ઝૂંપડપટ્ટીમાં રહેલા કમર્શિયલ યુનિટો પાસેથી ૨૬૮ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવેલા કમર્શિયલ યુનિટોનુ મૂૂલ્યાંકન કરીને તેને પ્રોપર્ટી ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યા બાદ તેમાંથી દંડ સહિત લગભગ ૬૧૩ કરોડ રૂપિયાની વધારાની આવક મુંબઈ મહાનગરપાલિકાને થવાની સંભાવના છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં તેને અમલમાં લાવ્યાં બાદ પાલિકાએે કુલ ટૅક્સની રકમના લગભગ ૨૬૮ કરોડ રૂપિયા એટલે કે કુલ ટેક્સની ૪૩ ટકા રકમ ઝૂંપડપટ્ટીમાં આવેલા કમર્શિયલ યુનિટ પાસેથી વસૂલ કરી છે.
મુંબઈમાં લગભગ ૨૫ લાખ ઝૂંપડપટ્ટીઓ છે, તેમાંથી લગભગ ૨૦ ટકા (૫,૦૦૦) ઉદ્યોગો, દુકાનો, ગોડાઉન અને હોટલ વગેરે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ઝૂંપડપટ્ટીમાં આવેલા છે. પાલિકા આ સંસ્થાઓને માળાખીય સુવિધા પૂરી પાડે છે, તેથી તેમની પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરીને તેમની પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવો જરૂરી છે. વધારાની આવક મારફત પાલિકાએ ઝૂંપડપટ્ટીમાં જ માળખાગત સુવિધા ઉપલબ્ધ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
પાલિકાએ આ વિસ્તારોની અંદર કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના વિગતવાર સર્વેક્ષણ પછી ઝૂંપડપટ્ટીમાં રહેલા એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી ક્ષેત્રફળના આધારે પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું છે. તમામ ૨૪ વોર્ડમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ દરમ્યાન પાલિકાએ કમર્શિયલ ઝૂંપડપટ્ટીમાં રહેલા બાંધકામનું મૂલ્યાંકન કર્યું હતું અને તેમાંથી લગભગ ૪૭૩ કરોડ રૂપિયા પ્રોપર્ટી ટેક્સના વસૂલ કરવાની અપેક્ષા રાખી છે. ટેક્સ નહીં ભરનારા ચોક્કસ એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી ૧૪૦ કરોડ રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવ્યો હતો.
પાલિકાના જણાવ્યા મુજબ પશ્ર્ચિમ ઉપનગરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૧૧,૪૭૫ કમર્શિયલ પ્રોપર્ટી મૂલ્યાંકન કર્યું હતું અને તેમની પાસેથી ૪૨૮.૫૫ કરોડ રૂપિયા વસૂલવાના બાકી હતી, જેમાં ૧૩૦.૧૦ કરોડ રૂપિયાનો તો દંડના જ હતા. તેમાંથી અત્યાર સુધીમાં ૨૫૩.૮૪ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. તળ મુંબઈમાં ૧,૮૦૨ પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી ૩૫.૩૮ કરોડ રૂપિયાનો ટેક્સ અને ૮.૫૮ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો હતો, તેમાંથી ૧૨.૬૯ કરોડ રૂપિયા જ વસૂલ કરવામાં આવ્યા છે. પૂર્વીય ઉપનગરમાં ૩,૯૪૨ પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં ૯.૪૮ કરોડ રૂપિયાનો ટેક્સ અને દંડના ૧.૫૭ કરોડ રૂપિયા વસૂલવાના હતા પણ તેની સામે ૨.૨૪ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.
ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કમર્શિયલ પ્રોપર્ટીમાં પાણીનો ઉપયોગ કરવા માટે તેનો ટેક્સ પણ હવે કમર્શિયલ દરે વસૂલવામાં આવશે. જોકે નાગરિકોને એ ડર સતાવી રહ્યો છે કે કર લાગુ કરવાને કારણે ગેરકાયદે બાંધકામને સત્તાવાર માન્યતા મળી ગઈ હોવાનું અર્થઘટન તેઓના ના કરે. પાલિકાના અધિકારીએ જોકે જણાવ્યું હતું કે પ્રોપર્ટી ટેક્સ માટે આ યુનિટની નોંધણી કરાવવાથી તેઓ કાયદેસરની યાદીમાં આવી ગયા એવું માનવું ખોટું છે.
આ પણ વાંચો…મુંબઈગરાના માથે બોજો: પ્રોપર્ટી ટેક્સના દરમાં ૧૫ ટકા સુધીનો વધારો