તરોતાઝા

સર તેરા ચક્કરાયે યા દિલ ડૂબા જાયે

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’

આયુર્વેદમાં `અભ્યંગ’ તરીકે ઓળખાતા માલિશને એક સચોટ ચિકિત્સા તરીકે સ્વીકારવામાં આવ્યું છે. યોગ્ય રીતે કરવામાં આવે તો માલિશ વૃદ્ધાવસ્થાના થાક- વાયુથી લઈને અનેક પ્રકારની આધિ -વ્યાધિ,વગેરેનો નાશ કરી માણસનું આયુષ્ય વધારે છે.

માલિશની પ્રથા સેંકડો વર્ષોથી ચાલી આવે છે. સાધારણ જણાતી માલિશની ક્રિયા તણાવગ્રસ્ત શરીર અને મસ્તકને આશ્ચર્યજનક રીતે શાંત પાડે છે.
ભારત ઉપરાંત જાપાન-આફ્રિકા- મિસ્ર, પર્શિયા વગેરે દેશોમાં પ્રાચીન સમયથી માલિશ દ્વારા દર્દ નિવારણ-થાક- તણાવ (સ્ટે્રસ) અને તણાવગ્રસ્ત અવયવો- સાંધા, વગેરેની ચિકિત્સા કરવાનાં ઉપાયો થતા આવ્યા છે. આધુનિક ચિકિત્સાજગતનાં પિતા ગણાતા હિપોક્રેટસ પણ માલિશને શ્રેષ્ઠ શારીરિક ચિકિત્સા ગણતા હતા. શરીરનાં અનેક દર્દોમાં એમણે માલિશ દ્વારા સારાં પરિણામ પણ આપ્યાં હતા.
ભારતમાં તો સદીઓથી માલિશનાં પ્રયોગો થતાં આવ્યા છે. વિશ્વભરમાં દિન- પ્રતિદિન લોકપ્રિય બની રહેલી પ્રાચીન ચિકિત્સાપદ્ધતિ આયુર્વેદમાં પણ માલિશનું વિશદ વર્ણન વાચવા મળે છે.
આયુર્વેદમાં માલિશને અભ્યંગ' કહે છે. એનું વર્ણન કરતાં લખાયું છે કે વ્યક્તિએ દરરોજ માલિશ કરવું જોઈએ. યોગ્ય રીતે કરાયેલું માલિશ વૃદ્ધાવસ્થા- થાક અને વાયુનો નાશ કરે છે. આંખોનું તેજ તેમજ આયુષ્ય વધારે છે. આપણ્રે ત્યાં-ભારતવર્ષમાં તો જન્મતા દરેક બાળકને એમની માતા માલિશ કરતી આવી છે, જેનું અનુકરણ પશ્ચિમ જગતમાં પણ શરૂ થઈ ગયું છે. પ્રસૂતિ પછી સ્ત્રીના શરીરની માલિશ એ પણ આપણા માટે નવી વસ્તુ નથી. પશ્ચિમના લોકો પણ આવાં માલિશનાં પરિણામ જોઈને અનુકરણ કરતાં થઈ ગયા છે. પૂર્વનાં દેશોમાં ભારત ઉપરાંત જાપાન- ચીન વગેરેમાંશેત્સુ’ અને `એકયુપ્રેશર’ તરીકે પ્રચલિત પદ્ધતિ એક યા બીજી રીતે માલિશને ઘણી મળતી આવે છે.
માલિશ કરવાની ઘણી પદ્ધતિ છે. દુ:ખતાં ભાગ પર વજન આપ્યાં વગર હળવો હાથ ફેરવવો કે અનુકૂળ રહે તેટલું યોગ્ય વજન આપીને માલિશ કરવું તે વૈજ્ઞાનિક ચિકિત્સાનો જ એક ભાગ છે. હાથ સિવાય આજકાલ વાઇબ્રેટર કે રોલરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. દુખતા ભાગો પર હાથ ફેરવ્યા ઉપરાંત વધારે દુખતા ભાગો પર લોટ ગુંદતા હોય તેમ મુઠ્ઠી વડે કે પંજા વડે તે ભાગને ગુંદવાના હોય છે. કયારેક જરૂર પડે તો હાથ વડે એના પર હલકા પ્રહાર પણ કરવામાં આવે છે. સાંધા પર વર્તુળાકાર માલિશ થઈ શકે છે.
માલિશના અનેક લાભ છે. માલિશ એ એક જાતનો સ્નાયુ અને માંસપેશીઓને અપાતો વ્યાયામ છે.માલિશથી રક્તસંચાર તેજ થઈ જાય છે . શરીર હલકું થઈ જાય છે. માલિશ દરમ્યાન હાથથી કેટલું દબાણ અપાય છે અને કેવી રીતે અપાય છે તેનો પ્રભાવ ત્વચા-માંસપેશી-સ્નાયુઓ ને રક્તવાહિની તેમજ શરીરના આંતરિક ભાગ પર પડે છે.
માલિશ કરવાથી માંસપેશીઓમાં ચુસ્તી અને હાડકાના સાંધાઓમાં એક લચક આવી જાય છે એથી માલિશ કરાવનાર વ્યક્તિ ખૂબજ સ્ફૂર્તિ અને સ્વસ્થતા અનુભવે છે.
માલિશ દ્વારા એક બીજો મોટો આડકતરો લાભ એ થાય છે કે નિયમિત માલિશ કરવાથી લોકો પોતાનાં શરીર પ્રત્યે જાગૃત બને છે અને શરીરની વિશેષ સંભાળ રાખતા થઈ જાય છે. માલિશ કરવાથી મસ્તક અને શરીરનું સંતુલન સારું રહે છે. માલિશ કરવાની આદત જે લોકો બાળપણથી જ રાખે છે એ અનેક રોગોથી મુક્ત રહી તંદુરસ્ત જીવન ગાળી શકે છે.
જ્યારે પણ માલિશ કરવાનું થાય ત્યારે માત્ર તેલ, ઘી કે અન્ય સ્નેહ લગાવીને (ચોપડીને) ઊભા ન થઈ જતાં વ્યવસ્થિત રીતે માલિશ કરવું-કરાવવું જોઈએ, જેથી માલિશનાં શાસ્ત્રોક્ત બધાં લાભ પ્રાપ્ત કરી શકાય.
આયુર્વેદમાં જુદાજુદા રોગમાં જુદા જુદા તેલની માલિશ કરવાનું જણાવ્યું છે.
સ્વસ્થ વ્યક્તિએ જો રોજ માલિશ કરવું હોય તો તિલતૈલ કે સરસવ તૈલ ઉપયોગી બને છે. બન્ને મિશ્ર કરીને પણ વાપરી શકાય છે.
બલા તૈલ, ચંદનબલાલાક્ષાદિ તૈલ ને અશ્વગંધા તૈલ,વગેરે બધાં એવાં તેલ છે જે માંસપેશીઓને મજબૂત બનાવે છે-વધુ સુદ્રઢ બનાવે છે.

આમ, યોગ્ય વૈદકીય માર્ગદર્શન હેઠળ કરવામાં આવતું માલિશ એક ઉત્તમ સારવાર બની રહે છે.

ક્યુ તેલ કોના માટે કેટલું ઉત્તમ?
વાયુનાં રોગ માટે વિષગર્ભ તૈલ અને પક્ષઘાત લકવાના દર્દીઓ માટે મહાનારાયણ તૈલ ઉત્તમ ગણાય છે. સતત ભાગદોડ અને તણાવવાળી લાઈફસ્ટાઈલ તેમ જ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોને લીધે લોકો ચહેરાની રોનક જલ્દી ગુમાવી બેસે છે. ખીલ-કાળા ડાઘ વગેરેનું પ્રમાણ વધતું જાય છે.આવા દર્દીઓમાં કુમકુમાદિ તૈલનાં આશ્ચર્યજનક પરિણામ જોવાં મળે છે.
માથાનાં-વાળનાં રોગ માટે મહાભૃંગરાજ તૈલ ઉત્તમ છે.

  • અમુક તૈલ માત્ર લગાવવા કે સાવ હળવા મસાજ માટે હોય છ, જેમ કે ચામડીનાં દર્દ માટે મરિચ્યાદિતૈલ વાપરી શકાય છે. જે લોકોને શ્વિત્ર ( કયીભજ્ઞમયળિફ) હોય એમને બાકુચી તૈલ ઉપયોગી થાય છે.
  • ગુંજાદિ તૈલ માથાનો ખોડો દૂર કરે છે….
  • શરીરમાં થતા અનેક પ્રકારના વ્રણ તથા યોનિવિકાર માટે પંચગુણ તૈલ ઉત્તમ છે.
  • શ્વાસમાં જો દુર્ગંધ આવતી હોય, પાયોરીયા હોય તો એ માટે ઇરમેદાદી તેલની પેઢા પર માલિશ કરવી.
  • કાનના તમામ પ્રકારના રોગોમાં બિલ્વાદી તૈલ એક અદભુત ઔષધ છે.
  • નાક ગળવું, શરદી, સળેખમ આધાશીશી અને સાઇનસ વગેરે માટે ષડબિન્દુ તૈલ તેમ જ અણુતૈલ ઉત્તમ કામ કરે છે.
  • આંખના રોગોમાં ત્રિફલા ઘૃત
    ગુણકારી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button