મેટિની

‘વટ સત્યવાન’ મહિલા પ્રધાન ફિલ્મ કહેવાય?

પુરુષની વૃત્તિમાંથી જ કથાનો વિસ્તાર થાય અને સ્ત્રી સશક્ત બને એ કે પછી સ્ત્રીની સારપ – શક્તિ પુરુષમાં પરિવર્તન લાવે એ મહિલા કેન્દ્રીય ફિલ્મ?

હેન્રી શાસ્ત્રી

મહિલાલક્ષી – મહિલા કેન્દ્રીય ફિલ્મ કોને કહેવાય? જેમાં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય એને? કે પછી સન્નારીની સિદ્ધિ – પરાક્રમના ગુણગાન ગવાયા હોય એને કે પછી પુરુષના જુલમ – જોહુકમી સામે પડકાર ફેંકી સ્વતંત્ર ઓળખ બનાવનારને કે પછી શૂન્ય જેવી ઓળખની આગળ વટથી એકડો મૂકી દેનારને?

આ બધા એક્વાર આપણને અવઢ્વમાં મૂકી દે એવા પ્રશ્ર્નો છે. ફિલ્મ ઈતિહાસના અભ્યાસુઓ કે પછી હોશીલા દર્શકોની ભિન્ન-વિભિન્ન વ્યાખ્યા હોઈ શકે છે. એકવીસમી સદીના અઢી દાયકા પૂરા થવાને હવે ઝાઝી વાર નથી ત્યારે છેલ્લા ૨૩ વર્ષમાં સશક્ત મહિલાની સશક્ત ફિલ્મોની યાદી આનંદ આપનારી છે. માત્ર નારીની સમસ્યા કે પ્રશ્ર્નો પૂરતી સીમિત નથી રહી આ ફિલ્મો. હિરોઈન હીરો જેવા પાત્રમાં પણ હવે વધુ જોવા મળી રહી છે. જો કે, આ પ્રકારની ફિલ્મો વિશે વિચાર કરતા એક સવાલ જરૂર મનમાં જાગે છે કે મહિલા કેન્દ્રીય તરીકે ઓળખાતી ઘણી ફિલ્મોની વાર્તાનું બીજ તો પુરુષ હોય છે. ‘મધર ઈન્ડિયા’ની રાધાની લડતમાં ગરીબી સાથે લંપટ અને શોષણકર્તા શાહુકાર છે. કેતન મહેતાની લાજવાબ ફિલ્મ ‘મિર્ચ મસાલા’માં શિયાળ સામે શિયળની રક્ષા કથાનું હાર્દ છે. સુબેદાર (નસીરુદ્દીન શાહ)ની સોનબાઈ (સ્મિતા પાટીલ) માટેની હવસ અને બીજી તરફ ગામના મુખીની પત્ની સરસ્વતી (દીપ્તિ નવલ) પતિના જુલમ સામે માથું ઊંચકી દીકરીના શિક્ષણ માટે ઝઝૂમે છે. ટૂંકમાં પુરુષ વૃત્તિ મહિલાને સશક્ત બનાવે છે. ડાકુરાણી ફૂલનદેવીના જીવન પર આધારિત ‘બેન્ડિટ ક્વીન’ની લડતના મૂળમાં પણ પુરુષનો અત્યાચાર જ છે ને..!. ‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં શશી ગોડબોલે (શ્રીદેવી) આદર્શ પત્ની – ઉત્તમ ગૃહિણીની ઓઢાડવામાં આવેલી શાલ ફગાવી પોતાની અલગ ઓળખ બનાવે છે એના મૂળમાં પણ ફાંકડું અંગ્રેજી નથી આવડતું એવો પતિનો ટોણો જ જવાબદાર છે ને. વિશાલ ભારદ્વાજ – પ્રિયંકા ચોપડાની ‘સાત ખૂન માફ’માં નાયિકા છ પતિના ખૂન કરે છે, પણ એ હત્યા માટે પુરુષ વૃત્તિ જ જવાબદાર હોય છે. ગુલઝારની ખુશ્બૂ (૧૯૭૫)ની કુસુમ (હેમા માલિની) મક્કમ મનોબળ ધરાવતી સ્ત્રી છે. જો કે, મિલકતના વિવાદને કારણે જીતેન્દ્ર સાથેના લગ્ન ફોક થાય છે. ત્યારબાદ એ પોતાની મરજીથી લગ્ન નથી કરતી. કેટલાક વર્ષ પછી એ જ જીતેન્દ્રની મા કુસુમને પુત્રવધૂ બનાવવા થનગનતી હોય છે, પણ કુસુમ અગાઉનો જાકારાની પીડામાંથી હજી મુક્ત નથી થઈ એટલે જિતેન્દ્રની માતા વેવિશાળ માટે આપી ગયેલા કડા પાછા વાળી કુસુમ પોતાની સખીને કહે છે : ‘કોઈ રાસ્તે પર થોડી બૈઠી હૂં? કે જબ જી ચાહે રખ જાયેંગે, જબ જી ચાહે લે જાયેંગે. મેરી મરઝી કુછ ભી નહીં?’ ગુલઝાર હોય એટલે પાત્ર તો લોખંડી જ હોવાનું, પણ ફરી એ પાત્રના ઘડતરમાં પુરુષ નિમિત્ત તો છે જ.

આ સિવાય ‘અર્થ’, ‘ચાંદની બાર’, ‘દામિની’, ‘મૃત્યુદંડ’, ‘મોમ’, ‘કહાની’. ‘પિન્ક’, ‘થપ્પડ’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સહિત બીજાં અનેક ઉદાહરણ આપી શકાય. ભૂતકાળમાં ડોકિયું કરીએ તો બિમલ રોયની ‘બંદિની’ અને ‘સુજાતા’ તેમ જ ‘પાકીઝા’ કે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ પણ મહિલા પ્રધાન ફિલ્મો જ કહેવાય કે નહીં?

અલબત્ત, કેટલીક ફિલ્મો અપવાદ છે જેમાં નારીના ઊભરેલા મજબૂત પાત્ર માટે પુરુષની વૃત્તિ જવાબદાર નથી અને ક્યાંક છે તો માત્ર રતીભાર. સોનમ કપૂરની ‘નીરજા’ એનું વિશિષ્ટ ઉદાહરણ છે. રિયલ લાઈફ ઘટના પરથી બનેલી ૨૦૧૬ની આ ફિલ્મની કથા પુરુષ વૃત્તિમાંથી જન્મ નથી લેતી. વાર્તા એક એર હોસ્ટેસની છે, જે પોતાનો જીવ જોખમમાં મૂકી પ્લેનના પ્રવાસીઓના ક્ષેમકુશળ ઝંખે છે અને પોતાની ઝંખના સાકાર કરવા આતંકવાદીઓના ગોળીબારને ઝીલી લે છે. આ એવી મહિલાલક્ષી ફિલ્મ છે જેના મૂળમાં પુરુષને કારણે પેદા થયેલી સમસ્યા અને એનું નિવારણ નથી. બલ્કે એક એવું સ્ત્રીપાત્ર છે જેને સમકક્ષ થવા કોઈ પણ પુરુષ ગૌરવ અનુભવે. કંગના રનૌટની ‘ક્વીન’ની વાર્તા ટેકઓફ કરે છે મંગેતરના જાકારાથી, પણ અહીં બદલો લેવાની ભાવના નથી કે કોઈ મહિલા સમસ્યા કે મુદ્દાની વાત નથી. છે તો માત્ર પોતાની શરતે જીવવાની અદમ્ય ઈચ્છા. મેઘના ગુલઝારની ‘રાઝી’ની સેહમત સૈયદ (આલિયા ભટ્ટ)ના પાત્રએ હાંસલ કરેલી ઊંચાઈમાં પુરુષ નામની સીડીનો ઉપયોગ નથી. સેહમત એક સીધી સાદી, લાગણીશીલ યુવતી છે, જે આસપાસ કોઈ ખતરો હોય તો પામી જાય એટલી ચપળ અને ચતુર છે. દેશ માટે મોટી કામિયાબી મેળવવા એ જીવસટોસટનો ખેલ ખેલવા તૈયાર થાય છે. ‘મેરી કોમ’ જેવા બીજા અપવાદ પણ જોવા મળે છે. ભવિષ્યમાં જોવા પણ મળશે, પણ શું કોઈ ફિલ્મ મેકર ‘વટ સત્યવાન’ ફિલ્મ બનાવે તો એ મહિલા પ્રધાન ફિલ્મ કહેવાય? જો કોઈ વાર્તામાં પુરુષ પ્રેગ્નન્ટ બને અને ત્રણ દીકરાને જન્મ આપે તો પત્ની એનાથી નારાજ થઈ ‘મારે એક દીકરી જોઈએ છે’ એવો સંવાદ બોલે એ કથાનું હાર્દ હોય તો એ કઈ પ્રકારની ફિલ્મ કહેવાય?

‘દુનિયા ના માને’- ‘દુર્ગા’
છેલ્લા કેટલાંક વર્ષોથી મહિલા પ્રધાન ફિલ્મોની સંખ્યા વધી છે એ સાચું, પણ આજથી ૯૦ વર્ષ પહેલા પણ મહિલાલક્ષી ફિલ્મો બનતી હતી. એ સમયે ટેકનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભાખોડિયા ભરતી હતી એટલે આજની સરખામણીમાં ફિલ્મ મેકિંગ નબળું લાગે, પણ એ ફિલ્મની વાર્તા – કથાબીજ કદાચ આજ કરતાં વધુ સશક્ત લાગે. વી. શાંતારામની ‘દુનિયા ના માને’ (૧૯૩૭)ની નિર્મળા લગ્ન પછી પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા સાફ ઈન્કાર કરે છે, કારણ કે એને છેતરીને લગ્ન કાકાસાહેબ નામના વિધુર સાથે કરવામાં આવ્યા હોય છે. ‘દુ:ખ સહન થાય, અન્યાય નહીં,’ નિર્મળા સાફ સાફ કહી દે છે. નિર્મળાને એક સાવકો પુત્ર અને એક સાવકી પુત્રી છે. પિતા સાથે ગેરવર્તન કરનારા સાવકા પુત્રની સાન ઠેકાણે લાવી એમનો આદર રાખવા ફરજ પાડે છે. સાવકી પુત્રી સાથે નિર્મળાનું જબરદસ્ત બોન્ડિંગ થાય છે અને વળાંક લેતી વાર્તામાં અંતે કાકાસાહેબને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને પોતે નિર્મળા સાથે અન્યાય કર્યો હોવાનું સ્વીકારે છે. નિર્મળાનું પાત્ર અંગત જરૂરિયાત કે ઈચ્છા પૂરી કરવાનો ઈરાદો નથી ધરાવતું, બલ્કે પોતાની સાથે થયેલી છેતરપિંડી બદલ ન્યાય માગે છે.

પુરુષની પ્રવૃત્તિમાંથી જન્મી હોવા છતાં આ ફિલ્મ મહિલાલક્ષી કહેવી જ રહી, કારણ કે એમાં નારીના સર્વાંગી હિતની વાત છે અને એટલો જ મહત્ત્વનો મુદ્દો એ છે કે સ્ત્રીની સારપ અને શક્તિ પુરુષમાં પરિવર્તન લાવે છે.

અલબત્ત, ’દુનિયા નામાને’ જેવી અન્ય ફિલ્મો પણ એ સમયે બની હતી. અશોક કુમાર – દેવિકા રાણી સાથે ‘જીવન નૈયા’, ‘અછૂત ક્ધયા’ જેવી યાદગાર ફિલ્મોનીભેટ આપનારા જર્મન ફિલ્મમેકર ફ્રાન્ઝ ઓસ્ટનની ‘દુર્ગા’ (૧૯૩૯)માં મહિલા શક્તિના સ્રોત તરીકે નજરે પડે છે. દુર્ગા અનાથ બાળકી છે અને સ્વાર્થી વિધુર જમીનદાર એનો ઉછેર એટલા માટે કરે છે કે એ પુખ્ત વયની થાય ત્યારે એની સાથે લગ્ન કરે, જેથી આગલા લગ્નથી થયેલા પુત્રની સારસંભાળ કરી શકે.

જો કે, ક્ધયા ‘વધેરાય’ જાય એ પહેલા એની સારપ જમીનદારને ગ્લાનિનો અનુભવ કરાવે છે. પસ્તાવાનું વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતરે છે અને જમીનદાર ક્ધયાના લગ્ન એક સ્થાનિક યુવાન ડોક્ટર સાથે કરાવી આપે છે અને સેવામય જીવન જીવે છે. કનૈયાલાલ મુનશીની નવલકથા પરથી સર્વોત્તમ બદામી નામના દિગ્દર્શકે એ જ ‘ડો. મધુરિકા’ નામની ફિલ્મ બનાવી હતી. કથા અનુસાર ડો.મધુરિકા એ સમયની આધુનિક વિચારધારા ધરાવતી ભારતીય મહિલાની પ્રતિનિધિ છે. આ ફિલ્મનું અંગ્રેજી ટાઇટલ હતું ‘મોડર્ન વાઈફ.’ ફિલ્મમાં એક એવી મહિલાની કથા વણી લેવામાં આવી હતી જે લગ્ન એ શરતે કરે છે કે પોતે માતા નહીં બને. મતલબ કે બાળકને જન્મ નહીં આપે – ‘કંડિશન્સ એપ્લાઇડ’. શરત સ્વીકારીને બેરિસ્ટર નરેન્દ્ર (મોતીલાલ) ડો. મધુરિકા (સબિતા દેવી) સાથે લગ્ન પણ કરી લે છે. અહીં સુધી સાહસિક લાગતી ચોકઠા બહારની વાર્તા જો કે, પાછળથી ચીલચાલુ ચોકઠામાં ફિટ બેસી જઈને મોળી સાબિત થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral