ચાંદ જેવા મુખડા પર ખીલ કેમ થાય છે?
આરોગ્ય – રાજેશ યાજ્ઞિક
આમ તો કહેવાય છે કે ચંદ્રમા પર ડાઘ હોય છે. તેમ છતાં હકીકત એ છે કે માણસને પોતાના ચાંદ જેવા મુખડા પર ડાઘ ગમતા નથી. ખાસ કરીને યુવક-યુવતીઓને એક નાનકડું ખીલ મોઢા પર દેખાય એટલે પરીક્ષાના રિઝલ્ટ કરતાં પણ વધારે ટેંશન થઇ જાય છે! ખીલ એ ત્વચાની સામાન્ય સમસ્યા છે, જે કિશોરાવસ્થાથી શ કરીને ઉંમરના વિવિધ તબક્કામાં દેખાય છે, પરંતુ જો આપણે તેનાં તબીબી કારણો જાણીએ, તો ત્વચાના છિદ્રોમાં અવરોધને કારણે ખીલ થાય છે.
આ છિદ્રોના અવરોધ પાછળ ઘણાં કારણો છે, જેમાં સામાન્ય ત્વચા સમસ્યાઓથી લઈને ખરાબ વાળની સંભાળનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, જ્યારે તમારી ત્વચા તૈલી હોય અથવા કોઈ કારણસર ત્વચામાં ગંદકી જમા થવા લાગે, ત્યારે ખીલ દેખાય છે.
આ સિવાય હોર્મોનલ ડિસ્ટર્બન્સ અને ડેડ સેલ્સ પણ ક્યારેક ખીલનું કારણ બને છે. તેનો મોટાભાગનો ફેલાવો ચહેરા પર થાય છે, પરંતુ તે પીઠ, છાતી અને ખભા પર પણ દેખાઈ શકે છે.
આ સિવાય ખીલ થવાના અન્ય ઘણાં કારણો છે. આયુર્વેદ પણ ખીલની સમસ્યા ઉપર વિગતે વાત કરે છે. આયુર્વેદ કહે છે કે, ખીલમાં, મુખ્યત્વે પિત્ત અને કફ દોષના અસંતુલનને કારણે, ખીલની સમસ્યા ઊભી થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ ખીલ ઘરગથ્થુ ઉપચારોથી મટે તેવા હોય છે. કેટલાક કિસ્સાઓમાં જોકે, નિષ્ણાતોની સલાહ લેવાની જરૂર અવશ્ય પડે છે.
ખીલ થવાનાં કારણો
મોટાભાગના લોકો માટે, ખીલ તેમના 20 અને 30ના દાયકામાં એક મોટી સમસ્યા બની જાય છે. પછી તેનો પ્રભાવ ધીમે ધીમે ઘટવા લાગે છે, પરંતુ કેટલાક લોકોને તેમના ચાલીસ અને પચાસના દાયકામાં પણ આ ત્વચાની સમસ્યા ચાલુ રહે છે.
આ રીતે જોવામાં આવે તો, ખીલ પાછળ ઘણાં કારણો છે, જેમાંથી કેટલાક હળવા અને કેટલાક ગંભીર છે. ત્વચાની સમસ્યાના નિષ્ણાતો બાહ્ય અને આંતરિક એવાં ઘણાં કારણોને ખીલની સમસ્યા માટે જવાબદાર ગણે છે. આપણે આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંને દ્રષ્ટિએ આ કારણો જાણીએ.
વધારે પડતી તૈલી ત્વચા
ત્વચાની તેલ ગ્રંથીઓમાં ખીલ શરૂ થાય છે. તેલ સમગ્ર છિદ્રોની યાત્રા કરીને ત્યાં સુધી પહોંચે છે જ્યાં વાળ છે. જેના કારણે પોર્સ બ્લોક થઈ જાય છે અને ચહેરા પર ખીલ દેખાવા લાગે છે. તૈલી ત્વચા અને ત્વચાની સંભાળની નબળી દિનચર્યા જેવા અન્ય ઘણાં કારણોને લીધે પણ ત્વચાનું તેલ વધી શકે છે.
વાળના ફોલિકલ્સ તેલ અને મૃત ત્વચા કોષોથી ભરાયેલા હોવા
વાળ, તેલ અને કોષોને લગતી સમસ્યાઓ પણ મૃત કોષોને કારણે થાય છે. ડેડ સેલ્સ રોમછિદ્રોને બ્લોક કરે છે, તેના કારણે લોકોને ખીલ પણ થઈ શકે છે. તે રક્ત પરિભ્રમણને પણ અસર કરે છે, જેના કારણે ખીલની સમસ્યા વધે છે.
અમુક દવાઓના કારણે
ઘણી દવાઓ શરીરમાં વિવિધ ફેરફારોનું કારણ બને છે અને આ ખીલને ઉત્તેજિત કરે છે. આવી સ્થિતિમાં, તમારે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ અને આ પ્રકારના ખીલનો ઉપાય જાણવો જોઈએ.
તમારો આહાર પણ ખીલનું કારણ
વધુ તેલયુક્ત, મસાલેદાર ખોરાક લેવો; પિઝા, બર્ગર, પેસ્ટ્રી, આઈસક્રીમ વગેરે જેવી બહારની વસ્તુઓ ખાવી, વિદ્ધ આહાર જેમ કે (દૂધ સાથે મીઠું), રિફાઈન્ડ લોટમાંથી બનેલી વસ્તુઓ વધુ માત્રામાં ખાવી એ ખીલ થવાનાં કારણો હોઈ શકે છે.
આનુવંશિકતા
જો તમારા પરિવારમાં તમારા માતાપિતામાંથી કોઈને ખીલ હોય, તો તમને પણ 12-18 વર્ષની વય વચ્ચે ખીલ થવા લાગશે. આ પિમ્પલ્સની ગહન સારવાર કરવી જરૂરી નથી, બલ્કે સમય જતાં તે જાતે જ ઠીક થઈ જાય છે.
સંક્રમણ (બેક્ટેરિયા)
ચહેરા પર ખીલ થવાનું મુખ્ય કારણ બેક્ટેરિયા પણ છે કારણ કે ખીલ બેક્ટેરિયાના કારણે થાય છે જેના કારણે ચહેરા પર લાલ રંગના દાણા દેખાવા લાગે છે જેને સ્પર્શ કરવાથી પીડા થાય છે.
માનસિક તણાવ
ચહેરા પર ખીલ થવાનું એક કારણ માનસિક તણાવ પણ છે કારણ કે વધુ પડતા માનસિક તણાવને કારણે શરીરમાં હાજર હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે અને સ્ટે્રસ હોર્મોન્સનો સ્ત્રાવ વધવા લાગે છે. જેના કારણે ચહેરા પર ખીલ દેખાવા લાગે છે.
પ્રદૂષણ
પ્રદૂષણ ત્વચા સંબંધિત સમસ્યાઓમાં વધારો કરે છે. પ્રદૂષણને કારણે બેક્ટેરિયા અને ગંદકી વધે છે, જે તૈલી ત્વચા પર ચોંટી જાય છે અને ખીલ વધે છે.
પિત્ત અને કફ દોષનું વર્ચસ્વ
ખીલ સામાન્ય રીતે પિત્ત અને કફ દોષના અસંતુલનને કારણે થાય છે. આ અસંતુલિત દોષો શરીરમાં પહોંચે છે અને આપણા પાચનતંત્રને નબળું પાડે છે અથવા બગાડે છે જેના કારણે ખાવામાં આવેલો ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને પેટ પણ યોગ્ય રીતે સાફ થતું નથી. જો પેટ બરાબર સાફ ન થાય તો આપણા શરીરના ઝેરી તત્ત્વો બહાર નથી આવતા અને શરીરના લોહીને પ્રદૂષિત કરે છે. જેના કારણે ચહેરાના રોમછિદ્રો પર તેની અસર દેખાય છે.
ગર્ભનિરોધક ગોળીઓ
જો સ્ત્રીઓ નિયમિત રીતે ગર્ભનિરોધક ગોળીઓ લેતી હોય, તો શરીરના એન્ડ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે અને તે વધુ સીબમ સ્ત્રાવ કરવાનું શરૂ કરે છે, જેના કારણે ત્વચાના છિદ્રો ભરાઈ જાય છે અને ખીલ થાય છે. આ પિમ્પલ્સ ઘરગથ્થુ ઉપચારોથી મટતા નથી, તેની સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.