તરોતાઝા

વૈકલ્પિક ચિક્ત્સિા પધ્ધતિઓ

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના…!

આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે ’પહેલું સુખ તે જાતે નર્યા’. ખરેખર તંદુરસ્ત રહેવું કોને ન ગમે? દુનિયામાં મોટાભાગના લોકો એવા હોય છે કે જેમને આખી જિંદગી દરમિયાન કોઈને કોઈ પ્રકારની બીમારી તો આવે જ છે. બહુ જ થોડા લોકો એવા હશે કે જેઓ આખી જિંદગી દરમિયાન ક્યારેય બીમાર ના થયાં હોય. સામાન્ય રીતે જ્યાં સુધી માનવી તંદુરસ્ત હોય છે ત્યાં સુધી તેને પોતાના શરીર પ્રત્યે ખાસ ધ્યાન આપવાની જરૂર પડતી નથી. પરંતુ જ્યારે તે બીમાર થાય છે ત્યારે તેને પોતાના શરીરના જે તે અવયવોની અગત્યતા સમજાય છે અને તે તરત ઈલાજ કરવા માટે દોડી જાય છે.
આજે દુનિયામાં મોટાભાગના લોકો એવું માને છે કે બીમાર પડીએ એટલે પહેલાં તો સીધા જ એલોપથીના ડોક્ટર પાસે દવા લેવા જવાય.
જ્યારે એલોપથી જેવી લગભગ બધાં જ દેશોમાં માન્ય પાશ્ચાત્ય ચિકિત્સાપ્રણાલીથી દર્દીઓ સાજા નથી થતાં ત્યારે વૈકલ્પિક ઉપચાર એટલે કે અલ્ટરનેટ મેડિસિન તરફ વળે છે.
ખરેખર જોવા જઈએ તો એલોપથી તો છેલ્લી કેટલીક સદીઓથી જ શોધાયેલ ચિકિત્સા પદ્ધતિ છે. જ્યારે વિશ્વમાં બીજી એવી અનેક ચિકિત્સાપદ્ધતિઓ છે જે એલોપથી કરતાં પણ સદીઓ જૂની છે.
હકીકતમાં “નથીંગ ઇઝ પરફેક્ટ” ઉક્તિ અનુસાર કોઈ એક જ ચિકિત્સા પદ્ધતિ સર્વાંગસંપૂર્ણ નહીં હોવાને કારણે જ બીજી ચિકિત્સાપદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે.
આજે તો આ રીતે અનેક ચિકિત્સાપદ્ધતિઓ પોતપોતાનું આગવું સ્થાન ધરાવે છે એટલું જ નહીં પણ વિશ્વના જુદા જુદા દેશોમાં જુદી જુદી ચિકિત્સા પદ્ધતિઓમાં રોજબરોજ થતો વિકાસ જાણવા માટે દુનિયાના ખૂણે ખૂણે વિશ્વપરિષદો, સેમિનાર્સ, વર્કશોપ વગેરે પણ યોજાય છે.
અત્યારે એલોપથી ઉપરાંત વિશ્વમાં આયુર્વેદ, નેચરોપથી, યોગ – પ્રાણાયામ ચિકિત્સા, આહાર ચિકિત્સા (ડાયેટ થેરાપી), હોમિયોપેથી, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર,મેગ્નેટથેરાપી પિરામિડથેરાપી, તિબેટીયન, ચાઈનીઝ, યુનાની, સિધ્ધ, સુજોક, રેકી, મ્યુઝિક થેરાપી, કલર થેરાપી, શિવામ્બુ ચિકિત્સા ઉપરાંત વિશ્વનાં અલગ અલગ પ્રાંતમાં પ્રચલિત જે તે સ્થાનની પારંપરીક (ટ્રેડિશનલ) ચિકિત્સા પદ્ધતિઓ દિન પ્રતિદિન લોકપ્રિય બની રહી છે.
ઉપર કહેલ તમામ ચિકિત્સા પદ્ધતિઓની પોતપોતાની વિશેષતાઓ પણ છે અને મર્યાદાઓ પણ છે. અને એટલે જ એકથી વધુ ચિકિત્સાપદ્ધતિઓ ગુણકારી બની શકે છે. દા.ત. – પેટની જુની બીમારીઓ, ત્વચાની બીમારીઓ, અમુક ઓટો ઈમ્યુન ડિસીઝ વગેરેમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની મર્યાદાઓ છે જ્યારે આ અને આવાં અન્ય અનેક રોગો કે ક્ષેત્રોમાં આયુર્વેદ વિજ્ઞાન પાસે ખૂબ ઉત્તમ ઉપાયો છે. તે જ રીતે યોગ -પ્રાણાયામ વગેરે પદ્ધતિઓ અંત:સ્ત્રાવી ગ્રંથીઓના રોગોમાં ચમત્કારીક પરિણામ આપી શકે છે. રચનાત્મક વિકૃતિઓમાં એલોપથી તેની સર્જીકલ બ્રાન્ચને કારણે અનબિટન છે. તો લકવો વગેરે રોગોમાં એક્યુપ્રેશર, એક્યુપંક્ચરના પણ પ્રોત્સાહક પરિણામો જોવાં મળ્યાં છે.
આજકાલ જે ઝડપે બીજી ચિકિત્સા પદ્ધતિઓનો પ્રસાર થઈ રહ્યો છે તે જોતાં એમ કહી શકાય કે જે રોગોનો એલોપેથીમાં સચોટ અને ચોક્કસ ઉપાય નથી તેવા રોગો થાય ત્યારે નિરાશ થયા વગર દર્દીએ બીજી ચિકિત્સાપદ્ધતિઓમાં પણ જવું જોઈએ. શક્ય છે કે તેનાથી તેનો રોગ મટી પણ જાય. એલોપથી સિવાયની મોટાભાગની ચિકિત્સા પદ્ધતિઓનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં આડઅસરનું પ્રમાણ ઓછું હોય છે.
અન્ય ચિકિત્સા પદ્ધતિઓનાં સારાં પાસાઓ ધ્યાને લઈને જ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગુજરાતનાં જામનગર ખાતે લગભગ એકસો દેશનાં કોલોબરેશનમાં ટ્રેડિશનલ મેડિસિનનું વૈશ્વિક અનુંસંધાન કેન્દ્ર ( ગ્લોબલ રિસર્ચ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન) સ્થાપવાનું નક્કી કર્યું છે. જેનું ખાતમુહૂર્ત ઠઇંઘ નાં વડા અને આપણાં પ્રધાનમંત્રીશ્રી મોદીસાહેબનાં હસ્તે થોડાં સમય પહેલાં જ થયું.
આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં ખરેખર જોવા જઈએ તો અત્યારનાં સંજોગોમાં કોઈપણ ડોક્ટરે અથવા તબીબે માત્ર પોતાની ચિકિત્સાપદ્ધતિ વિશે જાણકારી મેળવીને બેસી રહેવા કરતાં જુદી જુદી બીજી ચિકિત્સા પદ્ધતિઓ અંગે પણ સામાન્ય જાણકારી તો મેળવવી જ જોઈએ.
જેથી પોતાના દર્દીને જે ચિકિત્સાપદ્ધતિથી સૌથી વધારે ફાયદો થવાનો સંભવ હોય તે તરફ વાળી શકાય. ત્યાંથી પણ એક કદમ આગળ જઈ વિચારીએ તો દરેક ચિકિત્સાપદ્ધતિનાં સિલેબસમાં અન્ય મુખ્ય કે જે તે સ્થાને ઉપલબ્ધ બીજી ચિકિત્સા પદ્ધતિઓનું સામાન્ય જ્ઞાન આપવું જોઈએ.જેથી તમામ પથીઓનાં ચિકિત્સકોને બીજી પદ્ધતિઓ વિશે પૂરતું જ્ઞાન મળી રહે. તેમજ કોઇ એક ચિકિત્સા પદ્ધતિને જ વળગી ના રહી તબીબો જુદી જુદી ચિકિત્સા પદ્ધતિનો સમન્વય કરીને દર્દીને સારવાર આપી શકે.
ભવિષ્યમાં આ પ્રકારના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો આવે તો તે સમગ્ર મેડિકલ ફ્રેટરનીટી (ચિકિત્સાજગત)નાં લાભમાં નીવડશે. અને અનેક કષ્ટસાધ્ય કે અસાધ્ય ગણાતાં રોગોની વધુ સારી સારવાર થઈ શકશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