મુંબઈ-અમદાવાદ હાઈવે પર મુસાફરી કરવાના છો? પહેલાં આ વાંચી લો નહીંતર પસ્તાવવાનો વારો આવશે…

મુંબઈઃ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સહિતની અન્ય સમસ્યાઓ સમય જતાં ઉકેલાવાના બદલે દિવસે-દિવસે વણસતી જ જઈ રહી છે. રૂપિયા 621 કરોડ રૂપિયાના જંગી ખર્ચે બનાવવામાં આવેલાં આ હાઈવે પર જ્યાં જુઓ ત્યાં બસ ખાડાઓ જોવા મળી રહ્યા છે અને એને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈ અને ગુજરાતને જોડતાં ખૂબ જ મહત્ત્વના અને વ્યસ્ત એવા મુંબઈ-અમદાવાદ હાઈવેની હાલત અત્યારે દયનીય બની ગઈ છે. એમાં પણ ખાસ કરીને ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે, ત્યારે બીજી તરફ રોડના ખરાબ કામ અને અધૂરા પડેલાં પ્રોજેક્ટને કારણે મુસાફરીને જોખમી બનાવી દીધી છે. આ હાઈવે પર રાતના સમયે 12થી 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ બે વર્ષ પહેલા ગુજરાત બોર્ડરથી કાશીમીરા સુધી હાઈવે પર ‘વ્હાઈટ ટોપિંગ’ (સીમેન્ટનું પડ ચઢાવવું) કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 621 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. જોકે, કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની ઉદાસીનતાને કારણે કામ અત્યંત હલકી કક્ષાનું થયું છે. પરિણામે, નવો બનેલો રોડ પણ ઉખડવા લાગ્યો છે અને ઠેર-ઠેર ખાડાઓ જોવા મળી રહી છે.
હાલમાં વર્સોવા ખાડી પર આવેલા જૂના બ્રિજના કંક્રીટીકરણનું કામ ચાલી રહ્યું છે. રજાઓના સમયે જ્યારે હાઈવે પર કામ બંધ રાખવાના નિર્દેશો હોય છે, ત્યારે જ આ કામગિરી શરૂ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા વકરી છે. છેલ્લાં ચાર દિવસથી રાતના સમયે હાઈવે પર 12થી 20 કિમી લાંબો જામ જોવા મળી રહ્યો છે. જેને કારણે પ્રવાસીઓને કલાકો સુધી રસ્તામાં અટવાઈ રહેવું પડે છે. આ જામની અસર ઈમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સ પર પણ જોવા મળી રહી છે.
તંત્રની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલો
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ અને પ્રવાસીઓને થતી હાલાકીનો ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા કેટલીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ એમાં પણ દિરંગાઈ થતી જોવા મળી રહી છે. જેને કારણે તંત્રની કામગિરી સામે જ નાગરિકો સવાલ ઉપસ્થિત કરી રહ્યા છે.
⦁ વોર્ડન્સની ગેરહાજરી:
NHAIના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે હાઈવે પર 20થી 25 વોર્ડન તહેનાત કરવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં રાતના સમયે એક પણ વોર્ડન જોવા મળતો નથી.
⦁ પોલીસની તહેનાતી:
ટ્રાફિક વિભાગના ડીસીપી અશોક વીરકરના જણાવ્યા મુજબ 50 જેટલા ટ્રાફિક પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ભારે વાહનોને ખાનીવડે ટોલ પ્લાઝા પાસે રોકવામાં આવી રહ્યા છે, તેમ છતાં જામ હળવો થઈ રહ્યો નથી.
⦁ અધૂરા પ્રોજેક્ટ પણ છે માથાનો દુઃખાવો
અગાઉ ટ્રાફિક સુધારવા માટે અલગ ઝોન બનાવવામાં આવ્યા હતા, જે દિવસે થોડી રાહત આપે છે પરંતુ રાત્રે સ્થિતિ બેકાબૂ બની જાય છે.
પ્રવાસીઓ રાખે આ વાતનું ખાસ ધ્યાન
રજાઓની મોસમમાં જો તમે ગુજરાતથી મુંબઈ કે મુંબઈથી ગુજરાત તરફ જવાનું વિચારી રહ્યા હોવ, તો હાઈવે પરની વર્તમાન સ્થિતિ જાણીને જ નીકળવું હિતાવહ છે. આ સિવાય નાગરિકોએ રાતના સમયે પ્રવાસ કરવાને બદલે દિવસના સમયે પ્રવાસ કરવો વધુ સુરક્ષિત અને ઝડપી બની શકે છે.



