
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતના લોકલાડિલા નેતા નહીં પણ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવનારા નેતા છે. પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગર ખાતે થયો હતો. પાંચ ભાઈ-બહેનોમાં પીએમ મોદી સાહેબ બીજા નંબરે છે. એક ચાવાળાથી લઈને દેશના વડા પ્રધાન બનવા સુધીની મોદીસાહેબની સફર ખૂબ જ રોમાંચક રહી છે. આજે આપણે અહીં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના એવા કેટલાક રોચક તથ્યો વિશે વાત કરીશું કે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે.
આ પણ વાંચો : PM Narendra Modiને પાછળ મૂકીને Virat Kohli આવું કારનામું કરનાર પહેલો ભારતીય બન્યો…
બાળપણમાં આ હુલામણા નામથી લોકો બોલાવતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની બીએન હાઈસ્કૂલમાં ભણતા હતા અને પીએમ મોદીને ધોરણ 9,10 અને 11માં સંસ્કૃત ભણાવતા શિક્ષક પ્રહ્લાદ પટેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું નરેન્દ્રને નરિયા કહીને બોલાવતો હતો. આખા વર્ગમાં તેઓ ક્યારેય સાચું બોલતા નહોતા ખચકાતા. બાકીના બાળકોની જેમ તોફાની ખરા પણ તેમ છતાં તેઓ તમામ શિક્ષકોનો આદર કરતાં હતા. જ્યારે નરેન્દ્ર મોદીજીના બાળપણના મિત્ર જાસુદભાઈએ જણાવ્યું હતું કે બાળપણમાં અમે મિત્રો તેમની એનડી કહીને બોલાવડા અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમારી તેમની મુલાકાત થઈ અને મેં તેમને એનડી કહીને બોલાવ્યા તો તેઓ હસી પડ્યા હતા.

રાજકારણ નહીં આ ક્ષેત્રે આગળ વધવું હતું
તમને જાણીને નવાઈ લાદશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણ નહીં પણ સૈન્યમાં જોડાવવાની ઈચ્છા હતી. પીએમ મોદીજીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બાળપણમાં તેઓ જામનગર ખાતે આવેલી સૈનિક શાળામાં અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે આવું ના થઈ શક્યું. આઠ વર્ષની ઉંમરમાં તેમણે આરએસએસ જોઈન કરી લીધું હતું.

નાટકમાં કર્યું કામ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને બાળપણમાં એક્ટિંગનો શોખ હતો અને આ વાતનો ઉલ્લેખ તેમના પર લખવામાં આવેલા એક પુસ્તકમાં જોવા મળે છે. જ્યારે પીએમ મોદી 13-14 વર્ષના હતા ત્યારે તેમણે શાળા માટે ભંડોળ એકઠું કરવા માટે શાળાના બાકી વિદ્યાર્થીઓ સાથે નાટકમાં ભાગ લીધો હતો અને આ નાટકનું નામ હતું પીળું ફૂલ. આ નાટક ગુજરાતી નાટક હતું.

સંન્યાસી બનવા ઘરથી ભાગ્યા
શાળાનું ભણતર પૂરું થતાં જ પીએમ મોદીજી સંન્યાસી બનવા માટે ઘરથી ભાગી ગયા હતા અને તેઓ પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમ સહિત દેશની અનેક જગ્યાઓ પર ગયા હતા. હિમાચલમાં તેઓ અનેક દિવસ સુધી સાધુ-સંતો સાથે રહ્યા હતા અને એ સમયે તેમને સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા તો સંન્યાસ લીધા વિના પણ કરી શકાય છે. બસ આ વાત બાદ તેઓ ગુજરાત પાછા ફર્યા અને સંન્યાસને ત્યાગવાનું નક્કી કર્યું.

પીએમ મોદીનું મનપસંદ ગીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમને ફિલ્મોનો ખાસ કંઈ શોખ નથી, પરંતુ તેમને લતા મંગેશકરજીના ગીતો સાંભળવાનું ખૂબ જ પસંદ છે. લતાદીદીએ ગાયેલું હો પવન વેગ સે ઉડનેવાલે ઘોડે પીએમ મોદી સાહેબનું સૌથી વધુ મનપસંદ ગીત છે.

જ્યારે સીખ બની ગયા પીએમ મોદી
જી હા, 1975માં જ્યારે ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી ત્યારે પીએમ મોદી યુવા અવસ્થામાં હતા અને એ સમયે તેમણે સંઘના સ્વયંસેવક હોવાને નાતે આનો વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસથી બચવા માટે તેમણે સરદારજીનો ગેટઅપ કર્યો હતો અને અઢી વર્ષ સુધી તેઓ આ જ રીતે પોલીસને હંફાવતા રહ્યા.

દેશના પહેલાં વડા પ્રધાન કે જેઓ આઝાદી પછી જન્મ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના એવા પહેલાં વડા પ્રધાન છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો છે. 2001માં તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને 2014માં તેઓ દેશના વડા પ્રધાન બન્યા. 2019માં બીજી વખત અને 2024માં તેઓ ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા.