ઉત્સવ

આફતમાંથીય અવસર શોધી શકાય…

બ્રેઈનલિપિના અંધ શોધક લુઈ બ્રેઈલની અજવાળા પાથરતી પ્રેરક્-કથા.

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

જાન્યુઆરી ૪ -૧૮૦૯ના દિવસે પેરિસથી ૨૦ માઈલના અંતરે આવેલા કૂપવે નામના નાનકડા શહેરમાં જન્મેલા લુઈ બ્રેઈલ ચાર ભાઈ-બહેનમાં સૌથી નાના. લુઈના પિતા આર્થિક રીતે સધ્ધર હતા. તેમની પાસે ત્રણ હેકટરથી વધુ વિશાળ જગ્યા હતી અને તેમના શહેરથી થોડે દૂર તેમનું વાઈનયાર્ડ પણ હતું. તેમના પિતા હાર્નેસ (ઘોડાને ઘોડાગાડી સાથે જોતરવા માટે ઉપયોગમાં લેવાતા ચામડાના પટ્ટા) બનાવતા હતા.

લુઈ ચાલતા શીખ્યા ત્યારથી તેમનો મોટાભાગનો સમય પિતાના વર્કશોપમાં રમવામાં વીતતો હતો. ત્રણ વર્ષની ઉંમરે પિતાના વર્કશોપમાં ઓજારો સાથે રમતાંરમતાં ચામડાના એક પટ્ટામાં કાણું પાડવાની કોશિશ કરી રહ્યા હતા એ વખતે તેમની આંખમાં ગંભીર ઈજા પહોંચી અને તેઓ અંધ બની ગયા! પિતાએ તેમને શક્ય એટલી તમામ સારવાર અપાવવાની કોશિશ કરી. તેમણે ઘણા તબીબોની મદદ લીધી, પરંતુ એ તેમની આંખો બચાવી ન શક્યા.

સ્વાભાવિક રીતે લુઈ ગૂંગળામણ અનુભવવા લાગ્યા. ઈજા તો એક જ આંખમાં થઈ હતી, પરંતુ સિમ્પેથેટિક ઓપ્થેલમિયાને કારણે તેમની બીજી આંખની દૃષ્ટિ પણ જતી રહી અને પાંચ વર્ષ સુધીમાં તો એ સંપૂર્ણપણે અંધ થઈ ગયા હતા. બહુ નાની ઉંમરને કારણે શરૂઆતમાં તો તેમને સમજાયું નહીં કે પોતે અંધ થઈ ચૂક્યા છે એટલે તેઓ સતત માતા-પિતાને અને ભાઈ-બહેનોને પૂછતા રહેતા હતા કે મારી આંખો સામે હંમેશાં અંધારું જ કેમ રહે છે?

માતા-પિતાએ લુઈનો ઉછેર શક્ય એટલો સામાન્ય રીતે થાય એ માટે કોશિશ કરી. પિતાએ તેમને લાકડીની મદદથી રસ્તા પર ચાલવાનું શીખવ્યું. બ્રેઈલ બાળપણથી જ તેજસ્વી પ્રતિભા ધરાવતા હતા અને તેમનામાં સર્જનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરી હતી એને કારણે તેમના શિક્ષકો અને તેમના શહેરના ચર્ચના પાદરીઓ તેમનાથી પ્રભાવિત થતા હતા.

લુઈ હોંશિયાર વિદ્યાર્થી હતા. તેમણે શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે સાંભળી સાંભળીને એ ભણવા લાગ્યા. અંધ થઈ ગયા હોવા છતાં તેઓ શાળામાં પ્રથમ નંબરે આવતા હતા. એ પછી ‘રોયલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બ્લાઇન્ડ યૂથ’ સંસ્થાની શિષ્યવૃત્તિ મેળવીને વધુ અભ્યાસ કરવા મારે પેરિસ ગયા. પેરિસમાં અભ્યાસ કરતા હતા એ સમયમાં ફ્રેન્ચ લશ્કરના એક અધિકારી કેપ્ટન ચાલ્સ બાર્બર સૈનિકોને કોઈ લખાણ અંધારામાં કેવી રીતે જાણવું એની તાલીમ આપવા માટે આવ્યા હતા. બાર વર્ષની ઉંમરે એ પદ્ધતિનો અભ્યાસ કરીને લુઈએ ત્રણ વર્ષ પછી પંદર વર્ષની ઉંમરે નવી પદ્ધતિ વિકસાવી. ૧૮૨૯ના વર્ષમાં લુઈએ મેથડ ઓફ રાઈટિંગ વર્ડસ મ્યુઝિક એન્ડ પ્લાન સોંગ બાય મિન્સ ઓફ ડોટ (એટલે કે ટપકાંની સહાયથી શબ્દ સંગીત અને ગીત લખવાની પદ્ધતિ) પુસ્તક પ્રકાશિત કર્યું.

લુઈ બ્રેઈલે શોધેલી એ પદ્ધતિ સમય જતાં બ્રેઈલલિપિ તરીકે ખ્યાતિ પામી. લુઈએ છ ટપકાંને આધારે એ પદ્ધતિ નિર્માણ કરી હતી. એમાં કયાં ટપકાં ઊંચાં અને કયાં સપાટ એ વિચારીને તેમણે એકએક અક્ષર ગોઠવ્યા. લુઈએ જુદા-જુદા ચોસઠ અક્ષર સંકેતનું નિર્માણ કર્યું. સંકેત ગણિત, કોમ્પ્યુટર કે શતરંજ માટે પણ બ્રેઈલલિપિનો ઉપયોગ કરી શકાય છે એનું શ્રેય લુઈ બ્રેઈલને જાય છે. એની પાછળ બ્રેઈલના ચોસઠ અક્ષર સંકેત એની ક્રમવારી અને ચિહ્નો છે.

બ્રેઈલલિપિના આધારે અંધજનો માટે પુસ્તકોનું મુદ્રિત વિશ્ર્વ ખૂલી ગયું એનું શ્રેય પણ લુઈ બ્રેઈલને જાય છે.

નાનપણમાં ઓર્ગન વગાડતા અંધોનું સ્પર્શજ્ઞાન તીવ્ર હોવાનું લુઈને સમજાયું હતું. તેમણે કહ્યું હતું કે અંધ વ્યક્તિ સ્પર્શ જ્ઞાન દ્વારા ઊંચા નીચા ભાગના સૂક્ષ્મ ફરકને ઓળખી શકે છે. એનો ચોક્કસ ઉપયોગ કરવા માટે તેમણે છ ટપકાંનો આધાર લઈને બ્રેઈલલિપિ શોધી કાઢી. લુઈ બ્રેઈલ જે અંધશાળાના વિદ્યાર્થી હતા એ જ શાળામાં તેમને શિક્ષક તરીકે નોકરી મળી.

ફ્રાન્સના એક હેડ માસ્ટરે બ્રેઈલની એ પદ્ધતિનો પ્રથમ ઉપયોગ પોતાના અંધ વિદ્યાર્થીઓને લખતા-વાંચતા કરવા માટે તેમ જ કળા શીખવવા માટે કર્યો હતો. એ પધ્ધતિની ઉપયોગિતા અસરકારક સાબિત થઈ અને એનું પરિણામ ખૂબ સારું આવ્યું. અને એને કારણે બ્રેઈલલિપિનો પ્રસાર થયો.

જો કે આજે દુનિયાભરમાં બ્રેઈલલિપિ પ્રચલિત થઈ ચૂકી છે એ લુઈ બ્રેઈલ જોઈ શક્યા નહોતા. માત્ર ૪૩ વર્ષની નાની ઉંમરે એમનું મૃત્યુ થઈ ગયું હતું.

લુઈના મૃત્યુ પછી દુનિયાના કેટલાક દૂરંદેશી આગેવાનોએ તેમની બ્રેઈલ પદ્ધતિનો વિકાસ કરવાનો નિર્ણય લીધો. ૧૮૬૮ વર્ષમાં ડૉકટર થોમસ અરમીજના નેતૃત્વ હેઠળ એક સંસ્થાની સ્થાપના થઈ. એ સંગઠને દુનિયાભરમાં અંધોના સાહિત્યનો પ્રસાર કર્યો (એ નાનકડી સંસ્થા વર્ષો પછી રોયલ નેશનલ ઈન્સ્ટિટયૂુટશન ફોર ધ બ્લાઈન્ડ્સ’માં પરિવર્તિત થઈ). ૧૯૯૦ પછી તો દુનિયાભરમાં લગભગ તમામ જાણીતી ભાષાઓમાં બ્રેઈલલિપિનો ઉપયોગ શરૂ થઈ ગયો.

બ્રેઈલ હયાત હતા એ દરમિયાન તેમની ખૂબ પ્રશંસા થઈ અને તેમને ખૂબ માન- સમ્માન મળ્યાં. તેમના વિદ્યાર્થીઓ પણ તેમનો ખૂબ આદરને સાથે પ્રેમ કરતા હતા, પરંતુ તેમની હયાતીમાં તેઓ જ્યાં પ્રોફેસર હતા એ ઈન્સ્ટિટ્યૂટમાં તેમની રાઈટિંગ સિસ્ટમ શીખવવાની શરૂઆત નહોતી થઈ. આશ્ર્ચર્યજનક અને આઘાતજનક વાત એ છે કે તેમના સમકાલીન શિક્ષકો તેમની શોધની કદર કરતા નહોતા. ઊલટું તેમની પ્રતિભાને અવગણતા હતા અને તેમની શોધનો ઉપયોગ કરવાનું તેઓ ટાળતા હતા. લુઈ જે સ્કૂલમાં ભણાવતા હતા એ સ્કૂલના હેડમાસ્ટર ડૉકટર એલેક ઝાંડર રેનેને હેડમાસ્ટર તરીકે એટલા માટે બરતરફ કરી દેવાયા હતા કે તેમણે ઈતિહાસના એક પુસ્તકનો બ્રેઈલલિપિમાં અનુવાદ કર્યો હતો!

બ્રેઈલ જીવનભર શારીરિક તકલીફોથી પીડાતા રહ્યા. જો કે શારીરિક તકલીફોને અવગણીને તેઓ જીવનભર પ્રજ્ઞાચક્ષુ લોકોનું જીવન સરળ બને એ દિશામાં પ્રવૃત્ત રહ્યા.

બ્રેઇલ જાન્યુઆરી ૬, ૧૮૫૨ના દિવસે મૃત્યુ પામ્યા, પણ દુનિયાભરના પ્રજ્ઞાચક્ષુ લોકોને પોતાની શોધ થકી સુખનો એ પાસવર્ડ આપી ગયા કે માણસ પર આફત આવી પડે ત્યારે એમાંથી અવસર શોધીને પણ તે કશુંક નવું કરી શકે છે એનો તાદૃશ્ય પુરાવો લૂઈ બ્રેઇલનું જીવન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic… Know the strength of the longest sixers of IPL-2024 Bollywood’s Powerhouse Moms: Actresses Who Shined On-Screen While Pregnant “How to Tell if a Watermelon is Ripe: Simple Tips for Sweetness and Color”