તેલંગણા ભાજપને મોટો ફટકો: ફાયરબ્રાન્ડ નેતા ટી. રાજા સિંહે રાજીનામું, 'લાખો કાર્યકરો સાથે દગો કર્યા'નો આરોપ!
ટોપ ન્યૂઝનેશનલ

તેલંગણા ભાજપને મોટો ફટકો: ફાયરબ્રાન્ડ નેતા ટી. રાજા સિંહે રાજીનામું, ‘લાખો કાર્યકરો સાથે દગો કર્યા’નો આરોપ!

હૈદરાબાદ: દક્ષિણ ભારતના રાજકારણમાં પોતાની મજબૂત પકડ સ્થાપિત કરવા માટે સતત પ્રયત્નો કરનાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને તેલંગણામાં એક મોટો રાજકીય ફટકો પડ્યો છે. ગોશામહલ બેઠકના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય અને જાણીતા હિન્દુત્વવાદી નેતા ટી. રાજા સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું તેલંગણા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જી. કિશન રેડ્ડીને મોકલી આપ્યું છે. તેલંગણામાં ભાજપ નેતૃત્વને લઈને ચાલી રહેલા આંતરિક તણાવ વચ્ચે આ રાજીનામું આવ્યું છે. અહેવાલો અનુસાર, તેલંગણામાં પાર્ટીની કમાન રામચંદ્ર રાવને સોંપવામાં આવી શકે છે.

લાખો કાર્યકરો સાથે દગો થયાનો આરોપ
પોતાના રાજીનામા પત્રમાં ટી. રાજા સિંહે ભાજપના નેતૃત્વના નિર્ણયને પાર્ટીના લાખો કાર્યકરો સાથે દગો ગણાવ્યો છે. તેમણે લખ્યું છે કે, જે કાર્યકરો પાર્ટીના સારા-ખરાબ સમયમાં હંમેશા સાથે રહ્યા છે, તેમની સાથે ખોટું થયું છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણય અમારા માટે જ નહીં, પરંતુ લાખો કાર્યકરો માટે એક આઘાત છે. ટી. રાજાએ દાવો કર્યો કે ભાજપ તેલંગણામાં પોતાની પ્રથમ સરકાર બનાવવાની તૈયારીમાં હતી, પરંતુ “એક ખોટા નિર્ણયે જીતના સપનાને ધૂંધળું કરી દીધું છે.

હિન્દુત્વ પ્રત્યે પ્રતિબદ્ધતા યથાવત
ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી પણ ટી. રાજા સિંહે હિન્દુત્વની વિચારધારા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અને ધર્મની સેવા ચાલુ રાખવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે તેઓ હિન્દુ સમુદાય માટે પોતાનો અવાજ બુલંદ કરતા રહેશે અને હવે તેમના અવાજમાં વધુ તાકાત હશે. તેમણે આ નિર્ણયને અત્યંત કઠિન, પરંતુ જરૂરી ગણાવ્યો હતો, જે તેમણે પોતાના માટે જ નહીં, પરંતુ પાર્ટીના નિર્ણયથી નારાજ લાખો કાર્યકરો માટે લીધો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button