તરોતાઝા

જંક ફૂડ એટલે યુવાધનના સ્વાસ્થ્ય સાથે ચેડાં

આરોગ્ય એક્સપ્રેસ – વિવેક કુમાર

એ વાતમાં જરાય બેમત નથી કે આજનું યુવાધન પોતાના સ્વાસ્થ્યને લઇને ઘણા અંશે જાગૃત થયું છે. એ જ કારણ છે કે નાના કે મોટા શહેરમાં બધી જગ્યાએ જિમની ભરમાર જોવા મળી રહી છે. શહેરોમાં તો માંડ એકાદ વિસ્તાર એવો મળી આવશે કે જ્યાં જિમ ન હોય અને યુવાનોની ભીડ જોવા મળતી ન હોય. તેમ છતાં આ યુગમાં યુવાનોને જેટલી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તેટલી આજ પહેલા ક્યારેય જોવા મળી નથી. આજે સમગ્ર દુનિયામાં 3.2 કરોડથી વધુ યુવાનો સરેરાશ કરતાં વધુ મેદસ્વિતા ધરાવે છે અને સ્થૂળતાની આ રફ્તાર યુવાનો વચ્ચે વિશ્વભરમાં વેગ પકડી રહી છે.

સ્થૂળતા કઇ રીતે વૈશ્વિક સમસ્યા બની રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ભુતાન, માલદીવ જેવા દેશોમાં યુરોપ અને અમેરિકાની સરખામણીએ કોલ્ડ ડ્રિંક ઓછું પીવાય છે, પિઝા અને બર્ગર પણ ઓછા આરોગવામાં આવે છે. તેમ છતાં આ દેશોમાં મેદસ્વિતા 7 થી 10 ટકાની વાર્ષિક રફ્તારથી વધી રહી છે.

વર્ષ 2000ની આસપાસ ભારતમાં જ્યાં લગભગ 8 ટકા યુવા જરૂર કરતા વધુ સ્થૂળ હતા, જ્યારે આજે 17 થી 18 ટકા યુવાનો ટેક્નિકલી રીતે સામાન્ય કરતાં વધુ સ્થૂળ છે અને લગભગ 7 થી 9 ટકા તો વધુ પડતાં સ્થૂળતા ધરાવે છે. શાળાએ જતી વિદ્યાર્થિનીઓ પણ 20 વર્ષ પહેલાની સરખામણીએ આજે 15 થી 17 ટકા વધુ મેદસ્વી છે. યુવાનોમાં ઝડપથી વધી રહેલા મેદસ્વિતાનું સૌથી મોટું કારણ જંક ફૂડ છે.

આજની તારીખમાં ભારતીય યુવાનો પાસે પોકેટ મની આજથી 30 વર્ષ પહેલાની સરખામણીએ 5 થી 6 ટકા વધુ છે. જેનું સૌથી મોટું નુકસાન એ થયું છે કે આજે ફાસ્ટ ફૂડ ભારતીય યુવાનોની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. જોકે હાલના સમયમાં નાની વયના યુવાનો પણ કમાતા હોવાથી જંક ફૂડ આરોગવું એ પોતાના હક સમજે છે.

વળી તેઓનું એવું માનવું છે કે જંક ફૂડ ખાવાથી તેમને જે સ્વાસ્થ્ય સંબંધી નુકસાન થશે તેની ભરપાઇ તેઓ જિમમાં વધુ પરસેવો પાડી કરી લેશે, પરંતુ આ સત્ય નથી. જેનું સૌથી મોટું નુકસાન બે વર્ષ પહેલા કોરોના રોગચાળા દરમિયાન ત્યારે જોવા મળ્યું જ્યારે મોટી સંખ્યામાં યુવાનોમાં રોગ પ્રતિકારક શક્તિનો મોટા પાયે અભાવ જોવા મળ્યો હતો.

જંક ફૂડ ખાવાથી કોઇ એક પ્રકારની સમસ્યા ઉદ્દભવતી નથી, માત્ર સ્થૂળતા જ જંક ફૂડનું એક માત્ર નુકસાન નથી. હકીકત તો એ છે કે જંક ફૂડ યુવાનોના તમામ પ્રકારના સ્વાસ્થ્યને કાટ લગાવી રહ્યું છે. કારણ કે જંક ફૂડમાં એક નહીં અનેક હાનિકારક તત્ત્વ રહેલા હોય છે. તેમાં અસંખ્ય કેલેરી હોય છે. જેને નિયમિત આરોગવાથી તેની આદત પડી જાય છે. જે આપણા સમગ્ર પાચનતંત્રને ખરાબ કરી નાખે છે.

નિયમિત રીતે જંક ફૂડ ખાવાથી હાડકાં નબળા પડે છે અને હૃદય સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે. છેલ્લા એક દાયકામાં યુવાનોમાં હૃદય સંબંધી બીમારીઓ ઝડપથી વધી છે તે કંઇ અકારણ નથી. આજે ભારતના હૃદય રોગીઓમાં 12 થી 15 ટકા યુવાનો છે. આજ પહેલા આટલા યુવાનો હૃદય સંબંધી બીમારીઓથી પીડિત ન હતા. તાજેતરના દિવસોમાં ચાલતા-ફરતા કેટલાય લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે, તેમાં મોટી સંખ્યામાં યુવાનો પણ સામેલ છે.

જંક ફૂડ યુવાનોને પણ એ રીતે ડાયાબિટીસ અને શુગરના દર્દી બનાવી રહ્યું છે, જે રીતે છેલ્લા કેટલાક દાયકાઓમાં આધેડો પર ડાયાબિટીસે પોતાનો સકંજો કસ્યો છે. યુવાનોમાં સામાન્ય રીતે જે ટાઇપ-2 ડાયાબિટીસની સમસ્યા સતત વધી રહી છે. તેનું કારણ બીજું કંઇ નહીં પણ જંક ફૂડ છે. સૌથી મોટી વાત એ છે કે જંક ફૂડ આપણા ચરબીયુક્ત લિવર માટે તો જવાબદાર છે જ, તેનાથી અનેક પ્રકારના કેન્સર થવાની પણ સંભાવના વધી રહી છે. એકંદરે જોવા જઇએ તો જંક ફૂડ યુવાનોને અત્યંત ઘાતક અસર કરી રહ્યું છે.

જંક ફૂડના લીધે યુવાનો આળસુ થવાની સાથે સાથે મેદસ્વિતાનો પણ શિકાર બની રહ્યા છે. તેમજ ઝડપથી ચીડિયા સ્વભાવના પણ બની રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે આખરે જંક ફૂડ ખાવાથી આટલી બધી સમસ્યાઓ કેમ પેદા થાય છે? જેનું કારણ જંક ફૂડની બનાવટ અને તેમાં વધુ પ્રમાણમાં ખાંડ, નમક અને ચરબીનું પ્રમાણ હોવું છે.

જંક ફૂડમાં નિર્ધારિત માત્રા કરતાં ઘણી વધુ કેલેરી, ટ્રાંસફેટ ખાંડ અને નમક હોય છે. જંક ફૂડના લીધે વજન વધે છે, ડાયાબિટીસ થાય છે. તો વળી આધેડોની જેમ યુવાનોમાં પણ સાંધાના દુ:ખાવા જંક ફૂડના લીધે જ વધી રહ્યા છે.

જોકે તેને ખાધા બાદ તેનો પ્રભાવ યુવાનોની ડોપામાઇન સિસ્ટમને હાઇજેક કરી લે છે. તેથી યુવાનોને જંક ફૂડની માત્ર આદત જ નથી પડતી પરંતુ તેઓને એવું લાગવા માંડે છે કે તે જંક ફૂડ ખાધા વિના ખુશ નહીં રહી શકે. જંક ફૂડ ખાવાથી આપણા પેટમાં લાંબા સમય સુધી પ્રોસેસ્ડ ફૂડ જમા રહે છે. જેથી ભૂખ ઓછી લાગે છે અને આપણું પાચનતંત્ર નષ્ટ થવા માંડે છે. જંક ફૂડમાં મોટા પાયે શર્કરા પણ હોય છે, તેથી આપણા હાડકાઓને પણ નુકસાન થાય છે.

એવામાં સવાલ એ છે કે આખરે યુવાનોની ખાણી-પીણીમાં કેવું કોમ્બિનેશન હોવું જોઇએ જે તેને ભરપૂર એનર્જી પણ આપે, ઉત્સાહી પણ રાખે અને કોઇ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ પેદા ન કરે. આ અંગે નિષ્ણાતો કહે છે કે 15 થી 25 વર્ષ સુધીના યુવાનોની ખાણી-પીણીમાં મહત્તમ 5 ટકા જ જંક ફૂડ અને મીઠાઇ હોવી જોઇએ. બાકી 40 ટકા અનાજ, 35 ટકા ફળ અને શાકભાજી, 20 ટકા પ્રોટીન અને 5 ટકા ફાસ્ટ ફૂડ કે મીઠાઇ હોવી જોઇએ. આ 5 ટકા જંક ફૂડ પણ એ યુવાનો માટે છે જે નિયમિત રીતે એક્સરસાઇઝ કરે છે. જે યુવાનો એક્સરસાઇઝ નથી કરતા તેને 5 ટકા જંક ફૂડ ખાવાની પણ પરવાનગી હોવી ન જોઇએ. કારણ કે આ 5 ટકા પણ તેના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