તરોતાઝા

સારા શારીરિક બંધારણ માટે જરૂરી છે પ્રોટીન

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

આજે વિશ્વ બજારમાં લોકો સૌથી ઝડપી, ગીચ અને વ્યસ્ત સમયમાં જીવી રહ્યા છે. આર્થિક રીતે સદ્ધર પણ દિવસભરમાં ઘણાં કાર્યો કરવા પડે છે. આઠથી દસ કલાક બેસી રહેવું પડે છે. આ બેઠાડુ જીવનના કારણ સ્વાસ્થ્ય જાળવવામાં નિષ્ફળ રહે છે. આજકાલ જીવન મોંઘું અને મુશ્કેલ તેમ જ બિન આરોગ્ય પ્રદ બની ગયું છે. વિશ્વભરમાં ટેકનોલોજીના કારણે જીવન સરળ અને આરામદાયક બની ગયું છે. પણ સ્પર્ધાને કારણે વ્યક્તિ વધુ વ્યસ્ત અને માનસિક તાણવાળો બની ગયો છે.

સ્વસ્થ જીવન માટે સમતોલ આહાર સમયસર આહાર લઇ શકતો નથી. તેથી સ્વાસ્થ્યના પડકાર વધુ ઝીલી રહ્યો છે. સ્વાસ્થ્ય પ્રદ ખોરાક જ લાંબા સમય સુધી કામ કરવાની ક્ષમતા આપે છે તેમ માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક પ્રવૃત્તિ માટે પણ જરૂરી બની જાય છે.જીવનને આનંદમયી રાખે છે તેમ જ જીવનમાં આવતા તમામ પ્રકારના પડકાર કે સમસ્યાનો સામનો કરવાની ક્ષમતા આપે છે.

ટેકનોલોજીવાળો ખોરાક સારા પ્રોટીનની ગરજ પૂરી નથી કરતો. શરીરના સારા સ્વાસ્થ્ય માટે પ્રોટીન એ મહત્ત્વપૂર્ણ છે. મજબૂત શરીર માટે પ્રોટીનની આવશ્યકતા છે. આપણું શરીર પ્રોટીન બનાવવા અમાયનો એસિડનો ઉપયોગ કરે છે. અમાયનો એસિડ શરીરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે શરીરમાં ઉત્તકોનો વિકાસ અને ક્ષમતા જાળવે છે. શરીરમાં સમારકામ કરે છે. હાર્મોન અને મસ્તિષ્કનાં રસાયણો બનાવે છે. સ્વસ્થ ત્વચા, વાળ અને નખ બનાવે છે. માંસપેશીઓ બનાવે છે. સ્મરણશક્તિ અને કાર્યશક્તિ જાળવી રાખે છે.

આ અમાયનો વીસ પ્રકારના છે. આપણને તેમાંથી મહત્ત્વપૂર્ણ અમાયનો નવ પ્રકારના છે. સારા અમાયનો એસિડ એ સ્વસ્થ અને તાજા ખોરાકમાંથી બને છે. જંકફૂડ અને બહારના ખાદ્ય પદાર્થથી ખોરવાઇ જાય છે. પરિણામે પ્રોટીન નબળા થઇ જાય છે. શરીરમાં બીમારીનો પ્રભાવ વધી જાય છે.

અમાયનો એસિડનાં મુખ્ય સ્ત્રોતો
હિસ્ટિડાઇન
આ અમાયનો શરીરની પ્રતિરક્ષા કાર્ય પાચન, નીંદર અને યોન કાર્યમાં મહત્ત્વપૂર્ણ છે. મસ્તિષ્કના રસાયણ બનાવે છે. લગભગ ચૌદ મિલિગ્રામની આવશ્યકતા છે. બ્લ્યુબેરી પીચ, પિસ્તા, દ્રાક્ષ, પાલક, કેલભાજી, ટોમેટો, ચીઝ આના મુખ્ય સ્ત્રોત છે. શરીરમાં થતી બળતરા કે એસીડીટી દૂર કરે છે, માનસિક તાણ દૂર થાય છે.

આઇસોલ્યુસીન
માંસપેશીના ચયાપચન અને પ્રતિરક્ષા કાર્યમા હિસ્સેદારી છે. હિમોગ્લોબીન બનાવવા અને ઊર્ઝાને નિયંત્રિત કરે છે. આની જરૂર ઓગણીસ મિલીગ્રામની છે. પામેગ્ડાનચીઝ, ડ્રાયફ્રૂટસ, તોફૂ, બીન્સ, અંજીર, એવાકાડો, કીવી, સ્ટ્રોબેરી.

લ્યુરીન : શરીરમાં પ્રોટીન અને વિકાસ હાર્માન બનાવવા માટે જરૂરી. માંસપેશીના ઉત્તકોને વધારે છે. તેમ જ ઘાવને ભરે છે. રક્ત શર્કરાને નિયંત્રિત કરે છે. આની આવશ્યકતા બેતાલીસ મિલિગ્રામ છે. બ્રાઉન રાઇસ બધી જાતના સૂકામેવા, ચણા, મુખ્ય સ્ત્રોત છે. વજનનું નિયંત્રણ કરે છે. ચરબીનું પાચન કરે છે.

લાઇસિન
હાર્માન અને ઊર્જા ઉત્પાદન કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને પ્રતિરક્ષા કાર્ય માટે મહત્ત્વપૂર્ણ છે. આની આવશ્યકતા આડત્રીસ મિલિગ્રામ છે. હાડકા માટે જરૂરી છે. ચીઝ, વટાણા, સિંગદાણા, બાંબુ મુખ્ય સ્ત્રોત છે. કોલેસ્ટ્રોલને મજબૂત રાખે છે. વાળની ગ્રોથ માટે મહત્ત્વપૂર્ણ છે.

મેથિયોનીન
શરીરના ઉત્તક, વિકાસ, ચયાપચન અને વિષહરણમાં સહાય કરે છે. ઝિંક અને સેલેનિયમ જેવી ધાતુઓના અવશોષણમાં મદદ કરે છે. આની આવશ્યકતા ઓગણીસ મિલિગ્રામ જેટલી છે. દૂધ મલાઈવાળું, અડદ, કાજુ, સનફલાવર સીડ, લસણ, એપલ, બ્રોકલી, સૂકી દ્રાક્ષ, આના મુખ્ય સ્ત્રોત છે.

થ્રિઓનીન
કોલેજન અને ઈલાસ્ટિન માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ત્વચા અને સંયોજી ઉત્તકની સંરચના પ્રદાન કરે છે. રક્તનું થ્રોમોબીન બનાવવા મદદ કરે છે. (જે રક્ત થક્કા બનાવે) રક્તસ્ત્રાવ રોકે છે. ચયાપચન અને ઈમ્યુનિટી માટે જરૂરી છે. આની આવશ્યકતા છવ્વીસ મિલિગ્રામ જેટલી છે. ગ્રેપફ્રૂટ (પપનસ), એવાકાડો, કેન્ટાલૂપ, ખજૂર, પ્લમ, ટોમેટો, પાઈનેપલ લેગ્યુમસ્‌‍ બકવેટ પમકીન સીડ આના મુખ્ય સ્ત્રોત છે. મસલ્સના પ્રોબ્લેમ દૂર થાય છે. શરીર મજબૂત બને છે.

ટ્રિપ્ટોફેન
શરીરના નાઈટ્રોજનને સંતુલિત કરે છે. સેરોટોનિન નામનું મસ્તિષ્કનું રસાયણ બનાવે છે. મૂડ ભૂખ અને નીંદરને નિયંત્રિત કરે છે. આની આવશ્યકતા પાંચ મિલિગ્રામ છે. વીટ જર્મ, ઓટબાર્ન, સોયાબીન, રાજમા, પીન્ટોબીન્સ, અડદ, પમકીન, સૂકોમેવો, પાઈનેપલ, કેળા, મુખ્ય સ્ત્રોત છે.

વેલિન
માંસપેશીની વૃદ્ધિ, ઉત્રક અને પુર્નજનન અને ઊર્જા બનાવે છે. આની આવશ્યકતા ચાલીસ મિલિગ્રામની છે. સનફલાવર સીડ, તલ, અળસી અને સીયાસીડ તેમ જ ચીઝ, દહીંમાંથી મળે છે. નેવીબીન્સ, રાજમા, ચણા, મશરૂમ, બ્રાઉનરાઈસ આના મુખ્ય સ્ત્રોત છે.

ફેનિલએલનિન
મસ્તિષ્કના રસાયણ ફલોનું ઉત્પાદન કરે છે. ડોપામાઈન, એપિનેફ્રિન અને નોરપેનેફ્રિન માટે જરૂરી છે. આની આવશ્યકતા તેત્રીસ મિલિગ્રામ જેટલી છે. કંદમૂળ, રતાળુ, સૂકોમેવો, કાચા કેળા બધી જાતના ધાન્ય, બ્રાઉન રાઈસ, મકાઈ આના સ્ત્રોત છે.

કોઈપણ મુશ્કેલી વિના સ્વસ્થ જીવન જીવવા માટે હંમેશાં પ્રોત્સાહિત રહેવું જોઈએ. તાજાંફળો, સલાડ, લીલા શાકભાજી, દૂધ, દહીં અને સમતોલ આહાર લેવો જોઈએ. જેથી હૉસ્પિટલો આગળ ભીડ ઓછી થાય. બાળકોને જંકફૂડની ખરાબ અસરો વિશે માતાપિતાએ હંમેશાં જાણ કરવી જોઈએ. સારા સ્વસ્થ ખોરાકની આદત બાળપણથી જ પાળવી જોઈએ. વ્યક્તિએ પણ દિનચર્યા ફક્ત પૈસા કમાવવા માટે જીવવું ન જોઈએ. સારા સ્વાસ્થ્યની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા પર ધ્યાન દોરવવું જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button