ઉત્સવ

સમાન સિવિલ કોડ : કોઈ ધર્મ નહીં, પણ બંધારણ સર્વોપરી

સમાન સિવિલ કોડ એક ચોક્કસ વર્ગના તુષ્ટિકરણને પડેલો આકરો તમાચો છે. મતબેંકના રાજકારણને વાસ્તે પર્સનલ લો બનાવીને દેશના બંધારણની ક્રૂર મશ્કરી કરવામાં આવી હતી. આચરવામાં આવેલા એ મહા પાપનું મહા પ્રાયશ્ર્ચિત આ સમાન સિવિલ કોડ છે

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ઉત્તરાખંડ વિધાનસભામાં અંતે સમાન સિવિલ કોડ (UCC)નો ખરડો પસાર થઈ ગયો અને ઉત્તરાખંડ દેશમાં સમાન સિવિલ કોડનો ખરડો પસાર કરનારું પહેલું અને સમાન સિવિલ કોડ હોય એવું બીજું રાજ્ય બની ગયું. દેશમાં અત્યાર સુધી ગોવામાં જ સમાન સિવિલ કોડ હતો કે જે અગાઉના પોર્ટુગીઝ શાસનની દેન હતી. ગોવામાં હિંદુઓ બહુમતીમાં છે,પણ ખ્રિસ્તીઓની વસતિ પણ નોંધપાત્ર છે, જ્યારે મુસલમાનો નગણ્ય છે.

સમાન સિવિલ કોડ સામે  વિરોધ મુસલમાનો જ કરે છે કેમ કે તેમના પુરૂષોને જ ચાર બીબી રાખવાના અભરખા છે ને દીકરીઓને સંપત્તિમાં ભાગ પણ આપવો નથી. હિંદુઓ તથા ખ્રિસ્તીઓ સમાન સિવિલ કોડના તરફદાર છે તેથી કેન્દ્રમાં મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયન કૉંગ્રેસની સરકાર હોવા છતાં ગોવામાં સમાન સિવિલ કોડ અમલી બન્યો જ્યારે આખા દેશમાં અમલી ના બન્યો. દેશના બંધારણે સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે, સમાન સિવિલ કોડને બંધારણની કલમ ૪૪એ માન્યતા આપી છે છતાં તેનો અમલ ના કરાયો.

 ઉત્તરાખંડ વિધાનસભાએ સમાન સિવિલ કોડનો કાયદો બનાવીને એક નવી પહેલ કરી છે. રાજ્યોને આ પ્રકારના કાયદા બનાવવાનો અધિકાર છે કે નહીં એ મુદ્દો હજુ ઊભો જ છે. ઉત્તરાખંડના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાય ને સુપ્રીમ કોર્ટ આ કાયદાને ફગાવી દે એવું પણ બને , પણ એ ભવિષ્યની વાત છે. માનો કે એવું થાય તો પણ ઉત્તરાખંડે દેશને એક નવો રસ્તો તો બતાવ્યો  છે એ હકીકત નકારી શકાય એમ નથી.

ઉત્તરાખંડના  કોમન સિવિલ કોડ (CCC) કાયદામાં તમામ ધર્મનાં લોકો માટે વિવાહ, તલાક, ખાધા-ખોરાકી, વારસાઈ અને દત્તક લેવાને લગતી બાબતોમાં એકસરખા નિયમોની જોગવાઈ કરવામાં આવી  છે.  ઉત્તરાખંડની થારુ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી એમ પાંચ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમુદાયને આ કાયદો લાગુ નથી પડવાનો,  પણ એમનું પ્રમાણ ઉત્તરાખંડની કુલ વસતિમાં માત્ર ચાર ટકા જ છે તેથી નગણ્ય કહેવાય. ઉત્તરાખંડની બાકીની ૯૬ ટકા વસતિને સમાન સિવિલ કોડ લાગુ પડશે ને તેમાં મુસ્લિમો પણ આવી ગયા- ખ્રિસ્તી પણ આવી ગયા ને શીખ પણ આવી ગયા.   

