તરોતાઝા

હોમિઓપથી સારવારનાં ૩ સિદ્ધાંત: પેશંટ-પેશંસ ને પારદર્શકતા

કવર સ્ટોરી -ડૉ. શરદ શાહ

વાતની શરૂઆત, એક હોમિઓપેથ ડોકટર તરીકે મારા અવનવા અને રસપ્રદ અનુભવોથીથી કરૂં.

મેં વરસો સુધી એક એલોપથ ડોકટર તરીકે મુંબઇમાં જુહૂ ખાતે વરસો સુધી સફળ પ્રેકટિસ કરી હતી. ત્યારે હોમિઓપથી વિશે અજાણ હતો કે એમાં માનતો પણ નહીં. પછી એકવાર મારી નાની દીકરીને અસ્થમા થયો, જે અનેક પ્રયાસો બાદ પણ મટતો જ નહોતો અને વાત છેક જીવન-મરણનાં સંઘર્ષ સુધી પહોંચી ગઇ. ત્યારે મને કોઇએ હોમિઓપથી અજમાવવાની સલાહ આપી અને એનાથી મારી દીકરીનો તબિયત ચમત્કારીક રીતે ઝડપથી સુધરવા માંડી! ત્યાર બાદ હું ધીમે ધીમે હોમિઓપથી તરફ ખેંચાવા લાગ્યો ને મેં વધતી જતી-પાકટ ઉંમરે હોમિઓપથીમાં રીતસર નવેસરથી મેડિકલ કોર્સ કર્યો.

એકબાજુ મારું એલોપથીનું દવાખાનું તો ચાલતું હતું પણ હવે મારો આત્મા ડંખતો હતો કે હું મારા માટે કે મારા પરિવાર માટે હોમિઓપથીની દવા લેતો હોઉં તો પછી મારા પેશન્ટોને એલોપથીની દવા કયા મોઢે આપું? એ કેટલું નૈતિક ગણાય?

આને લીધે મનમાં સતત એક અપરાધભાવ પણ રહેતો. પછી મને પણ અસ્થામાનાં એટએક આવાવા માંડ્યા શરૂ થયા ને એ રોગ મટતો જ નહોતો. હોમિઓપથી મુજબ કોઇ દુવિધા કે માનસિક વ્યાધિનું લક્ષણ કહેવાય છે. એટલે પછી મેં મારું એલોપથીનું ધમધોકાર ચાલતું દવાખાનું બંધ કર્યું. (જ્યારે કે હું એક એલોપેથિક ડોક્ટર તરીકે કાયદાસર રીતે હોમિઓપથીની દવાઓ આપી શકું એમ હતો.) પછી મારો
દમનો રોગ પણ આપોઆપ મટી ગયો અને હું ફુલટાઇમ હોમિઓપેથ ડોકટર બની ગયો.

આટલી પૂર્વભૂમિકા બાદ, છેલ્લાં ૪૦-૪૦ વરસથી હોમિઓપથીમાં શ્રદ્ધા ધરાવનાર ડો. તરીકે મારે અમુક અનુભવો કે વાતો શેર કરવી છે. મુદ્દો નં. ૧: દર્દી માટે હંમેશા હાજર કે અવેલેબલ રહેવું.
મારા ગુરુ અને હોમિઓપેથીનાં દંતકથા સમાન ડો. એમ.એલ. ઢવળેએ મને શીખવેલું કે રોગ એ ગતિશીલ કે વિકસતી પ્રક્રિયા છે માટે હોમિઓપેથ ડોક્ટરે હંમેશ દર્દી માટે હાજર રહેવું, કારણ કે રોગનાં લક્ષણો જુદા જુદા સમયે, જુદા જુદા પ્રકારના હોઈ શકે છે. દર્દીઓને અઠવાડિયા કે ૨-૩ દિવસની દવા આપીને કહીએ કે દવા લો ને થોડા દિવસો બાદ ફરી આવજો.’ એ ના ચાલે. અમુક ગંભીર કેસોમાં તો હું દર્દીઓને સામેથી કહું છું કે ૨-૩ ડોઝ લીધા બાદ ફોન કરજો, પછી એ મોડી રાત હોય કે વહેલી સવાર! ત્યારે તો ખાસ કે જ્યારે મેં કોઇને ૨/૪/૬ કલાકે દવા લેવાનું કહ્યું હોય. આને કારણે ઇમરજંસીમાં હું અગાઉ આપેલી દવામાં ફેરફાર કરી શકું અથવા એ જ દવા ચાલુ રાખી શકું. અલબત્ત, આમાં કદીક અંગત જીવનનો ભોગ આપવો પડે છે,બધા માટે શક્ય ના પણ હોય, પરંતુ આદર્શ તબીબની એ એક ફરજ તો છે જ ને?

મુદ્દો નં. ૨: પ્રેકટિસમાં પારદર્શકતા એક સમયે એલોપેથ તબીબ તરીકે હું દર્દીઓને દવા લખી આપતો જેને પેશંટ, ફાર્મસીમાંથી એને ખરીદી શકે. પછી હું જ્યારે હોમિઓપેથ બન્યો ત્યારે પણ મેં એ જ સિસ્ટમ ચાલુ રાખી. દર્દી અને દવાનું નામ, દવાની પોટેન્સી/ક્ષમતા અને ડોઝનું પ્રમાણ લખીને દેતો. આખો કેસ, રેકોર્ડ-બૂકમાં લખી લેતો. ધારું તો હું યે અન્ય હોમિઓપેથ ડોક્ટર્સની જેમ દવાઓ મારાં ક્લિનિકમાંથી પડીકામાં આપી શકું, પણ એમાં અપાતી દવા વિશે દર્દીના મનમાં હંનેશા વિશે શંકા કે અનિશ્ચિતતા રહે છે. તો પછી મારે એવો આગ્રહ શા માટે રાખવો જોઈએ કે એમણે દવા મારા ક્લિનિકમાંથી જ લેવી જોઈએ? મોટાભાગનાં હોમિઓપેથ ડોક્ટરોની આ એક વિચિત્ર કાર્યશૈલી હોય છે. વળી જો પેશંટ દૂર રહેતા હોય કે દેશ-વિદેશના જુદા જુદા વિસ્તારોના હોય તો એમને વારેવારે ક્લિનિકમાં આવવામાં તકલીફ પણ પડે. પછી તો ઉંમરનાં એક પડાવે, મેં મારા ઘરેથી જ ફોન પર કે ઓન-લાઇન પ્રેક્ટિસ શરૂ કરી અને કોવિડ- કાળમાં કે ત્યારબાદ આને લીધે પેશંટો બમણાં થયા છે, જે ઓનલાઈન કે ઓફ્ફલાઈન દવાઓ આસાનીથી ખરીદી શકે છે.

હવે દવાની પારદર્શિતા વિશે ખાસ વાત: દવાઓનું નામ અને પોટેન્સી/ક્ષમતા ગુપ્ત રાખવું એ મેડિકલ વ્યવસાયની નૈતિકતા વિરુદ્ધ અને ગેરકાનૂની પણ છે. એક પેશંટને દવા વિશે જાણવાનો પૂરો હક છે. જો એલોપથી કે આયુર્વેદના ડોક્ટરો, દવાઓનાં નામ કે પ્રિસ્ક્રિપ્શન આપે છે તો હોમિઓપથીમાં કેમ નહીં? હોમિઓપથીની આવી ગુપ્ત પ્રેકટિસને લીધે જ વરંવાર હોમિઓપથી પર સ્ટેરોઇડ ભેળવવાની કે

એલોપથીની દવાઓ ભેળવવાની શંકા સેવવામાં આવે છે.એના કારણે જાતજાતની અફવા ફેલાવવામાં આવે છે. આમ અમુક ડોક્ટરોને લીધે આખી હોમિપથી પદ્ધતિ પર સવાલો ઉઠે રાખે, એ શું યોગ્ય છે? વળી, દવા વિશે ચોખવટ કરવાથી ડોક્ટર ને દર્દી વચ્ચે વિશ્વાસનો એક સેતુ બંધાય છે. આ વિશ્વાસને કારણે દર્દીઓને એકજાતનો માનસિક સધિયારો મળે છે. આને લીધે હું દર્દીઓને એમની લાઇફ-સ્ટાઇલ, મૂડ વિશે અંગત કે અઘરા સવાલો આસાનીથી પૂછી શકું છું, જેને દર્દી સામન્યત: ખૂલીને નથી કહી શકતા. આનાથી મને દર્દીની સાઈકોલોજી વધુ સારી રીતે સમજાય છે અને હું વધુ સચોટ ઉપચાર કરી શકું છું. સામાન્ય રીતે હોમિયોપેથી ડોક્ટરોના વર્તુળમાં એક એવી ભીતી પ્રવર્તે છે કે- જો દર્દી દવા વિશે જાણકારી મેળવશે તો એ પોતાની જાતે જ લઈ લેશે અને ક્ધસલ્ટેશન માટે ડોક્ટરને ફરી મળવા નહીં આવે! ’ ઘણાં હોમિઓપેથ ડોક્ટર કહે છે કે,દર્દીને એ બધું શા માટે જણાવવું જોઈએ?’ આ એક બહુ જ મોટી ગેરસમજણ છે. ઉલ્ટાનું પારદર્શક્તાને કારણે તો ડોક્ટર પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને જે ઘણી ગેરસમજણોને દૂર કરે છે. હવે દર્દીઓ ફોન પર સંપર્કમાં રહીને નજીવે ખર્ચે જૂની બીમારોમાં હોમિઓપથીની સારવાર મેળવી શકે છે, જે મોંઘીદાટ હોસ્પિટલોના અપાર ખર્ચાઓ અને વણજોઇતી દવાઓ-સર્જરીઓની સામે વરદાનરૂપ છે.

મુદ્દો નં. ૩: દર્દીઓને દવાઓ વિશે વિસ્તારથી સમજાવો. મારી વરસોની પ્રેક્ટિસમાંથી શીખવા મળ્યું છે કે ઘણીવાર દર્દી, એની પીડા કે માનસિક બેચેનીને લીધે જાણવા માગે કે આ દવાથી શું ફરક પડશે? ’ કે પછી આ દવા, બીજી દવા કરતાં કઈ રીતે અલગ છે? ’ ત્યારે હું દર્દીને સમજાવું છું કે કઇ દવા, એની પોટેન્સી/ક્ષમતા અને ડોઝનું પ્રમાણ શા માટે છે. યાદ રહે,

કોઇપણ સારવારમાં એક દર્દીની, ડો. અને દવા પરની શ્રદ્ધા હોવી જરૂરી છે! ઘણીવાર તો શ્રદ્ધા જ અડધી સારવાર હોય છે. જો કે સાથોસાથ, હોમિઓપથીની દવાઓને મનમરજીથી કે અખતરા રૂપે ના લેવા અંગે હું ચેતવણી પણ આપું છું. કોઇ જિજ્ઞાસુ અને જાગૃત દર્દીને મારું પુસ્તક હોમિયોપેથી- વિજ્ઞાન અને આર્ટ ઓફ હીલિંગ’ વાંચવાની પણ સલાહ આપું છું, જે મેં સામાન્ય લોકોને હોમિઓપથી વિશે પાયાનું માર્ગદર્શન આપવા માટે મેં લખ્યું છે.

બસ, હોમિઓપથી સારવારનાં આ ૩ મુદ્દા કે સિદ્ધાંને કારણે જ મને મારી સફળ પ્રેક્ટિસમાં ખૂબ સંતોષ મળ્યો છે.એટલું જ નહીં, અનેક દર્દીઓનો બેશુમાર પ્રેમ મળ્યો છે, જેને હું ઈશ્વરનો આશીર્વાદ માનું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button