ્પ્રે ઘરમાં છાંટવાને બદલે પીઠ પર છાંટવાથી ઘરમાંથી વંદા દૂર થશે.
તુલા (ર.ત.):
જીવનભર લાતો ખાવાનો યોગ હોવાથી આ લોકોએ 14 લવિંગનો હાર બકરીના દૂધમાં બોળી ભૂંડના ગળામાં પહેરાવાથી રાહત થાય. સ્ત્રીઓએ કડવા ચોથના દિવસે સસરાની ચાર વાર પ્રદક્ષિણા કરવાથી કોઈની બૂરી નજરથી બચી જવાય. રાત્રે ઊંઘમાં સાસુમા ચુડેલનાં દર્શન થાય તો કાળી સાડી પહેરી જલેબી દાળમાં બોળી ખાવી. પુરુષ વર્ગને ચક્કર આવે તો કોઈ જૂના દારૂડિયાને દેશી દારૂની કોથળી પિવડાવવાથી આવતા જન્મમા દાંત ફક્ત બે ને લીવર બત્રીસ મળશે.
વૃશ્ર્ચિક (ન.ય):
સાત વખત મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાથી મિનિ શાહરૂખ તરીકે ઓળખાવાના યોગ છે. સગાઈ થશે તો કોઈ પોલીસ કેસ કરશે, પણ એ વખતે કોઈ બ્રહ્મચારી બાપુના સાત દીકરા અને ત્રણ દીકરીને જમાડવા. ડુંગળીનો રસ આંખમાં નાખવાથી દૃષ્ટિ સુધરે. સલમાનની ફિલ્મ જોવાથી વાંઢાઓનો આત્મવિશ્વાસ વધુ તેજ બને.
ધન (ધ.ફ.ભ.ઢ):
તમારા ગ્રહો ઉચ્ચના છે, પણ માનસિકતા નીચની હોવાથી ક્રિકેટનો સટ્ટો રમવો નહીં નઇતર ભીખ માગવી પડશે. ઊંટના દાંત ગણવાથી લકવો દૂર થાય ને લસણની ચટણી આંખમાં નાખવાથી અટકેલી લોન પાસ થાય.
મકર (ખ.જ.):
પતિની બળેલી રોટલી પર બરનોલ લગાડવાથી પતિ વશમાં રહેશે. ભેંસના પોદળા પર પગ પડવાથી શેરબજારમાં ફાયદો. ચંપાકલીનાં ગીતો પર નાચવાથી કમર દર્દમાં રાહત
કુંભ (ગ.સ.શ.ષ):
કુંભમેળામાં જવું ને ત્યાં નાગાબાવાનું ખીસું કાપવાથી લાભ થાય. ભેંસના શિંગડે પીઠ ઘસવાથી ધનલાભ. જીભ થોથવાતી હોય તો, શબ્દો બોલવામાં તકલીફ પડતી હોય તો સોનિયા ગાંધી સાથે બે દિવસ રહેવું. કૂતરાની પૂંછડીને સીધી કરવાથી અટકેલી સગાઈ થઈ જશે
મીન (દ.ચ.ઝ.થ):
મીન એટલે માછલી. રોજ સવારે વેજીટેબલ માછલીનો સૂપ પીવાથી છૂટાછેડાનો કેસ પાછળ ઠેલાશે. બકરીને પાણીપુરી ખવડાવવાથી સાઢુભાઈ સાથે કજિયાનું સમાધાન, કાલસર્પ યોગ ટાળવા મોંઘો આઈ- ફોન દાનમાં આપવો. સાડાસાતીની પનોતી હોવાથી બ્રેડ પર મરચાંનો સોસ લગાડી ખાવું. દિવાળીમાં ગધેડાના પૂંછડે રોકેટ બાંધવાથી બધી પ્રકારની ઉપાધિથી છુટકારો.
અહીં બાબા સુભાષાનંદનું અગડમ-બગડમ રાશિભવિષ્ય પૂરું થયું, પણ આ વાંચી તમારી ખોપરીમાંનું મગજ ભોંય ચકરડીની જેમ ચકર ચકર ફરવા લાગ્યું હશે, પણ મિત્રો, રાશિના ભરોસે ના બેસતાં સાથે મહેનત કરજો, કારણ કે અહીં ક્ધયા રાશિવાળાને ક્ધયા નથી મળતી, ધન રાશિવાળાને લોન નથી મળતી ને સિંહ રાશિવાળાને કૂતરા હેરાન કરે છે. એટલે આપ સૌને આવા બાબાઓથી ને અંધશ્રદ્ધાથી પ્રભુ બચાવે ને તમારું 2024 ગમે તેવું ભલે ગયું હોય, પણ 2025 તમને ગમે એવું જાય એવી શુભેચ્છા.
શું કહો છો?