ઈન્ટરવલ

લક્ષ્ય સિદ્ધ થાય તો જ જીવન અર્થપૂર્ણ બને

જીવન અર્થપૂર્ણ ન બને ત્યાં સુધી આપણાં મનમાં એક ખાલીપો છુપાયેલો હોય છે

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

મનુષ્ય ધરતી પર આવે છે તો એક લક્ષ્ય લઈને આવે છે.એક ઉદ્દેશ્ય લઈને આવે છે.પછી તે પૂરો કરે કે ના કરે પણ જન્મ લેતા પહેલાં એના જીવનનો લક્ષ્ય તથા ઉદ્દેશ્ય તો નક્કી જ હોય છે. જો જીવન ઉદ્દેશ્ય વગરનું રહી જાય તો વ્યક્તિત્વની અંદર એક એવો ખાલીપો- એક એવું ખોખલાપણું રહી જાય છે,જેને ત્રાસદાયક હોય છે. ધ્યાનથી જોવામાં આવે ને સહજ રીતે અનુમાન કરવામાં આવે તો બધાનો ઉદ્દેશ્ય જીવનમાં ઉદ્દેશ્યની શોધ જ છે.ભલે ક્ષેત્ર ધર્મનું હોય અથવા વિજ્ઞાનનું હોય,ભલે ક્ષેત્ર દર્શનનું હોય અથવા મનોવિજ્ઞાનનું હોય આ બધાનું દૂરગામી લક્ષ્ય જીવન કે તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાનું જ કહી શકાય.

અમેરિકાના એક વિશ્ર્વવિદ્યાલયમાં ૬૦ એવા વિદ્યાર્થીનું ઈન્ટરવ્યૂ મનોવૈજ્ઞાનિકોએ લીધું, જેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.સામાન્ય બાબતથી વિપરીત એમાંના ૯૩ ટકા વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા,કુશાગ્ર બુદ્ધિના હતા,સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતો ભાગ લેતા હતા, મિલનસાર સ્વભાવના હતા અને આત્મહત્યાનો પ્રયાસ કરતાં પહેલાં એમને કોઈ પણ માનસિક રોગ કે મનોવિકાર ન હતો.

એમને આત્મહત્યાનું કારણ પૂછ્યું ત્યારે ૮૫ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે મને મારું જીવન અર્થહીન તથા દિશાવિહીન લાગી રહ્યું હતું.આના પરથી સ્પષ્ટ થાય છે કે માણસ સુખસગવડનાં સાધનો મેળવવા કરતાંય જીવનના કોઈ ઉચ્ચ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે વધારે આતુર હોય છે.જો પોતાનું લક્ષ્ય સિદ્ધ થાય તો જ તેમને પોતાનું જીવન અર્થપૂર્ણ લાગે છે.

અમેરિકા જેવા દેશમાં સુખ- સગવડનાં અનેક સાધન છે.ત્યાં જો મોટા પ્રમાણમાં આવી ઘટના બનતી હોય તો તે વિચારણીય બાબત છે.એના પરથી આપણે બોધપાઠ લેવો જોઈએ કે જીવનને સફળ બનાવવા માટે કોઈ એક ઉદ્દેશ્ય નક્કી કરવો જોઈએ અને તે પૂર્ણ કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ.

આપણે એવું માનીએ છીએ કે જો આપણે બધા લોકોને સુખ – સગવડનાં પૂરતાં સાધન આપીએ અને એમની પાસે પૈસા હોય,સારું ઘર હોય,ગાડી હોય તો એમનું જીવન આનંદથી ભરપૂર બની જશે,પરંતુ ખરેખર એવું બનતું નથી.જીવનમાં સુખના બધાં સાધન મળી ગયા પછી માણસ એવું વિચારવા લાગે છે : મારા જીવનનો ઉદ્દશ્ય શો ?

માનવ જીવનમાં ઉદ્દેશ્ય વગર બધું નકામું છે.જરા વિચારીએ કે કોઈ સવારે આપણે કોઈપણ જાતના ઉદ્દેશ્ય વગર ઘરમાંથી નીકળી જઈએ તો દિવસભર આપણી શું હાલત થશે? આપણે અહીં તહીં ભટકીશું અને છેલ્લે જ્યારે આપણે ઘેર પાછા ફરીશું તો આપણને આપણી જાત ઉપર ગુસ્સો આવશે કે આજે આપણે આખો દિવસ બરબાદ કરી નાખ્યો.આવી રીતે જો આપણા જીવનમાં કોઈ ઉદ્દેશ્ય ન હોય તો જીવન સંધ્યા વખતે આપણે અનુભવ કરીશું કે આપણે આપણું આખું જીવન આમ ને આમ જ વેડફી નાખ્યું. દરેક દિવસની જેમ આપણાં જીવનનો ઉદ્દેશ્ય પણ ચોક્કસ હોવો જોઈએ.આપણા જીવનનો ઉદ્દેશ્ય જ આપણને બતાવશે કે કયું કામ આપણા માટે જરૂરી છે ને ક્યું એકવાર .ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ જવાથી આપણો સમય બચે છે.એટલું જ નહીં, નક્કી કરેલાં લક્ષ્ય સુધી પહોંચવું આપણા માટે ખૂબ સરળ બની જાય છે. સાધનસામગ્રી વધવાથી જીવનમાં શાંતિ આવી નથી .શાંતિ તો જીવનમાં કોઈ ઉદ્દેશ્યને સિદ્ધ કરવાથી આવે છે.પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક આલ્બર્ટ કામસે એકવાર કહ્યું હતું કે વાસ્તવમાં માણસ સામે એક જ પડકાર છે કે તે એક બાબતનું સાચું મૂલ્યાંકન કરી શકે કે આ જીવન શા માટે જીવવું જોઈએ ? આપણે પશુઓની જેમ સંવેગોથી પ્રભાવિત થઈને જીવન જીવતા નથી.પશુ -પક્ષીઓને જીવન જીવવા માટે ફક્ત સંવેગોની જરૂર હોય છે.ભૂખ લાગી તો ખાઈ લીધું, તરસ લાગી તો પાણી પી લીધું અને થાક લાગ્યો તો ઊંઘી ગયા.

બીજી તરફ, માણસ આનાથી ઉપરની કક્ષાનો વિચાર કરે છે કે શું ખાવું જોઈએ – કેમ ખાવું જોઈએ ને ક્યારે ખાવું જોઈએ ? એક સામાન્ય જૈવિક ક્રિયા માટે જો માણસ આટલું ચિંતન કરતો હોય તો સ્વાભાવિક છે કે બીજાં કાર્યો માટે,જીવનના ઉચ્ચ લક્ષ્ય માટે જ્યારે એના મનમાં તડપ જાગતી હશે ત્યારે તેની તીવ્રતા કેટલી હશે ?

આપણી પરંપરા તથા ધર્મધારણાઓ આપણી ઘણી બધી જિજ્ઞાસાનું સમાધાન કરવામાં મદદ કરતી હતી,પરંતુ જ્યારથી આપણી કુટુંબ પરંપરા અને સામાજિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ ત્યારથી આપણી જિજ્ઞાસાનું સમાધાન થવાનું લગભગ અશક્ય થઈ ગયું છે.

દરેક વ્યક્તિનાં જીવનમાં લક્ષ્ય અલગ અલગ હોય છે.કોઈને મોટા માણસ બનવું છે,તો કોઈનું લક્ષ્ય વિદેશ જવાનું છે.કોઈનું લક્ષ્ય ડોક્ટર બનવાનું છે,તો કોઈનું એન્જિનિયર.સૌને પોતપોતાના લક્ષ્ય છે. ખાટલે મોટી ખોડ એ છે કે મર્યા પછી જે ચીજ સાથે આવવાની છે તેનો સમાવેશ લક્ષ્યમાં કરવામાં જ આવતો નથી.આપણા માંહેના એવા કેટલા લોકો છે કે,જેનું લક્ષ્ય મા-બાપની સેવા કરવાનું હોય.ડોક્ટર બનીને લોકોની પીડા દૂર કરવાનું હોય.વકીલ બનીને ન્યાય અપાવવાનો હોય અથવા તો નેતા બનીને ફક્ત અને ફક્ત જનતાની સેવા કરવાનું હોય! મનુષ્યના દરેક લક્ષ્યની પાછળનો ઉદ્દેશ્ય હોય છે,માત્ર પૈસા.અને તે પૈસાનો ઉપયોગ પણ માત્ર ને માત્ર પોતાના અંગત ભલા માટે જ કરવાની વૃત્તિ હોય છે. જો લક્ષ્ય સિદ્ધ કર્યા પછી જ્યારે પણ આપણે ઈશ્ર્વર પાસે જવાનું થાય ત્યારે આપણને મુક્તિનો માર્ગ મળે એવું કોઈ આપણું લક્ષ્ય હોતું નથી.

આજના ભૌતિક યુગમાં મોટાભાગનાનું લક્ષ્ય ભલે પૈસા,ગાડી,બંગલા વગેરે હોય,આ ભૌતિક ચીજોથી આપણું જીવન થોડું સરળ જરૂર બની શકે છે,પરંતુ ફક્ત આ વસ્તુઓ મેળવવાથી જ કોઈ વ્યક્તિના જીવનનો ઉદ્દેશ્ય નથી બની જતો.આ બધી ભૌતિક ચીજવસ્તુઓ આપણને ખુશી જરૂર આપે છે, પરંતુ આ ખુશી વાસ્તવિક નથી હોતી. મતલબ કે પૈસાથી આપણે બંગલા ખરીદી શકીએ છીએ,પરંતુ ઊંઘ નહીં.મનગમતા ભોજન મેળવી શકીએ છીએ પરંતુ ભૂખ નહીં.

આવા સુખ આપણને ત્યારે જ મળે જ્યારે સ્વયં કમાઈને બીજાને ખવડાવવામાં જ આપણે રાજી થઈએ.આ આપણી માનવ સંસ્કૃતિ છે- સંસ્કાર છે.મનુષ્યએ જીવનભર આ સંસ્કૃતિ-સંસ્કારનું પાલન કરવું જોઈએ. અને માનવ જીવનનો ઉદ્દેશ્ય પણ આ જ હોવો જોઈએ.જે ચીજ પોતાની પાસે છે,તે બીજાને પણ આપીને મદદરૂપ થવું જોઈએ. આપણી જરૂરિયાતની વસ્તુથી વધારે વસ્તુનો સંગ્રહ કરવો, એ આપણી સંસ્કૃતિ નથી.પરંતુ વધારાની ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને વહેંચવી,એ આપણી સંસ્કૃતિ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure