ઉત્સવ

કોચિંગ ક્લાસને નાથવા વાલીઓએ પણ સંવેદનશીલ બનવું પડે

કેન્દ્ર સરકારે સાચી દિશામાં પગલું માંડ્યું છે. હવે અમુક જવાબદારી તો મા-બાપે જ નિભાવવી પડશે

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓના વધતા આપઘાતોને રોકવા માટે કોચિંગ ક્લાસીસને લગતી ગાઈડલાઈન બનાવવા નિર્ણય લીધો છે. આ ગાઈડલાઈન પ્રમાણે, કોઈ પણ કોચિંગ ક્લાસ ૧૬ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન નહીં કરી શકાય. સરકારની ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખેલું છે કે, સેક્ધડરી એટલે કે દસમા ધોરણની પરીક્ષા આપવા માટે લાયક ના હોય એવા વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાં દાખલ નહીં કરી શકાય.. કોચિંગ ક્લાસે ટ્યુશન ફી ન્યાયી અને વ્યાજબી રાખવી પડશે…. નોટ્સ કે બીજા કોઈ મટિરિયલ માટે વધારાની ફી વસૂલી શકશે નહીં…. વિદ્યાર્થી કોચિંગ ક્લાસ કે ઈન્સ્ટિટ્યૂટ છોડી જાય તો ૧૦ દિવસમાં જ ફી પરત કરવી પડશે…. કોચિંગ ક્લાસ કે ઈન્સ્ટિટ્યૂટ સારા માર્ક્સ કે રેન્ક અંગે ગેરંટી કે ગેરમાર્ગે દોરનારું વચન આપીને લોભાવી નહીં શકે… વિદ્યાર્થીઓ પરનું દબાણ ઘટાડવા માટે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની વ્યવસ્થા હશે એવા જ કોચિંગ ક્લાસનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે, ઈત્યાદિ…
કેન્દ્ર સરકારની આ સૂચિત ગાઈડલાઈનમાં બીજા ઘણ મહત્ત્વના મુદ્દા આવરી લેવાયા છે. મોદી સરકારે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંનેનો ખ્યાલ રાખીને કોચિંગ ક્લાસે શું શું કરવું ફરજિયાત છે તેની લાંબું લિસ્ટ બહાર પાડ્યું છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા આડે ગણતરીના મહિના બાકી છે એ જોતાં આ વર્ષથી તેનો અમલ પણ થઈ જશે એવું લાગે છે.
મોદી સરકારનો ઉદ્દેશ શુભ છે તેમાં કોઈ જ શંકા નથી, પણ તેના કારણે કોચિંગ ક્લાસો પર અંકુશ આવશે તેમાં શંકા છે. કોચિંગ ક્લાસ સાથે જોડાયેલો સૌથી ગંભીર મુદ્દો વિદ્યાર્થીઓના આપઘાતનો છે ને આ ગાઈડલાઈનથી તેમાં ફરક પડશે એવું છાતી
ઠોકીને કહી શકાય તેમ નથી કેમ કે કોચિંગ ક્લાસના દૂષણ માટે ક્લાસની સાથે સાથે સામાન્ય લોકો અને ખાસ તો મધ્યમ વર્ગ એટલો જ જવાબદાર છે, કેમ કે કોચિંગ ક્લાસનો ધીકતો ધંધો મધ્યમ વર્ગનાં છોકરાં પર જ ચાલે છે.

કોચિંગ ક્લાસમાં પણ સૌથી મોટું દૂષણ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (ઉંઊઊ) અને મેડિકલમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (ગઊઊઝ)ની તૈયારીના કોચિંગ ક્લાસનું છે. લાકડાતોડ ફીથી માંડીને તણાવના કારણે વિદ્યાર્થીઓના આપઘાત સુધીની સમસ્યાઓ મોટા ભાગે ‘નીટ’ અને ‘જેઈઈ’ મેઈનની તૈયારી કરતાખ ક્લાસ સાથે વધારે જોડાયેલી છે. વિદ્યાર્થીના આપઘાતના ૯૦ ટકા કિસ્સા આ બન્નેની તૈયારી કરતા ક્લાસમાં કોચિંગ લેતા વિદ્યાર્થીઓના હોય છે અને તેના માટે કોચિંગ ક્લાસ અને વાલીઓ બંને જવાબદાર છે.

મધ્યમ વર્ગને સંતાનો માટે મેડિકલ અને એન્જિનિયરિંગ બે જ શ્રેષ્ઠ કારકિર્દી લાગે છે. આ બંનેમાંથી કોઈ એક સેક્ટરમાં કારકિર્દી બને તો જ વ્યક્તિ સફળ ગણાય એવી માનસિકતા મોટા ભાગનાં મધ્યમ વર્ગીય પરિવારો ધરાવે છે. ‘આઈઆઈટી’ અને ‘એનઆઈટી’ જેવી એન્જિનિયરિંગની પ્રતિષ્ઠિત સંસ્થાઓ કે ‘એઈમ્સ’ જેવી મેડિકલની મોટી કોલેજમાં એડમિશન માટે ‘જેઈઈ’ અને ‘નીટ’ -માં સારો સ્કોર કરવો પડે. આ કારણે વાલીઓ સંતાનોને સતત દોડાવ્યા કરે છે ને કોચિંગ ક્લાસના શિક્ષકો પણ સ્ટુડન્ટના સારા દેખાવ માટે ચાબૂક લઈને પાછળ લાગેલા જ હોય છે.
મધ્યમ વર્ગના વાલી સંતાનોને સારું શિક્ષણ આપવા તનતોડ મહેનત કરે છે. ગજા બહારનો ખર્ચ કરીને સારી સ્કૂલમાં ભણાવવા, સારાં ટ્યુશન અપાવવામાં પાછી પાની કરતાં નથી. સંતાનો સારું ભણે તો સારી નોકરી કે કામ કરે ને સારું ભવિષ્ય થાય એ શુભ ઉદ્દેશથી મધ્યમ વર્ગ મહેનત કરે છે, પણ તેની સાથે એમની આ મોટી મોટી અપેક્ષાઓ જોડાઈ જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે.
આ મોટી અપેક્ષાઓના કારણે વિદ્યાર્થીઓ પર વાલીઓનું સારો સ્કોર લાવવા સતત દબાણ હોય છે. સંતાન સારો સ્કોર નહીં લાવે તો સમાજમાં હાંસીપાત્ર બનીશું તેનો ડર વાલીઓને હોય છે તેથી પણ સતત દબાણ કરે છે.

કોચિંગ ક્લાસના સંચાલકોને પણ પોતાને ત્યાં ભણનારા વિદ્યાર્થી હોશિયાર હોય છે એ સાબિત કરવામાં રસ હોય છે કેમ કે એ સાબિત થાય તો ધંધો વધે. પછીનાં વરસોમાં વધારે વિદ્યાર્થીઓ આવે તેથી એ લોકો પણ વિદ્યાર્થીઓને સતત તણાવમાં રાખે છે.

આ ડબલ પ્રેશર -દબાણ વચ્ચે ભણતા વિદ્યાર્થીઓ સ્ટ્રેસનો શિકાર બને છે. પોતાનો સારો સ્કોર નહીં આવે તો શું થશે તેની ચિંતામાં વિદ્યાર્થીઓ તૂટવા માંડે છે. સારો સ્કોર નહીં આવે તો માતા-પિતા નારાજ થશે ને બધું વેરવિખેર થઈ જશે એ ડરે વિદ્યાર્થી ડિપ્રેશન-હતાશામાં સરી જાય છે કે પછી એ હતાશાની પરાકાષ્ઠારૂપે એ આપઘાત કરીને જીવન ટૂંકાવી લે છે.
આ સમસ્યા ગંભીર છે ને એ સમસ્યાનો ઉકેલ વાલીઓ પોતે છે, પણ કમનસીબે મોટા ભાગના વાલીઓ સમજદારી નથી બતાવતા. પોતાનું સંતાન ગુમાવે ત્યારે એમને ભાન આવે છે પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આવું મોડું થાય એ પહેલાં વાલીઓ સમજદાર બને એ જરૂરી છે. મેડિકલ અને એન્જિનિયરિંગ જ દુનિયા નથી ને એ નથી એટલે કંઈ દુનિયાનો અંત નથી. ‘આઈઆઈટી-એનઆઈટી’માં કે ‘એઈમ્સ’માં એડમિશન મળે તો જ તમારું સંતાન હોશિયાર છે કે એની કારકિર્દી સફળ ગણાય એવું નથી. બધા વિદ્યાર્થી આવી ટેસ્ટમાં સારો સ્કોર લાવી શકતા નથી કે પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન મળતું નથી, છતાં એ સારી જિંદગી જીવે છે.

નીટ-જેઈઈમાં સારો સ્કોર લાવીને આઈઆઈટી-એનઆઈટીમાં કે એઈમ્સમાં એડમિશન મેળવનારા પણ જિંદગીની બાજી હારીને આપઘાત કરી લે છે એવું બને.

અમેરિકામાં આ મહિનાની શરૂઆતમાં જ આપઘાત કરનારા રાકેશ કમલ અને એમનાં પત્ની ટીના કમલનો દાખલો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાકેશ આઈઆઈટીમાં ભણેલા ને પછી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, બોસ્ટન યુનિવર્સિટી, એમઆઈટી સ્લોઅન સ્કૂલ મેનેજમેન્ટ જેવી ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ભણેલા. ટીના તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલાં, પણ જિંદગીમાં થોડીક નિષ્ફળતા આવી તેમાં તો હારીને આપઘાત કરી લીધો. રાકેશ અને ટીનાએ પોતાની જિંદગીનો અંત લાવ્યો હોત તો સમજ્યા, પણ પોતાની ૧૮ વર્ષની દીકરી એરિયાનાની તો હજુ આખી જિંદગી બાકી હતી એ એમણે છિનવી લીધી…
મધ્યમ વર્ગે આ માનસિકતા કેળવવી જરૂરી છે કે શિક્ષણ જરૂરી છે પણ ડિગ્રીઓ જ સર્વસ્વ નથી, સારા માર્ક્સ જ સર્વસ્વ નથી. સર્વસ્વ કંઈ હોય તો ય એ તમારાં સંતાન છે તેથી પોતાના સંતાનને સતત હૂંફ આપવી પડે, એમને સાચવવાં પડે. એ લોકો પ્રયત્ન કરતાં કરતાં પછડાય તો પણ એમની પીઠ થાબડીને તેમને પડખામાં લેવાં પડે.

સરકાર તો લોકોના આક્રોશને ઠંડો પાડવા માટે કાયદા કે નિયમો બનાવી દેશે પણ જ્યાં સુધી કોચિંગ કલાસોના આડી રીતે ચાલતો કરોડોના ધીકતા ધંધા પર અંકુશ નહીં આવે – વિદ્યાર્થીઓ પરનું દબાણ નહીં ઘટે ત્યા સુધી કોઈ કાયદો કામ નહીં કરે- કોઈ નિયમ કામ નહીં કરે. ગાઈડલાઈન્સ બધી કાગળ પર રહેશે ને આપણાં બાળકો આપઘાત કરતાં રહેશે…આ વિષચક્રમાં કોચિંગ ક્લાસ પણ ધમધમતા રહેશે કેમ કે વાલીઓમાં સમજદારી અને સંવેદનશીલતા નહીં હોય…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey