તરોતાઝા

ફટાફટ રોગ દૂર કરતાં ફણગાવેલા ધાન્ય

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

પ્રકૃતિનો અર્થ વિકાર રહિત સ્વાભાવિકરૂપ અને સૃષ્ટિનો અર્થ છે રચના, પરમાણુઓની સમ અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. સમસ્ત માનવજાતિ માટે ઈશ્વરનું સર્વોત્તમ વરદાન પ્રકૃતિ છે. પ્રકૃતિ અને માનવ એકબીજાના પૂરક છે. ભારત દેશનો પ્રકૃતિ સાથે અનોખો સંબંધ છે. પ્રાકૃતિક આહાર જ સ્વાસ્થ્યને જાળવી રાખે છે, તેને ભૌતિક ઉપાયોથી જીતવું અસંભવ છે. આધુનિક ખાનપાનની સભ્યતા આત્મહત્યાવાળી સભ્યતા છે. વૈજ્ઞાનિક પ્રગતિથી મનુષ્યનું સ્વાસ્થ્ય જોખમમાં છે.

દિવસે દિવસે માનવ સ્વાસ્થ્યની દૃષ્ટિએ નબળો પડતો જાય છે. પ્રાકૃતિક નિયમોની વિરુદ્ધ જઈ માનવ આગળ નહિ વધી શકે. ભૌતિક જગતની મહત્તા જીવંત પ્રકૃતિને કારણે છે. જીવન ત્યાં જ સુધી સુરક્ષિત જ્યાં સુધી પ્રકૃતિ સુરક્ષિત છે. જે પશ્ચિમી દેશ ફક્ત ટેક્નિકલ સભ્યતા પર વિશ્વાસ રાખતા હતા તે આજે પર્યાવરણને સુરક્ષિત રાખવાની વાત કરે છે અને પર્યાવરણ દિવસ મનાવે છે.

શારીરિક સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક આહાર જ ઉપયોગી છે. પ્રાકૃતિક રીતે ફણગાવેલા ધાન્ય અને અન્ય બીજ જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, જેના કોઈ જવાબ નથી. સારા ચિકિત્સક આજે ફણગાવેલા ધાન્ય કે અન્ય બીજ આહારમાં લેવાની સલાહ આપે છે. નાસ્તા માટે ફણગાવેલા કે અંકુરિત ધાન્ય અને અન્ય બીજ એ સારો વિકલ્પ છે.

શરીરને ઘણી સમસ્યાથી બચાવે છે. ફણગાવેલા ધાન્યમાં ભરપૂર પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામિન એ, બી, સી, ઈ અને એન્ટિઓક્સિડેન્ટ સારી માત્રામાં હોય છે જે શરીરની જરૂરિયાત પૂરી કરે છે. ડાયાબિટીસ અને કેન્સરથી બચાવ કરે છે. આંખની સમસ્યા દૂર કરે, મસલ્સને મજબૂત બનાવે છે. ફણગા મોટા જેટલા થાય તેટલા ફાયદાકારક છે. ફણગાવેલા ધાન્યનો રોજબરોજ ઉપયોગ થવો જોઈએ.

મગ
સૌને ભાવતા, પચવામાં હલકા છે. મગને ફણગાવાથી તેનો ગ્લાસેમિક ઈન્ડેક્સ ઓછો થાય છે જેથી લોહીમાં શર્કરા વધતી નથી. તેથી અનેક રોગો થવાની શકયતા રહેતી નથી. ડાયાબિટીસ અને થાઈરોઈડ કે કિડની સમસ્યાવાળાએ મગ ફણગાવેલા વાપરવા. ચટણી કે સલાડમાં નાખી ખાઈ શકાય. ઢોસા, ચિલા કે ઢોકળા બનાવી ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી રાંધવા નહિ. કાચા ખાવા કે ચટણી બનાવીને ખાવી. ચામડી અને વાળને પણ સ્વસ્થ રાખે છે. વાળને સારા પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે છે.

ચણા
સારામાં સારું પ્રોટીન ધરાવે છે. મેગ્નેશિયમ અને રીબોફલેવીનના કારણે હૃદયની સમસ્યા થતી નથી. મેમરી પાવર વધારે છે. શરીરને મજબૂતાઈ આપે છે. મસલ્સ માટે સુપરફૂડ છે.

વટાણા
એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર છે. શરીરની બળતરા દૂર કરે છે. ક્રોનિક હાર્ટની સમસ્યા અને કેન્સરમાં થતી બળતરાને અટકાવે છે. વજનને નિયંત્રિત કરે છે.

શીંગદાણા
ઊર્જાનો સ્ત્રોત છે. અમીનો એસિડથી ભરપૂર છે. પચવામાં હલકા છે. હાર્ટ માટે હેલ્થી છે. વાળ લાંબા કે ગ્રોથ વધારવા માટે આનો સૌપ્રથમ નંબર છે. ચટણી ખૂબ જ સ્વાદવાળી બને છે.

મઠ:
કેલ્શિયમ, જિંક અને આયર્ન તત્ત્વો આમાં હાજર છે. શારીરિક પ્રતિકારક શક્તિ વધારે છે. રોગોની સ્થિતિમાં પણ શારીરિક ક્ષમતા વધારે છે. મહારાષ્ટ્રમાં મિસળ કે ઉસળ બનાવવામાં ફણગાવેલ મઠ કે અન્ય ધાન્યનો ઉપયોગ થાય છે. જે સવારના નાસ્તામાં વપરાય છે. પૂનેરી મિસળ જે ફણગાવેલા મગ, મઠ, કાળા ચણા, કાળા વટાણાથી બને છે. કાળા વટાણામાં આયર્નની માત્રા ભરપૂર છે.

ઘઉં:
ફણગાવેલા ઘઉં ન્યૂટીએંટ્સનો ભંડાર છે. થાઈરોઈડ અને ડાયાબેટિક રોગીનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. પાચન સંબંધી સિસ્ટમને મજબૂત બનાવે છે. આને વધુ સમય સુધી પલાળી રાખવા પડે છે.
બાજરો: ફણગાવેલો બાજરો આયર્ન મેગ્નેશિયમનો સ્ત્રોત છે. આના ફાઈબરથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે. જેથી હાર્ટમાં બ્લોકેજ નથી થતાં. વધતી ચરબીને કાબૂમાં રાખે છે. ફણગાવેલા બાજરાની ખીચડી સ્વાદિષ્ટ બને છે.

અલ્ફા – અલ્ફા:
એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર છે. રજોનિવૃત્તિનાં લક્ષણોમાં રાહત આપે છે. કોલેસ્ટ્રોલને મજબૂત બનાવી રાખે છે. ચયાપચયમાં સુધારો કરે છે જેથી થાઈરોઈડની સમસ્યાનો અંત લાવે છે. શુગર સમસ્યા થવા દેતો નથી. આને ચાઈનીઝ મગ પણ કહેવાય છે. સ્વાદે પણ સારા છે. શારીરિક ક્ષમતા વધારી દે છે.

તલ:
ફણગાવેલા તલમાં સૌથી સારા ન્યૂટિશન છે જે વાળ, ચામડી, હાડકાંને મજબૂત બનાવે છે. આમાં આયોડિન હોવાને કારણે થાઈરોઈડની બીમારીમાં હાડકાંની સમસ્યા દૂર કરે છે. વાળનો કાળો રંગ જાળવી રાખે છે. આનો રોજ ઉપયોગ થવો જોઈએ. ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. કાળા – સફેદ બંને તલ ચાલે. બંનેની ન્યૂટિશન વેલ્યૂ સરખી જ છે.

બધા જ ધાન્ય અને બીજ ફણગાવેલા વાપરી શકાય છે. બદામને ફણગાવી શકાય છે. ફણગાવેલા ધાન્યની ચટણી, શાક, સુપ કે કાચા ખાઈ શકાય છે. વધુ પડતો ગેસ થવાની સમસ્યાવાળાએ થોડા રાંધીને લેવા. શરીરનું નવસર્જન ફણગાવેલા ધાન્ય અને બીજ કરે છે. પ્રોટીનના સ્ત્રોત માટે આ સુપરફૂડ છે. ઘણા બધા મસાલા કે બજારું સોસ નાખવા નહિ. આનો સામાન્ય રીતે જ ઉપયોગ કરવો. બજારું સોસ કે મસાલા નાખવાથી આની ન્યૂટિશન ક્ષમતા ઓછી થઈ જાય છે. જીમમાં જતાં લોકો પ્રોટીનના ડબ્બા ખાઈને શરીરનો બગાડ કરે છે. જીમ જતાં લોકોએ ફણગાવેલા ધાન્ય કે બીજનો ભરપૂર ઉપયોગ કરી પ્રોટીન મેળવી શકે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker