ચડેલી પતંગ કે પત્ની કોઇના કાબૂમાં રહે છે ખરી?
વ્યંગ -ભરત વૈષ્ણવ
‘ગિરધરલાલ, હું મુંઝાઇ ગયો છું. મારા ગળામાં શોષ પડે છે. ગાત્રો શિથિલ થઇ ગયા છે. પાર્થને કુરુક્ષેત્રમાં મુરલીધર માધવનું માર્ગદર્શન (વોર ગાઇડન્સ) મળેલું …. તમે મને માર્ગદર્શન આપો.’ રાજુએ મારી પાસે આવી આર્તનાદ કર્યો. રાજુને કયાં મહાભારતનું યુદ્ધ એટલે આરપારનું યુદ્ધ લડવાનું હતું?
‘રાજુ, તારે શેનું માર્ગદર્શન જોઇએ છે, વત્સ?’ મેં રાજુને ઢઢાથી કેડેથી ઊભો કર્યો. મારી બાજુમાં ખુરશી પર બેસાડ્યો. રાજુએ હાથમાં બેન્ડએડની પટ્ટી લગાવેલી. દોરીના બે-ત્રણ પીલ્લા અને કોડી પતંગ, ગુંદરપટી લઇને મારા ઘરે મકર સંક્રાતિના આગલે દિવસે આવેલો. આંખે કાળા ગોગલ્સ. કાલે કાલે મુખડે પે કાલા કાલા ચશ્મા…ચાર પાંચ જાતના શંખને બદલે પિપુડાં. રાજુ પિપુડાનાદ કરતો જ મારા ઘરે આવેલો. રાજુ બડી ઉમ્મીદ લઇને મારા ઘરે ગુડાયેલ.
(આ શબ્દ ગુજલીશ છે. ગુડ એટલે સારું અને આવેલ શબ્દ ગુજરાતી. અત્રે ભળતોસળતો અર્થ કરવાની છૂટ છે.) ‘ગિરધરલાલ, આવતી કાલે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ છે. રાજસૂય યજ્ઞમાં શણગારેલ અશ્વ છૂટો મુકવામાં આવતો હતો. જેમ કોઇ રાજા અશ્વને પકડીને ન બાંધે તો યુધ્ધ કરવામાં આવતું ન હતું મારે પણ પતંગસૂય યજ્ઞ સફળ કરવો છે. તમે માર્ગદર્શન આપો.’ રાજુએ વીનિતભાવે મને કાકલૂદી કરી. અલબત, કૂવામાં હોય તો હવાડામાં આવે એમ કહેવાય છે. ‘પતંગવીર’ તરીકે પેથાપુર કે પેરિસમાં મારા નામના સિક્કા પડતા નથી. જિંદગીમાં ભૂલભૂલમાં ઢીલમાં કોઇ પૂંછિડ્યો પતંગ કાપ્યો હશે.
‘જો રાજુ, પતંગના પેચ અને યુદ્ધમાં ક્યારેય રણછોડ ન થવું. જ્યારે કોઇ હાથ પાસેથી જઘન્ય રીતે આપણે પતંગ કાપી જાય તો વિચલિત થવાનું નહીં. એક ગર્લફ્રેન્ડ જાય તો બીજી મળે છે તેમ તું નહીં તો ઔર સહી જેવું સકારાત્મક વલણ અને સંવેદના રાખવાની..’ મેં રાજુને પતંગેરી સલાહ આપી. ‘ઓકે ગિરધરલાલ. બીજું કંઇ?’ રાજુએ શિષ્યભાવે પૂછયું.
‘જો, રાજુ જીવનમાં ગમે તેટલું નુકસાન થાય તો પણ પોઝિટિવ રહેવા મોટિવેશનલ સ્પિકરો રૂપિયા વસૂલીને સલાહ આપે છે. માનો કે પતંગના પેચમાં તારી પતંગ કપાઇ જાય તેમ છતાં ‘શકટનો ભાર શ્વાન તાણે’ તેમ તેં પતંગ કાપ્યો હોય તેવો હાઇપ ક્રિએટ કરવો. સોશિયલ મીડિયામાં નકલી જૂઠ સત્ય તરીકે પિરસાય છે. જગત પરાજિતનો આદર કરતું નથી. ઇતિહાસ વિજેતાનો હોય, પરાજિતનો નહીં એ વાત મગજમાં હંમેશાં યાદ રાખવી. આપણો પતંગ કપાયા છતાં કાપ્યો છે તેમ બૂમ મારવાથી કોઇ આપણો દાવો સાચો છે કે ખોટો તેનું ક્રોસ ચેકિંગ કરતા નથી.’ મેં રાજુને હકારાત્મક સત્ય પિરસ્યું.
‘વાઇસ ગાઇડન્સ. આઇ એમ ઇમ્પ્રેસ્ડ.’ રાજુએ મારી સલાહની પ્રસંશાત્મક નોંધ લીધી. ‘રાજુ, પતંગની દોરી અને જિંદગીમાં ધ્યાન ન આપો તો ગૂંચો પડવાની જ છે. જિંદગીની ગૂંચ કોઇની મદદ, માર્ગદર્શન કે કોઇની મહેરબાની ઉકેલી શકાય છે, પરંતુ પતંગની દોરીમાં પડેલી ગૂંચ ઉકેલવા જાવ એટલે ગૂંચ ઉકેલાવાના બદલે અવળચંડી ભટાની જેમ ગૂંચ વધતી જાય છે. ગૂંચવાયેલી દોરીનો ત્યાગ કરવો બહેતર છે.’
‘ગિરધરલાલ, પતંગનો પેચ લેવામાં શેનું ધ્યાન રાખવું જોઇએ?’ રાજુએ સવાલ પૂછયો. ‘હે પતંગબાહુ, પત્ની કે સાસુ સાથે લડવામાં જેટલી કાળજી રાખવી જોઇએ તેટલું કે તેનાથી વધુ ધૈર્ય પતંગના પેચમાં રાખવાનું રહે છે. હાથમાંથી જઇ રહેલી પતંગને કુનેહથી પેચમાં બચાવવાની નથી, પરંતુ આપણી નબળી દોરી, ઝોલ ખાતી પતંગથી સામેની પતંગ કાપવાની છે. પતંગના પેચમાં કળ, બળ અને છળનો યથાશક્તિ અને યથામતિ યથેચ્છ પ્રસંગે ઉપયોગ કરીએ તો કપાયેલી પતંગ પણ આપણા ચરણ ચૂમે છે.’ મેં પતંગના પેચનું કૌશલ્ય રાજુને શીખવાડયું. ‘ગિરધરલાલ, પવન પડી ગયો હોય કે પવન સામે હોય ત્યારે પતંગ કેવી રીતે ચગાવવી?’ રાજુએ માર્ગદર્શન માગ્યું.
‘રાજુ, આ સ્થિતિને વિપરીત યોગ કહેવાય. પવન પડી ગયો હોય ત્યારે ઠૂમકા મારી કે છણકા કરીને પતંગને આકાશમાં ચગાવવા કે સ્થિર રાખવા ઘણા પાપડ વણવા પડે છે. જેમાં ફાવટ ન હોય તો રણ છોડવામાં કોઇ વાંધો હોતો નથી. પતંગ ચગાવવો એ પ્રતિષ્ઠિા કે સ્ટેટસનો ઇસ્યુ હોતો નથી. પતંગને નીચે ઉતારી અનુકૂળ પવનની રાહ જોતાં તલસાંકળી, મમરાના લાડુ, બોર, જામફળ, શેરડી ખાઇને મેદાનમાં પાછા ફરવા નવી ઉર્જાનો સંચય કરી લેવામાં જ શાણપણ છે.’ મે રાજુને વિપરીત યોગમાં રણછોડ ઉત્તમ હોવા અંગે યત્કિંચિત્ જ્ઞાન આપ્યું. ‘પતંગ ચગાવવા કે પતંગ લૂંટવાના કંઇ પ્રવૃતિ ઇષ્ટ છે?’ રાજુનો સવાલ.
‘રાજુ, મનોવિજ્ઞાનમાં ત્રણ સંઘર્ષની પરિસ્થિતિ હોય છે. પતંગ ચગાવવો કે પતંગ લૂંટવો એ બંને પ્રિય પ્રવૃતિ છે. બંને પ્રવૃત્તિમાંથી એકને પસંદ કરવી. ઉત્તરાયણે પતંગ લૂંટીને વાસી ઉત્તરાયણે લૂંટેલી પતંગ ઉડાડવી એ શાણપણ નથી….’ ‘ગિરધરલાલ, ઘણા લોકોને તમારી જેમ પત્ની વશ કે પરવશ કરવામાં તકલીફ પડે છે. પતંગના પેચમાં આવું કંઇ હોય છે?’ રાજુ રદીએ ગૂગલી ફેંકી.
‘હે વત્સ, પત્નીને કાબૂમાં રાખવાની કોઇની કારી સફળ થઇ નથી. આકાશમાં ઉપર ચડેલી પતંગ કે પત્ની, કદી કોઇના કાબુમાં રહેતી નથી. ખુદ ભગવાન રામ પણ પત્નીને અધીન હતા. સોનાના મૃગનો શિકાર કરવા ઝૂંપડી છોડી ગયા અને રામાયણ સર્જાઇ. સામ, દામ, દંડ અને ભેદથી પણ પતંગ કે પત્ની કાબૂમાં રહેતા નથી માટે આકાશમાં ઉડતા પતંગને કેટલી ઢીલ દેવી, ક્યારે પતંગની દોરી ખેંચીને નીચે લાવવી એ કળા છે. બંનેને અસંતોષ થાય તો કોકની તરફ નમે છે. આ પરિસ્થિતિ હેન્ડલ કરવા માટે પુષ્કળ પ્રયાસ કરવા પડે છે. અન્યથા બંનેને ગુમાવવા પડે છે.’ હે વાચકશ્રેષ્ઠ, તમે પતંગ ઉડાડવાની જગ્યાએ મારા જેવા લેખકનો ‘પતંગ ચગાવવાની કળા’ પર આ લેખ વાંચવા કયાં બેઠા?! તરવાનું શીખવાની સરળ રીતોનું વાંચન કરવાથી તરવાની કળા પ્રાપ્ત ન થાય. પતંગ ચગાવો, આનંદ ઉઠાવો… જયજય ગરવી પતંગ!