ઉત્સવ

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન યુદ્ધના મૂળમાં ધર્મ, ઈતિહાસ, જમીન

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

આ સમગ્ર વિશ્વ કુલ ૯૫ અબજ ૨૯ કરોડ ૬૦ લાખ એકર જમીન પર વસવાટ કરે છે. જેના પર વિશ્વભરના લગભગ ૦૮ અબજ લોકો રહે છે. આ ૯૫ અબજ ૨૯ કરોડ ૬૦ લાખ એકર જમીનમાંથી માત્ર ૩૫ એકર જમીન છે, જેના માટે વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે. જે યુદ્ધમાં હજારો લોકોના જીવ ગયા છે. પરંતુ આજે પણ વિશ્વની કુલ ૯૫ અબજ ૨૯ કરોડ ૬૦ લાખ એકર જમીનમાંથી આ ૩૫ એકર જમીનના માલિકી હક્ક અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ૩૫ એકર જમીનના ટુકડાને લઈને વર્ષોથી આ યુદ્ધ ચાલી રહ્યું છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી ચાલતો સંઘર્ષ આજે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. શું રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સંઘર્ષના કારણે વિશ્વ ત્રીજા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. તે સંબંધિત વિવિધ પાસાઓની ચર્ચા આ લેખના માધ્યમથી કરીશું.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષની શરૂઆત કરતા પહેલા આપણે બંને પ્રદેશની ભૌગોલિક, ઈતિહાસ અને ધર્મની સ્થિતિ કે કારણો સમજવા જોઈએ. તો જ આપણે આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ મૂળ કે નજીક પહોંચી શકીએ.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સંઘર્ષનો ઈતિહાસ અને કારણો
૧. ભૌગોલિક કારણ: ઇઝરાયેલ પ્રમાણમાં નાનો પ્રદેશ છે. ઈઝરાયેલની ઉત્તરે લેબનોન જ્યારે તેની દક્ષિણમાં મિસ્ર દેશ આવેલો છે. ઈઝરાયેલના પૂર્વ ભાગમાં જોર્ડન અને સીરિયા નામના દેશો છે જ્યારે ઈઝરાયેલના પશ્ચિમ ભાગમાં ખૂબ જ પ્રખ્યાત ભૂમધ્ય સાગર’ આવેલો છે. એટલે કે ઈઝરાયેલ જે દેશોથી ઘેરાયેલું છે તે ’આરબ દેશો’ તરીકે ઓળખાય છે. ઈઝરાયલની આસપાસ ઉપસ્થિત આ દેશો સિવાય અન્ય દેશો પણ આરબ ક્ષેત્રમાં સામેલ છે. આ તમામ આરબ દેશો સાથે મળીને ઈઝરાયેલ સામે હુમલો કરે છે પરંતુ ઈઝરાયેલ ટેક્નોલોજી, લશ્કરી અને આર્થિક રીતે એટલું સક્ષમ છે કે તે એકલા હાથે તેની આસપાસના આ દેશો સાથે સફળતાપૂર્વક સામનો કરી શકે છે.

આ ૩૫ એકર જમીનનો ટુકડો છે જેના પર સેંકડો વર્ષો પહેલા ખ્રિસ્તીઓએ કબજો કર્યો હતો. પરંતુ તે ૧૧૮૭માં મુસ્લિમો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું અને ત્યારથી ૧૯૪૮ સુધી તેના પર માત્ર મુસ્લિમોનો જ કબજો હતો. પરંતુ તે પછી ૧૯૪૮માં ઈઝરાયેલનો જન્મ થયો અને ત્યારથી જમીનના આ ટુકડાને લઈને સમયાંતરે તકરાર થવા લાગી. ચાલો જાણીએ કે આ ૩૫ એકર જમીનના ટુકડા પર શું છે, જેના માટે યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સદીઓથી લડી રહ્યા છે.

૨. ધાર્મિક કારણ : જેરુસલેમ એક પવિત્ર સ્થળ છે જે ત્રણેય ધર્મો, ખ્રિસ્તી, યહુદી અને ઇસ્લામ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. ’હિબ્રુ બાઇબલ’ યહુદી ધર્મનું પવિત્ર ધાર્મિક પુસ્તક છે. યહુદી ધર્મના પવિત્ર ધાર્મિક પુસ્તક હિબ્રુ બાઇબલ’માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રાચીન સમયમાં રાજા ડેવિડે પૂર્વ જેરૂસલેમને તેમના ઇઝરાયેલી સામ્રાજ્યની રાજધાની બનાવી હતી. આ સિવાય યહૂદીઓ માટે પવિત્ર ધાર્મિક સરંચના ’વેસ્ટર્ન વોલ’ પણ જેરુસલેમમાં સ્થિત છે. જેરુસલેમની પશ્ચિમી દિવાલ યહૂદીઓ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ દૃષ્ટિકોણથી યહૂદીઓની નજરમાં જેરુસલેમનું ઐતિહાસિક મહત્વ સાથે ધાર્મિક મહત્વ પણ છે.

ખ્રિસ્તી ધર્મના દૃષ્ટિકોણથી જોઈએ તો અહીં એક પવિત્ર ચર્ચ આવેલું છે. આ અર્થમાં જેરુસલેમ ખ્રિસ્તી ધર્મમાં તે પવિત્ર સ્થળ છે. ખ્રિસ્તીઓની માન્યતા અનુસાર જેરુસલેમમાં જ ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા. તેમના ધાર્મિક સંબંધિત એક કબર પણ જેરુસલેમમાં સ્થિત છે. ખ્રિસ્તી ધર્મના દૃષ્ટિકોણથી પણ જેરુસલેમનું ધાર્મિક મહત્વ છે.

ઇસ્લામિક દૃષ્ટિકોણથી જેરુસલેમમાં સ્થિત અલ અક્સા મસ્જિદ’ મક્કા અને મદીના’ નામના બે પવિત્ર સ્થળ પછી મુસ્લિમોનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે. આ કારણથી મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ જેરુસલેમ સાથે ઊંડી રીતે જોડાયેલી છે. ઇસ્લામ સાથે સંબંધિત બે અન્ય મુખ્ય સ્થળો પણ જેરુસલેમમાં સ્થિત છે. આ સ્થળોમાં ડોમ ઓફ ધ રોક’ અને ડોમ ઓફ ધ ચેઈન’નો સમાવેશ થાય છે. આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે ઇસ્લામમાં પણ જેરૂસલેમનું મહત્વ ધાર્મિક દૃષ્ટિકોણથી ઘણું વધારે છે.

૩. આરબ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધનો ઈતિહાસ : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષ એ કોઈ તાત્કાલિક કારણ નથી પરંતુ તેની શરૂઆત હજારો વર્ષો પહેલા અને ૧૯મી સદીના અંતમાં થઈ ચુકી હતી. ઈ.સ. ૧૮૯૭માં પેલેસ્ટાઈનના વિસ્તારમાં યહૂદીઓ પર અત્યાચાર કરવામાં આવતો. તેનાંથી બચવા યહૂદીઓએ ચળવળ શરૂ કરી હતી. ઈતિહાસમાં આ ચળવળને ’ઝાયોનિ આંદોલન’ તરીકે ઓળખવામાં આવે છે. ઝાયોની આંદોલનના કારણે તે વિસ્તારમાં ઇઝરાયેલ રાજ્યની સ્થાપના કરી. પછીથી ’વિશ્વ ઝાયોની ઓર્ગેનાઈઝેશન’ની પણ રચના કરવામાં આવી હતી. આ સંગઠનનો ઉદ્દેશ્ય યહૂદીઓને સુરક્ષા પ્રદાન કરવાનો અને તેમના હિતોનું રક્ષણ કરવાનો હતો.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈ.સ. ૧૯૧૬માં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ’સાયક્સ પીકોટ’ નામના ગુપ્ત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી હેઠળ પ્રથમ વિશ્વ યુદ્ધના અંત પછી પેલેસ્ટાઈન પર બ્રિટિશ નિયંત્રણ સ્થાપિત કરવામાં આવશે. બ્રિટનના તત્કાલીન વિદેશ સચિવ જેમ્સ બાલ્ફોરની અધ્યક્ષતામાં યહૂદીઓ માટે દેશની રચનાની માંગ સ્વીકારવામાં આવી. આ ઘોષણા ઈતિહાસમાં બાલફોર ઘોષણા’ના નામથી પ્રખ્યાત છે. આ જાહેરાત બાદ ઈઝરાયેલ માટે અલગ દેશની રચનાનો સત્તાવાર આધાર તૈયાર થઈ ગયો છે.

ઈ.સ. ૧૯૩૦માં જર્મનીમાં નાઝી શાસન સ્થપાયું. નાઝી શાસન દ્વારા યહૂદીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો તેથી યહૂદી લોકોએ પેલેસ્ટાઈનમાં સ્થળાંતર કર્યું. આ કારણે પેલેસ્ટાઈનના વિસ્તારમાં ધીમે ધીમે યહૂદી વસાહતો થતાં આરબ રહેવાસીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો અને અહીંથી યહૂદીઓ અને આરબો વચ્ચે સંઘર્ષ શરૂ થયો.આ સંઘર્ષ ધીમે ધીમે વધુ ગંભીર બન્યો અને બંને પક્ષો વચ્ચે પોતપોતાના પ્રદેશો કબજે કરવા માટે વિવિધ યુદ્ધો થયા.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા તણાવને જોતા બ્રિટન દ્વારા ૧૯૪૭માં આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ રાખ્યો. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કે પેલેસ્ટાઈન પ્રદેશને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. એક ભાગમાં આરબો અને બીજા ભાગમાં યહૂદીઓને સોપવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયને યહૂદીઓએ સહર્ષ સ્વિકારી ૧૯૪૮માં ઈઝરાયેલને સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. ઈ.સ. ૧૯૪૮માં બ્રિટને પણ પેલેસ્ટાઇનના વિસ્તારમાંથી તેની સેના પાછી ખેંચી લીધી પરંતુ આરબોએ સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને યહૂદીઓ સામે લડવાનો માર્ગ પસંદ કર્યો.

૧૯૪૮ પ્રથમ યુદ્ધ: ૧૯૪૮ સુધીમાં યહૂદીઓ અને આરબો વચ્ચે લાંબા સમયથી ચાલતો સંઘર્ષ અંતે યુદ્ધમાં પરિણમ્યું હતું. ૧૯૪૮ના પ્રથમ યુધ્ધમાં ઈજીપ્ત, ઈરાક, સીરિયા અને જોર્ડન નામના ચાર આરબ દેશોએ મળીને ઈઝરાયેલ પર હુમલો કર્યો. તેથી આરબ ક્ષેત્રના વિવિધ દેશો આ યુદ્ધમાં સામેલ હતા. આ યુદ્ધના પરિણામે ભારે હિંસા અને અનેક લોકોને સ્થળાંતર કરવું પડ્યું. ખૂબ જ કઠોર સંઘર્ષ પછી આખરે ઇઝરાયેલ આ યુદ્ધ જીત્યું અને ઇઝરાયેલે એકલા હાથે આ ચાર દેશોની સંયુક્ત સેનાને હરાવી. આરબ લોકો અને ઇઝરાયેલ વચ્ચે લડાયેલા આ પ્રથમ યુદ્ધના પરિણામે જેરૂસલેમનો પશ્ચિમ ભાગ ઇઝરાયેલની રાજધાની બન્યો અને જેરૂસલેમનો પૂર્વ ભાગ જોર્ડનને આપવામાં આવ્યો. આ યુદ્ધ પછી જ ઈઝરાયેલે જેરુસલેમના પૂર્વી ભાગ તરફ વિસ્તરણની નીતિ પર ભાર મૂક્યો. પછીથી ઇઝરાયેલની સંસદે ઈ.સ. ૧૯૮૦માં એક કાયદો પસાર કરી તેણે સમગ્ર જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે જાહેર કર્યું.

૧૯૬૭માં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે બીજું યુદ્ધ થયું. આ યુદ્ધ ૬ દિવસ ચાલ્યું હોવાથી આ યુદ્ધ ઈતિહાસમાં ’સિક્સ-ડે વોર’ના નામથી પ્રખ્યાત છે. આ યુદ્ધમાં પણ ઈઝરાયેલ આરબ દેશોના સંયુક્ત સંગઠન સામે વિજયી બન્યું હતું. છ દિવસના આ યુદ્ધમાં ત્રણ આરબ દેશો સીરિયા, જોર્ડન અને ઈજીપ્તના સંયુક્ત સંગઠને ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ યુદ્ધમાં ઈઝરાયલે આ ત્રણેય દેશોની સંયુક્ત સેનાને ખરાબ રીતે પરાજિત કરી હતી અને આ દેશોના વિવિધ ક્ષેત્રો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. આ છ દિવસના યુદ્ધના પરિણામે ઇઝરાયેલે સીરિયાના ’ગોલન હાઇટ્સ’ નામના વિસ્તાર પર કબજો કરી લીધો હતો અને તેને ઇઝરાયેલનો ભાગ બનાવી દેવામાં આવ્યો.
આ સિવાય આ યુદ્ધ પછી ઈઝરાયલે જોર્ડનના ’વેસ્ટ બેંક’ અને ’પૂર્વી જેરુસલેમ’ નામના ભાગો પર પણ પોતાનું વર્ચસ્વ જમાવ્યું. આ યુદ્ધ પછી ઈઝરાયલે મિસ્ર નામના આરબ દેશ પાસેથી ’ગાઝા પટ્ટી’ અને ’સિનાઈ પેનિનસુલા’ના વિસ્તારો છીનવી લીધા હતા. જોકે પાછળથી ઈ.સ. ૧૯૭૯ ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિ હેઠળ ઇઝરાયેલે ઈ.સ. ૧૯૮૨માં સિનાઇ દ્વીપકલ્પ મિસ્રને પાછું આપ્યું. તેના બદલામાં મિસ્રએ સત્તાવાર રીતે ઇઝરાયેલને એક દેશ તરીકે માન્યતા આપી. તે સમયે મિસ્ર સત્તાવાર રીતે ઇઝરાયેલને માન્યતા આપનારો પ્રથમ આરબ દેશ બન્યો.
સંઘર્ષના પરિણામે પેલેસ્ટાઇનમાં વિભિન્ન સંગઠનોનું અસ્તિત્વ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેના ભીષણ સંઘર્ષમાં પેલેસ્ટાઈનના લોકોએ પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (ઙકઘ) સંગઠન બનાવ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પેલેસ્ટાઈનના લોકોનું પુનર્વસન, તેમની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા ઈઝરાયેલ સામે કાર્ય કરવાનો હતો.

પેલેસ્ટાઈનના લોકોએ ૧૯૮૭માં ’હમાસ’ નામના આતંકવાદી સંગઠનની રચના કરી. આ આતંકવાદી સંગઠનનો ઉદ્દેશ્ય જેહાદની મદદથી સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપના કરવા અને આતંકવાદ દ્વારા ઈઝરાયેલને નબળો પાડવાનો વિસ્તાર કબજે કરવાનો છે. હમાસ નામનું આ સંગઠન કટ્ટરવાદી સુન્ની મુસ્લિમ સંગઠન છે. આ સંગઠનને સીરિયા અને ઈરાન દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. હાલમાં આ સંગઠને ગાઝા પટ્ટી નામની જગ્યા પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે. ગાઝા પટ્ટી એ પેલેસ્ટિનિયનોનું
પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને તે ભૂમધ્ય સમુદ્રના કિનારે સ્થિત છે. હમાસ નામનું આ સંગઠન સંયુક્ત રાષ્ટ્ર સંગઠન દ્વારા સૂચવેલા ’ટુ સ્ટેટ સોલ્યુશન’ અને ’ઓસ્લો પીસ એગ્રીમેન્ટ’ને સ્વીકારવા તૈયાર નથી. આ સંગઠન તે વિસ્તારમાં ઈઝરાયેલના તમામ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢે છે.

પેલેસ્ટાઈનમાં ફતહ’ નામનું સંગઠન સક્રિય છે. આ સંગઠન પેલેસ્ટાઈન માટે એક સ્વાયત્ત પ્રદેશ બનાવવા માટે પણ ઉત્સુક છે. આ સંગઠને વેસ્ટ બેંક નામના વિસ્તારમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. આ સંગઠનની વિચારધારા હમાસની વિચારધારાથી વિરુદ્ધ છે. હમાસથી વિપરીત આ સંગઠન સંયુક્ત રાષ્ટ્ર સંગઠન દ્વારા સૂચવેલા ’ટુ સ્ટેટ સોલ્યુશન’ અને ’ઓસ્લો પીસ એગ્રીમેન્ટ’ને સ્વીકારવા પણ તૈયાર છે.
આ સંઘર્ષ દરમિયાન થયેલા બે બળવા : ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૨ બળવા થયા છે. પ્રથમ બળવો ઈ.સ. ૧૯૮૭ થી ઈ.સ.૧૯૯૩ દરમિયાન થયો જ્યારે બીજો બળવો ઈ.સ. ૨૦૦૦ થી ઈ.સ. ૨૦૦૫માં થયો હતો. પ્રથમ બળવાની ૧૯૯૩માં સમાપ્તિ થઈ. આ પ્રસંગે અમેરિકા અને રશિયાની મધ્યસ્થીથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સમજૂતી કરવામાં આવેલ. ઈ.સ. ૧૯૯૩માં કરાયેલ આ કરારને ઈતિહાસમાં ’ઓસ્લો પીસ એગ્રીમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કરાર અંતર્ગત વિસ્તારને બે ભાગમાં વહેંચવાનો એક ભાગ પેલેસ્ટાઈનને અને બીજો ભાગ ઈઝરાયેલને આપવામાં આવશે. ઈતિહાસમાં ઓસ્લો પીસ એકોર્ડની આ જોગવાઈ ટુ સ્ટેટ સોલ્યુશન’ના નામથી પ્રખ્યાત છે.
પેલેસ્ટાઈન વતી લડતા આતંકવાદી સંગઠન ’હમાસ’ કોઈપણ પ્રકારનો યુદ્ધવિરામ સ્વીકારવા માંગતું નથી. ઓસ્લો શાંતિ સમજૂતી પછી પણ હ
માસનું એ જ વલણ હતું અને તેણે ’બે-રાજ્ય ઉકેલના સિદ્ધાંત’ને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઈ.સ. ૨૦૦૦માં પેલેસ્ટાઈનના લોકો દ્વારા બીજો બળવો શરુ થયો. આ હિંસક હુમલાના ભાગરૂપે પેલેસ્ટાઈનના લોકોએ હિંસા દ્વારા ઈઝરાયેલી વસાહતોને બહાર કાઢવાનું શરૂ કર્યું. આવી હિંસક પરિસ્થિતિનો સામનો કરવા માટે ઈઝરાયેલે પેલેસ્ટિનિયન લોકોની વસાહતો અને ઈઝરાયલી લોકોની વસાહતો વચ્ચે ’વેસ્ટ બેંક બેરિયર’ બનાવવાની યોજના બનાવી હતી. તેનો હેતુ પેલેસ્ટિનિયન લોકો અને ઇઝરાયેલી લોકોની વસાહતોને એકબીજાથી અલગ કરવાનો હતો, જેથી ઇઝરાયેલી લોકો પેલેસ્ટાઇન તરફથી ભવિષ્યમાં થનારા કોઈપણ હિંસક હુમલાથી સુરક્ષિત રહી શકે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષના પરિણામો : આ સંઘર્ષના પરિણામે પશ્ચિમ એશિયાની રાજનીતિમાં અસ્થિરતા સર્જાઈ છે જેના કારણે ત્યાંના સામાન્ય લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયાના ક્ષેત્રમાં હિંસક ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઘણા આતંકવાદી સંગઠનો રચાયા છે. આનાથી માત્ર આતંકવાદને પ્રોત્સાહન જ નથી મળ્યું પરંતુ વૈશ્વિક સ્તરે પણ ભયનું વાતાવરણ ઊભું થયું છે. હિંસક સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયાના ક્ષેત્રમાં પણ શરણાર્થી સંકટ સર્જાયું છે. માત્ર આ બે દેશો જ નહીં પરંતુ આસપાસના અન્ય દેશો પણ આ શરણાર્થી સંકટથી પ્રભાવિત થયા છે. આ સંઘર્ષ માત્ર માનવ અધિકારોના ઉલ્લંઘન, બેરોજગારી, સામાજિક અસ્થિરતા વગેરે તરફ દોરી જાય છે. આ હિંસક સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે જૂથવાદ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે કેટલાક દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક દેશો પેલેસ્ટાઈનને સમર્થન આપી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ પણ દેશ આ સમસ્યાને અસરકારક રીતે ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શક્યો નથી.

બંને દેશો વચ્ચેના સંઘર્ષ અંગે વિવિધ દેશોનો દૃષ્ટિકોણ :
અમેરિકા સ્પષ્ટપણે ઇઝરાયેલના પક્ષે છે અને કહે છે કે, ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. વધુમાં યહૂદીઓએ અમેરિકાની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીમાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે. આ કારણથી અમેરિકા લાંબા સમયથી ઈઝરાયલની સાથે ઉભું છે. તુર્કી અને પાકિસ્તાન જેવા દેશોએ ખુલ્લેઆમ પેલેસ્ટાઈનનો પક્ષ લીધો છે. આ સિવાય વિવિધ આરબ દેશો અને મુસ્લિમોના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)એ પણ પેલેસ્ટાઈનના દાવાને માન્ય ગણાવ્યો છે અને તેના અમલ માટે વૈશ્વિક સ્તરે સતત પ્રયાસો કર્યા છે.

આ સંઘર્ષમાં ભારતની સ્થિતિ અને દૃષ્ટિકોણ : ભારતના તત્કાલીન વિદેશ સચિવ જે એન દીક્ષિતે ૧૯૯૨ની ૨૩ જાન્યુઆરીએ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપવાની જાહેરાત કરી હતી. જે એન દીક્ષિતે આ સંદર્ભે કહ્યું હતું, “મને ઇઝરાયલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધ સ્થાપવાનું અને બન્ને દેશમાં એકમેકના દૂતાવાસ શરૂ કરવાની ઔપચારિક જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું હતું. મેં જેની જાહેરાત ૨૪ જાન્યુઆરીએ કરી હતી.”
જે એન દીક્ષિતે માય સાઉથ બ્લોક યર્સ: મેમરીઝ ઑફ એ ફોરેન સેક્રેટરી’ નામના પોતાના પુસ્તકમાં આરબ દેશોની નારાજગી બાબતે લખ્યું છે, “આરબ દેશોના કેટલાક રાજદૂતોએ ભારતના નિર્ણય બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારતે તેનું પરિણામ ભોગવવું પડશે. અમે નિર્ણય કર્યો હતો કે તે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને સીધો જવાબ આપવાનો છે, ઝૂકવાનું નથી.” જે એન દીક્ષિતે લખ્યું છે કે ભારતનો પક્ષ સારી રીતે રજૂ કરી શકાય એટલા માટે આરબ દેશોમાંના તમામ ભારતીય રાજદૂતોને સમજાવી દેવા નરસિંહરાવે તેમને નિર્દેશ આપ્યો હતો.

ઇન્ડિયા ઇઝરાયલ પોલિસી’ નામના પોતાના પુસ્તકમાં કુમારસ્વામીએ લખ્યું છે કે ઇઝરાયલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધ સ્થાપવાથી મધ્ય-પૂર્વના વધુ દેશો નારાજ થઈ જશે, એવો ભારતને ડર તથા આશંકા હતી, પરંતુ એવું થયું નહીં.

ઈ.સ. ૧૯૯૨ પહેલા ભારતના ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો નહોતા. ત્યારે પેલેસ્ટાઈનનું સમર્થન કરતું હતું. ઈ.સ. ૧૯૯૨ પછીથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ પર ભારતે હંમેશા એવો મત વ્યક્ત કર્યો છે કે બંને દેશોએ હિંસા છોડીને શાંતિપૂર્ણ વાતચીત દ્વારા પોતાની વચ્ચે સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવું જોઈએ. બંને દેશોએ હિંસા તરફ કદમ ન ભરવું જોઈએ અને આ સંદર્ભમાં જો આતંકવાદને પ્રોત્સાહન મળે તો તે સમગ્ર માનવતા માટે સૌથી મોટી સમસ્યા ઉભી કરે છે.

લાલકૃષ્ણ અડવાણીએ તે ઇઝરાયલ પ્રવાસ બાબતે માય ક્ધટ્રી, માય લાઇફ’ નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે, “જૂન-૨૦૦૨માં મારા ઇઝરાયલના મારા પાંચ દિવસના પ્રવાસ દરમિયાન એ દેશ સાથેનો મારો જૂનો સંબંધ ફરી તાજા થયા હતા. નરેન્દ્ર મોદી ૨૦૧૭ માં ઇઝરાયલ અને ૨૦૧૮ પેલેસ્ટાઇન યાત્રા કરી હતી. પરંતુ પેલેસ્ટાઇનની ઉગ્રવાદી સંગઠન હમાસે ગયા અઠવાડિયે ઇઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો ત્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે કહ્યુ હતું કે ભારત આ આતંકવાદી હુમલા વિરુદ્ધ ઇઝરાયલની પડખે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?