ઉત્સવ

કુંવારાઓની કરમકથા: બેચલર લોકોની બોંબાબોંબ

મિજાજ મસ્તી -સંજય છેલ

ગન ને લગન ફૂટે તો ફૂટે. (છેલવાણી)
એક સ્ત્રીએ બહેનપણીને કહ્યું,” હું મારા એને એક સમયે ખૂબ ખૂબ પ્રેમ કરતી હતી?

બેનપણીએ પૂછ્યું,”પછી શું થયું ?

પેલી સ્ત્રીએ કહ્યું,” પછી શું? હું એની સાથે પરણી ગઈ ને વાત પરાપૂર્વથી લગ્નજીવનનું આવું જ હોય છે. ઘણા લોકો ખોટા પાત્રને પરણીને પસ્તાય છે. પણ આજકાલના જુવાનિયાઓને લગન કરી પસ્તાવું એ પોસાય જ નહીં. લગનના બીજા જ દિવસે ખબર પડે કે નોકરીમાંથી કાઢી મૂક્યા છે તો?

ચીનમાં યુવાવર્ગ માટે કોવિડના ત્રણ વર્ષ બહુ જ કપરાં હતા. કોવિડના અત્યાચાર પછી નાની મોટી કંપનીઓમાંથી લોકોને કાઢી મૂકવામાં આવ્યા. જેથી ચાઈનામાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. કોવિડના કારણે છેલ્લા ત્રણ વર્ષથી અસ્થિરતાને કારણે યુવાનોની લગન કરવાની વાતને લઈને અપેક્ષાઓ બદલાઈ ગઈ છે.

ગ્રેસ ઝાંગ જે એન્જિનિયર છે અને સારી કંપનીમાં ઊંચા હોદ્દા પર છે અને પગાર પણ સારો છે એ ઘણા લાંબા સમયથી લગન કરવા કે નહીં કે દ્વિધામાં છે. ૨૦૨૦માં જ્યારે કોરોનાને લીધે લોકડાઉન લગાડવામાં આવ્યું હતું એનાથી એને મન પર ઘણી અસર થઈ. લોકડાઉન પછી કંપનીઓએ ઘણા લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. એટલે ગ્રેસના મનમાં એક જાતનો ડર બેસી ગયો છે. ગ્રેસનો બોયફ્રેન્ડ છે અને એના પિતા એને જલદી લગ્ન કરવા કહે છે. પણ આ પ્રકારની સતત વધતી અસલામતીને કારણે લોકો પોતાના જીવનમાં કોઈ પણ જાતનો બદલાવ લાવતા ગભરાય છે. ગ્રેસ પણ એટલે લગન કરતા ગભરાય છો. લગન આમ પણ લોકોને હલાવી જ નાખતા હોય છે. એટલે ગ્રેસ લગન નથી કરતી તો એમાં ખોટું નથી.

આ કોવિડ પછીના ફેરફારોને કારણે લગ્ન ન કરવાના સંજોગો વધારે વકરી ગયા અને એની સામે ચીની સરકારની વસ્તી વધારાની નીતિ હારી ગઈ. ચીનમાં લગન કરવાવાળાઓની સંખ્યામાં સતત નવ વર્ષથી ઘટાડો થતો જાય છે. જો કે અગાઉના વર્ષો કરતાં ૨૦૨૩માં લગન કરવાવાળાઓની સંખ્યા વધી છે એની સામે ડિવોર્સ લેવાવાળાઓની સંખ્યા બમણી થઈ છે. ડિવોર્સ લેવાની ઝંઝટમાં પડવું ના હોય તો લગન જ ના કરો અને કરવા હોય તો જાત સાથે કરો જેથી ડિવોર્સ આપવાની વાત ન આવે.

હોલીવૂડના કોમેડી કિંગ, ગ્રાઉચો માર્કસે એકવાર મસ્ત વાત કરેલી, ‘હું એવા કોઇ ક્લબનો મેંબર નહીં થવા માંગું જ્યાં મારા જેવો માણસ મેંબર તરીકે અલાઉડ હોય!’ ગયા વર્ષે વડોદરાની યુવતી, ક્ષમા બિંદુજીએ ખુદ સાથે વિવાહ કરીને બધા કુંવારાઓને હચમાચાવી દીધા હતા. જો કે દેશ પાસે ખરેખર હચમચી જવા માટે મોંઘવારી, બેકારી કે કોમી વિખવાદ જેવા ઘણાં કારણો છે પણ આ જાતને પરણવાની ક્ષમાબેનવાળી આ વાતમાં અનેક છૂપા ફાયદા છે. ના કુંડળી મેળવવાની ઝંઝટ, ના દહેજની માથાકૂટ, ના સાસુની ચિંતા, ના બાળક ઉછેરવાની ફિકર! આને કહેવાય ખરી ‘આત્મનિર્ભરતા’!

