આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા સંગ્રામ: જાણો મુંબઈ દક્ષિણ લોકસભા સીટની સ્થિતિ

1952થી કૉંગ્રેસનો ગઢ, હવે અસ્તિત્વની લડાઈ

લોકસભાની ચૂંટણીમાં દેશની સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક દક્ષિણ મુંબઈમાં આ વખતે અસ્તિત્વની લડાઈ છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં આ સીટ 10 વખત જીતી છે. આ મતદારસંઘમાં ઝવેરી બજાર, શેરબજાર, મંત્રાલય અને અન્ય ઘણી મહત્વપૂર્ણ સંસ્થાઓ છે, પરંતુ 2014થી મોદી લહેરમાં કૉંગ્રેસ ગઢ સાચવી રાખવામાં નિષ્ફળ ગઈ હતી અને શિવસેના (હવે ઉદ્ધવ જૂથ)ના અરવિંદ સાવંત અહીંથી સાંસદ છે. હવે મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે અને આ વખતે દક્ષિણ મુંબઈ બેઠક પર અન્ય પરિબળો કરતાં અસ્તિત્વની લડાઈ વધુ જોવા મળી રહી છે. મુંબઈથી વ્યાપારી સંસ્થાનો ગુજરાત તરફ જશે તેવી સતત ભીતિ સર્જાઈ રહી છે. જો આમ થશે તો દક્ષિણ મુંબઈને સૌથી વધુ અસર થશે. જો કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં અહીંથી ઝડપી સ્થળાંતર ચાલુ છે, પરંતુ આ કોરોના પછી બદલાયેલા સંજોગોને કારણે હોવાનું માનવામાં આવે છે.

દક્ષિણ મુંબઈ બેઠકનો ઈતિહાસ
આ બેઠક પર 1952થી કોંગ્રેસનું વર્ચસ્વ છે. લોકસભા ચૂંટણીની શરૂઆતથી સદાશિવ કનોજી પાટીલ (એસ. કે. પાટીલ), જેઓ સ્વતંત્રતા સેનાની પણ હતા અને મુંબઈના ‘તાજ વગરના રાજા’નું બિરુદ ધરાવતા હતા, તેઓ સતત ત્રણ વખત કોંગ્રેસમાંથી જીત્યા છે. 1967ની ચૂંટણીમાં પાટીલને યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીના જ્યોર્જ ફર્નાન્ડિસે હરાવ્યા હતા. આ એક મોટા અપસેટને બાજુ પર રાખી દેવામાં આવે તો સામાન્ય રીતે અહીં લડાઈ હંમેશા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહી છે. કોંગ્રેસે આ સીટ 10 વખત જીતી છે, જેમાં મુરલી દેવરા ચાર વખત અને મિલિંદ દેવરા બે વખત જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીના જયવંતી બેન મહેતા પણ આ બેઠક પરથી સતત બે વખત જીત્યા હતા.

હવે સમીકરણો કેવી રીતે બદલાયા છે?
વર્તમાન સાંસદ સાવંત એનડીએમાંથી ચૂંટણી જીત્યા હતા, હવે તેમની શિવસેના (યુબીટી) સરકારનો ભાગ નથી. શિવસેના પણ વિભાજિત થઈ ગઈ છે. અત્યારે તેમની પાસે ધનુષ્ય-બાણ ચૂંટણી ચિન્હ પણ નથી. તેમણે કોંગ્રેસના મિલિંદ દેવરાને બે વખત હરાવ્યા હતા, પરંતુ મિલિંદ દેવરાએ હવે ધનુષ્ય-બાણ હાથમાં લીધું છે. મહારાષ્ટ્રમાં સત્તા મહા વિકાસ આઘાડીના હાથમાં હતી, પરંતુ એકનાથ શિંદે શિવસેનાના 40 વિધાનસભ્યો સાથે અલગ થઈ ગયા. ભાજપ સાથે સરકાર બનાવી અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમણે શિવસેના પર દાવો કર્યો અને વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપના રાહુલ નાર્વેકરે શિંદેની તરફેણમાં નિર્ણય આપ્યો. મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિરતા હાંસલ થાય તે પહેલા અજિત પવાર પણ એનસીપીથી અલગ થઈ ગયા અને એનસીપી પર દાવો કર્યો.

ઓળખની લડાઈ કેવી રીતે ઊભી થઈ?
અત્યાર સુધીમાં એનડીએએ મુંબઈની 6 લોકસભા સીટો પર એક ગુજરાતી અને એક મારવાડી ઉમેદવાર ઉતાર્યા છે. દક્ષિણ મુંબઈ પરંપરાગત રીતે ગુજરાતી-મારવાડી બહુમતી ધરાવતી બેઠક છે. અત્યાર સુધી આ સીટ પર મારવાડી ઉમેદવાર 6 વખત અને ગુજરાતી ઉમેદવાર 3 વખત જીતી ચુક્યા છે. આ વખતે સાવંતની સામે કોઈ ગુજરાતી કે મારવાડી ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે તો મુંબઈમાં ગુજરાતી-મારવાડી સમાજના અસ્તિત્વની લડાઈ બની રહેશે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના મરાઠીવાદની વચ્ચે મુંબઈમાં સ્થાન ગુમાવી રહેલા ગુજરાતી-મારવાડીઓ માટે આ બેઠક પોતાની શક્તિનો પરિચય આપવા માટે આવશ્યક છે. તો મરાઠી મતદારો પણ આને અસ્તિત્વની લડાઈ બનાવીને મુંબઈમાંથી ગુજરાતી-મારવાડી નેતૃત્વનો ખાતમો કરવા પ્રયત્નશીલ છે.

ALSO READ : મહેબૂબા મુફતી અનંતનાગથી લડશે, ગુલામ નબી આઝાદ સાથે સીધો સામનો

જીતની ફોર્મ્યુલા ઘડાઈ રહી છે
વર્તમાન સાંસદ સાવંત હવે એનડીએનો હિસ્સો ન હોવાથી ભાજપે તેના પરંપરાગત મારવાડી-ગુજરાતી મતદારોનું સમર્થન પણ ગુમાવ્યું છે. સાવંતને હવે કોંગ્રેસનું સમર્થન છે, તેથી પરંપરાગત મુસ્લિમ મતદારો પણ તેમની સાથે રહેશે. એટલા માટે આજકાલ સાવંત ઈફ્તાર પાર્ટીઓમાં વધુ જોવા મળે છે. અમીન પટેલ અહીંની મુંબાદેવી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના વિધાનસભ્ય છે અને તેઓ ગુજરાતી હોવા છતાં બંને મોદી લહેરમાંં પોતાની મુસ્લિમ વોટબેંક જાળવીને બેઠક બચાવી રાખી છે. સાવંતને પણ આનો ફાયદો થઈ શકે છે. આ સાથે જ આ વિસ્તારના મારવાડી-ગુજરાતી મતદારો તેમના જ ગઢમાં અત્યાર સુધી ઉમેદવાર ન આપવામાં આવતાં નારાજ છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં આ મતદારોએ મરાઠી ઉમેદવારોને મત આપ્યો છે. આ લોકસભા બેઠકમાં 6 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ત્રણ મહાવિકાસ આઘાડી પાસે અને ત્રણ એનડીએ પાસે છે.

દક્ષિણ મુંબઈના મતદારો
કુલ મતદારો: 24,59,443
પુરુષ: 13,27,520
સ્ત્રી: 11,30,701
ટ્રાન્સજેન્ડર: 222
વૃદ્ધ મતદારો (85+): 55,753
યુવા મતદારો: 17,723 (17-19 વર્ષ)

મેદાન છે, પણ ખેલાડીઓ નથી
આ વખતે શિવસેના (ઉદ્ધવ જૂથ) દ્વારા સાવંતને ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેમને પડકારવા માટે હજુ સુધી મહાયુતિ દ્વારા કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. કયારેક ભાજપમાંથી તો કયારેક શિંદે સેના તરફથી ઉમેદવારો જાહેર કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે. અત્યાર સુધી ભાજપના રાહુલ નાર્વેકર અથવા મંગલ પ્રભાત લોઢા, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના બાળા નંદગાંવકર અને હવે શિંદે સેનાના યશવંત જાધવનું નામ સાવંત સામે લડવા માટે વિચારવામાં આવી રહ્યું છે. હજુ નિર્ણય લેવાયો નથી. આ વખતે સાવંત મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, એનસીપી (શરદચંદ્ર પવાર જૂથ) અને શિવસેના (ઉદ્ધવ જૂથ) તરફથી ઉમેદવાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?