તરોતાઝા

વાયુ પ્રદૂષણ – આ પાંચ તત્ત્વોનો વપરાશ વધારો, તમારી દિવાળી સુધારો

વિશેષ – મુકેશ પંડ્યા

શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે તેની સાથે દિલ્હી અને મુંબઇ જેવાં શહેરોમાં પ્રદૂષણ પણ વધવા લાગ્યું છે. શિયાળામાં હવાની ગીચતા (ડેન્સિટી) વધતી જવાથી ધુમાડાની તેમ જ બાંધકામ દરમ્યાન ઊડતી રજકણો હવામાં જ સપડાયેલી રહે છે. આવી હવા શ્ર્વાસ વાટે શરીરની અંદર જાય છે ત્યારે અનેક બીમારી ઉદ્ભવે છે. ખાસ કરીને ખાંસી, શરદી-સળેખમ, અસ્થમા અને શ્ર્વસન સંબંધિત રોગોનું પ્રમાણ વધે છે. આ રોગો ઘર કરી જાય પછી તેને લગતી અનેક ગંભીર બીમારીઓ પણ શરીરમાં વધતી જાય છે. આવી બીમારીઓ સામે રક્ષણ મેળવવા આજથી જ તકેદારી રાખવાનું શરૂ કરી દેશો તો ફાયદામાં રહેશો અને દિવાળી સુધરશે. ચાલો આપણે નિમ્નલિખિત સૂચનો મમળાવીએ અને અપનાવીએ.
વારંવાર બીમાર પડતા હોય તેમણે માસ્ક પહેરીને બહાર નીકળવું
કોરોના કાળ સમાપ્ત થયા પછી આપણે ભારતીયોએ માસ્ક પહેરવાનું છોડી દીધું છે ,પરંતુ જાપાનમાં તો વિવિધ ચેપથી બચવા ઘણા લોકો આજે પણ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરીને જ નીકળે છે. જેને શરદી થઇ હોય એવા લોકો તો ખાસ માસ્ક પહેરીને નીકળે છે જેથી તેમનો ચેપ બીજાને ન લાગે.

ગરમ પાણી પીવાનું ચલણ રાખો
શિયાળાની ઋતુમાં હાલતા ચાલતા શરદી થઇ જવી સામાન્ય બાબત છે. આવા સંજોગોમાં ફ્રિજ કે માટલાના ઠંડા પાણી પીવાનું ટાળી નવશેકું ગરમ પાણી પીવાની આદત કેળવવી જોઇએ જે માત્ર શરદી સળેખમ જ નહીં પણ કબજિયાત જેવા અનેક રોગોમાં પણ લાભકારક છે.

આટલી સામાન્ય તકેદારી પછી પણ ક્યારેક પ્રદૂષિત હવાને કારણે આપણા શરીરમાં બીમારી દાખલ થાય તો તેની સામે કુદરતી રીતે લડવા આપણે આપણા ડાયેટમાં નીચેની પાંચ વસ્તુઓનો વપરાશ કરવો જોઇએ જે વાયુપ્રદૂષણ સામે આપણા શરીરનું રક્ષણ કરે છે.

આદું : કોઇ વ્યક્તિ સતત કોઇ ધ્યેય પાછળ કાર્યરત હોય તો આપણે એવો વાક્યપ્રયોગ કરીએ છીએ કે આ વ્યક્તિ તો ફલાણા કામ પાછળ આદું ખાઇને પડી છે. આદું ખરેખર જ આપણી અનેક બીમારીઓ તો દૂર કરે છે સાથે શક્તિ પણ પ્રદાન કરે છે જેને કારણે આપી કાર્યક્ષમતામાં વધારો થાય છે. કોની માતાએ સવાશેર સૂંઠ ખાધી છે એ વાક્યપ્રયોગ પણ શક્તિ વાર્ધક્યના રૂપમાં પ્રયોજાય છે.

આદું તો શરીરમાં અનેક રીતે ફાયદો કરે છે, પરંતુ વાયુ પ્રદૂષણ સામે લડવાની વાત કરીએ તો તેનામાં રહેલા કુદરતી એટોપ્ટોજનને કારણે શરીરની વાયુપ્રદૂષણ સંબંધિત અનેક બીમારીઓ સામે લડવાની શક્તિ વધી જાય છે. આ ઉપરાંત તે માનસિક તાણ ઓછી કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

ઑલિવ ઓઇલ : આરોગ્યને જાળવતા જે શ્રેષ્ઠ ખાવાના તેલ છે તેમાં તલ અને સરસવના તેલની જેમ ઑલિવ ઓઇલનો પણ સમાવેશ કરી શકાય. આ તેલના અનેક ઉપયોગ છે પણ વાયુ પ્રદૂષણ સામે લડવા ફેફસાની કાર્યક્ષમતા વધારવાની જરૂર છે જે ઑલિવ ઓઇલના ઉપયોગથી વધી શકે છે. આ તેલમાં જે આલ્ફા ટોકોફેરોલ નામનું તત્ત્વ છે એ ફેફસાને મજબૂત કરવાનું કામ કરે છે જે વાયુપ્રદૂષણના કારણે થતી વિવિધ બીમારીઓ સામે ઢાલ બનીને શરીરનું રક્ષણ કરે છે.

ટામેટાં : થોડા સમય પહેલાં ટામેટાંના ભાવને લઇને ઘણો ઊહાપોહ થયો હતો પણ હવે તો ભાવ ઘટીને સ્થિર થચા છે તો તેનો આ ઋતુમાં સદુપયોગ કરી લેવો જોઇએ. તાજા ટામેટામાં જે લાયકોપેન નામનું તત્ત્વ છે એ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે જે શરીરને શિયાળામાં થતી અનેક શ્ર્વાસ સંબંધિત બીમારીઓથી બચાવે છે. ટામેટામાં રહેલું વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ ઋતુમાં રોજ ટામેટાનું સલાડ ખાવાની આદત કેળવવાથી ઘણી શારીરિક ઉપાધિઓથી બચી શકશો.

અળસીના બીજ :સાધારણ રીતે આપણે મુખવાસ તરીકે વરિયાળી કે ધાણાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ ઋતુમાં ફ્લેક્સ સીડ અર્થાત્ અળસીના બીજનો ઉપયોગ મુખવાસ તરીકે કરશો તો ઘણા ફાયદામાં રહેશો. આ બીજમાં વિપુલ પ્રમાણમાં ફાયટો એસ્ટ્રોજન અને ઑમેગા-૩ ફેટ્ટી એસિડ નામનાં તત્ત્વો રહેલાં છે જે અસ્થમા અને અન્ય એલર્જિક બીમારી સામે સારી લડત આપે છે.

હળદર :હળદર એ તો ભારત જેવા દેશને મળેલું એક શ્રેષ્ઠ વરદાન છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. એન્ટિ બૅક્ટેરિયલ અને એન્ટિ વાઇરલ હળદર આપણને અનેક પ્રકારની બીમારીથી બચાવે છે સાથે ફેફસાનું અનેક વિષપદાર્થોથી રક્ષણ કરે છે. પ્રદૂષિત હવા શ્ર્વાસ વાટે અંદર જાય ત્યારે નાક, ગળા અને ફેફસાને વધુ નુકસાન થવાની શક્યતા હોય છે. દાદીમાના સમયથી ચાલતો હળદરનો ઉપયોગ આપણને વિવિધ ઋતુની વિવિધ બીમારી સામે બચાવે છે એટલે તેનો ઉપયોગ હવનના સમિધ તરીકે પણ થાય છે જેનો ઉદ્દેશ વાયુનું શુદ્ધીકરણ હોય છે. શરીરમાં ક્યાંક વાગે અને લોહી નીકળવા લાગે ત્યારે પણ હળદરનો પાઉડર દાબી દવાથી તાત્કાલિક લોહી વહેવાનું બંધ થાય છે. આ ઋતુમાં હવે છૂટથી લીલી હળદર પણ મળવા લાગશે જેનો ઉપયોગ આપણે કરી લેવો જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button