પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન, કાઉસ્સગમ્ કરો, વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહો!
ફિટ સોલ – ડૉ. મયંક શાહ
જન્મ અને મરણ વચ્ચે અવિરત વહેતું જીવનમાં માણસ ક્યાં વહી જાય છે તેની ખબર કોઇને હોતી નથી. ‘હું જ કરતા છું’ એ ભ્રમ સેવનાર જીવ જ્યારે વિપરીત સંજોગનો સામનો કરે છે ત્યારે ‘મેં શું ખોટું કર્યું?’ એ વિચાર આવ્યા વિના રહેતો નથી. જીવનની જરૂરિયાત પૂરી પાડતી એ એક રાત થઇ અને આપણી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી પાડવી એ તદ્દન અલગ વાત છે. આપણી મહત્ત્વાકાંક્ષાઓને પૂરી પાડવા એટલા બધા વ્યસ્ત છીએ કે જીવનની મૂળ જરૂરિયાતોને પૂરી પાડવાનું આપણે વિસરી જઇએ છીએ. આપણા અસ્તિત્વનો બાહ્ય સ્વરૂપ, એટલે કે શરીરને પોસતા પોસતા આપણા આતમને પોસવાનું રહી જાય છે.
જીવન જીવવાનું એક બ્રહ્મ વાક્ય છે-કુદરતના નિયમ આધીન જીવન જીવો, તો સ્વસ્થ રહેશો? ફિલસૂફીનો એનાથી પણ વિશિષ્ટ નિયમ છે. પોતાના આત્માના સ્વભાવને અનુલક્ષીને જીવન જીવો, તો સ્વસ્થ અને આનંદમાં રહેશો! આ ગુરુ વાક્યને સમજવાની અને આત્મસાત કરવાની ખૂબ જ જરૂર છે.
‘સ્વસ્થતા’એ તમારા જીવનની ગુણવત્તાનું પ્રમાણપત્ર છે. એક સમય એવો હતો જ્યારે ૬૦ વર્ષની ઉંમરે ‘હાર્ટ એટેક’ આવતું ત્યારે કહેવાતું, કે બિચારાને જલ્દી એટેક આવી ગયો. અને આજે ૩૦-૪૦ વર્ષ હાર્ટએટેક આવી જાય છે એને સમાજ સામાન્ય ગણે છે. આધુનિક જીવનશૈલી એટલી બધી બગડી ગઇ છે. શરીર ઉપરાંત મન અને આત્મા પણ મલિન થઇ ગયા છે. ખોટા વિચારો, અશુદ્ધ ભાવનાઓ અને વિષકારી કષાયા (ક્રોધ, ભય, માન, લોભ વિ.)નો એટલો બધો અતિક્રમણ હોય છે. જે આપણા સ્વાસ્થ્યને બગાડી નાખે છે.
બાળક જન્મે છે ત્યારથી આ માયાવી સંસારમાં ભટકી જાય છે. વિષય, વિકાર, કુસંગના પ્રભાવથી પોતાની મૌલિકતાને ખોઇ બેસે છે. ખાસ કરીને અશુદ્ધ મનોભાવનાઓ (Toxic Emotions) આતમમાં પેસી જાય છે અને એનો ભરાવો એટલો બધો વધી જાય છે કે અંતે તે વ્યક્તિ રોગગ્રસ્ત બની જાય છે. આપણા ઘરમાં જીવાતનો ઉપદ્રવ વધી જાય તો પેસ્ટ કંટ્રોલ (Pest Control) કરી શકાય છે, પણ આતમમાં અશુદ્ધ મનોભાવના, જટીલ ગ્રંથીઓ, મતભેદો અને વિવિધ સંઘર્ષના સંસ્કારો માટે પેસ્ટ કંટ્રોલ કેવી રીતે કરવું??
કાઉસ્સગમ્ દ્વારા આતમ શુદ્ધિ
આપણા રોજિંદા જીવનમાં દરરોજ સવારે નાહવું અને સ્વચ્છ થવું એ આપણી દૈનિક ક્રિયા બની ગઇ છે. તેવી જ રીતે જો પ્રત્યેક વ્યક્તિ પોતાના આતમમાં પેસી ગયેલ અશુદ્ધિઓને ધોઇ નાખે તો કેમ?
અધ્યાત્મ વિજ્ઞાન અનુસાર અને આપણી અનેક ધર્મ પરંપરાઓમાં રોજ પ્રતિક્રમણ (આતમ શુદ્ધિ) કરવાનો પ્રયોજન છે. આ પરંપરા પાછળ રહેલ ઉદેશ્યને વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવાની જરૂર છે. આપણા આત્મને સ્વચ્છ અને નિર્મલ રાખવા માટે આ નિયમ લેવું અનિવાર્ય છે. કાઉસ્સગમ એક વિશેષ સાધના છે. જેના દ્વારા આતમમાં પેસી ગયેલ ‘મલ’ને શુદ્ધ કરી શકાય છે. આ સાધના દ્વારા શારીરિક, માનસિક અને આત્મિક અશુદ્ધિઓનો નિકાલ શકય બને છે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય કેળવી શકાય છે.
વૃદ્ધાવસ્થામાં શરીર જર્જરિત થવું, વિવિધ રોગને આમંત્રણ આપવું અને સૂક્ષ્મ ઇન્દ્રિયો નબળી પડવી એ કંઇ નિયમ નથી. આયુર્વેદ પ્રમાણે માણસ સો વર્ષ સુધી નિરોગી રહી શકે છે. વૃદ્ધાવસ્થામાં જે સ્વાસ્થ્યનું પતન થાય છે એનું મુખ્ય કારણ છે: ‘સમગ્ર જીવન દરમિયાન એકત્રિત થયેલ અશુદ્ધ મનોભાવનાઓ અને આતમ વિકૃતિઓ!’ આપણા આતમના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ કેળવવાની ખૂબ જરૂર છે. આધ્યાત્મિકતાથી જીવનને દિશા આપવાની પણ એટલી જ જરૂર છે. કાઉસ્સગમને નિયમિત કરવાથી એ અશુદ્ધિઓનો ભાર હળવો થઇ જાય છે. અને આપણી ચેતનાને શુદ્ધ અને શુભ દિશા મળે છે.
આપણા ‘સોલ’ (Soul) ને ‘ફીટ’ (Fit) રાખવું એ જ બુદ્ધિમતિ છે!