તરોતાઝા

સમજણનું સરનામું…

અમેરિકા લેખક હ્યૂ પ્રેથરનું પુસ્તક ‘નોટ્સ ટુ માઈસેલ્ફ’

રમેશ પુરોહિત

અમેરિકન લેખક- ફિલોસોફર અને માર્ગદર્શક એવા હ્યૂ પ્રેથરનાં પુસ્તકો પાસે જવાનું સતત હોય જ છે, કારણ કે તરસ એક વખત પાણી પી લેવાથી છીપતી નથી. આ તરસ છે પોતાની જાતને જાણવાની અને જાણીને નાણવાની. કેટલાંક સર્જકોના સાચુકલા શબ્દો જેમ વાચતા જઈએ તેમ આપણા મનમાં સ્પંદનોના આંદોલનની ભરતી આવે છે. પ્રેરણાના તરંગો એકધારા વહેતા રહે છે. સો ટચના સોના જેવા શબ્દો વાચીને રસાયણ બનાવવા માટે હોય છે. ફક્ત નજરથી વાંચી નાખવાના નથી હોતા. આવા સર્જકો સમયાંતરે હળવેથી સાદ આપીને સામેથી બોલાવે અને અવાજ એવો હોય કે આપણે અવગણી શકીએ નહીં. આવું હ્યૂ પ્રેથરની બાબતમાં વારંવાર બની શકે છે. એમનું વિશ્ર્વવિખ્યાત પુસ્તક :
ગજ્ઞયિંત જ્ઞિં ખુતયહર – ‘નોટ્સ ટુ માઈસેલ્ફ’ – મારું અતિ પ્રિય પુસ્તક છે, જેનો મેં અર્થઘટન અને આસ્વાદ મારા લોકપ્રિય નીવડેલાં પુસ્તક ‘હું મારું સરનામું છું’માં કર્યો છે.

‘નોટ્સ ટુ માઈસેલ્ફ’ એક એવું પુસ્તક છે, જે ફરીફરી વાંચવું ગમે. અવારનવાર અવગાહન કર્યા પછી અનુવાદ કરવાનો વિચાર કર્યો. થોડાંક પાનાં આપણી ભાષામાં અવતાર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આમ તો પ્રથમ વાચને સરળ લાગતું પુસ્તક ધારીએ એવું સરળ નથી. અનુવાદ તો એથીય મુશ્કેલ છે, પણ મુશ્કેલ છે એટલે કામ પડતું મૂકવું એ મારા સ્વભાવમાં નથી. અનુવાદની પ્રક્રિયા વખતે વિચાર આવ્યો કે માત્ર અનુવાદથી અટકી ન જવું, પણ એમણે જે ગહન વાત કરી છે એનો મર્મ ઊઘડે એવી રીતે મારી ભાષાના જિજ્ઞાસુઓ સમક્ષ વાત રજૂ કરવી.

બિડાયેલી પુષ્પકળીઓની પાંખડીઓ ઉઘાડવા જેવી આ વાતમાં ક્યાંક દૃષ્ટાંતો, ક્યાંક દાખલાઓ તો ક્યાંક કાવ્યપંક્તિઓનો સહારો લઈને રંગ, રૂપ, રસ અને મહેકનો માહોલ રચવાનો પ્રયાસ કર્યો છે. ફૂલ પર જેટલી આસાનીથી પતંગિયા બેસે એટલી આસાનીથી વિભિન્ન ઉદાહરણ આવે એવું અહીં ગોઠવ્યું છે.

આ કાર્યમાં મારી સ્મૃતિએ મદદ કરી છે. સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી અને ઉર્દૂના અભ્યાસે મને હરવખત ટેકો આપ્યો છે.

આ પુસ્તક એક પ્રકારનો ચિંતનનો યોગ છે. હ્યૂ પ્રેથર મોટા ગજાના ચિંતક છે એટલે એ જે કંઈ લખે તે માણસને કેન્દ્રમાં રાખીને લખે છે અને સવિશેષ આજના છિન્નભિન્ન માણસને ધ્યાનમાં રાખીને શબ્દો અવતારે છે. ભલે દેશકાળ પ્રમાણે માણસની રહેણી કરણી બદલાય પણ મૂળ તો માણસ એનો એ જ છે.

હ્યૂ પ્રેથર લાખો-કરોડો લોકો દ્વારા વંચાતા અમેરિકન લેખક છે. એમના આંતરિક વૈભવ પાસે જવા જેવું છે. હું જ્યારે એમને વાંચું છું ત્યારે મને એક પ્રકારનો અહેસાસ થાય છે કે એમણે ક્યાંક જરૂર જે. કૃષ્ણમૂર્તિને આત્મસાત્ કર્યા છે- માણ્યા છે. આ વિધાન કરું છું ત્યારે હું એવો કોઈ અણસાર આપવા નથી ઈચ્છતો કે એમનું ચિંતન કૃષ્ણમૂર્તિનો પડઘો છે. કૃષ્ણમૂર્તિનું તત્ત્વજ્ઞાન વિશેષપણે અમૂર્ત છે, હ્યૂ પ્રેથરનું તત્ત્વજ્ઞાન મૂર્ત છે. કૃષ્ણમૂર્તિ કોયલનો ટહુકો છે, હ્યૂ પ્રેથર અષાઢી મોરનો કેકારવ છે.

હ્યૂ પ્રેથરની વિશેષતા એ છે કે એ વ્યાસપીઠ પર બેસીને ઉપદેશ આપતા હોય એ રીતે વાત નથી કરતા. બહુ બહુ તો કોઈક લિવિંગ રૂમ કે હોટલના ટેબલ પર બેઠેલા સ્વજન જેવા લાગે છે, જે ખૂબ જ આત્મીયતાથી પોતાના અહામૂલા અનુભવોની કિતાબનાં પાનાં ખોલે છે. આપણી પાસે ખૂટે નહીં એવો ખજાનો હોય અને ઘણું કહેવાનું હોય, પરંતુ સામસામો તાર મળી જાય અને હોંકારો આપનારું કોઈ હોય તો કહેવાનો આનંદ અદકેરો હોય છે.

ડ્રોઈંગ-રૂમ કે કાફે ટેબલની વાત તો સહેજ અમસ્તી જ કરી હતી, પણ ઊંડા ઊતરવાનો થોડોક પ્રયત્ન કરીએ તો લાગે કે તો પોતાની જાત સાથેની વાત છે. આ લખાણના મૂળિયાં સ્વબોધમાં છે અને એનો વ્યાપ સર્વબોધ સુધીનો છે.

જિંદગી જીવવાની કળા વિશે વાત માંડતા એ કહે છે: ‘ક્યારેક હાશકારો ખાઈને થોડુંક વિચારું છું ત્યારે લાગે છે કે ગમે તેમ પણ મને જીવવાની કળા આવડી ગઈ છે, પણ એ વખતે હું ભૂલી જાઉં છું કે જિંદગી તો પરિવર્તનશીલ છે અને હું તો હતો ત્યાંનો ત્યાં જ, જીવન શરૂ કર્યું ત્યારે જેવો હતો એવો ને એવો જ…! જિંદગી જીવવાની પરિપક્વતા અને જિંદગી જીવતાં આવડી ગયું છે’ એવી માન્યતા વચ્ચે ફરક છે. પ્રગતિ અંગેની મારી સૂઝબૂજ એક એવી ભ્રમણા પર નભી રહી છે કે વસ્તુઓ એની એ જ રહેવાની છે. જ્યારે હકીકતમાં વસ્તુઓ બદલાય છે… મારો સંયમ નામનો જ છે. જિંદગીને જાણવાના પ્રયાસમાં આમખું પૂરું થઈ જાય છે અને આપણે પહેલે પગથિયે પગ માંડી શકતા નથી. ‘શૂન્ય’ પાલનપુરીએ કહેલી વાત અહીં આ વાત જાણવા જેવી છે:
ઉન્માદ સંગ ખેલીને આફત નહીં કરો
માથે ચડાવી પંથ કયામત નહીં કરો
એકે નિશાની આપની બાકી નહીં રહે
પગલાંને પૂજવાની હિમાયત નહીં કરો.
લેખક આપણાં સૌના અનુભવોની સચોટ વાત કેટલી સરળતાથી કરે છે તે જોઈએ :
હું અડસડાટ એક પછી હેક નિર્ણય લેતો
રહું છું અને માનું પણ છું કે મેં છેલ્લે
લીધેલો નિર્ણય અંતિમ અને અફર છે,
પરંતુ મને આખરે એટલું જ સમજાય છે કે
હું વાસ્તવમાં મૂંઝાયેલો છું…
આનંદની વાત એ છે કે ‘હ્યૂ પ્રેથરના નોટ્સ ટુ માઈસેલ્ફ’ના અનુવાદ- અર્થઘટન અને આરવાદનું મારું પુસ્તક ‘હું મારું સરનામું છું’ દર રવિવારે ‘મુંબઈ સમાચાર’માં ક્રમશ: પ્રગટ થયું હતું અને ‘મુંબઈ સમાચાર’ના બહોળા અસંખ્ય વાચકોએ તેને પ્રેમપૂર્વક વધાવી લીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button