તરોતાઝા

મસ્કની બ્રેન ચીપથી લઈને આઈન્સ્ટાઈનનાઅજબ-ગજબ મગજ સુધી…

આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી

માનવ મગજમાં ગોઠવવામાં આવેલી ઈલોન મસ્કની ન્યુરોલિંક ચીપની આજે ચોતરફ ચર્ચા છે ત્યારે જાણી લો કે આ સદીના સૌથી વધુ વિચક્ષણ વિજ્ઞાની આઈન્સ્ટાઈનનું મગજ કેમ તફડાવવું પડ્યું હતું ?

આપણે બધા જ્યારે આસ્થાભેર રામલલા પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવ -ઉજાવણીમાં ગુલતાન હતા એ માહોલમાં જગતના એક બીજે છેડે વિજ્ઞાનજગતની એક એવી ઘટના આકાર લઈ રહી હતી, જેની કલ્પના ન હોય એવાં વિસ્મયજનક પરિણામ આપણને નજીકના ભવિષ્યમાં જોવા મળશે. આ પરિણામ બની શકે આગામી વર્ષોમાં અનેક શોધખોળની કદાચ વ્યાખ્યા પણ પલટાવી દે! માત્ર 1.5 કિલોગ્રામ (આશરે 1350થી 1400 ગ્રામ) જેટલું વજન ધરાવતું માનવમગજ અનેક અજાયબીઓથી ભરપૂર છે. આપણે અહીં હ્યુમન બ્રેનની સુક્ષ્મ આંતરિક રચનાની કડાકૂટમાં ન પડીએ, છતાં એ જરૂર જાણી લઈએ કે એમાં 1 અબજથી વધુ ચેતાકોષ (ક્ષયદિય ભયહહ) અને ચેતાકોષિકા (ક્ષયીજ્ઞિક્ષ) હોય છે, જેના દ્વારા મગજ શરીરને વિભિન્ન આદેશ આપીને કાર્યરત -ચેતનવંતું રાખે છે.. હવે કુદરત સર્જિત આ મગજમાં એક ઈલેકટ્રોનિક ચીપ બેસાડવામાં આવી છે. વિશ્વના સૌથી શ્રીમંત એવા ઉદ્યોગ સાહસિક ઈલોન મસ્કની કંપની ન્યુરોલિંક' દ્વારા આ ચીપ માનવ મગજમાં બેસાડી એના દ્વારા શરીરને કમ્પ્યુટર કે સ્માર્ટ ફોન જેવી કોઈ ડિવાઈસ સાથે સાંકળવામાં આવશે, જેથી તમે જે વિચારશો એનો અમલ થઈ શકશે.. બીજા શબ્દોમાં કહીએ તો આ ચીપ દ્વારા તમારા મનના વિચાર-મન કી બાત જાણી શકાશે ! આ ન્યુરોટેકનોલોજીઅમુક બીમારી-જેમકે, કરોડરજ્જુ-માંસપેશી-શરીરથી પીડાગ્રસ્ત લોકો માટે વિશેષ ઉપકારક સાબિત થશે. આમ તો માનવ મગજ મૂઠ્ઠીમાં સમાઈ જતું એક એવું બ્રહ્માંડ છે, જેની કલ્પના પણ ન કરી શકો તેવી પ્રચંડ શક્તિ એ ધરાવે છે. ઈલોન મસ્કની બ્રેન ચીપથી બીજી દિશામાં ફંટાઈને આપણે આજે કુદરતે સર્જેલા મૂળ માનવ મગજની વાત કરવી છે. બ્રેન-મગજની વાત કરીએ ત્યારે આ સદીના સૌથી વધુ વિચક્ષણ વિજ્ઞાની આઈન્સ્ટાઈનનાં બ્રેન -મગજની વાત કરવી જ પડે... યહૂદી વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમનીથિયરી ઑફ રિલેટિવિટી’ -ને લીધે વિશ્વવિખ્યાત બન્યા. આ થિયરી રજૂ થઈ ત્યારે ભલભલા વિજ્ઞાનીઓનાં માથાંનું દહીં થઈ ગયું હતું. જો કે, સાપેક્ષતાવાદનો આ સિદ્ધાંત એક મિત્રે અમને બહુ સરળ રીતે આ રીતે સમજાવી દીધો હતો. એ કહે: ધારી લો કે પ્રેયસીને મળવાનું નક્કી થયું. નિયત સ્થળે- નિશ્ચિંત સમયે તમે પહોંચી પ્રેયસીની રાહ જોતાં તમે કંટાળી જાવ છો. આખરે એ આવે છે.માત્ર દસેક મિનિટ જ મોડી પડી છે,છતાં તમને થાય કે જાણે યુગો વીતી ગયા. આ સાપેક્ષવાદનો એક સિનારિયો. હવે આ દ્રશ્ય જુઓ :
મોડી આવેલી પ્રેયસી સાથે પ્રેમાલાપ શરૂ થાય છે. બન્નેના ઈલ્લુ..ઈલ્લુ'માં બે કલાક વીતી જાય.છૂટ્ટા પડવાના હો ત્યારે તમને દેવાઆનંદ જેવી પેલી ફિલિંગ આવી જાય : અભી ન જાવ છોડ કે દિલ અભી ભરા નહીં!' અરે, હમણા તો મળ્યાં ત્યાં છૂટાં પડવાની વેળા આવી ગઈ?! હવે આ બન્ને સિનારિયો સરખાવશો તો સમજાશે કે સમય તો એની રીતે વહે છે,પણ વધારે કે ઓછો સમય એ તો માનવ મનની એક ધારણા છે.અને આ છે સાપેક્ષવાદ ઈન શોર્ટ ! આલ્બર્ટ આઈન્સ્ટાઈનને આજે બે કારણસર યાદ કર્યા. એક: ઈલોન મસ્કની બ્રેન ચીપના સફળ પ્રયોગ માટે અને બે: એટલા માટે કે થોડા દિવસ બાદ આગામી માર્ચ મહિનામાં એમનો જન્મદિવસ છે. આધુનિક વિજ્ઞાનજગતના ઘડતારમાં જેમનું અનન્ય પ્રદાન છે એવા સાપેક્ષવાદ સિદ્ધાંતના સર્જક આલ્બર્ટ આઈન્સ્ટાઈન બાળપણમાં બોલવા- ભણવામાં બહુ નબળા . માનસિક વિકાસ પણ ધીમે ધીમે થયો હતો,પરંતુ પછી એમણે જે ઝડપથી વૈજ્ઞાનિક સિદ્ધાંતો શોધ્યા-વિકસાવ્યા અને આધુનિક ભૌતિકશાસ્ત્રની એક જે ભૂમિકા તૈયાર કરી આપી, જેના આધારે અનેક નવી શોધ વિકસી અને આજે પણ એમનાં અનેક સિદ્ધાંત નવી શોધ -સંશોધન માટે માર્ગદર્શક બની રહી છે. જીવનકાળ દરમિયાન 150 જેટલાં પુસ્તક અને 300થી વધુ વૈજ્ઞાનિક સંશોધનને લગતાં પેપર્સ તૈયાર કરનારા આ બહુમુખી વિજ્ઞાનીની એક ફોર્મ્યૂલા ઊ= ળભ2 તો વિશ્વની સૌથી વિખ્યાત અને સૌથી શક્તિશાળી ગણાય છે. ઊર્જા - પદાર્થ તથા પ્રકાશની ગતિ દર્શાવતું આ ક્રન્તિકારી સૂત્ર તથા એમનો સાપેક્ષ સિદ્ધાંત આધુનિક પદાર્થ વિજ્ઞાનના પ્રાણ સમાન છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આઈન્સ્ટાઈનને 1921નું નોબેલ પારિતોષિક પદાર્થ વિજ્ઞાનની અન્ય એક શોધ- સંશોધન માટે એનાયત થયું હતું.! વિધિની વક્રતા જુઓ કે નાનપણમાં મંદબુદ્ધિનો ગણાતો બાળક આલ્બર્ટની (આઈન્સ્ટાઈન) ગણના આગળ જતાજિનિયસ’ એટલે કે અલૌકિક બુદ્ધિશાળી તરીકે થઈ અને એટલે જ જગતભરના વિજ્ઞાનીઓને જિજ્ઞાસા જરૂર રહેતી કે એમનાં મગજમાં એવું તે શું છે કે આ આદમી કોઈએ ન કલ્પી હોય એવી અદભુત શોધ કરી શકે છે ? જો કે,પોતે જિનિયસ છે એવું આઈન્સ્ટાઈન ખુદ માનતા નહોતા. મરણ પછી પોતાના બ્રેન પર સંશોધન થાય એવી એમની ઈચ્છા પણ નહોતી. તેમ છતાં અવસાન પછી એમનાં દેહમાંથી એમનું બ્રેન-મગજ તફડાવી લેવામાં આવ્યું હતું!
આઈન્સ્ટાઈનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ડો. થોમસ હાર્વેએ મગજ ચોરી લઈ પોતાની રીતે એનું સંશોધન શરૂ કરી દીધું હતું. પાછળથી આઈન્સ્ટાઈન પરિવારની પરવાનગીથી એ બ્રેનના નાના નાના 240થી વધુ ટુકડા કરીને અન્ય દેશોના ન્યુરોલોજિના નિષ્ણાતોને આપવામાં આવ્યા. ત્યારથી અત્યાર સુધીના સંશોધન પછી બધા એ વાત પર સહમત થયા છે કે 1230 ગ્રામ વજન ધરાવતું આઈન્સ્ટાઈનનું મગજ સામાન્ય લોકોની સરખામણીમાં કદમાં થોડું મોટુ,પણ વજનમાં હલકું હતું,પરંતુ વધુ પ્રાણવાયુ ગ્રહણ કરી શકે એવા અમુક પ્રકારના સેલ્સ(કોશિકા) એમનાં મગજમાં હતા, જેથી એમનું મગજ બહુ ઝડપથી માહિતીનું પૃથક્કરણ કરી વિજ્ઞાનના અટપટા કોયડા ઉકેલી શકતું આ અને આવી બીજી અનેક વિશેષતાઓને લીધે આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ સદીના સૌથી વિચક્ષણ વિજ્ઞાની તરીકે પંકાયા.. બાય ધ વે, આજે તો આઈન્સ્ટાઈનું મગજ અમેરિકાના ફિલાડેલ્ફિયાના નેશનલ મ્યુઝિયમમાં સલામત છે,પરંતુ તમને ખબર છે કે આઈન્સ્ટાઈનનું બ્રેન ચોરનારો ડો.હાર્વે એ સંતાડીને ક્યાં રાખતો હતો?
વેલ, એ પોતાની લેબમાં બિયર ઠંડા કરવાના બોક્સમાં આઈન્સ્ટાઈનનું મગજ એક બરણીની અંદર સંતાડીને રાખતો હતો..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button