તરોતાઝા

આકારકરભ – અક્કલકરો(એક ઉપયોગી ઔષધ)

આરોગ્ય એક્સપ્રેસ -મનોજ જોશી ‘મન’

અક્કલકરો આયુર્વેદ ચિકિત્સામાં વપરાતી જાણીતી જડીબુટ્ટી છે.યુનાની વૈદકમાં પણ તેનો ઘણો વ્યાપક ઉપયોગ આજે પણ થાય છે. સામાન્ય રીતે આયુર્વેદનાં ઔષધોનાં નામ પ્રમાણે ગુણ હોય છે.એટલે કોઈ પૂછે છે પણ ખરા કે અક્કલકરાના સેવનથી અક્કલ કે બુદ્ધિ વધે છે? પણ, હકીકતમાં અક્કલકરો એ વાયુ અને કફની વ્યાધિઓનું અક્સિર ઔષધ છે.

સંસ્કૃતમાં અક્કરકરાને આકારકરભ કહે છે જેના પરથી હિન્દીમાં અક્કરકરા થયું એનું ગુજરાતી થતાં અપભ્રંશ થઈ અક્કલકરો થઈ ગયું છે.

અક્કલકરો નકલી અથવા ભેળસેળવાળો હોય તો અસરકારક હોતો નથી જેથી દર્દીને જોઈએ એટલો લાભ થતો નથી એટલે વિશ્ર્વાસ ઓછો થાય છે. પણ, અસલી અક્કરકરો સુંદર પરિણામ આપનાર જડીબુટ્ટી છે.

અક્કલકરાનો ઉલ્લેખ ચરક કે સુશ્રુતસંહિતા જેવા અતિ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળતો નથી. પરંતુ ત્યાર પછીના ગ્રંથો ભાવપ્રકાશ અને શારંગધર સંહિતામાં જોવા મળે છે. મૂળ અરબ દેશની આ જડીબુટ્ટી ચોથી સદીની આસપાસ ભારતમાં પ્રવેશી હોય એવું લાગે છે. આ વનસ્પતિનો છોડ બે થી ચાર ફૂટ ઊંચો હોય છે. ઔષધ તરીકે એના મૂળનો વિશેષ વપરાશ છે. આ અક્કલકરાને લેટિનમાં એનાસાયકલસ પાઇરેત્રમ કહે છે. અક્કલકરાનો ઉપયોગ જ્ઞાનતંતુ અને નાડીસંસ્થાનના રોગોમાં સારો એવો થાય છે. સ્ત્રીઓનાં કષ્ટાર્તવ અને પુરુષોનાં શીઘ્રપતન જેવા રોગોમાં ઉત્સાહજનક પરિણામ આપનાર છે.

અસલી અક્કલકરો સ્વાદમાં તીખો, મોમાં મૂકવાથી તમતમાટ કરનાર, મુખમાંથી પાણી છોડનાર, રૂક્ષ,તીક્ષ્ણ કટુ વિપાકી, ઉષ્ણ હોવાથી કફ અને વાયુનું શમન કરનાર અને વાજીકરણ છે.

શુક્ર પ્રવર્તક અને ઉત્તેજક પણ છે જે પુરુષો મનના નબળા હોય ને સંબંધ બાંધવામાં જોઈએ એટલા સફળ થઈ શકતા નથી. જેમને મનમાં બેસી ગયેલ બીકથી શારીરિક સંબંધમાં નિષ્ફળતા મળે છે તેવા કેસમાં અક્કલકરો ખૂબ ઉપયોગી છે. અક્કલકરો દાંપત્યજીવન સુખમય બનાવે છે.મનને મજબૂત બનાવી હતાશામાંથી બહાર કાઢે છે. આ ઉપરાંત વેદનાનાશક, જંતુઘ્ન,શોથહર, કંઠ સુધારનાર, તોતડાપણું દૂર કરનાર, મૂત્ર ઓછું કરનાર ને વિશેષ વાપરવાથી હૃદયની ગતિ તીવ્ર કરનાર છે. જેમના ધબકારા વધારે જ રહેતા હોય તેમણે અક્કલકરાનું સેવન કરવું નહીં.

અપસ્માર અને શરદીના હુમલા વખતે નસ્ય આપવાથી સારું પરિણામ મળે છે.

આધુનિક દ્રષ્ટિએ અક્કલકરામાં પાયરેથીન નામનું તત્ત્વ મળે છે. જેથી પક્ષઘાત અને સર્વાંગઘાતમાં ઉપયોગી છે. બાળકોની વાણીને સુધારે છે. સ્વરભેદ અને કાકડાના રોગ મટાડે છે. દાંતના દુખાવા અને સડામાં સુંદર પરિણામ આપે છે.

આ ભેળસેળના યુગમાં અક્કલકરો પણ બચ્યો નથી. ભળતાં મૂળિયાં મેળવી અક્કલકરો વેચાતો હોય છે.

અક્કલકરાના મુખ્ય બે પ્રકાર છે એક અરબી અક્કલકરો અને બીજો ભારતીય અક્કલકરો દેશી અક્કલકરા કરતા પરદેશથી આવતો અક્કલકરો ગુણમાં વધુ સારો હોય છે.

અસલી અક્કલકરો વજનદાર હોય છે. તેને તોડવાથી વચ્ચેનો ભાગ આછો સફેદ નીકળે છે જે ગંધયુક્ત હોય છે. મુખમાં રાખવાથી કે ચાવવાથી તમતમાટ શરૂ થઈ જાય છે. થૂંક વિશેષ ઉત્પન્ન થાય છે અને થોડા સમયમાં સ્વાદ પણ પારખી શકાતો નથી. પછી શૂન્યતા(એનેસ્થેસિયા)નો અનુભવ થાય છે.

ભારતીય અક્કલકરો વજનમાં સાપેક્ષે હલકો હોય છે, તોડવાથી આછો પીળાશ પડતો હોય છે ને એમાં ગંધ હોતી નથી. મોમાં તમતમાટ ઓછો થાય છે.
નકલી અકક્કલકરામાં આમાંનું કાંઈ જ હોતું નથી.

આ અક્કલકરામાંથી શાસ્ત્રકારોએ અનેક યોગો બતાવ્યા છે.

અક્કલકરાનું સૂક્ષ્મ ચૂર્ણ ચારથી છ રતી મધ અથવા દૂધ સાથે લઈ શકાય છે.

(૧) દંતશૂલ પર અસલી અક્કલકરો, વાવડિંગ ને ખોરાસાની અજમો સરખે ભાગે લઈ સૂક્ષ્મ ચૂર્ણ બનાવી આ ચૂર્ણ ઘસવાથી દાંતનો દુખાવો મટે છે.

(૨) જૂની શરદી માટે અક્કલકરાદી ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે. બજારમાં તૈયાર પણ મળે છે. અક્કલકરો, અસલી સિંધાલુણ, ચિત્રક, આમળા, મરી, લીંડીપીપર, અજમો, હરડે દરેક સરખે ભાગે લઈ અને સૂંઠ બે ભાગ લઈ દરેકને મેળવી સૂક્ષ્મ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને બીજોરાંના રસ કે લીંબુનાં રસની એક ભાવના આપી સુકાયા પછી ફરી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના સેવનથી જૂની શરદી, ઉધરસ, દમ અરૂચી, મંદાગ્નિ, ગેસ, ગળાના રોગો, કાકડા વગેરે વાત-કફથી થતા વિકારો મટે છે. આ ઔષધ નિર્દોષ આને અસરકારક હોવાથી ઘરમાં વસાવવા જેવું છે.

(૩) હેડકી : અક્કલકરાનું બારીક ચૂર્ણ અડધા ગ્રામ મધ સાથે લેવાથી હેડકી અને વાયુ મટે છે.

(૪) તોતડાપણું : ઓછી માત્રામાં નિયમિત લેવાથી તોતડાપણું દૂર થાય છે.

(૫) આધાશીશી : જે તરફ માથું દુખતું હોય એ તરફની દાઢ નીચે અક્કલકરાનો ટુકડો મૂકી ધીમે ધીમે ચાવવાથી આધાશીશીનાં દુખાવામાં રાહત થાય છે.

(૭) અસલી અક્કલકરો, અશ્ર્વગંધા,તાલમખાના,સફેદ મુસળી, સાલમપંજા ને શતાવરી સરખે ભાગે લઈ સૂક્ષ્મ ચૂર્ણ બનાવવું.આમાંથી એકથી બે ગ્રામ સાકરવાળા દૂધ સાથે સવારે અને રાત્રે લેવાથી શીઘ્રપતનમાં ચમત્કારિક ફાયદો થાય છે. અને પુરુષત્વની ખામી દૂર થાય છે.

જેને પિત્તજન્ય વિકાર હોય, મોમાં ચાંદાં પડ્યા હોય, છાતીમાં, ગળામાં અને પેટમાં દાહ થતો હોય તે લોકોએ અક્કલકરાનો ઉપયોગ કરવો નહીં અથવા ચિકિત્સકની સલાહ મુજબ વર્તવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button