તરોતાઝા

ગરમીમાં તન-મનને તાજગી બક્ષતું અમૃત : ‘ગુલકંદ’

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

ભોજન બાદ ખોરાકને સારી રીતે પચાવવા સામાન્ય રીતે પાન ખાવાની આદત અનેક લોકોમાં જોવા મળે છે. તેમાં પણ કાઠિયાવાડી હોય તો ભોજન બાદ આખે આખું પાન મોંમાં મૂકીને ધીમે ધીમે તેનો આનંદ મમળાવે. અહીં
આપણે જે પાનની વાત કરી રહ્યા છે તે પાનની અંદર -સેકેલી સોપારીની કતરણ સાથે -એલચી-વરિયાળી – ધાણાદાળ-ગુલકંદથી તૈયાર કરવામાં આવે છે . આવા મીઠા પાનમાં જે દેશી ગુલાબની પાંખડીઓથી તૈયાર કરવામાં આવતું દ્રવ્ય અત્યંત તાજગીસભર હોય છે. એ દ્રવ્ય ‘ગુલખંડ’ તરીકે પણ ઓળખાય છે. આધુનિક ભાષામાં કહેવું હોય તો ગુલાબનો જામ’ કહી શકાય. ગુલકંદમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ છે. ગુલકંદ માટે એવું કહેવાય છે કે તે નાના મોટા પ્રત્યેક વ્યક્તિની તબિયતને સુધારે છે. ગરમીમાં ગુલકંદનો ઉપયોગ શરીરને ઠંડક પહોંચાડવાની સાથે પેટની અનેક તકલીફમાં રાહત આપે છે.

ગુલકંદનો અર્થ જોઈએ લઈએ. ગુલ એટલે કે ‘ગુલાબ’ કંદ શબ્દનો અર્થ થાય છે ‘મીઠો.’….ગુલાબનો મીઠો પાક. ગુલાબની પાંખડીને ખડી સાકર સાથે ભેળવીને તૈયાર કરવામાં આવે છે. જે તૈયાર થયા બાદ શરીરને જબરજસ્ત કુલિંગ-ઠંડક આપે છે. આયુર્વેદમાં ગુલકંદનો સમાવેશ એક અસરકારક ઔષધિ તરીકે થાય છે. એ એક ફારસી-ભારતીય આર્યુર્વેદિક ઉપચાર ગણાય છે. ગરમીના દિવસોમાં શરીરની વધારાની ગરમી દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, કેલ્શ્યિમ, પોટેશ્યિમ, ફોસ્ફરસ, મૈગ્નેશ્યિમ તેમજ ઍન્ટિ-ઓક્સિડન્ટ જેવાં અનેક સત્ત્વો જોવા મળે છે.
ગુલાબની પ્રમુખ ખેતી યુરોપ, મધ્ય પૂર્વ અમેરિકા તથા એશિયામાં કરવામાં આવે છે. ગુલાબનો છોડ લગભગ પ્રત્યેકના આંગણામાં શોભતો હોય છે. ગુલાબની પાંખડીમાંથી અત્તર, ઠંડાઈ જેવી વિવિધ વસ્તુ તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ શરબત કે લસ્સી બનાવવામાં થાય છે.

ગુલકંદને વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે, જેમ કે તેનો મુખ્ય ઉપયોગ દૂધમાં કરવામાં આવે છે. તેને બ્રેડ ઉપર જામની જેમ પણ લગાવી શકાય . સીધેસીધું બોટલમાંથી કાઢીને એક ચમચી ખાઈ શકાય છે. ગરમીના દિવસોમાં પાણીમાં ભેળવીને લૂથી બચવા પી શકાય છે. આજકાલ તો ગુલકંદના લાડુ તેમજ અન્ય મીઠાઈઓની સજાવટમાં ગુલકંદનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે.

જમ્યા બાદ પાનની અંદર ગોઠવીને ગુલકંદવાળું પાન ખાવાનો આનંદ માણી
શકાય છે. ગુલકંદ માટે દેશી ગુલાબની પાંખડી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન સ્થિત પુષ્કર તેમજ ઉત્તર પ્રદેશના કનૌજના ગુલાબની પાંખડી સૌથી સારી ગણાય છે. પ્રતિવર્ષ તીર્થનગરી તરીકે જાણીતા પુષ્કરમાંથી સવા સો ટન ગુલકંદ તૈયાર થઈને દેશ-વિદેશમાં પહોંચાડવામાં આવે છે. કનૌજમાંથી ૩૦૦ કરોડનો ગુલકંદનો વ્યાપર થાય છે. ગુલાબમાંથી ગુલકંદની સાથે ગુલાબજળ મોટા પાયે બનાવવામાં આવે છે.

સુકા ગુલાબની પાંદડીની માગ આરબ દેશોમાં મોટા પાયે છે. ગુલાબમાંથી અત્તર, અગરબત્તી વગેરે મોટા પાયે બનાવવામાં આવે છે. ગુલકંદ ખરીદતી વખતે ચોકસાઈ રાખવી કે તેમાં સિંથેટિક રંગનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. ગુલકંદનો ભાવ કિલોનો રૂ. ૧૦૦૦ની આસપાસ જોવા મળે છે.

શું શું ફાયદા છે ગુલકંદના
પેટ માટે ઉત્તમ
ગરમીની મોસમ શરૂ થાય તેની સાથે નાના-મોટા પ્રત્યેકને પેટ સંબંધિત તકલીફો વધવા લાગે. કોઈકને ગેસ થાય, તો કોઈને એસિડીટી, તો કોઈકને અપચાની તકલીફ, કોઈને વળી હરસ-મસાની તકલીફને કારણે લોહી નીકળવા લાગે, જેને કારણે શારીરિક નબળાઈ વર્તાય. આવા સંજોગ માં ગુલકંદનો ઉપયોગ લાભદાયક બને છે. ગુલકંદનો ઉપયોગ ભોજન બાદ કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે.

આંખોનું તેજ જાળવી રાખવા
ગરમીમાં આંખોમાં બળતરા થતી હોય છે તો ક્યારેક વધુ પડતાં સૂર્યપ્રકાશમાં જવાથી આંખે અંધારા આવવા લાગે છે. આવા સંજોગમાં ૧ ચમચી ગુલકંદ ચાવી જવાથી રાહત મળે છે, કારણ કે ગુલકંદની પ્રકૃત્તિ ઠંડી ગણાય છે. ગુલકંદના સેવનથી આંખો લાલ થવી કે બળતરાને અમુક હદ સુધી રોકી શકવામાં સફળતા મળે છે.

મોંના ચાંદાની સમસ્યા
મોંમાં ચાંદા પડવાની સમસ્યા આજના યુવા વર્ગને વધુ સતાવે છે. વિટામિન બી કોમ્પલેક્સની ઊણપને કારણે મોં માં ચાંદા દેખાય. ગુલકંદમાં
વિટામિન બીની માત્રા હોય છે. એને કારણે મોંમાં અકારણ પડતાં ચાંદાથી રાહત મળે છે.

માનસિક તાણથી મુક્તિ
૧ ચમચી ગુલકંદને દૂધ સાથે પીવાથી શરીર તાજગી અનુભવે છે.. ગુલકંદમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા હોવાથી તે બળવર્ધક ગણાય છે. દિવસે કે રાત્રિના ગુલકંદનો ઉપયોગ દૂધ સાથે કરવાથી શરીરમાં વારંવાર દેખાતી નબળાઈથી રાહત મેળવી શકાય છે.

હૃદયની તંદુરસ્તી માટે ઉપયોગી
ગુલાબમાં મેગ્નેશ્યિમ છે, જે બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી હૃદયને સુચારુ રીતે કામ કરવામાં સક્રિય રીતે મદદ
કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
ગુલકંદના ઔષધિય ગુણો જોતાં તેનું સેવન વજન ઘટાડવા માટે કરી શકાય. ગુલકંદ બનાવવા માટે ગુલાબની પાંખડીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફેટનું પ્રમાણ હોતું નથી.

ગુલકંદ બનાવવાની રીત
સામગ્રી : ૨૫૦ ગ્રામ તાજા દેશી ગુલાબની પાંખડી, વાટેલી ખડી સાકર ૨૫૦ ગ્રામ, ૧ નાની ચમચી એલચીનો ભૂકો, ૧ નાની ચમચી વાટેલી વરિયાળી.

સૌ પ્રથમ ગુલાબની પાંખડી બરાબર સાફ કરીને સુકા કપડાં ઉપર સૂકવી દેવી. એક મોટા કાચના બાઉલમાં કે તપેલીમાં ગુલાબના પાન ગોઠવવાં. તેની ઉપર દળેલી સાકર ભભરાવવી. એલચી પાઉડર ભભરાવવો. વાટેલી વરિયાળીનો પાઉડર ભભરાવવો. ૧૦-૧૨ દિવસ તેને રાખી મૂકવું. ૧૦-૧૨ દિવસ બાદ ગુલાબના પાનમાં સાકર રહેવાથી બરાબર ઓગળી જશે. ગુલકંદ તૈયાર થઈ ચૂક્યું છે. એરટાઈટ ડબ્બામાં કે બહારથી લાવેલી કાચની બોટલમાં મિશ્રણ ભરી દેવું.

કબજિયાતથી રાહત
દેશી ગુલાબથી બનતાં ગુલકંદમાં અનેક ગુણ જોવા મળે છે. ફાઈબરની સાથે તેમાં મેગ્નેશ્યિમનું પ્રમાણ લેક્સેટિવ પ્રભાવ ધરાવે છે. જે લાંબા સમયથી ચાલી આવતી કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવામાં મદદ કરે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત