આરોગ્ય એક્સપ્રેસ : વાયુ પ્રદૂષણ – આબોહવા જ નહીં, આરોગ્ય માટે પણ એટલું જ જોખમી
-રાજેશ યાજ્ઞિક
આ બીજી ડિસેમ્બર ‘વિશ્ર્વ પ્રદૂષણ નિવારણ દિવસ’ તરીકે ઊજવાઈ ગયો. ભારતમાં અત્યારે પ્રદૂષણ એક જબરી મૂંઝવતી આફત છે. આ આફત માટે માત્ર કુદરત જવાબદાર નથી. એ મનુષ્યસર્જિત પણ છે. પાટનગર દિલ્હીની હવા એવી તો ઝેરી થઈ ગઈ છે કે વાર-તહેવારે ત્યાંની શાળા-કૉલેજ, ઈત્યાદિમાં ફરજિયાત રજા પાડવી પડે છે અને આ આફતના નિવારણ માટે વર્ષાનુવર્ષ માથાકૂટ થતી રહે છે.
મુંબઈની હવામાં પણ શિયાળા વખતે પ્રદૂષણનો પ્રભાવ વર્તાઈ આવે છે. આપણે જ નહીં, સમગ્ર વિશ્વ બદલતા પર્યાવરણથી ચિંતિત છે. આમ તો પ્રદૂષણ અને બદલાતી આબોહવા એક મુદ્દો છે જ, પરંતુ તેની સાથે એક બીજો મુદ્દો પણ સંકળાયેલો છે, જેને માત્ર ભારત જ નહીં, પણ વિશ્વએ ધ્યાનમાં લેવા જેવો છે. એ મુદ્દો છે પ્રદૂષણની આપણા આરોગ્ય પર થતી અનેકવિધ અસરનો.
પ્રદૂષણને ‘સાઇલેન્ટ કિલર’ કહેવામાં આવે છે, કારણ કે અસ્થમાના દર્દીઓ સિવાય તેની સીધી કોઈ અસર ન દેખાતી હોવા છતાં તે અનેક રીતે સામાન્ય મનુષ્યના આરોગ્યને પણ ગંભીર અસર કરે છે.
ભારતના ‘સ્ટેટ ઑફ ગ્લોબલ ઍર (એસઓજીએ)-૨૦૨૪’ના રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં છેલ્લાં પાંચ વર્ષથી રોજ ઓછી ઉંમરનાં ૪૬૪ બાળકોનાં મૃત્યુ થાય છે. રિપોર્ટ અનુસાર તમાકુ અને ડાયાબિટીસથી થતાં મૃત્યુ કરતાં પણ આ આંક મોટો છે!
એ વાત પણ જાણીતી છે કે વાયુ પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત છે બાળકો, વડીલો અને જેમણે સતત ખુલ્લામાં કામ કરવું પડે છે તેવા લોકો. વાયુ પદૂષણ બાળકોનાં ફેફસાંના વિકાસને રોકે છે અને એમની રોગપ્રતિકારક શક્તિ નબળી બનાવે છે. પરિણામે બાળકોને શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે અને પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળક તો મૃત્યુના મુખમાં ધકેલાય છે. આ ઉપરાંત પણ વાયુ પ્રદૂષણને કારણે આપણે ઘણી બીમારીના પણ શિકાર બની શકીએ છીએ, જેમકે…
શ્વસનના રોગ…
Also Read – ફોક્સ: પ્રદૂષણથી વધી રહી છે આંખમાં એલર્જી
વાયુ પ્રદૂષણની સૌથી વધુ અસર આપણાં ફેફસાં પર પડે છે. પ્રદૂષિત રજકણ માનવ ફેફસાં તરફ જતી નળીને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ટ્યુબ સાંકડી થઈ જાય છે. તેની અસર ફેફસાં અને તેની આસપાસના સ્નાયુને થાય છે. વાયુ પ્રદૂષણથી સ્વસ્થ લોકોમાં પણ અસ્થમા જેવી બીમારી થઈ શકે છે. આ સિવાય ન્યુમોનિયા, અસ્થમા અને ફેફસાંના કૅન્સર જેવા જીવલેણ રોગો પણ હવાના પ્રદૂષણને કારણે થાય છે.
કિડની રોગ…
તબીબો અને નિષ્ણાતોના મતે વાયુ પ્રદૂષણને કારણે ‘નેફ્રોપથી’ નામની બીમારી પણ થઈ શકે છે, જેનો સીધો સંબંધ કિડની સાથે છે. આ સિવાય પ્રદૂષિત હવામાં જોવા મળતાં કાર્બનથી પણ કિડનીને નુકસાન થવાનો ખતરો રહે છે.
પ્રદૂષિત કણ હૃદય પર પણ હુમલો કરે છે
સ્વસ્થ લોકો માટે સૌથી મહત્ત્વપૂર્ણ અંગ હૃદય છે. ફેફસાં અને કિડની ઉપરાંત વાયુ પ્રદૂષણ હૃદય પર પણ હુમલો કરે છે. વાયુ પ્રદૂષણથી હૃદયની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં વાયુ પ્રદૂષણ વધવાને કારણે હૃદયના ધબકારાનું અસંતુલન, હાર્ટ ફેલ્યોર અને હાઈપરટેન્શન જેવી જિદ્દી અને જીવલેણ બીમારીઓ થઈ શકે છે.
મગજ પર અસર…
પ્રદૂષિત હવા આપણા મગજ પર પણ અસર કરે છે. પ્રદૂષણને કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનો સ્રાવ થાય છે, જે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. નિષ્ણાતોના મતે, પ્રદૂષિત કણ વયસ્કો અને વૃદ્ધોના મગજ પર હુમલો કરે છે, જેના કારણે એમને બોલવા માટે સંઘર્ષ કરવો પડે છે. એ અસર ક્યારેક એટલી ગંભીર હોય છે કે ગણિતના સરળ દાખલા પણ ઉકેલવામાં એમને ઘણી તકલીફ પડે છે. ધૂળ અને પ્રદૂષણને કારણે લોકોની યાદશક્તિ નબળી પડી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન પ્રદૂષિત હવાની અસર…
દૂષિત હવા અને પ્રદૂષણ સગર્ભા સ્ત્રીઓને પણ નિશાન બનાવે છે. ઝેરી પદાર્થો શ્ર્વાસમાં જવાથી ગર્ભ પર પણ અસર થાય છે.
તેનાથી પ્રી-મેચ્યોર ડિલિવરીનું જોખમ ઊભું થાય છે. આ સિવાય જન્મ સમયે બાળકનું વજન ઓછું રહી શકે છે જેના કારણે કુપોષણ જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
પ્રદૂષિત હવા ત્વચાની પણ દુશ્મન છે…
જો તમે ત્વચામાં શુષ્કતા અને બળતરા, લાલાશ અને ખરજવું જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો સમજી લો કે એનું કારણ વાયુ પ્રદૂષણ છે. પ્રદૂષિત હવામાં રહેલાં રજકણોને કારણે ત્વચાને ઘણી અવળી અસર થઈ શકે છે.
વાયુ પ્રદૂષણથી પણ કૅન્સર થઈ શકે…
હવાના પ્રદૂષણ ઉપરાંત, સેક્ધડ હેન્ડ સ્મોક, અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ, એસ્બેસ્ટોસ, કેટલાંક ટોક્સિક-ઝેરી રસાયણો સહિત અન્ય પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી પણ કૅન્સરનું જોખમ થઈ શકે છે. આ કૅન્સર જીવલેણ નીવડી શકે છે.
તબીબોનું માનવું છે કે જો તમારે વાયુ પ્રદૂષણથી પોતાને બચાવવા હોય તો માસ્કનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત, તમારે પૂરતું પાણી પીવું પડશે અને બિનજરૂરી બહાર ભટકવાનું ટાળવું પડશે. આ તમામ પગલાં લીધાં પછી જ વાયુ પ્રદૂષણથી થતા રોગોને નિવારી શકાશે કે કાબૂમાં લઈ શકાશે.
આ સિવાય જો તમે ઘરની અંદર વાયુ પ્રદૂષણને રોકવા માગતા હો તો તમારે રસોડાની અંદર ચીમની અને વોશરૂમમાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો પડશે, જેથી ઘરમાં પૂરતું વેન્ટિલેશન રહે. ઉપરાંત શક્ય હોય તો તમે ઘરમાં કુદરતી હવા શુદ્ધીકરણ કરે તેવા છોડ લગાવી શકો છો, જેમ કે સ્નેક પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ, પામ ટ્રી વગેરે….