આરોગ્યવર્ધક ટામેટાં
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
પૃથ્વી પર એટલું બધું સૌંદર્ય છે કે તેને વર્ણવવું ખૂબ જ મુશ્કેલ છે. ભૌગોલિક વિતરણ અને પર્યાવરણીય પરિબળોને અનુલક્ષીને વનસ્પતિઓ સ્વરૂપીય ભિન્નતા ધરાવે છે. ભારત વિષુવવૃતની ઉત્તરે આવેલો હોવા છતાં ઋતુ પ્રભાવી દેશ છે. ભારત ઉપખંડમાં વિવિધ પ્રકારની મૃદા (માટી) આવેલી છે. ફળદ્રુપ કાંપવાળી, ક્ષારજ, રેતાળ છે તેથી તે પ્રમાણે પાક લેવાય છે, તે પ્રમાણે વનસ્પતિઓના રંગરૂપ અને આકાર હોય છે. વિદેશોમાં જમીનની ફળદ્રુપતા કે ક્ષારજ પ્રમાણે વનસ્પતિઓના રંગરૂપ હોય છે. એક જ વનસ્પતિ, ફળો કે શાકભાજીના રંગરૂપ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. ગુણો લગભગ સરખા જ હોય છે.
ફળ ગણો કે શાકભાજી ગણો આ છે `ટામેટું’. વનસ્પતિ વૈજ્ઞાનિક તરીકે ટામેટું ફળ છે. આમજીવનની ભાષામાં ટામેટું શાકભાજીમાં ગણાય છે. તેથી તેનો શાક તરીકે વધારે ઉપયોગ થાય છે. તેમાં રહેલા લાઇકોપીન તત્ત્વને કારણે લાલ રંગના છે. ટામેટાંમાં ઓકઝેલિક એસિડ અને સાઇટ્રીક એસિડ સારા પ્રમાણમાં છે. પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેગેનીઝ, લોહ, ફોસ્ફેટ, મેલિક એસિડ જેવા તત્ત્વોથી ભરપૂર છે.
ટામેટાંની ચટણી, શાક, સોસ, કચૂંબર, રસ તેમ જ સૂકવણી અને પાઉડર પણ બનાવાય છે. સમગ્ર વિશ્વમાં ઉત્પાદન દૃષ્ટિએ ટામેટાંનો નંબર આગળ છે. ફકત લાલ રંગના જ નહીં લીલા, પીળા, પરપલ, કાળા, સફેદ, બ્રાઉન, નારંગી, જાંબલી અને ભૂરા રંગના છે. આકારમાં પણ ગોળ, લંબગોળ, લાંબા, ચપટા, નાના આકારના છે. અલ્ફાબેટ એ થી લઇને ઝેડ સુધીના નામના હજારો જાતિના ટામેટાં છે. ઘણી જાતના ટામેટાં સુપર માર્કેટ, મોલ કે નેચર બાસ્કેટ જેવી જગ્યાએ મળી રહે છે.
ટામેટાં એક આશ્ચર્યજનક રીતે લોકપ્રિય અને બહુમુખી ઘટક છે જે હજારો વિવિધ જાતો, અનેક
વિવિધ રંગો, વિવિધ કદમાં જોવા મળે છે. ટામેટાં વગર ગૃહણીની રસોઇ અધૂરી છે. આખું વર્ષ ઉપલબ્ધ
હોય છે.
એવરગ્રીન ટામેટાં
લીલા રંગના મધ્યમ ગોળ આકારના છે. વિટામિન-સી થી અને પોટેશિયમથી ભરપૂર છે. ચામડીને સુંદર બનાવે છે. શરીરનું કેલ્શિયમ સુધારે છે. ચટણી બનાવી લેવાથી આના દરેક તત્ત્વનો લાભ શરીરને મળે છે, બધે જ ઉપલબ્ધ છે.
ગાર્ડન પીચ ટામેટાં
નાના આકારના પીળા રંગના મનમોહક ટામેટાં છે. આની યુનિક સ્વિટ ફલેવર છે. પેટનાં દર્દોમાં ઉપયોગી છે. ઇટલી, પેરૂ જેવા દેશોમાં મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં આની ખેતીની શરૂઆત થઇ છે.
ગ્લોબલ ટામેટો
આ સામાન્ય જાતના છે. બધે જ થાય છે. દેખાવે સુંદર લાલ રંગના ગોળ આકારના છે. આમાં યલો અને ઓરેન્જ રંગના પણ થાય છે. લાઇકોપીન ઉચ્ચ પ્રકારનું છે.
ગોલ્ડન જ્યુબિલી ટામેટાં
ગોલ્ડન યલો રંગના કદમાં નાના આકારના છે. અમેરિકામાં મોટા પ્રમાણમાં થાય છે. ભારતીય મોલમાં મળી રહે છે. સ્વાદે મીઠા છે.
કરન્ટ ટામેટાં
અમેરિકા, રશિયા અને ભારતમાં થાય છે. લાલ અને પરપલ રંગના થાય છે. ખાટા સ્વાદે છે. પાસ્તાના સોસ માટે વપરાય છે.
ચોકલેટ સ્ટ્રાઇપ ટામેટાં
હલકા લાલ રંગના અને તેના પર ચોકલેટ રંગની સ્ટ્રાઇપ હોય છે. ઘણે ઠેકાણે બ્રાઉન, ઓરેન્જ રંગના પણ થાય છે.
ચેરોકી પરપલ ટામેટાં
આ ટામેટાં નોર્થ અમેરિકા, પૂર્વોત્તર ભારતમાં અઢારસો નેવુંની સાલથી વવાય છે. સ્વાદ મીઠા છે. નીચે પરપલ ઉપર ચોકલેટ જેવો રંગ છે. ગુણકારી ટામેટાં છે.
બ્લેક ચેરી ટામેટાં
અમેરિકા, યુરોપમાં થાય છે. બધે જ મળે છે. ખૂબ નાના આકારના છે. ઇમ્યુનિટી બુસ્ટર છે.
બ્રાન્ડી વાઇન ટામેટાં
ચપટા આકારના છે. સ્વાદ સંતરા જેવો ટેંગી છે. સેન્ડવીચમાં
વપરાય છે.
અર્લી ગર્લ ટામેટાં
ટેનિસ બોલ જેવા લાલ રંગના ખાટા મીઠા સ્વાદે છે. આયર્ન અને લાઇકોપીનની માત્રા સારી છે. મૂળ સ્થાન અમેરિકા છે.
બ્લેક કમી ટામેટાં:
કાળા રંગના દેખાવ સુંદર છે. આની અંદર ગર ક્રીમ જેવો છે. સ્વિટ ટેંગી સ્વાદ છે. સલાડમાં ખૂબ વપરાય છે. આનો સોસ સ્વાદમાં અનોખો છે.
હજારો જાત અને નામ બીગ બ્રીફ, ગ્રીન ઝેબ્રા, અઝોયચકા, બ્રીફ માસ્ટર, બેટરબોય યલોપેર, ડ્રાફ ટામેટાં, ગ્રેપ ટામેટાં લેમનબોય, હવાયન પાઇનેપલ, હેલ્થક્રીક જેવા ટામેટાં છે. આ બધાના રંગો અલગ અલગ છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ ટામેટાં ઉત્તમ છે. લાઇકોપીન તત્ત્વ જે કેન્સરરોધક છે. લોહી વધારનાર છે. નાના બાળકોને આનો રસ નવા દાંત આવે ત્યારે ઉપયોગી છે. તેથી દાંત આવવા વખતે થતા ઝાડાને રોકે છે. વિટામિન-સી અને આયર્નની ઊણપ દૂર કરે છે. તેથી ટામેટાં રોજના બેથી ત્રણ ખાવામાં ઉપયોગ કરવો જોઇએ. મોઢાના ચાંદા, આંખની નબળાઇ, નિર્બળતા દૂર કરે છે. કાચા લીલા ટામેટાંની ચટણી કે સૂપ કે કાચા ડાયાબિટીસમાં જલદી ફાયદો કરે છે. પ્રસૂતિ બાદ સ્ત્રીને માનસિક કે શારીરિક નબળાઇ દૂર કરે છે.
ટામેટાંને પોષ્ટિક અને ઔષધીય ગુણોથી પરિપૂર્ણ માનવામાં આવે છે. વિવિધ રંગો કે કદનાં ટામેટાં ખાવામાં ઉપયોગ કરી શકાય છે. લગભગ બધી જગ્યાએ અલગ અલગ ટામેટાં મળે છે તેનો આનંદ માણી શકાય છે. ટામેટાંના બીજ અલગ કરવાની જરૂર નથી તે કોઇ પથરીનું કારણ બનતા નથી. શરીરનું પ્રોટીન ખરાબ થાય ત્યારે પથરી થાય છે અથવા વધુ પડતા તળેલા ફરસાણનો ઉપયોગ કરવાથી પથરી થાય છે.ઉ