તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

કેવું નઇ? આપણા બેસણામાં બધા હાજર ને આપણે જ ગેરહાજર?

મોજની ખોજ -સુભાષ ઠાકર

‘નઇ, બિલકુલ નઇ વગર આમંત્રણે એમ કોઈના પ્રસંગમાં જવાય જ નઈ’ સરોજ બોલી ‘અરે માય બ્યુટીફુલ રાણી, તું સમજતી કેમ નથી, આ લગ્નનો પ્રસંગ નથી, આ બેસણાનો પ્રસંગ છે આમાં ચંબુના ઘરેથી આમંત્રણ પત્રિકા ન આવે કે’ આત્મીય સ્વજન, સહર્ષ જણાવવાનું કે ઇષ્ટદેવ શ્રી ઇન્દ્રદેવની અસિમ કૃપાથી, તેમજ પરિવાર અને ડોક્ટરોના અદ્ભુત સાથ-સહકારથી અમારા બાપુજી શ્રી ચંપકલાલ ઝવેરી તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. આ લાડકા પિતાશ્રીનું બેસણું તારીખ ૨૨ ઓક્ટોબર મંગળવારે સાંજે ચાર વાગે લુહાણા મહાજન વાડી કાંદિવલી પશ્ર્ચિમમાં નિરધાર્યું છે.

તો બાપુજીના આત્માની શાંતિ માટે આપ સહકુટુંબ પધારી શુભ અવસાનના (અવસર) ભાગીદાર બની શોભામાં અભિવૃદ્ધિ કરશો. આપની હાજરીથી હુફથી બેસણાનું વાતાવરણ ઝળહળી ઉઠશે. (ટહુકો: અમાલા દાદાના બેસનામાં જલુલ જલુલથી આવજો ..સ્વીટી-પિંકી-છોટું ) ‘અમે આપની આતુરતાપૂર્વક રાહ જોઈશું.

લી. ચંબુપ્રસાદ ચંપકલાલ ઝવેરી પરિવારના જયશ્રીકૃષ્ણ…. ‘આવી પત્રિકા જોઈ?’ ‘અરે મારા હેન્ડસમ રાજા, બેસણું તો બેસણું. આપણા બાપુજીએ આપણને મૃત્યુ પહેલા શું કીધેલું? કે આપણા બેસાણામાં જે ન આવે એના બેસણામાં આપણે પણ નઇ જવાનુ. સ્વમાન જેવું કંઇ હોય કે નઇ? ને તમે તો વગર ઓળખાણે કેટલાના બેસણામાં પહોંચી જ જાઓ છો!’

‘તું યાર મગજની નસ ન ખેંચ, આ કંઈ જમવાનું આમંત્રણ નથી કે આજે એ બોલાવે ને કાલે આપણે બોલાવવાના, યાદ રાખ જિંદગીમાં આ એકજ પ્રસંગ એવો છે કે ન બદલો આપી શકાય કે ન લઈ શકાય. જેના બેસાણામાં આપણે જઈશું એ આપણા બેસાણામાં ન આવી શકે ને ભવિષ્યમાં આપણા બેસણામાં જે આવશે એના બેસણામાં આપણે હાજર ન રહી શકીએ. સમજી?’

કેવું નઇ? આપણું બેસણું ને આપણે જ ગેરહાજર, વાહ રે ઈશ્ર્વર શું તારી કારીગરી? ચાલો હવે તમારી ઇચ્છા ને આગ્રહ છે તો આવું છું. નિકળીએ?’ ‘અરે પણ બકા સાડી તો બદલ, આવી ભડક રંગીન સાડીમાં….’ ‘કેમ આ સાડી પહેરીશ તો બાપુજી પાછા આવશે? એ ચંપકલાલ પોતે જ રંગીન સ્વભાવના હતા એમને રંગીન સાડી બહુ ગમતી. જ્યારે જ્યારે મને રંગીન સાડીમાં જોતા ત્યારે રાજી રાજી થઈ જતા એટલે…’ ‘અરે એ ડોહાને તો તારી બા પણ બહુ ગમતી ને મર્યા ત્યાં સુધી તારી બા પર લાઇન મારતા પણ ખાનદાન એવા કે કોઈ દિવસ તારી બાને ઘરે રોકાવા ન બોલાવી?

કે તારી બા ફ્રેશ થવા કે હવાફેર કરવા ચંપકલાલ પાસે રોકાવા ગઈ? પ્લીઝ તું નસ ખેંચ્યા વગર ચંપકલાલે ખોળિયું બદલ્યું એમ પેલી શોકસભામાં પહેરવા માટેની સાડી પહેરી લે’ થોડીવારમાં તો કડક-કડક ધોળી સાડીમાં ‘દીવાર’ની વિધવા નિરૂપારોય જેવી ઝટપટ ને ચટકમટક તૈયાર થઇ પ્રગટ થઇ ને અમે પોણાચારે પહોંચ્યા તો હોલમાં ૧૫૦ માણસો સફેદ વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઇ બેઠેલા જોઈ નવાઈ એ લાગી કે આટલા વહેલા આ લોકો? એટલે એક શ્ર્વેતધારીને સીધું પૂછ્યું ‘શું હતુ બાપુજીને?’ ‘કોના બાપુજીને?’એના પ્રતિપ્રશ્ર્નથી પહેલા ચમક્યો ને પછી મુંઝાયો મને થયું કે કંઈક લોચો વાગ્યો લાગે છે.’ અરે પેલા ચંબુના ડેડ ડેડ થઇ ગયા ને એમનું આજે …બેસણું છે…’ એ અહીં નથી.

ઉપરના માળે હૉલ નંબર ૨-માં અહીં તો કૉંગ્રેસના દર વખતે જે ભગા થાય છે એની મીટિંગ છે. હરિયાણામાં કેમ ધબડકો થયો એને ફરી જીવંત કરવા….’ ‘ઓકે ઓકે સોરી સોરી’ બોલતાં બોલતાં શરમાતા શરમાતા જલદી જલદી નીકળી ગયા હૉલ નંબર ૨માં પહોંચ્યા ને સામેની દીવાલ પરની તસવીર જોઈ સરોજ ચમકી: ‘સુભાષ, સમજાતું નથી આપણે તો ભૂલી જ ગયાં આ હૉલમાં તો છ મહિનામાં ત્રીજીવાર આવ્યા પણ ત્રણેવાર આજ ભાઇનો ફોટો હતો તો આ જ ભાઈ કેટલીવાર ગુજરી જાય છે? એમણે જનમ-મરણની મુસાફરીનો પાસ કઢાવ્યો છે?’ પ્લીઝ આટલી ગરમીમાં તું મને વધુ ગરમ ન કર આ હૉલના દાતાનો ફોટો છે, ચંપકલાલનો અંદર ટેબલ પર હવે મુકાશે. ‘તો ઠીક, બાકી યાદ છે ને ગયા મહિને પેલા રમણલાલની શોકસભામાંથી બહાર ને રમણલાલ સામે મળ્યા ત્યારે તમે કેવા ડઘાઈ ગયેલા પાછું એમને જ પૂછ્યું ઠાકર, તમે અહીં?’

ત્યારે તમે ગેગેફેફે થઈ ગયા …પછી ખબર પડી કે શોકસભા રમણલાલની નઇ પણ રમણીકલાલની હતી. જરાક નામમાં ગોટાળો થાય તો આપણી દશા કેવી ખરાબ થઇ જાય? ‘ને અચાનક ફોટો સામે જોઈ ચમકીને બોલી’ સુભુ…સુભુ…સુભુ…સાલુ લોચો તો છે જ તે માર્ક કર્યું? ચંપકલાલ ઉપડી ગયા છે તો પણ આ હારવાળી તસવીર કેમ ચંબુની મૂકી છે? તું કનફોર્મ કર ખરેખર કોણ ટપકી પડયું છે? ચંબુ તો ફોટાની બાજુમાં જીવતો જાગતો, હાલતો ચાલતો, ફૂટબોલ જેવો કડેધડે બેઠો છે.

તમે લજામણીના છોડ જેવા શરમાળ છો એટલે નઇ પૂછો હું જ ચંબુને પુછું છું ‘આ શું ચંબુભાઇ. ફાધરના બેસણામાં દીકરાનો ફોટો, ચંપકલાલના બદલે ચંબુ.. વોટ એ સરપ્રાઇઝ..!’ ‘ધીરા પાડો ભાભી, એ બાપુજીનો જ ફોટો છે પણ નાનપણનો છે, એક્ચ્યુયલી એમાં એવું છે કે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા એ પહેલા આ ફોટો ક્લિક કરીને રાખેલો. પછી ઉમ્મરના હિસાબે બાપુજી જાય તો એમની યાદગીરી પણ જતી રહે. વૃદ્ધાશ્રમથી બાપુજીને ઘરે આવવામાં તકલીફ ન પડે એટલે ક્યારેય ઘરે પાછા લાવ્યા જ ન હતા છતાં અમારો એક નિયમ તો નક્કી ગમે તે થાય પણ મહિનામાં એકવાર તો બાપુજીની મુલાકાત લેવાની એટલે લેવાનીજ. સમય ન મળે તો મોબાઇલથી ખબર પૂછી લેવાની, પણ ધ્યાન તો રાખવાનું જ.

ગમે તેમ તોયે બાપુજી છે, એમને કંઈ થાય તો આપણો જીવ ન બળે? અરે ભાભી અમે મોબાઈલવાળો ફોટો મોટો કરાવવા આપ્યો પણ સમય હતો નઇ ને કાલે હતો રવિવાર. સાલું આપણને ખબર ન હતી કે બાપુજી શુક્રવારે પરમાત્મા પાસે પહોંચી જશે, ખૂબ વિચાર્યું સાલું બાપુજીના બેસણામાં ને બાપુજીના ફોટામાં બાપુજીનું જ મોઢું ન દેખાય તો સમાજમાં આપણે મોઢું શું બતાવવું?. ફોટાની બાબતમાં મને જરાય બેદરકારી ગમે નઇ એટલે બા-બાપુજીનો એક ભેગો ફોટો હતો એમાંથી બાનો અલગ કરી આ મૂકી દીધો. ફોટામાં આ ડાબી બાજુની બાંય દેખાય છે એ બાપુજીના શર્ટની નથી પણ મારી બાનુ બ્લાઉઝ છે, બીજું ડોક્ટરે કીધેલું ઉમ્મર છે એટલે દવા કરાવશો તો પણ વધુમાં વધુ એક વર્ષ કાઢે પછી તુર્તજ તારા ભાભી બોલ્યા ‘તો પછી દવામાં ખર્ચ કરવો એના કરતાં બેસણાની પ્રાર્થનાસભા માટે અગાઉથી હૉલની ડિપોઝિટ ભરી દઈએ પછી હૉલ મળે ન મળે, જો કે મુંઝવણ તો હતી જ કે બાપુજી ન ગયા તો શું કરશું?

Also Read – સ્વાસ્થ્ય સુધા : મસાલાની રાણી એલચીના છે કમાલના લાભ

તો પછી તારા ભાભીએ મને પુછ્યું વિચારી લો ડિપોઝિટ બચાવવી છે કે બાપુજી? બન્ને બાજુ રિસ્ક તો છે જ પણ ઈશ્ર્વરની મરજીથી ખૂબ વિચારી ડિપોઝિટ ભરી તો હવે પ્રાર્થનામાં વાંધો નઇ આવે. આપણા બાપુજી પ્રત્યે આપણને લાગણી ન હોય તો બીજા કોઈને થોડી હોય,’ બોલો, તમે શું કહો છો ?

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker