સાવધાન! હોળી રમવા જૂના કપડાં નહીં વાપરતા તમારા સ્વાસ્થ્યને અસર થઇ શકે છે
આરોગ્ય – કિરણ ભાસ્કર
સાધારણ રીતે મોટા ભાગના લોકો હોળીને બીજે દિવસે ધુળેટી મનાવે છે ત્યારે જૂના કે આગલા વર્ષના વધુ ન વપરાતા હોય એવા કપડા પહેરે છે. બીજી બાજુ ટીવી સિરિયલ્સમાં આપણે જોઇએ છીએ કે દરેક પુરુષ પાત્રો સફેદ લેંઘા-ઝભ્ભા કે શર્ટ્-પેન્ટ પહેરીને રંગોથી રમતા હોય છે તો મહિલા પાત્રો પણ સફેદ સલવાર-કમીઝ કે સાડીમાં સજ્જ થઇને રમતા હોય છે. કપડા બગડી જશે એ ભયે જૂના કપડા પહેરવા કે પછી ભલે કપડા બગડે પણ સ્વચ્છ કપડા પહેરીને રમવું- આ બેમાંથી સાચી રીત કઇ એવો ઘણા લોકોને પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. જો સ્વાસ્થ્યની દૃષ્ટિએ વિચારીએ તો કેટલાક આરોગ્ય નિષ્ણાતો એમ કહે છે કે જૂના-પુરાણા કપડામાં અનેક જાતના નરી આંખે ન દેખાય એવા જીવજંતુઓ અને હાનિકારક વિષાણુ છુપાયેલા હોય છે. આ કીટાણુંઓ જો લગાતાર પાણીના સંસર્ગમાં આવે તો આપણને અસરગ્રસ્ત કરી શકે છે. આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
જ્યોતિષની દૃષ્ટિએ જોઇએ તો નિષ્ણાતો કહે છે કે સાફ-સૂથરા અને બની શકે તો સફેદ વસ્ત્રો ધારણ કરીને જ હોળી-દહનની પ્રક્રિયામાં ભાગ લેવો જોઇએ. સફેદ રંગના ઉપયોગથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સફેદ રંગના વસ્ત્રો પર જ્યારે વિવિધ રંગોનો છંટકાવ થાય ત્યારે જાણે આકાશમાં ઇન્દ્રધનુષ રચાતું હોય એવા દૃશ્યો રચાય છે. જે જોઇને આપણો ઉમંગ અને આનંદ બમણો થઇ જાય છે.
સંસ્કૃતિની દૃષ્ટિએ જોઇએ તો આપણે ત્યાં કોઇ પણ અવસર પ્રસંગ હોય, લગ્ન હોય કે જનોઇ હોય, વાસ્તુ હોય કે સીમંત હોય કે પછી કોઇ પણ પ્રકારના ધાર્મિક કે સામાજિક તહેવાર હોય આપણે સુંદર અને સ્વચ્છ કપડા પહેરવાનો આગ્રહ રાખીએ છીએ.
ઘણા ધર્મોમાં તો ભાવિકો પૂજા-પ્રસંગે નવા નક્કોર કોરા વસ્ત્રો પહેરીને જ વિધિ કરે છે. તો હોળીના તહેવારને જ શા માટે જૂના-પુરાણા કપડા પહેરીને મલિન કરવો? સારા, સ્વચ્છ અને શ્વેત વસ્ત્રો ધારણ કરવા એ અતિ ઉત્તમ વ્યવસ્થા હોઇ શકે પણ જો કોઇ કારણસર સફેદ કપડા ન વાપરવા હોય તો પીળા કે લાલ રંગના વસ્ત્રો પણ ધારણ કરી શકાય પણ હા એ વાતનું ધ્યાન રાખવું કે કપડા બહુ જૂના ન હોય, ધોયેલા અને સ્વચ્છ હોય. જંતુરહિત હોય.
ઘણા કામનો છે આ કેસૂડો
હોળી નજીક આવી રહી છે ત્યારે વનવગડામાં માત્રને માત્ર લાલ-કેસરી-પીળા રંગના ફૂલોથી લચી પડેલા અનેક વૃક્ષો તમે જોયા હશે. આવા કેસૂડાને પાણી સાથે મેળવીએ તો સરસ મજાનો લાલ કે પીળો રંગ તમે સરળતાથી મેળવી શકો. ભૂતકાળમાં આ કેસૂડાના પાણીથી જ હોળી રમાતી હતી. જે શરીર-મનને ઠંડક તો આપતી હતી. સાથે સાથે આરોગ્ય પણ જાળવતી. આજકાલ આપણે એવા રંગો વાપરીએ છીએ જે આપણી ચામડી અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ કેસૂડાના રંગીન પાણીથી રમશો તો આવી કોઇ સમસ્યા નહીં નડે. કેસુડાનું પાણી અગર આંખમાં કે મોં વાટે પેટમાં ગયું તો પણ કોઇ ભય રહેતો નથી. ઉલટાનું તે શરીરને કફ અને પિત્તથી બચાવે છે. તમે કેળુ ખાવ તો કફ વધી શકે અને પિત્ત ઘટી શકે. તમે મરચા ખાવ તો પિત્ત વધી શકે. કફ ઘટી શકે. પરંતુ કેસૂડો કફ અને પિત્ત નાશક બેઉ ગુણધર્મો ધરાવે છે. આ સિઝનામાં ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમી સતાવતી હોય છે જેને કારણે કફ કે પિત્તનો પ્રકોપ થઇ શકે છે. આ બેઉ પ્રકૃતિના પ્રકોપથી બચવા જ કેસૂડાના પાણીથી નહાવું હિતાવહ છે. આવા સ્નાનથી ગરમીમાં વકરતા ચામડીના દર્દો જેમ કે ફોડલી, ગુમડા કે અળાઇઓમાં પણ રાહત થાય છે. તાવની સમસ્યામાં કેસૂડાના પાણીના પોતાં શરીર પર મૂકવાથી રાહત થાય છે. ગરમીના દિવસોમાં આવા પોતાં આંખો પર મૂકવાથી બળતી આંખોમાં પણ રાહત થાય છે. ઉ