ઇંટરવલ:
અકેલે હૈ તો ક્યા ગમ હૈ,

ચાહે તો હમારે બસ મેં ક્યા નહીં. (મજરૂહ)
એકવાર એક પૌત્રે દાદાને પૂછ્યું “તમે ક્યારેય પ્રેમ કરેલો ?

દાદાએ ઠંડકથી કહ્યું,” પ્રેમ-બ્રેમ તો ક્યારેય નથી કર્યો પણ હા,એક વાર લગ્ન કરેલાં.

પુરુષ એક વિચિત્ર પ્રાણી છે. એને સ્ત્રી વગર પણ ના ફાવે અને સ્ત્રી સાથે પણ ના ફાવે. બંને કેસમાં અઢળક ફરિયાદો જ હોય ને તોય એ હોંશે હોંશે ઘોડા પર બેસીને ગધેડો બનવા જતો હોય છે.
થોડા વર્ષ પહેલા ઇન્ડોનેશિયામાં રહેતા ખોરુલ અનમને લગન તો કરવા હતા પણ સ્ત્રી સાથે નહીં એટલે વાસણને જ પરણવાનું કૃત્યું કર્યું હતું. એક કૂકર સાથે લગ્ન કર્યાં હતા. કૂકરને દુલ્હનના ડ્રેસમાં સજાવ્યું (કે સજાવી?) એને કિસ કરતા ફોટા પડાવ્યા. હા, માંગલિક હોવાને લીધે અભિષેક બચ્ચન અગાઉ એશ્વર્યાના પ્રથમ લગ્ન કોઇ વૃક્ષ સાથે કરવામાં આવેલાં, એ ખરું, પણ સાવ કૂકર સાથે કિસ્મત કનેક્શન? જોકે કૂકર સાથે પરણવામાં આવો કોઈ આધ્યાત્મિક કે જ્યોતિષાત્મ દ્રષ્ટિકોણ પણ દેખાતો નથી.

કૂકર સાથે લગ્ન કરવામાં પત્ની સામે ફાયદા એ કે તે ચૂપચાપ પોતાનું કામ કરે. રસોઈ બનાવે. તેની ભાષા પણ કેવી સરસ! માત્ર સીટી બજાવીને વાત કરે. સામે જવાબ પણ ના આપે. કોઈ કચકચ પણ ના કરે કે-તમે ટુવાલ નથી સૂકવ્યો કે પાણીનો નળ બરાબર બંધ કરતાં યે નથી આવડતું. ( જોકે કૂકરનુંયે સ્ત્રીની જેમ ફટકે ત્યારે એ ફાટે પણ ખરા, એ વાત અલગ છે!)

આ કૂકર-વિવાહવાળી ઘટના જેવી બીજી પણ એક ઘટના થઈ હતી. આમ તો લગન કરવા એ જ એક મોટી ઘટના હોય છે! ૪-૫ વર્ષ પહેલાં અમેરિકામાં એરોન એર્વેનાક નામના ભાઈએ લાસ વેગાસના ચર્ચમાં પોતાના સેલફોન સાથે લગ્ન કરેલાં. જોકે તેમણે છૂટાછેડા લીધા કે નહીં એના કોઈ સમાચાર આવ્યા નથી. તેમને કદાચ સેલફોન-પત્ની સાથેનો સંબંધ ફળ્યો હશે. સેલફોન-પત્નીનો ફાયદો એ છે કે એને જ્યારે ધારો ત્યારે ચૂપ કરી શકાય છે. બીજો ફાયદો એ છે કે સેલફોન-પત્ની ક્યારેય ઉપદેશ નથી આપતી, સલાહો નથી આપતી કે તમારી ભૂલો નથી કાઢતી.

મોબાઇલ કે કૂકર સાથે મેરેજનો આઇડિયાં ખોટો નથી. માણસ કરતાં નિર્જીવ વસ્તુને પરણવું પ્રમાણમાં વધારે સલામત છે. મોબાઇલને જરૂર પડે સ્વીચ ઓફ’ કરી શકાય છે પણ માનવ સંબંધોને ‘સ્વીચ ઓફ’ કરવા બહુ અઘરાં છે. કુકરની સીટીને વાગતી બંધ કરી શકાય પણ પાર્ટનરને બોલતા ચૂપ કરી શકાય.

હમણાં થોડા મહિના અગાઉ હરિયાણાના ચીફ મિનિસ્ટર મનોહરલાલ ખટ્ટરે જાહેર કર્યું કે ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના જે લોકો સારી ભાષામાં કુંવારા કે ચાલુ ભાષામાં વાંઢા છે એ લોકોને સરકાર દર મહિને ૨૭૫૦ રૂપિયા પેન્શન તરીકે આપશે. એક મિનિટ, વાંઢાઓ પેન્શન મળશે એ લાલચમાં કોઇ હરિયાણા તરફ હળી ન કાઢવા માંડતા. પેન્શન એમને જ મળશે જેમની આવક ૧.૮૦ લાખથી ઓછી હશે.

એંડ-ટાઇટલ્સ:
આદમ: લગ્ન કરીએ?
ઈવ: પણ કોની સાથે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning