તરોતાઝા

રંગીલી મહેંદીના ઔષધીય ગુણ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ભારતીય સંસ્કૃતિમાં મહેંદી સૌભાગ્યનું પ્રતીક છે. સોળ શૃંગારમાં એક અગત્યનો શૃંગાર છે. લગ્ન, તહેવારને ઉજવવા, ધાર્મિક ઉત્સવમાં મહેંદીનું મહત્ત્વ અનેક ગણું છે. લગ્ન પ્રસંગોમાં સૌભાગ્યવતી નારીના જીવનમાં મહેંદી એ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.

ફક્ત શૃંગાર જ નહિ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મહેંદી એ ઔષધિ છે. વર્ષાઋતુમાં મહેંદીનું ખાસ મહત્ત્વ છે. કારણ તહેવારોની વર્ષાઋતુમાં જ શરૂઆત થાય છે. તહેવારોની મોસમ પણ કહી શકાય. વર્ષાઋતુમાં ભીનાશને કારણે, સૂર્ય પ્રકાશની ઓછપને કારણે બેકટેરિયાનો ઉદ્ભવ થાય છે.બેક્ટેરિયાની અધિકતાને કારણે ઘણાં રોગ થવાની સંભાવના વધી જાય છે. તેથી ઉપવાસ, એકટાણા કરીને ધાર્મિક ઉત્સવ મનાવવામાં આવે છે. માનસિકતા ઉચ્ચતમ રાખવા માટે શુંગારનું મહત્ત્વ છે. મહેંદી બેક્ટેરિયા અને ફંગસથી લડવા માટે મદદ કરે છે.

મહેંદીનું વૈજ્ઞાનિક નામ લોસોનિયા ઈનરમીસ છે. બીજા નામો હિના, એમફાયર, મદયન્તિકા, મેદિકા, રંજકા, રાજગર્ભા, રાગાડી, સુગંધપુષ્પા, નખરંજની, પનવાર, હેના પમ્બી, અલહેના, સમફીર છે. ભારતના પંજાબ, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં આની ઊપજ છે. લોકપ્રિય ઝાડ છે. ચિકિત્સીય ગુણોને કારણે કોસ્મેટીકમાં આનો વપરાશ થાય છે. હાથમાં શૃંગાર તરીકે, માથામાં વાળને રંગવા માટે વધુ વપરાશ થાય છે. પાનનો પાવડર બનાવીને ઉપયોગ થાય છે.

બીજના ઔષધિ ગુણોનો મૂલ્યાંક ઉચ્ચ પ્રકારનો છે. લગભગ બધા ફક્ત પાનનો પાવડર બનાવીને રંગવામાં જ ઉપયોગ કરે છે. મહેંદી પાન, બીજ, મૂળમાં ચિકિત્સીય ગુણો વિશે વધુ માહિતગાર નથી.

મહેંદી સજાવટ માટે તો છે, તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ પણ છે. પાનના પાવડરની પેસ્ટ માથામાં લગાવવાથી માથામાં થતો દુ:ખાવો કે સોજા મટાડે છે. માથામાં થતી જૂને નાબૂદ કરે છે. ખોડાથી છુટકારો મળે છે. ચક્કરની સમસ્યા ઓછી કરે છે. માથામાં થતી ફંગસ સંક્રમણ કે ઘાવને સારા કરે છે. એન્ટીપાયરેટિક પ્રોપટીને કારણે તાવની સમસ્યા રહેતી નથી.

પગ અને હાથમાં પેસ્ટ લગાડી પટટ્ટી બાંધી રાખવી જોઈએ જેથી તાવ ઊતરી જાય છે. ઉચ્ચ રક્તચાપને લીધે માથાનો દુ:ખાવો થાય છે. તેને સાજો કરી દે છે. માથાનો એક રોગ જેને શિરોભમ કહે છે જેમાં માથામાં ચકરાવો થાય છે આ સમસ્યા માનસિક રોગીઓને થાય છે. મહેંદીની પેસ્ટ માથામાં લગાડી શકાય છે. મોઢામાં છાલા પડે ત્યારે પાનને પાણીમાં ઉકાળી ગાળીને આના કોગળા કરવાથી છાલા મટી જાય છે. કમળાની બીમારીમાં પાનનો ઉકાળો એક કપ જેટલો લઈ શકાય. પથરીમાં પણ પાનનો ઉકાળો લેવો જેથી પથરીના ઝીણા ઝીણા ટુકડા થઈ નીકળી જાય છે. ઘૂંટણના દુ:ખાવામાં પણ ગોઠણ પર લેપ લગાડવો. સંધિવાતની બીમારીમાં મહેંદીના તેલની માલિશ કરવાથી રાહત થાય છે. મહેંદીના ક્વાથ બનાવી પીવાથી ત્વચાવિકાર અનિંદ્રા, શીતલા, શ્વેતપ્રદર, ફોડાફૂસીમાં પણ લાભ થાય છે.

મહેંદીનાં ફૂલો બલકારક છે. જે શરીરનું બળ વધારી દે છે. ફૂલોને પાણીમાં ઉકાળી ઠંડું કરીને માથું ધોવાથી માથાનો દુ:ખાવો જે પિત્તને લીધે થાય છે તે મટી જાય છે. ફૂલોને તેલમાં ઉકાળીને માથામાં લગાડી શકાય છે. પગની પીડા માટે આનાં ફૂલોને મહેંદીના પાન સાથે વાટીને પગના તળવામાં લગાડવાથી રાહત થાય છે. ફૂલો અને પાનને રાત્રે પાણી ભીંજવવા સવારના આંખો ધોવાથી આંખમાં થતી લાલાશ દૂર થાય છે. ગ્લાયેક્શન વધુ પડતું થવા દેતી નથી.

મહેંદીના બીજ- પાવરફૂલ, એન્ટીબેક્ટેરિયલ એન્ટી ફંગલ, એસ્ટે્રજેન્ટ પ્રોપટી છે. જે હેડએક, અસ્થમા, બોઈલસ, સ્પીલન બ્લીડિંગ ડિસ ઓર્ડર, સ્કીન ડિસિસી, સ્ફીલીસ, ઘાવ ભરવા, ટ્યૂબરક્લોસીસ (ટી.બી.) એન્ટીટ્યુમર એક્ટીવીટી, નિરાશાજનક બીમારી, લીવર ડિસ ઓર્ડર, લેપોસી, ડાયાબિટીસ, રૂમેટીક આર્થરાઈટીસ, અલ્સર, શીતળા, મલેરિયા જેવી બીમારીઓ દૂર થાય છે. બીજનો ઉપયોગ મુખવાસ તરીકે કરવો જોઈએ. બીજનો પાવડર શુદ્ધ ઘીમાં લઈ ચાટી શકાય. ચાટમસાલામાં થોડો નાખી લઈ શકાય.

મહેંદીમાં ગ્લેલીક એસીડ છે જે ડિપ્રેશન, કૅન્સર ઈન્ફેક્શન જેવા રોગ દૂર કરે છે.બીટા-સ્ટે્રરોઈડ્સ છે જે આર્થરાઈટીસ માટે કામ કરે છે. ટેનિન એસિડ જે લીવરને પ્રોટેક્ટ કરે છે, બ્લડ ક્લોટિંગ કરે છે. કેટાલેઝ એન્ઝાઈમ છે જે ઘાવને જલદીથી ભરે છે અને બળતરાને દૂર કરે છે.
મહેંદી એ ભારતીય સંસ્કૃતિનું એક શૃંગાર માટેનું મહત્ત્વનું અંગ છે.

આપણી સંસ્કૃતિમાં આ ઔષધિનો ઉપયોગ સહજ રીતે કેવી રીતે કરવો તેનું વર્ણન ઋષિઓએ આપ્યો જે અદ્ભુત છે. રેગિસ્તાનમાં રહેતા લોકો જે જલદ ગરમીનો અનુભવ કરે છે ત્યાં આનો ઉપયોગ થાય છે. જેને લીધે શીતળતા મળે છે. લાસોન નામનો લાલ રંગ મહેંદીમાં જે આપણી ત્વચામાં રહેલ કેરાટિન સાથે બંધાઈ જાય છે અને હાથમાં લાલ રંગ અર્પે છે. પ્રકૃતિ દ્વારા આ અદ્ભુત ઔષધિ આશ્ચર્યજનક લાભ પ્રદાન કરે છે. પ્રાચીન સમય મહેંદી લગાડવાની પ્રથા આજ દિવસ સુધી ચાલુ છે. હાથ-પગ પર સુંદર ડિઝાઈન બનાવનારને આર્થિક રીતે સભર કરે છે. મહેંદીનો રંગ ધીરે ધીરે નીકળી જાય છે. તે પણ આશ્ચર્યજનક છે. કઠોર વાતાવરણ, પ્રદૂષણ, જંકફૂડને લીધે વાળના સ્વાસ્થય પર અસર પડે છે. વાળમાં મહેંદી ફક્ત કલર જ નહિ પણ સ્વાસ્થય પણ આપે છે.
આજકાલ બજારમાં રાસાયણિક રંગોવાળો પાવડર જે મહેંદી તરીકે વેચાય છે તે ઘણા ગંભીર પરિણામ આપે છે. ઘણાં રાસાયણિક રંગો જે ત્વચાને બાળી નાખે છે.

બળતરા આપે છે. વાળ ખેરવી નાખે છે. સોરયાસીસ જેવી બીમારી આપે છે. હાથમાં રંગ ઘેરો આવે તેની માટે પણ રાસાયણિક રંગો નાખવામાં આવે છે. વ્યવસ્થિત જાણકારી પછી મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ. સારા સ્વાસ્થય માટે મહેંદીના પાનનો ઉપયોગ ખાવા માટે જાણકારનો અભિપ્રાય લેવો જરૂરી લાગે તો જરૂરથી લેવો. કોઈ વધુ નુકસાન નથી પણ જાણકારી જ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button