નેશનલશેર બજાર

શૅરબજાર નવા વિક્રમથી એક જ ડગલું છેટે!

સેન્સેક્સ ૭૦,૦૦૦ને સ્પર્શી પાછો ફર્યો, તેજી-મંદીવાળા બજારની આગામી ચાલ માટે અવઢવમાં!

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજાર નવો ઇતિહાસ રચવાથી એક જ ડગલું છેટે છે. શેરબજારમાં તેજીનો માહોલ જળવાયો છે અને બંને બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૦,૦૦૦ની સપાટીને સ્પર્શ્યો જોકે, નિફ્ટીની જેમ તે પણ આ સપાટીની ઉપર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો છે. નિફ્ટીએ તો પાછલા સત્રમાં જ ૨૧,૦૦૦ની સપાટી વટાવી હતી, પરંતુ આ વખતે પણ તે આ સ્તર સર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. નિષ્ણાતો અનુસાર તેજીની આગેકૂચ માટે નિફ્ટી માટે ૨૧,૦૦૦ની ઉપર મક્ક્મ બંધ આપે તે અનિવાર્ય છે.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૭૦,૦૫૭.૮૩ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો, પરંતુ અંતે ૧૦૨.૯૩ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૬૯,૯૨૮.૫૩ની નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ સત્ર દરમિયાન ૨૧,૦૨૬.૧૦ની ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને અંતે ૨૭.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૩ ટકા વધીને ૨૦,૯૯૭.૧૦ની નવી રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

એક ટોચના ચાર્ટિસ્ટ અનુસાર નિફટીમાં સ્પિનિંગ ટોપ જેવી રચના એક તરફ એવો સંકેત આપે છે કે તેજી અને મંદીવાળા બજારની આગામી ચાલ માટે અવઢવમાં છે. જ્યારે બૅન્ક નિફ્ટીમાં શૂટિંગ સ્ટાર પેટર્ન ઊંચા મથાળે વેચવાલીના સંકેત આપે છે. નિફ્ટીએ પાછલા સત્રમાં લગભગ હાઈ વેવ બોટમ પેટર્ન બનાવી હતી. નિફ્ટી હવે નજીકના ગાળા માટે ૨૦,૮૫૦-૨૧,૦૫૦ના ઝોનમાં રહી શકે છે. જોકે, હાલ નિફ્ટી માટે ૨૧,૦૦૦ના સ્તરે તીવ્ર અવરોધ જણાઇ રહ્યો છે.

બજારના અભ્યાસુઓ માને છે કે ખાસ કરીને લાર્જ કેપમાં વેલ્યુએશન્સ ઊંચા હોવાથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તેજીનો આગલો તબક્કો શરૂ થાય તે પહેલાં બજાર વર્તમાન સ્તરની આસપાસ અથડાતું રહે એવી શક્યતા છે. નોંધવું રહ્યું કે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ સતત છઠ્ઠા સપ્તાહે ૩.૪૬ ટકાનો વધારો નોંધાવ્યો હતો અને જુલાઈ ૨૦૨૨ પછી આ સૌથી મોટો વધારો છે. આ પ્રક્રિયામાં નિફ્ટીએ ત્રણ વર્ષમાં સૌથી લાંબો સાપ્તાહિક વધારો નોંધાવ્યો છે.

અગ્રણી સ્ટોક બ્રોકિંગ ફર્મના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં અપટ્રેન્ડ અકબંધ રહેશે. વર્તમાન કોન્સોલિડેશન અથવા થોડી
નબળાઈને કારણે નિફ્ટી નજીકના ગાળામાં ફરીથી ઝડપથી વધી શકે છે. આગામી પ્રતિકાર સપાટી ૨૧,૫૫૦ની આસપાસ છે. જ્યારે તાત્કાલિક સપોર્ટ ૨૦,૮૫૦ના સ્તરે જોવા મળી રહ્યો છે.
આ સત્રમાં બૅન્ક નિફ્ટીએ પણ નવી ઊંચી સપાટી સર કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સના નવ ટકા સામે બૅન્ક નિફ્ટીમાં ૧૫ ટકાની તેજી જોવા મળી છે. બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ પાછલા અઠવાડિયે ૫ાંચ ટકાથી વધુ ઊછળ્યો છે અનેે જુલાઈ ૨૦૨૨ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral