ફુગાવાનું જોખમ કઈ રીતે નિવારી શકાય?

ગૌરવ મશરૂવાળા
‘કરવેરાની અને ફુગાવાની અસર થાય છે એ બાબતનું ધ્યાન રાખ્યા વગર અપનાવેલો રોકાણનો વ્યૂહ ખરેખર તો રોકાણસંબંધી વાતાવરણનું ખરું સ્વરૂપ પારખવામાં નિષ્ફળ ગયેલો કહેવાય અને ગંભીર રીતે ખામીભર્યો કહેવાય. રોકાણકારની ખરીદશક્તિનું રક્ષણ થાય એ અત્યંત આવશ્યક છે.’
– સર જોન ટેમ્પલ્ટન
રચના નામની કોલેજિયને પોકેટ મનીમાંથી આશરે 15,000 રૂપિયા બચાવ્યા હતા. એની ઇચ્છા સારામાં સારાં ફીચર્સ ધરાવતો મોબાઇલ ફોન લેવાની હતી. જો કે, એની મમ્મીએ ફોન ખરીદવાને બદલે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી લેવાનું સૂચન કર્યું. ફિક્સ્ડ ડિપોઝિટમાં આ રકમ એક વર્ષ પછી 16,000 રૂપિયા થઈ જશે અને તેમાંથી મોબાઇલ ઉપરાંત એક ડ્રેસ પણ ખરીદી શકાશે એવું એને કહેવામાં આવ્યું હતું. રચનાએ એ સૂચન સ્વીકારી લીધું. એક વર્ષ પછી એને જે 16,000 રૂપિયા મળ્યા ત્યારે એને જોઈતો હતો એવા મોબાઇલની કિંમત 17,250 રૂપિયા થઈ ગઈ હતી. રચના દુ:ખી દુ:ખી થઈ ગઈ. એણે મુદ્દલમાં વ્યાજ ઉમેરાઈને મળનારી 16,000 રૂપિયાની રકમમાંથી બે ખરીદી કરવાનું વિચાર્યું હતું, પરંતુ એના માટે તો હવે મોબાઇલ ખરીદવાનું પણ મુશ્કેલ બની ગયું હતું.
આપણાં રોકાણો પર ફુગાવાના દર કરતાં ઓછી ઊપજ મળે એવું ઘણી વાર બનતું હોય છે. રચનાની જેમ આપણને
પણ મુદ્દલ કરતાં વધારે રકમ મળે, પરંતુ એ વધેલી રકમની ખરીદશક્તિ ઘટી ગઈ હોય છે. આવું થાય ત્યારે તેને ‘ઇન્ફ્લેશન રિસ્ક’ એટલે કે ફુગાવાસર્જિત જોખમ કહેવામાં આવે છે. આવી ઇન્ફ્લેશન રિસ્કની અસર પારદર્શક હોતી નથી, અર્થાત એ પહેલેથી જોઈ શકાતી નથી અથવા તો સ્પષ્ટપણે દેખાતી નથી. આ જોખમ એકંદરે સંપૂર્ણ સિસ્ટમનું હોય છે. આમ, ફુગાવાસર્જિત જોખમને સિસ્ટમેટિક રિસ્ક (તંત્રનું અંતર્ભૂત જોખમ) હોય છે.
તંત્રમાં અંતર્ભૂત હોય એવી કોઈ વસ્તુને ટાળી શકાતી નથી. જો તમે ઉનાળાની બળબળતી બપોરે ઘરની બહાર નીકળો તો તમને આકરો તાપ લાગવાનો જ છે. વળી, પ્રદૂષણવાળી જગ્યા હોય તો તેને લીધે અકળામણ પણ વધી જાય. આમાંથી અમુક અસર તમારા શરીર કે આરોગ્યને નુકસાન કરનારી પણ હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તમારે ઘરની બહાર જ નીકળવું નહીં. વળી, ઘરની અંદર જ ભરાઈ રહેવું એ પણ વ્યવહારુ ઉકેલ નથી. તો પછી કરવું શું? આવે વખતે સમજદાર માણસ પોતાનું બહાર નીકળવાનું આયોજન એવી રીતે કરશે કે એને ગરમી અને પ્રદૂષણ ઓછામાં ઓછાં નડે, દાખલા તરીકે, માણસ સવારના ભાગમાં બહારનું કામ પતાવી લે અથવા તો સાંજના સમયે બહાર જવાનું રાખે. જે કામ કરવાની ઉતાવળ ન હોય એ બીજી મોસમમાં કરી શકાય. ટૂંકમાં, કોઈ અનિવાર્ય સ્થિતિથી બચવા માટે આપણે વિવિધ રસ્તા અપનાવવા પડે છે.
આ જ રીતે આપણે ફુગાવાસર્જિત જોખમથી બચવા માટે આપણાં નાણાં ઈક્વિટી, સોનું, ડેટ એવી વિવિધ પ્રકારની ઍસેટ્સમાં રોકી શકીએ છીએ. ફુગાવાસર્જિત જોખમ અનિવાર્ય છે, પરંતુ તેનાથી બચવા માટે આ રીતે રોકાણ કરવું સારું રહે છે, કારણકે દરેક ઍસેટ પર ફુગાવાસર્જિત જોખમની અસર અલગ અલગ હોય છે.
બીજો વિકલ્પ નિયમિતપણે રોકાણ કરવાનો છે. આવા પ્રકારના રોકાણ માટે રિકરિંગ ડિપોઝિટ અને એસઆઇપી (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન), વગેરે વિકલ્પ છે. રિકરિંગ ડિપોઝિટમાં તથા એસઆઇપીમાં નિશ્ર્ચિત રકમ નિશ્ર્ચિત સમયાંતરે રોકવામાં આવતી હોય છે. વર્ષ દરમિયાન ફુગાવાનો દર પણ વધતો-ઘટતો રહે છે. નિયમિત પ્રકારનું રોકાણ આપણને અલગ અલગ સમયે અલગ અલગ ઍસેટ્સમાં નાણાં રોકવાની તક પૂરી પાડે છે. ફુગાવો સિસ્ટમેટિક જોખમ છે. આવા જોખમની અસરને ઓછી કરવા માટે સૌથી સારો ઉપાય વિવિધ સમયખંડમાં રોકાણનું ડાઇવર્સિફિકેશન કરવાનો છે.