પ્લાસ્ટિક બોટલમાં પાણી પીવું કેટલું સલામત?
તરોતાઝા

પ્લાસ્ટિક બોટલમાં પાણી પીવું કેટલું સલામત?

આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક

પાણી મનુષ્યના જીવન માટે મૂળભૂત જરૂરિયાત છે. જેટલી મહત્ત્વપૂર્ણ સ્વચ્છ હવા છે, તેટલું જ મહત્ત્વપૂર્ણ છે સ્વચ્છ, પીવાલાયક પાણી. સમગ્ર વિશ્વમાં વસતિના પ્રમાણમાં પાણીનાં પ્રર્યાપ્ત સ્ત્રોત ન હોવાથી જળસંગ્રહ અતિ મહત્ત્વનો છે.

વ્યક્તિગત રીતે લોકો પહેલાના જમાનામાં માટીનાં વાસણો, તે પછી ધાતુનાં, જેમકે તાંબા-પિત્તળનાં વાસણોમાં અને પછી સ્ટેઇનલેસ સ્ટીલનાં વાસણોનો ઉપયોગ કરતા હતાં, પણ પછી આધુનિક ટેક્નોલોજીના જમાનામાં વજનમાં હલકા અને આર્થિક રીતે સસ્તા એવા પ્લાસ્ટિકનો વપરાશ વધવા લાગ્યો.

`ઓપન એક્સેસ જર્નલ બીએમજે ગ્લોબલ હેલ્થ’માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બોટલબંધ પાણી માનવ અને પૃથ્વીના સ્વાસ્થ્ય પર જે મોટો અને વધતો જતો પ્રભાવ પાડી રહ્યું છે.

તેના ઉપયોગ પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની જરૂર છે, કારણ કે વિશ્વભરમાં દર મિનિટે 10 લાખ પાણીની પ્લાસ્ટિક બોટલ ખરીદવામાં આવે છે, વધતી માગ વચ્ચે આ આંકડો હજુ પણ વધવાની ધારણા છે.

આમ વિશ્વભરમાં લગભગ બે અબજ લોકો જેમને પીવાનું પાણી મર્યાદિત અથવા બિલકુલ મળતું નથી એ બધા બોટલબંધ પાણી પર આધાર રાખે છે, પરંતુ બાકીના લોકો માટે, તે મોટાભાગે સુવિધા અને માર્કેટિગ દ્વારા લોકો પર પાડવામાં આવતા પ્રભાવને લઈને બોટલબંધ પાણી નળના પાણી કરતાં વધુ સુરક્ષિત અને ઘણીવાર આરોગ્યપ્રદ છે એવી વાત વધુ પ્રસરે છે, પણ હકીકત શું છે?

પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી નામના મેગેઝિન દ્વારા પ્રકાશિત અહેવાલ આપણને પ્લાસ્ટિકની બાબતમાં ચોંકાવનારી માહિતી આપે છે. આ અહેવાલમાં જણાવાયું છે કે દરરોજ 39,000 થી 52,000 સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો વિવિધ માધ્યમો દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે અને આ માટેનું સૌથી મોટું માધ્યમ પ્લાસ્ટિક બોટલ છે.

શ્વાસ લેતી વખતે શરીરમાં જતા માઈક્રોપ્લાસ્ટિકને પણ ઉમેરી દેવામાં આવે તો તેની સંખ્યા 74,000 માઈક્રો પ્લાસ્ટિકની આસપાસ થવા જાય છે. માઇક્રોપ્લાસ્ટિક્સ એ પોલિમર ટુકડાઓ છે, જે 0.2 ઇંચ (5 મિલીમીટર) થી ઓછાથી લઈને એક ઇંચના 1/25,000મા ભાગ (1માઇક્રોમીટર) સુધીના હોઈ શકે છે. તેનાથી નાની કોઈપણ વસ્તુ નેનોપ્લાસ્ટિક છે, જેને મીટરના અબજમાં ભાગમાં માપવી પડે છે.

પેન્સિલવેનિયાના અમુક નિષ્ણતોએ એક સંયુક્ત અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં નવ દેશોમાં 11 અલગ અલગ બ્રાન્ડ દ્વારા વેચાતા બોટલબંધ પાણીના 93% નમૂનાઓમાં સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિકનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. કતારના કોર્નેલ મેડિસિનના નિષ્ણાતો સમજાવે છે કે, પ્લાસ્ટિક બોટલોમાંથી હાનિકારક રસાયણો છૂટા પાડીને તેમાં સંગ્રહિત પદાર્થોમાં ભળવાનું જોખમ ખૂબ વધુ હોય છે.

ખાસ કરીને જો તે લાંબા સમય સુધી સંગ્રહિત હોય, અથવા સૂર્યપ્રકાશ અને ઊંચા તાપમાનના સંપર્કમાં હોય. અંદાજે 10% થી 78% બોટલબંધ પાણીના નમૂનાઓમાં દૂષકો હોય છે, જેમાં માઇક્રોપ્લાસ્ટિક્સનો સમાવેશ થાય છે. એનું ઘણીવાર હોર્મોન (અંત:સ્ત્રાવી) વિક્ષેપકો તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે.

તમે જો પ્લાસ્ટિક ઉત્પાદનોની જાહેરાત અથવા તેમના ઉપર લગાવેલા લેબલ ધ્યાનથી જોયા હોય તો મોટાભાગે તેના ઉપર તે `બીપીએ મુક્ત’ હોવાનું જાહેર કરવામાં આવે છે. કોઈપણ પ્લાસ્ટિકનું ઉત્પાદન બીપીએ મુક્ત હોય તો તેને ખાદ્ય પદાર્થો માટે યોગ્ય મનાય છે, પણ લાંબા ગાળે તે પ્લાસ્ટિક ઉત્પાદનો મનાય છે તેટલા સલામત નથી હોતા તેવું નિષ્ણાતો કહે છે.

કેમકે ઘણી વખત તેના સિવાયના અન્ય એવા વિકલ્પ વપરાયા હોઈ, જે હાનિકારક હોય. માઇક્રોપ્લાસ્ટિક દૂષણ ઓક્સિડેટીવ તણાવ, રોગપ્રતિકારક શક્તિને નુકસાન અને લોહીની ચરબીના સ્તરમાં ફેરફાર સાથે સંકળાયેલું છે.

આવાં બધાને કારણે મોટી ઉંમરે હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, ડાયાબિટીસ ઈત્યાદિ જેવી બીમારી થઈ શકે છે. કેટલાક કિસ્સામાં તે કેન્સરનું કારણ બનતું હોવાનું પણ મનાય છે.

આવી પરિસ્થિતિમાં આપણા માટે સરળ ઉપાય એ છે કે, બને ત્યાં સુધી પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ ટાળવો. આજે તો તાંબાની કે સ્ટેઇનલેસ સ્ટીલની રૂપકડી બોટલ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે.

દેખાવમાં આકર્ષક હોવા સાથે, તે આરોગ્યની દ્રષ્ટિએ સલામત પણ ખરી. ઘરમાં પણ બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કાચ, સ્ટેનલેસ સ્ટીલ, તાંબા જેવા અન્ય વિકલ્પોનો ઉપયોગ આપણા આરોગ્ય માટે હિતકારક છે.

આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : છુપા રુસ્તમ જેવો આ એડિસન રોગ શું છે?

સંબંધિત લેખો

Back to top button