    આ નિયમો શું છે તેની વાત મીડિયામાં આવી જ ગઈ છે તેથી એના વિશે  બહુ લાંબી વાત અહીં કરતા નથી , પણ આ કાયદો અમલમાં આવતાં કોઈ પણ પુરૂષ એક પત્ની હોવા છતાં બીજી પત્ની નહીં રાખી શકે ને સાથે સાથે ધર્મની આડમાં પત્નીને છૂટી કરીને છૂટી જાય એવું નહીં થઈ શકે, કેમકે લગ્ન અને છૂટાછેડા બંને કોર્ટ મારફતે જ થશે. મુસ્લિમોમાં કોઈ સ્ત્રીને તલાક અપાય પછી એણે ફરી લગ્ન કરવાં હોય તો હલાલા- ઈદ્દત વગેરે વાહિયાત નિયમો પાળવા પડે છે. આ કાયદા દ્વારા એ બધું કચરા ટોપલીભેગું 

કરી દેવાયું છે. હિંદુ- શીખ- ખ્રિસ્તી વગેરે મહિલાઓને જે નિયમો લાગુ પડે છે એ જ બધા નિયમ મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડશે. હિંદુ મહિલાઓની જેમ બીજાં ધર્મની મહિલાઓને પણ પિતાની સંપત્તિમાંથી હિસ્સો મળશે.

ઉત્તરાખંડમાં ‘ભાજપે’ એક પ્રસંશનીય પહેલ કરી તેનો ઈન્કાર ના થઈ શકે, પણ વાસ્તવમાં સમાન સિવિલ કોડ આખા દેશમાં અમલી કરવો જરૂરી છે. ‘ભાજપ’ વરસોથી કોઈ એક રાજ્યમાં નહીં, પણ આખા દેશમાં સમાન સિવિલ કોડનો અમલ કરવાની વાતો કરે છે એ જોતાં ‘ભાજપે’ સંસદમાં સમાન સિવિલ કોડનો ખરડો પસાર કરવો જોઈએ. ઉત્તરાખંડને પગલે બીજાં ‘ભાજપ’ શાસિત રાજ્યોમાં પણ સમાન સિવિલ કોડનો કાયદો બને તો ખોટું નથી પણ માત્ર ‘ભાજપ’ શાસિત રાજ્યોમાં નહીં, પણ આખા દેશમાં તેનો અમલ જરૂરી છે.

    સમાન સિવિલ કોડ ભારતમાં વરસોથી ચાલતા મુસ્લિમ તુષ્ટિકરણને પડેલો આકરો તમાચો છે. દેશના બંધારણે સમાનતાના સિદ્ધાંતને સ્વીકાર્યો પછી તેનો અમલ કરવાના બદલે મતબેંકના રાજકારણને વાસ્તે પર્સનલ લો બનાવીને દેશના બંધારણની ક્રૂર મશ્કરી કરવામાં આવી હતી. દેશના બંધારણને બદલે કોઈ ધર્મના નિયમો વધારે મહત્ત્વના હોય એ રીતે વર્તીને બંધારણને કોરાણે મૂકી દેવાનું મહાપાપ આચરવામાં આવ્યું  હતું. સમાન સિવિલ કોડ આ મહાપાપનું પ્રાયશ્ર્ચિત છે ને ‘ભાજપે’  આ પ્રાયશ્ર્ચિત કરીને દેશના બંધારણને ગરિમા આપવાનું પુણ્યકાર્ય ઉત્તરાખંડથી શરૂ કર્યું છે.

    ‘ભાજપ’ માટે સમાન સિવિલ કોડનું મહત્ત્વ વધારે છે કેમ કે ‘ભાજપ’ ૧૯૮૦ના દાયકામાં હિંદુત્વના મુદ્દે જોરાવર બન્યો પછી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી તથા સમાન સિવિલ કોડ એ ત્રણ તેના મહત્ત્વના મુદ્દા રહ્યા છે. કલમ ૩૭૦ અને સમાન સિવિલ કોડ તો ‘ભાજપ’ અગાઉ મૂળમાં  ‘જનસંઘ’ હતો ત્યારથી તેની આગવી ઓળખ સમાન મુદ્દા રહ્યા છે. બલ્કે ‘ભાજપ’ ની સ્થાપના જ જમ્મુ અને કાશ્મીરને મુદ્દે જવાહરલાલ નહેરૂ સરકારની દેશવિરોધી નીતિઓના વિરોધમાં થઈ હતી.

     ‘જનસંઘ’ના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી નહેરૂ સરકારમાં મંત્રી હતા. કલમ ૩૭૦નો એમણે વિરોધ નહોતો કર્યો ,પણ નહેરૂના પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન સાથેના કરારને પગલે સરકાર છોડી પછી એમણે કલમ ૩૭૦ના વિરોધને મુખ્ય મુદ્દો બનાવેલો. મુખરજી તો બહુ લાંબું ના જીવ્યા,  પણ એ પછી ‘જનસંઘે’ આ મુદ્દાને ઉગ્રતાથી ઉપાડી લીધો ને વરસો સુધી તેનો મુખ્ય મુદ્દો રહ્યો. ૧૯૫૬માં મુસ્લિમ પર્સનલ લો સહિતના કાયદા બન્યા પછી ‘જનસંઘે’ સમાન સિવિલ કોડના અમલને પણ મુદ્દો બનાવ્યો ને ૧૯૮૦ ના દાયકામાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણનો મુદ્દો ઉમેરાયો.

    ‘ભાજપ’ના વિરોધી વરસોથી કહ્યા કરતા કે, ‘ભાજપ’ ખાલી વાતો જ કરે છે,  પણ આ પૈકી એક પણ મુદ્દો કદી વાસ્તવિકતા બનવાનો નથી. ‘ભાજપે’ આ બધાંને ખોટા પાડ્યા છે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ ગયું છે. કલમ ૩૭૦ નાબૂદ પણ થઈ ગઈ છે ને હવે સમગ્ર દેશમાં સમાન સિવિલ કોડનો અમલ જ બાકી રહ્યો છે. ઉત્તરાખંડમાં સમાન સિવિલ કોડનો અમલ એ દિશામાં પહેલું પગલું છે.

‘ભાજપ’ પહેલાં આ મુદ્દાઓનો અમલ ના કરી શક્યો તેનું કારણ લોકસભામાં સ્પષ્ટ બહુમતીનો અભાવ હતો. અટલ બિહારી વાજપેયી છ વર્ષ માટે વડા પ્રધાનપદે રહ્યા, પણ એમની સરકાર કહેવાતા સેક્યુલર પક્ષોના ટેકાથી ટકેલી હતી તેથી વાજપેયી ‘ભાજપ’ના એજન્ડાનો અમલ ના કરી શક્યા. હવે ‘ભાજપ’ પાસે સ્પષ્ટ બહુમતી છે તેથી એ પોતે આપેલાં વચનો એક પછી એક પૂરાં કરી રહ્યો છે.

    આગામી લોકસભાની ચૂંટણી પછી ‘ભાજપ’ને ફરી સ્પષ્ટ બહુમતી મળે તો એ બીજાં પણ કેટલાંક નક્કર કામ કરી શકે એવું અત્યાર સુધીના રેકોર્ડ પરથી માની શકાય. ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા સહિતનાં પગલાં ભવિષ્યમાં લેવાય એવું પણ  બને.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave કેદારનાથ જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો Feeling Tired and Weak? Could Be a Vitamin B12 Deficiency A Taste of India: Exploring the Country’s Most Delicious Mango Varieties