તરોતાઝા

ગરમીમાં પેટ અને વાળ માટે શુભચિંતક છે ભૃંગરાજ

આરોગ્ય એક્સપ્રેસ – રેખા દેશરાજ

ફૂદીનાની જેમ જ ભૃંગરાજના પાંદડા અને તેનો અર્ક એટલે કે પાંદડાના રસને પણ ગરમીમાં પેટ સંબંધી તકલીફો માટે રામબાણ માનવામાં આવે છે.

ભૃંગરાજની તાસીર ઠંડી હોવાને કારણે ગરમીની મોસમમાં પેટ સંબંધી કોઈપણ સમસ્યા જેમ કે અપચો, ગેસ અથવા કબજિયાત પીડિત વ્યક્તિ અત્યંત સહેલાઈથી આનો ઉપયોગ કરીને સમસ્યાથી મુક્તિ મેળવી શકે છે. ભૃંગરાજનો છોડ માનવીને જ્ઞાત સૌથી જૂની જડીબુટ્ટીમાંથી એક છે. આયુર્વેદમાં તેના અનેક ઉપયોગ નોંધાયેલા છે.

સૌથી વધુ તો આ જડીબુટ્ટી ઠંડા ભૃંગરાજ તેલને માટે જાણીતી છે, જે માથાનો દુખાવો મટાડવામાં રામબાણ માનવામાં આવે છે. ભૃંગરાજ એવી ગણીગાંઠી જડીબુટ્ટીમાંથી એક છે જેના છોડનો દરેક ભાગ ઔષધીય ગુણો ધરાવે છે. તેના ઉપયોગથી લિવર અને આંતરડાના આરોગ્યમાં ભારે સુધારો થાય છે.

ભૃંગરાજની પ્રસિદ્ધિને ધ્યાનમાં રાખીને અનેક લોકો નકલી ભૃંગરાજને હર્બલ તરીકે વેચવાના પ્રયાસ કરતા હોય છે અને તેથી જ જો આપના ઘરમાં કિચન ગાર્ડન બનાવવાની સુવિધા હોય તો ભૃંગરાજના છોડને ઉગાડી શકાય છે. નહીં તો અસલી અને નકલી ભૃંગરાજની ઓળખ કરવાની ક્ષમતા હોવી આવશ્યક છે.

ભૃંગરાજના છોડની ઓળખ કરવી અત્યંત સહેલી છે. આ એક જમીન પર ફેલાતો છોડ છે અને યોગ્ય રીતે તેનો વિકાસ થાય તો ત્રણ મીટર સુધી ફેલાઈ શકે છે. ભૃંગરાજ વાસ્તવમાં એક એવો છોડ છે જે ભેજવાળા સ્થળે જાતે જ ઊગે અને વિકસિત થાય છે. પહેલા ગામડાઓમાં જ્યારે મોટાભાગના ઘરો કાચા કે માટીના રહેતા હતા ત્યારે તેની દીવાલોના ખૂણામાં જ્યાં માટી નરમ હોય ત્યાં અનેક પ્રકારની જડીબુટ્ટીઓ જાતે જ ઊગી આવતી હતી, જેમાં ભૃંગરાજના છોડનો પણ સમાવેશ થતો હતો.
વાસ્તવમાં ભૃંગરાજની જડીબુટ્ટીમાં સૌથી વધુ તાકાત તેના પાંદડામાં છે. જે લોકોના વાળ ખરતા હોય તેઓ ભૃંગરાજના પાંદડાની પેસ્ટ બનાવીને વાળમાં લગાવી દે તો નવા વાળ ઊગે કે ન ઊગે, વાળ ખરતા બંધ થઈ જશે. આને અલગ અલગ વિસ્તારની બોલી ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં તેને ઘમિરા કહે છે. તેમાં તીખી ગંધ હોય છે.

ચોમાસા દરમિયાન અવાવરુ અને ગંદકી ભરેલી જગ્યામાં આપમેળે ઊગી જતી હોય છે. જોકે એવું પણ જોવા મળ્યું છે કે માનવી વસ્તીની આસપાસ જ ખાસ કરીને આ વનસ્પતિ ઊગી નીકળતી હોય છે. આમ તો તેના અગણિત નામ છે. ભૃંગરાજ ઉપરાંત તેને કેશરાજના નામે પણ ઓળખવામાં આવે છે. ખરતા વાળ રોકવા માટે જ નહીં, તેને કાળા કરવા માટે પણ જાણીતી છે. વનસ્પતિશાસ્ત્રમાં તેને એક્લિપ્ટા અલ્બા કહે છે. આ ઉપરાંત અન્ય નામોમાં ભાંગડા, થિસલ્સ, માકા, અંગારકર, બંગરા, કેસુતી, બાબરી નામે પણ ઓળખાય છે.

ભૃંગરાજમાં અનેક પ્રકારના એન્ટિ ઓક્સિડન્ટ્સ મળી આવે છે, જેમ કે ફ્લેવોનાયડ અને એલ્કલોઈડ. આ એન્ટિ ઓક્સિડન્ટ્સ શરીરને નુકસાન પહોંચાડનારા હાનિકારક પદાર્થોને શરીરની બહાર કાઢી નાખવાનું કામ કરે છે અને અલગ અલગ પ્રકારની હાનિકારક વસ્તુઓથી લિવરની રક્ષા
કરે છે.

લિવરની રક્ષા માટે ભૃંગરાજને ઘણો ઉપયોગી માનવામાં આવે છે. વાસ્તવમાં તેમાં એન્ટિ માઈક્રોબિયલ ગુણ પણ હોય છે. જે લિવરને હેપેટાઈટીસ-સી જેવા ચેપથી બચાવે છે. ભૃંગરાજ શરીરમાં થનારા સોજાને અસરકારક રીતે રોકે છે અને તેમાં જે પોષક તત્ત્વો હોય છે તેનાથી વાળની ગુણવત્તા અને લંબાઈમાં વૃદ્ધિ જોવા મળે છે. ભૃંગરાજનો ઉપયોગ હંમેશાં યોગ્ય ચિકિત્સક અથવા જડીબુટ્ટી નિષ્ણાતની સલાહ અને દેખરેખમાં જ કરવો જોઈએ અન્યથા તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

જ્યાં સુધી ભૃંગરાજના ઉપયોગની રીત છે તો તેનો ઉપયોગ ત્રણ રીતે કરી શકાય છે. તેના પાંદડાની પેસ્ટ બનાવીને અને તેમાં તેલ ઉમેરીને ઉપયોગ કરી શકાય છે. તેના પાઉડરમાં તેલ ભેળવીને તેનો ઉપયોગ
કરી શકાય છે. અથવા તો બજારમાં મળતા ભૃંગરાજ હર્બલના વિવિધ ઉત્પાદનો જેમ કે કેપ્સ્યુલ વગેરેનું સેવન કરી શકાય છે. તેના અર્ક અથવા રસનો પણ ઉપયોગ થાય છે. અનેક સારવારમાં તેનો ઉપયોગ શરબતની જેમ પીને કરવામાં આવે છે, પરંતુ તેમાં ખાંડ કે ગોળના સ્થાને મધમાં બનાવવું.

આયુર્વેદમાં જણાવ્યા મુજબ જો ગરમીમાં ભૃંગરાજનું શરબત ત્રણ
મહિના સેવન કરવામાં આવે તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પરંતુ 2-3 ગ્રામથી વધુ ભૃંગરાજનો પાઉડર ઉપયોગમાં લેવો ન જોઈએ અને દિવસમાં ભોજન કર્યા બાદ વધુમાં વધુ બે વખત તેનો ઉપયોગ થઈ શકે છે. ઠંડીમાં તો તેનું સેવન કરવાથી બચવું જોેઈએ કેમ કે તેની તાસીર ઠંડી હોય છે.

ચામડી કપાઈ, છોલાઈ અને ઘા થવાની સ્થિતિમાં પણ તે અસરકારક રીતે કામ કરે છે. ભૃંગરાજ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તે લોહીમાં શ્વેત કણોના નિર્માણમાં સહાયક નીવડે છે. કફ અને વાતના વિકારને ઘટાડે છે. લિવરની સાથે કિડનીના આરોગ્ય માટે તે ઘણો ઉપયોગી છે. ફેટ્ટી લિવર અને કમળા જેવી સમસ્યામાં ભારે અસરકારક હોય છે. ચામડીના ઈન્ફેક્શનથી પણ તે રક્ષણ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker