11 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: શિક્ષકની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

11 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: શિક્ષકની ધરપકડ

મુંબઈ: બીડમાં 11 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવા બદલ 30 વર્ષના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પેઠબીડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.કે. મુદલિયારે કહ્યું હતું કે આરોપી તેના નિવાસસ્થાને વિદ્યાર્થીઓને અરબી અને ઊર્દૂ શીખવતો હતો.
અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા બાદ આરોપી શિક્ષક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરતો હતો. તેણે અનેક વાર વિદ્યાર્થિનીને વાસનાનો શિકાર બનાવી હતી. ઉપરાંત તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

દરમિયાન વિદ્યાર્થિનીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં પરિવારજનો તેને ડોક્ટર પાસે લઇ ગયા હતા. તબીબી તપાસમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું.
વિદ્યાર્થિનીએ તેના પરિવારજનોને જણાવ્યું હતું કે આરોપી શિક્ષક તેની સાથે છેલ્લા ત્રણ મહિનાથી આવું કૃત્ય કરતો હતો અને તેની જાણ કોઇને ન કરવાની તેણે ધમકી પણ આપી હતી.

વિદ્યાર્થિનીના પરિવારે આ પ્રકરણે શિક્ષક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Back to top button