તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ : સૌંદર્ય નિખારતાં ઉત્પાદન: તમારા આરોગ્ય માટે કેટલાં ખતરનાક?

  • રાજેશ યાજ્ઞિક

પ્રેઝન્ટેબલ દેખાવાની વ્યાખ્યામાં માત્ર સ્વચ્છ અને સુઘડ નહીં, પણ સુંદર હોવું પણ સામેલ છે. તેથી મેકઅપ કે બ્યુટી પ્રોડક્ટસ હવે માત્ર માનુનીઓનો જ નહિ, પણ પુષોનો પણ કાયમી સાથી છે. જોકે, તમે જે બ્યુટી પ્રોડક્ટસ વાપરો છો તેના લેબલ કયારેય ધ્યાનથી જોયાં છે – વાંચ્યાં છો? શું તમે જાણો છો કે લગભગ બધાજ બ્યુટી પ્રોડક્ટસમાં કાર્સિનોજેનિક કે ઝેરીલા પદાર્થો હોય છે? ચાલો, જાણીએ એવા કેટલાક પદાર્થો વિશે, જેનાથી આપણે બધાએ સાવધાન થવાની જરૂર છે, જેમકે…

આપણા રોજિંદા જીવનમાં વપરાતા પરફ્યુમ અને સ્કિનકેર પ્રોડક્ટ્સ રસાયણોથી ભરેલા હોય છે, જે આરોગ્ય નિષ્ણાતોના મતે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. શ્રેષ્ઠ બ્રાન્ડ્સ સ્કિનકેર વસ્તુઓનું ઉત્પાદન કરતી વખતે કડક કાયદાઓનું પાલન કરે છે. આમ છતાં કેટલાક કાર્સિનોજેન્સ હજુ પણ ગુણવત્તા પરીક્ષણોને પાર કરે છે અને બ્યુટી પ્રોડ્ક્ટસ વેંચતા શોપના શેલ્ફ પર સરળતાથી જોઈ શકાય છે! કાર્સિનોજેનિક શું છે?

આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : રશિયાએ વિકસાવેલી કેન્સરની રસીથી આખરે કઇ રીતે થશે સારવાર?

કેન્સરનું કારણ બની શકે તેવા પદાર્થો, એજન્ટો અથવા જીવોને `કાર્સિનોજેનિક’ કહેવામાં આવે છે. તમારી આસપાસના પર્યાવરણમાં કુદરતી રીતે વિવિધ કાર્સિનોજેન્સ જોવા મળે છે, જેમકે સૂર્યપ્રકાશમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો… કાર્સિનોજેન્સ ઓટોમોબાઈલ અને સિગારેટના એક્ઝોસ્ટમાં પણ જોવા મળે છે. સૌંદર્ય પ્રસાધનો પણ બાકાત નથી જ્યારે કોઈ વ્યક્તિ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે, ત્યારે એમની ત્વચા રસાયણોને શોષી લે છે, જે પછી લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે છે. લોકો પાઉડર શ્વાસમાં પણ લઈ શકે છે અથવા કેટલાક સૌંદર્ય પ્રસાધનો પણ ગળી શકે છે – ઉદાહરણ તરીકે, લિપ્સ્ટિક…

મેકઅપ અને અન્ય કોસ્મેટિક ઉત્પાદનોમાં હાજર કેટલાક રસાયણોમાં એવા ઘટક છે, જેને સંશોધકોએ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડ્યા છે. આમાંની કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં શામેલ છે:

  • કેન્સર
  • અંત:સ્ત્રાવી વિકૃતિઓ, જે શરીરમાં હોર્મોન્સના ઉત્પાદનને અસર કરે છે
  • વિકાસમાં વિલંબ
  • ન્યુરોલોજીકલ સમસ્યાઓ

આપણે જાણીએ કે એવા કયા પદાર્થો છે જે સૌંદર્ય પ્રસાધનોનાં માધ્યમથી આપણા ઉપર ઝેરીલી અસર કરે છે.

આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ: બની રહ્યા છે આજના યુવાનો… સલાડ દીવાને!

ટેલ્ક (Talc)

ટેલ્ક એ કુદરતી રીતે બનતું ખનિજ છે, જેનો ઉપયોગ મેકઅપ અને ત્વચા સંભાળ ઉત્પાદનો જેમ કે ફેસ પાઉડર,બ્લશ, આઇ-શેડો, કોન્ટૂર પાઉડર અને હવે પાઉડરવાળા સનસ્ક્રીનમાં પણ થાય છે! લોકો બ્લશ, આઇ શેડો અને બ્રોન્ઝર સહિત વિવિધ મેકઅપ ઉત્પાદનોમાં ટેલ્ક જોઈ શકે છે. તે મેકઅપમાં ભેજ શોષી લેવા, અપારદર્શક ફિનિશ આપવા માટે કામ કરે છે. ટેલ્ક કુદરતી રીતે સલામત ઘટક હોવા છતાં, તે ઘણીવાર કાર્સિનોજેન્સ (એક ખનિજ), `એસ્બેસ્ટોસ’ નામના જાણીતા ઘટકથી દૂષિત હોય છે. ટેલ્ક અને એસ્બેસ્ટોસ બંને પૃથ્વીમાં કુદરતી ખનિજો છે, જે ઘણીવાર એકબીજાની નજીક જોવા મળે છે.

એસ્બેસ્ટોસ એક જાણીતું કેન્સર પેદા કરતુ રસાયણ છે અને તે પરીક્ષણ ન કરાયેલ ટેલ્કમાં જોવા મળી શકે છે, જેનો ઉપયોગ ઉત્પાદકો ચોક્કસ સૌંદર્ય પ્રસાધનોમાં કરે છે.

ફોર્માલ્ડીહાઇડ (Formaldehyde)

ફોર્માલ્ડીહાઇડ અને ચોક્કસ સમયગાળા દરમિયાન ફોર્માલ્ડીહાઇડ છોડતા રસાયણો સૌંદર્ય પ્રસાધનો, લોશન, શેમ્પૂ, શાવર જેલ, નેલ પોલીશ અને ત્યાં સુધી કે, વાળ સીધા કરવાના ઉત્પાદનોમાં પણ મોટા પ્રમાણમાં હાજર હોય છે. ફોર્માલ્ડીહાઇડની એલજીર્ક પ્રતિક્રિયાઓ સાથે આંખો અને શ્વસનતંત્રમાં બળતરા પેદા કરી શકે છે. પ્રયોગશાળામાં પ્રાણીઓ પરના કેટલાક અભ્યાસોએ પણ આ રસાયણને કેન્સર સાથે જોડ્યું છે.

પેરાબેન્સ (Parabens)

ઉત્પાદકો ઘણાં સૌંદર્ય પ્રસાધનોમાં પેરાબેન્સનો ઉપયોગ કરે છે. કોસ્મેટિક લેબલ પર પેરાબેન્સ આ મુજબ દર્શાવામાં આવે છે: મિથાઈલપેરાબેન, પ્રોપીલપેરાબેન, એથિલપેરાબેન, બ્યુટીલપેરાબેન. પેરાબેન એ એક એન્ટિફંગલ ઘટક છે જેનો ઉપયોગ ત્વચા સંભાળ ઉત્પાદનોમાં ઉત્પાદનોની શેલ્ફ-લાઇફ વધારવા માટે થાય છે. પેરાબેન્સ મેકઅપ, મોઇશ્ચરાઇઝર્સ, હેર પ્રોડક્ટ્સ અને શેવિંગ ક્રીમમાં હોઈ શકે છે. પેરાબેન્સ ત્વચા દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. એસ્ટ્રોજનનું અસંતુલન ક્યારેક હોર્મોન રીસેપ્ટર-પોઝિટિવ સ્તન કેન્સર નામના ચોક્કસ પ્રકારના સ્તન કેન્સરને ઉત્તેજિત કરી શકે છે.

બેન્ઝીનના કેન્સરગ્રસ્ત ગુણધર્મો શોધાયા તે પહેલાં, પેરાબેન ચર્ચામાં હતું. વિવિધ કોસ્મેટિક કંપનીઓએ હવે તેમના સ્કિનકેર ઉત્પાદનોમાં પેરાબેનને ટાળવાનું શરૂ કરી દીધું છે.

આ ઉપરાંત કેટલીક નેલ ટ્રીટમેન્ટ અને નેલ પોલીશમાં હાજર ટોલ્યુએન પણ હાનિકારક હોય છે. મસ્કરા, આઈ લાઇનર અને લિપસ્ટિક, ઉત્પાદનોને રંગ આપનાર કાર્બન બ્લેક માનવો માટે કાર્સિનોજેનિક હોઈ શકે છે તેવું મનાય છે.

ઓવર-ધ-કાઉન્ટર સ્કિનકેર ઉત્પાદનો અને ટૂથપેસ્ટમાં સરળતાથી મળી આવતો ટ્રાઇક્લોસન અને વાળ અને માથાની સંભાળના ઉત્પાદનો જેમ કે ડેન્ડ્રફ વિરોધી શેમ્પૂ, વાળના રંગો અને વાળને કાળા કરવાના અન્ય ઉત્પાદનોમાં હાજર કોલસાનો ટાર (કોલ ટાર) પણ જોખમી મનાયો છે.

આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ: ટેટૂ ને પિયર્સિંગનો શોખ: આરોગ્ય માટે કયારેક આફત પણ બની જાય !

આ બધાથી કઈ રીતે બચી શકાય ?

હવે જ્યારે તમારા મોટાભાગના સ્કિનકેર ઉત્પાદનોમાં નુકસાનકારક ઘટકોને જાણી લીધા છે તો ઓર્ગેનિક સ્કિનકેર ઉત્પાદનો વધુ ઉપયોગ કરી આ હાનિકારક રસાયણોને ટાળી શકો. ઓછા ઉત્પાદનોનો ઉપયોગ કરો અથવા ઓછા ઘટકોની સૂચિવાળા ઉત્પાદનો પસંદ કરો. બધા લેબલ કાળજીપૂર્વક તપાસો અને કોઈપણ અજાણ્યા ઘટકો વિશે જાણકારી મેળવો. ઘરગથ્થું સાદા ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરીને ઘરે બોડી સ્ક્રબ અને
ફેસ માસ્ક જેવા કોસ્મેટિક ઉત્પાદનો બનાવો.

જે ઉત્પાદનો `શુદ્ધ’ કે કુદરત દ્રવ્યોથી તૈયાર થયા હોવાનો દાવો કરે છે એના પર વિશેષ ધ્યાન આપો, કારણ કે આ દાવાઓ માટે કોઈ કાનૂની સમર્થન નથી માટે આપણે પોતાએ જ આપમેળે સુરક્ષિત બનવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button