સ્પોર્ટસ

રોહન બોપન્ના ગયા વર્ષે વર્લ્ડ નંબર-વન બન્યો હતો…

મહાન ટેનિસ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી

બેંગલૂરુઃ શનિવારે નિવૃત્તિ જાહેર કરનાર ભારતનો ટેનિસ ખેલાડી રોહન બોપન્ના જાન્યુઆરી 2024માં ડબલ્સમાં વર્લ્ડ નંબર-વન બન્યો હતો. તેણે પ્રોફેશનલ ટેનિસમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે અને એ સાથે તેની બાવીસ વર્ષની શાનદાર કરીઅર પર પડદો પડી ગયો છે.

જોકે તે ટેનિસની રમત સાથે સક્રિયપણે જોડાયેલો રહેશે. તેણે મીડિયામાં લખ્યું છે, અ ગુડબાય…બટ નૉટ ધ એન્ડ.’ 45 વર્ષનો બોપન્ના ટેનિસનું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર ભારતના ચારમાંથી એક ખેલાડી છે. 2024ની સાલમાં તે ડબલ્સમાં 43 વર્ષની ઉંમરે વિશ્વનો સૌથી મોટી ઉંમરનો વર્લ્ડ નંબર-વન પ્લેયર બન્યો હતો. મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ પછીના ભારતના શ્રેષ્ઠ પુરુષ ટેનિસ ખેલાડીમાં બોપન્ના (bopanna)નું નામ અચૂક લેવાય છે.

PTI

તેણે રિટાયરમેન્ટ જાહેર કર્યું એની વિગતોમાં પોતાની અદ્ભુત કારકિર્દી બદલ સાથી ખેલાડીઓ, પરિવારજનો જેમાં ખાસ કરીને માતા-પિતાનો તેમ જ બહેન રશ્મિનો અને પત્ની સુપ્રિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. બોપન્નાનો જન્મ માર્ચ, 1980માં બેંગલૂરુમાં થયો હતો. તે ડબલ્સની કરીઅરમાં કુલ 948 મૅચ રમ્યો જેમાંથી 539 મૅચ જીત્યો અને 409 મૅચ હાર્યો.

6 ફૂટ ચાર ઇંચ ઊંચા બોપન્નાએ 2003થી 2025 સુધીની કરીઅરમાં પ્રોફેશનલ ટેનિસ રમીને કુલ અંદાજે કુલ 74, 46, 781 ડૉલર (66.11 કરોડ રૂપિયા) કમાયો છે. તે 2024માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ડબલ્સનું ટાઇટલ જીત્યો હતો. 2010 તથા 2023માં તે યુએસ ઓપનમાં ડબલ્સની ફાઇનલમાં હારી ગયો હતો.

આખી કરીઅરમાં તે ડબલ્સના કુલ 26 ટાઇટલ જીત્યો હતો. સ્ટૉપ વૉર, સ્ટાર્ટ ટેનિસ’ના સૂત્ર સાથે પ્રચાર કરનાર બોપન્નાને 2019માં અર્જુન અવૉર્ડ તથા 2024માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સ્ટીફન એડબર્ગ ભારતના સ્ટાર પ્લેયર રોહન બોપન્નાનો ફેવરિટ ટેનિસ ખેલાડી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button