તમે પણ કલાકો મોબાઈલ પર પસાર કરો છો? ક્યાંક તમે પણ તો નથી ભોગ બની રહ્યા…

આજકાલ લોકો મોટાભાગનો સમય મોબાઈલ ફોન પર કલાકો સુધી રીલ્સ જોવામાં સમય પસાર કરે છે. આ સિવાય મોટાભાગના લોકોને ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન ગેમિંગ વગેરે જેવી આદત પણ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી આ આદત જ તમારા માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. તમારી આ એક આદત તમને બીમાર કરી રહી છે. આ લોકોને માથાનો દુઃખાવો, અનિંદ્રા અને ચિડચિડિયાપણું જેવી સમસ્યા પણ સતાવી રહે છે. ચાલો જોઈએ એક્સપર્ટ્સ શું કહે છે આ વિશે…
25 વર્ષીય એક યુવક એક્સપર્ટ પાસે તાણની સમસ્યા લઈને પહોંચ્યો હતો. બે વખતની કાઉન્સેલિંગ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે ઓનલાઈન ગેમિંગની લતને કારણે તેણે દોઢ લાખ રૂપિયા ગુમાવી દીધા અને તે હાલમાં સ્ટ્રેસમાં છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
બીજા કેસની વાત કરીએ તો 40 વર્ષીય એક મહિલા માથાનો દુઃખાવો, ઊંઘ અને ભૂખ ન લાગવાની સમસ્યા લઈને ડોક્ટર પાસે પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મહિલા દરરોજ કલાકો મોબાઈલ પર રીલ્સ જોતી હતી અને એને કારણે કે તે પોતાના બે વર્ષના બાળક પર પણ ખાસ ધ્યાન આપતી નહોતી. ઘણી વખત ખાવાનું બગડી ગયું કે બળી ગયું હતું.
સમસ્યા વકરી રહી છે દિવસે દિવસે
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર મોબાઈલ આજના સમયની સૌથી મોટી મુસીબત બની રહ્યું છે. દરરોજ ઓપીડીમાં આવનારા દર્દીઓની સંખ્યા 100ની ઉપર જઈ રહી છે. 15થી 20 લોકો નેટ એડિક્શનનો શિકાર બની રહ્યા છે, એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં રીલ્સ જોવાની સમસ્યા વધી ગઈ છે. મહિલાઓ સોશિયલ મીડિયા પર લાઈક્સ, કમેન્ટના ચક્કરમાં વધારે સમય મોબાઈલ પર પસાર કરે છે, જેને કારણે તેમને સ્પોર્ટ્સ, યોગા, કસરત અને પુસ્તકો વાંચવા જેવી સલાહ આપવામાં આવી રહી છે.
નિષ્ણાતો શું કહે છે…
મુંબઈના એક જાણીતા સાઈકોલોજિસ્ટે આ સમસ્યામાંથી કઈ રીતે બહાર આવી શકાય એ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે આજકાલની ડિજિટલ દુનિયામાં આપણે ડિજીટલી તો એકબીજા સાથે કનેક્ટેડ છીએ. સોશિયલ મીડિયા પર આપણા હજારો ફ્રેન્ડ્સ છે, પણ રિયલ લાઈફમાં આપણે એકલા છીએ. લાઈક, કમેન્ટ્સ, સ્ટોરી અને પોસ્ટમાં આપણે સંતોષ અને આનંદ શોધી રહ્યા છીએ. જેને કારણે તાણ, ટેન્શન, ડિપ્રેશન જેવી સમસ્યા વધતી જઈ રહી છે.
મોબાઈલની લતથી મેળવો છૂટકારો
વાત કરીએ કઈ રીતે આ સમસ્યામાંથી કઈ રીતે બહાર આવી શકાય એની તો આ માટે શક્ય એટલો સમય સ્ક્રીનથી દૂર પરિવાર અને મિત્રો સાથે પસાર કરો. ડિજિટલ સ્ક્રીનથી દૂર સંબંધો અને જીવનને પણ એક ચાન્સ આપવાનું રાખો. બહાર ફરવા જાવ, પુસ્તક વાંચો, મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું શીખવા જેવી અલગ અલગ એક્ટિવિટીમાં સમય પસાર કરો.
આ પણ વાંચો…મોબાઈલ નંબર હંમેશા 10 આંકડાનો જ કેમ હોય છે? જાણો આ નિર્ણય પાછળનું ગણિત અને વસ્તીનું કનેક્શન!



